You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું અમેરિકા અને બ્રિટનના નાગરિકોને કોઈ દેશના વિઝા લેવા ન પડે? ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી
"મજાની વાત એ છે કે અમેરિકન તથા બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા લોકોએ કોઈ પણ દેશમાં જવા માટે વિઝા લેવા પડતા નથી, પણ ભારત આવવા માટે વિઝા લેવા પડે છે. હવે જુઓ. આપણે ત્યાં અહીં-તહીંથી લોકો આવી રહ્યા છે. અહીં અમેરિકા તથા બ્રિટનથી આવેલા લોકોને પૂછવામાં આવે છે કે તમે શા માટે આવ્યા છો, શું કામ હતું?"
આ નિવેદન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના વડા રાજ ઠાકરેનું છે. તેમનો ઈશારો પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાંથી આવેલા ઘૂસણખોરો તરફ હતો.
રાજ ઠાકરેએ આ નિવેદન ગત ગુરુવારે મુંબઈના ગોરેગાંવમાં યોજાયેલા મનસેના અધિવેશનમાં આપ્યું હતું.
એ દિવસે સવારે મનસેનો નવો ધ્વજ પણ જાહેર કરવામાં આવ્યો હતો. મનસેના ધ્વજમાં અગાઉ વાદળી અને લીલો રંગ હતો. હવે એ બન્ને રંગનું સ્થાન ભગવા રંગે લઈ લીધું છે.
તે કારણે મહારાષ્ટ્રમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે રાજ ઠાકરે હવે હિંદુત્વ ભણી જઈ રહ્યા છે.
જોકે, આ સંબંધે સ્પષ્ટતા કરતાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ પહેલેથી જ હિંદુત્વની વાત કરે છે.
ગયા ગુરુવારના ભાષણમાં તેમણે નાગરિકતા કાયદા(સીએએ)નું પણ સમર્થન કર્યું હતું.
એ સંબંધે તેમણે ઘણા મુદ્દા રજૂ કર્યા હતા, પણ ભાષણમાં તેમણે કરેલી કેટલીક વાતો સામે સવાલ થઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને બ્રિટનના નાગરિકોએ દુનિયાના કોઈ પણ દેશમાં જવા માટે વિઝા લેવાની જરૂર નથી.
રાજ ઠાકરેના આ નિવેદનની ખરાઈ બીબીસીએ ચકાસણી કરી હતી.
હકીકત શી?
જે-તે દેશો વચ્ચેના સંબંધના આધારે વિઝા લેવાની પ્રક્રિયા તથા તેના પ્રકાર નક્કી થતા હોય છે.
તાજેતરના એક સર્વેક્ષણ અનુસાર, અમેરિકાના પાસપોર્ટની ગણતરી વિશ્વના ટોચના દસ દેશોમાં થાય છે.
અલબત, તેનો અર્થ એ નથી કે અમેરિકન પાસપોર્ટધારકે બીજા કોઈ દેશમાં જવું હોય તો તેને વિઝાની જરૂરી ન પડે.
હૅનલે પાસપોર્ટ ઈન્ડેક્સ સંસ્થાએ વિશ્વના દેશોના પાસપોર્ટનો સર્વે કર્યો હતો.
એ સર્વેક્ષણના તારણ અનુસાર, જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી છે અને જાપાને સૌથી વધુ દેશો સાથે 'વિઝા ફ્રી' પ્રવાસની વ્યવસ્થા કરી છે.
સર્વેક્ષણ અનુસાર ટોચના દસ શક્તિશાળી પાસપોર્ટ્સમાં જાપાનનો નંબર પહેલો છે. જાપાનના પાસપોર્ટધારકોને 191 દેશોમાં જવા માટે 'વિઝા ફ્રી' એટલે કે 'વિઝા ઑન અરાઈવલ'ની સુવિધા મળેલી છે.
આ સર્વેક્ષણમાં સિંગાપોર બીજા નંબરે છે અને સિંગાપોરના પાસપોર્ટધારકોને 190 દેશોમાં આ પ્રકારની સુવિધા મળે છે.
અમેરિકા અને બ્રિટનના પાસપોર્ટ આ સર્વેક્ષણમાં આઠમા નંબરે છે. આ દેશોના પાસપોર્ટધારકોને 184 દેશોમાં 'વિઝા ઑન અરાઇવલ'ની સુવિધા મળે છે.
જોકે, ભારત આવવા માટે અમેરિકન નાગરિકો પાસે વિઝા હોવા જરૂરી છે.
ભારત ઉપરાંત ચીન, ઈરાન, રશિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાંમાર, તુર્કી અને નાઈજીરિયા જવા માટે પણ અમેરિકન પાસપોર્ટધારકોએ વિઝા લેવા પડે છે.
આટલું જ નહીં, ભુતાન જવા માટે પણ અમેરિકન પાસપોર્ટધારકોએ વિઝા લેવા પડે છે.
એ ઉપરાંત જે અમેરિકન પાસપોર્ટ પર ઈઝરાયલનો સ્ટૅમ્પ લાગેલો હોય તેને સીરિયા જેવા અનેક દેશોમાં પ્રવેશ મળતો નથી. તેની માહિતી અમેરિકાના વિદેશમંત્રાલયની વેબસાઈટ પર આપવામાં આવી છે.
એવી જ રીતે બ્રિટનના પાસપોર્ટધારકોએ પણ ચીન તથા રશિયા જવા માટે વિઝા લેવા પડે છે. બ્રિટિશ પાસપોર્ટધારકોએ ભારત આવવા માટે પણ વિઝા લેવા પડે છે.
બીબીસીએ બ્રિટનની સરકારી વેબસાઈટ પર વિદેશપ્રવાસ સંબંધે તપાસ કરી હતી. એ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ચીન, તુર્કી, ઈજિપ્ત અને ઈરાન જેવા અનેક દેશોમાં જવા માટે વિઝા જરૂરી હોય છે.
એ વેબસાઈટ પરની માહિતી અનુસાર, બ્રિટિશ નાગરિકોએ તુર્કીમાં ક્રુઝ શિપ પર 72 કલાક સુધીના સમય ઉપરાંત તુર્કી જવા માટે પણ વિઝા લેવા પડે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો