કોરોના વાઇરસ : ચીનથી પરત ફરેલી ગુજરાતી વિદ્યાર્થિનીએ જણાવી આપવીતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારાં મમ્મીની તબિયત બગડી એટલે હું ચીનમાંથી પરત આવવા નીકળી અને મારો ભાઈ ઑસ્ટ્રેલિયાથી. જો હું બે દિવસ મોડી પડી હોત, તો મારા બીજા મિત્રોની જેમ જ હું પણ અત્યારે ચીનમાં ફસાયેલી હોત. મિત્રો સાથે રોજ વાત થાય છે. એમની પાસે પૂરતું ખાવાનું નથી અને હૉસ્ટેલમાં કેદીઓની માફક રહે છે."
ઉપરના શબ્દો છે ચીનમાં તીબીબી અભ્યાસ કરનારાં ઝીલ પટેલના. આણંદ નજીક આવેલા વિદ્યાનગરનાં ઝીલ ચીનમાં અભ્યાસ કરે છે અને હાલમાં વતન પરત આવી ગયાં છે.
ઝીલના પિતા પશુડૉક્ટર હતા અને થોડા સમય પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું.
ડૉક્ટર બનવા માગતાં ઝીલને નીટ (નેશનલ ઍલિજિબિલિટી કમ ઍન્ટ્રન્સ ટેસ્ટ)માં ઓછા માર્ક આવતા ગુજરાતમાં પ્રવેશ નહોતો મળ્યો. એટલે તેમણે ચીનમાં જઈને ડૉક્ટરીનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું.
ઝીલ જણાવે છે, "મારા પિતાની ઇચ્છા હતી કે અમારા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ ડૉક્ટર બને. મારા ભાઈને ડૉક્ટર બનવામાં કોઈ રસ નહોતો. એટલે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે તે ઑસ્ટ્રેલિયા ગયો."
"આ દરમિયાન મારા પિતાનું નિધન થયું. મારા પિતાની ઇચ્છા હતી એટલે હું ડૉક્ટર બનવા માગતી હતી. મેં નીટ માટે ખૂબ મહેનત કરી હતી, પણ પૂરતા માર્ક નહોતા આવ્યા. ડૉક્ટર બનવા માટે હું વિકલ્પો શોધી રહી હતી અને ચીનમાં મને મેડિકલના અભ્યાસમાં પ્રવેશ મળી શકે એમ હતો."
"અન્ય દેશોની સરખામણીમાં ચીનમાં ભણવું પણ સસ્તું હતું એટલે મારાં મમ્મીએ મને અભ્યાસ માટે ચીન જવા પરવાનગી આપી."
'સદનસીબે, હું ભારત આવી ગઈ'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"હાલમાં હું ચીન ખાતે એમબીબીએસમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહી છું. ચીનમાં શિયાળાની શરૂઆતમાં 11 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી વૅકેશન હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"વૅકેશનમાં હું ભારત નહોતી આવી રહી પણ મારાં મમ્મીની તબિયત અચાનક બગડી ગઈ અને ઑપરેશન કરાવવું પડે એવી સ્થિતિ સર્જાઈ. મારો ભાઈ પણ બે વર્ષથી ભારત આવ્યો નહોતો એટલે અમે ભાઈ-બહેને ભારત આવવાનું નક્કી કર્યું."
"મેં ભારત આવવાનું નક્કી કર્યું ત્યારે ચીનમાં કોરોના વાઇરસ ફેલાવાની શરૂઆત થઈ ગઈ હતી. અલબત્ત એ વખતે આટલી તીવ્રતાથી વાઇરસ નહોતો ફેલાઈ રહ્યો. અમને હૉસ્ટેલમાં ફરજિયાતપણે માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું હતું."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
"અમે માસ્ક પહેરીને જ રહેતાં હતાં. વાઇરસ ફેલાવાની શરૂઆત થઈ એટલે ત્યાં માર્ગો પર લોકોની અવરજવર ઘટી ગઈ. સાવચેતીના પગલારૂપે અમને હૉસ્ટેલમાંથી બહાર નીકળવાની મનાઈ હતી. જાહેર વાહનવ્યવહાર પણ ધીમેધીમે બંધ થવા લાગ્યો હતો. જોકે, સદનસીબે, વાઇરસ વધુ ફેલાય એ પહેલાં જ હું ભારત આવી ગઈ."
"ઍરપોર્ટ પહોંચવા માટે બહુ રાહ જોયા બાદ આખરે મને ટૅક્સી મળી. જેમતેમ કરીને હું ઍરપૉર્ટ પહોંચી."
"એ વખતે ચીનમાંથી લોકોને બહાર જવા પર પ્રતિબંધ મૂકાયો નહોતો. હું ફ્લાઇટમાં બેસી ગઈ એના બે કલાક બાદ શહેરના જાહેર વાહનવ્યવહાર બાદ હવાઈ અવરજવર પણ નિયંત્રિત કરી દેવાઈ. મારા મિત્રો પણ વૅકેશનમાં ભારત આવવાના હતા પણ તેઓ સસ્તી ટિકિટ મળે એની રાહ જોતા હતા અને એ દરમિયાન વાઇરસ તીવ્રતાથી ફેલાઈ ગયો."

ઇમેજ સ્રોત, Getty Images
ઝીલના જણાવ્યા અનુસારમાં 300 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અલગઅલગ દિવસે ભારત આવવાનું આયોજન કરી રહ્યા હતા, પણ સસ્તી ટિકિટની રાહ જોવામાં ચીનમાં ફસાઈ ગયા છે. ઝીલના કેટલાક મિત્રોએ ટિકિટ બૂક કરાવી લીધી હોવા છતાં તેઓ ભારત પરત ફરી શક્યા નથી.
ઝીલ કહે છે, "જો મારાં મમ્મીની તબિયત બગડી ન હોત, તો સસ્તી ટિકિટના ચક્કરમાં હું પણ બેસી રહી હોત અને વુહાનમાં જ ફસાઈ ગઈ હોત."

વુહાનમાં કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
વુહાનની વધુ વાત કરતાં ઝીલ જણાવે છે, "હું વુહાનમાં હતી ત્યારે માસ્ક પહેરવાથી માંડીન બીજા પણ કેટલાય 'પ્રિકોશનરી મૅજર્સ' લેવામાં આવી રહ્યા હતા. અમે નહોતા જાણતા કે કોરોના વાઇરસ આટલી જલદી અનિયંત્રિત સ્થિતિમાં ફેલાઈ જશે. આવો કોઈ અંદાજ હોત તો અમે બધા વહેલા ભારત આવી ગયા હોત."
"હું રોજ મારા મિત્રો સાથે વાત કરું છું. ત્યાંની સ્થિતિ નિયંત્રણની બહાર છે. જાહેર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. વિદ્યાર્થીઓને હૉસ્ટલેની બહાર નીકળવાની મનાઈ છે. હૉસ્ટેલમાં પણ ફરજિયાતપણે માસ્ક પહેરવા પડે છે. એટલે બધા લોકો ડરી ગયા છે.વધા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે."
"અલબત્ત, ત્યાં સૌને ખાવાનું મળે છે પણ પહેલાં જેવું નથી મળતું, જે ખોરાક ઉપલબ્ધ હોય એનાથી લોકો ચલાવી રહ્યા છે."
ઝીલ કહે છે કે ભારત પરત ફર્યા બાદ તેઓ કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યાં છે કે કેમ તેને લઈને તપાસ કરાઈ હતી. જોકે, રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો.

ઇમેજ સ્રોત, EPA
ઝીલ ઉમેરે છે, "ચીનમાં મારા મિત્રોને ડર છે કે સરકાર તેમને યોગ્ય માહિતી આપી રહી નથી. હૉસ્ટેલ બહાર કેવો માહોલ છે એની પણ એમને જાણ નથી. એટલે એમના ભયનું પ્રમાણ વધી ગયું છે. મારા મિત્રોનાં માતાપિતાના હું સપર્કમાં છું અને તેમને ચીનથી પરત લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વિનંતી કરતાં ઈ-મેલ લખવામાં મદદ કરી રહી છું."
આ દરમિયાનમાં ગુજરાતના આરોગ્યવિભાગે ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે.
આ અંગે વાતચીત કરતાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મેં ખુદ ચીનમાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે વિડિયો કૉલથી વાત કરી છે. અમે કેન્દ્ર સરકાર સાથે મળીને આ વિદ્યાર્થીઓને ઍરલિફ્ટ કરી ભારત પરત લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ."
"એટલું જ નહીં ગુજરાતમાં અમદાવાદ સહિત ચાર શહેરોમાં કોરોના વાઇરસની સારવાર માટે આઇસોલેશન વૉર્ડ અને તબીબોની અલગ ટીમો તૈયાર કરી છે. વિદ્યાર્થીઓને શક્ય એટલા ઝડપી ભારત લાવવા પ્રયાસો કરીશું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













