વધતી જતી બેકારી અને આર્થિક અસમાનતાથી ભારતમાં વિદ્રોહ વધશે?

બેકારીની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બેરોજગારી વિરોધપ્રદર્શન
    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે

આપણા દેશની અર્થવ્યવસ્થા સામે કિસાન, મજદૂર, મધ્યમવર્ગ, યુવાન વિગેરેને સીધા સ્પર્શતા અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે.

ખેડૂત ખેતીથી દૂર જઈ રહ્યો છે, ગ્રામ્ય અર્થવ્યવસ્થા મંદીમાં અને બેરોજગારીના વિષચક્રમાં ફસાઈ રહી છે, બજારમાં માંગનો અભાવ છે, લિક્વિડીટી ક્રન્ચ એટલે કે રોકડ મૂડીની તરલતા રહી નથી, ગૃહિણીને મોંઘવારીનો માર ખાસ કરીને સૌથી વધારે મોંઘવારી ખાધાખોરાકીની ચીજવસ્તુઓમાં વધવાને કારણે નડી રહ્યો છે, તો યુવાનો રોજગારી માટે ફાંફે ચડ્યા છે.

ભારતીય અર્થવ્યવસ્થા સામે એકસાથે આટલા બધા પડકારો ઘુરકિયાં કરી રહ્યા છે.

આ બધામાં ત્રણ મુદ્દા મારા મત પ્રમાણે સૌથી અગત્યના છે.

એમાં પહેલો છે કૃષિ અને ગ્રામ્ય બેરોજગારી, બીજો મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગની ગૃહિણીને કનડતો ખાધાખોરાકીની ચીજવસ્તુઓનો બે આંકડાનો મોંઘવારીદર અને ત્રીજો છે યુવા બેરોજગાર ખાસ કરીને શિક્ષિત બેરોજગારો માટે રોજગારીનો પ્રશ્ન.

ભારત વિશ્વનો સૌથી વધુ યુવાન વસ્તી ધરાવતો દેશ છે.

આ દેશની 70 ટકા વસ્તી 35 વરસથી નીચેના વયજૂથમાં છે.

આ સંજોગોમાં દેશની આર્થિક પ્રગતિ અને આબાદી માટે યુવા બેરોજગારીનો પ્રશ્ન એક વિકરાળ સમસ્યા છે એમ કહેવું જરાય અતિશયોક્તિ નથી.

line

અહેવાલનાં તારણો

નોકરીની શોધ

ઇમેજ સ્રોત, Getty Images

યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (ILO) દ્વારા તાજેતરમાં જ વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ ઍન્ડ સોશિયલ આઉટલૂક અંગેનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.

આ અહેવાલનાં તારણો વિશ્વમાં વધી રહેલી બેકારી તેમજ આર્થિક અસમાનતા તરફ અંગુલીનિર્દેશ કરી રહ્યા છે.

બેકારીની પરિસ્થિતિ અસહ્ય બનતા લેબેનોન અને ચિલી જેવા દેશોમાં બહુ મોટા પ્રમાણમાં દેખાવો થઈ રહ્યા છે.

આ પરિસ્થિતિ અન્ય દેશોમાં ફેલાય તેવી પૂરી શક્યતાઓ છે.

વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ ઍન્ડ સોશિયલ આઉટલૂક અહેવાલનાં તારણો આ સંદર્ભમાં ચિંતા પ્રેરે તેવા છે. આ તારણોમાંથી મુખ્ય કેટલાંક નીચે મુજબ છે.

- છેલ્લા દાયકાના મોટાભાગના સમયમાં બેકારીનો દર સ્થિર થયો છે.

ગયા વરસે વૈશ્વિક બેકારીનો દર 5.4 ટકા હતો.

અત્યારની પરિસ્થિતિ જોતાં ચાલુ વરસે આ દર ઘટે તેવી કોઈ શક્યતા જણાતી નથી, ઊલટાનું આ દરમાં વધારો થાય તેવી પૂરી શક્યતા છે.

એક તરફ વિશ્વની વસતિ સતત વધી રહી છે.

ભારતની વાત કરીએ તો 2025 સુધીમાં કુલ વસતિનો આંક ચીનને વટાવી જશે અને ભારત વિશ્વમાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે.

આની સાથે ભારત સરકારની ક્રાઇમ રિસર્ચ બ્યૂરો દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ માહિતીને જોડીએ તો આ દેશમાં દર 40 મિનિટે એક યુવાન અને દર 55 મિનિટે એક ખેડૂત આપઘાત કરે છે.

- ભારત માટે વિસ્ફોટક વસતિવધારો અને યુવા બેકારી બહુ મોટા પ્રશ્નો છે પણ આખું વિશ્વ આ સમસ્યાઓથી એક યા બીજી રીતે ઘેરાતું જાય છે.

વધી રહેલી વસતિ અને મંદીને પગલે ચાલુ વરસે પણ બેકારોની સંખ્યામાં મોટાપાયે વધારો થશે.

- આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે દુનિયામાં 47 કરોડ લોકો બેકાર છે.

માત્ર આટલું જ પૂરતું નથી, વિશ્વમાં 28.5 કરોડ લોકો અંડરએમ્લોઇડ છે એટલે કે એમની પાસે એમની ક્ષમતા મુજબનું પૂરતું કામ નથી.

આમ બેકારીની સાથે અર્ધ બેકારી પણ મહત્ત્વનો મુદ્દો બનીને ઊભરી રહી છે.

- વધી રહેલી વસતિ અને મંદીને પગલે ચાલુ વરસે પણ બેકારોની સંખ્યામાં વધારો થશે.

બેકારીની સીધી અસર લોકોની ખરીદશક્તિ પર પડે છે.

વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ ઍન્ડ સોશિયલ આઉટલૂક રિપોર્ટ મુજબ વિશ્વમાં 6 કરોડ લોકો એવા છે જે એક દિવસમાં 3.2 ડૉલરથી ઓછી ખરીદી કરે છે.

15થી 24 વરસના 26.7 કરોડ લોકો નોકરી નથી કરી રહ્યા.

-સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો મુજબ ડિસેમ્બર 2019 સુધીના ચાર મહિનામાં ભારતમાં બેકારીનો દર 7.5 ટકા સુધી પહોંચી ગયો છે.

બીજી બાજુ ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકોનો બેકારીનો દર 60 ટકા જેટલો થઈ ગયો છે.

CMIEએ જાહેર કરેલ વિગતો અનુસાર મે-ઑગસ્ટ 2017 પછી સતત સાતમી વખત બેકારીના દરમાં વધારો થયો છે.

મે-ઑગસ્ટ 2017માં બેકારીનો દર 3.8 ટકા હતો જે વધીને અત્યારે 7.5 ટકાએ પહોંચ્યો છે.

ગ્રામીણ ભારતની સરખામણીમાં શહેરી ભારતમાં વધુ બેકારી છે.

શહેરી ભારતમાં બેકારીનો દર રાષ્ટ્રીય સરેરાશ 7.5 ટકા કરતાં વધારે એટલે કે 9 ટકા જેટલો છે જ્યારે ગ્રામીણ ભારતમાં આ દર 6.3 ટકા છે.

જોકે, ગ્રામીણ ભારત સંખ્યાની દૃષ્ટિએ વધુ વસતિ ધરાવતું હોવાથી બેકારોની કુલ સંખ્યામાં 66 ટકા હિસ્સો ગ્રામીણ ભારતનો છે.

આ ઉપરાંત ગ્રામીણ ભારતમાં જે રોજગારી છે તેનું સ્તર અને ગુણવત્તા નીચી છે.

શહેરી ભારતમાં ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં 20થી 24 વરસના વયજૂથમાં બેકારીનો દર 37 ટકા છે અને તેમાં પણ સ્નાતકોત્તર બેકારીનો દર 60 ટકા છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના જણાવ્યા મુજબ ઑગસ્ટ 2019માં બેકારીનો દર 8.4 ટકા હતો જે છેલ્લાં ત્રણ વરસમાં ઊંચામાં ઊંચો છે.

line

વિકટ બનતી જતી બેકારી

રોજગારી માટે વિકલાંગોનું વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

આમ, બેકારી એક વૈશ્વિક સમસ્યા બની છે.

વિશ્વમાં 47 કરોડ જેટલા લોકો બેકાર છે, 28.5 કરોડ લોકો પાસે પૂરતું કામ નથી એટલે કે અંડરએમ્પ્લોઇડ છે અને ચાલુ વરસે નામ નોંધાવનારા બેકારોની સંખ્યા વધીને ગત વરસની 18.6 કરોડની સરખામણીમાં 19.05 કરોડ થશે.

આમ, સમગ્ર વિશ્વ બેકારીના ખપ્પરમાં હોમાઈ ચૂક્યું છે.

આ સમસ્યા લેબેનોન અને ચિલી જેવા દેશોમાં વધુ ઉગ્ર બનતાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.

ભારતમાં પણ બેરોજગારી અને ખાસ કરીને યુવા બેરોજગારોની સમસ્યા વિકરાળ અને વિસ્ફોટક બને તે દિવસો ઘણા ઝડપથી નજીક આવી રહ્યા છે એવી દહેશત સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયેલ વિગતો તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘનો વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલૂક અહેવાલ જોઈએ ત્યારે થાય છે.

line

ગરીબ-અમીર વચ્ચેની ખાઈ

ગરીબ-અમીર વચ્ચેની અસમાનતા

ઇમેજ સ્રોત, Getty Images

આ પરિસ્થિતિની સાથોસાથ એક બીજી વરવી વાસ્તવિકતા દાઓસ ખાતે આયોજીત વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની 50મી વાર્ષિક બેઠકમાં 21મી જાન્યુઆરીએ ઓક્સફામ નામની એક સ્વૈચ્છિક સંસ્થાના નેજા હેઠળ તૈયાર થયેલ 'ટાઇમ ટુ કેર' નામના અહેવાલમાં રજૂ કરવામાં આવી.

આ અહેવાલ મુજબ ગણ્યાગાંઠ્યા હાથોમાં સંપત્તિનું કેન્દ્રીકરણ ગજબનાક રીતે થયું છે.

વિશ્વની કુલ વસતિના 60 ટકા એટલે કે 460 કરોડ લોકો પાસે જે સંપત્તિ છે તેના કરતાં વધારે સંપત્તિ વિશ્વના માત્ર 2153 અબજપતિઓ પાસે છે.

આર્થિક અસમાનતાનું આથી વરવું ઉદાહરણ બીજું કયું હોઈ શકે?

ચિંતાની બાબત તો એ છે કે આ આર્થિક અસમાનતા ઘટવાનું નામ લેતી નથી.

એક બાજુ વિશ્વમાં 47 કરોડ લોકો બેકાર હોય, ભારતમાં બેકારીનો દર વધીને 7.5 ટકાએ પહોંચ્યો હોય તે પરિસ્થિતિ અને બીજી બાજુ આંગળીને વેઢે ગણી શકાય એટલા અબજપતિઓ પાસે અધધ સંપત્તિ.

એક બાજુ એક ગરીબ કુટુંબને બે ટંકનો લૂખો રોટલો મળવો મુશ્કેલ, માથા ઉપર એક ઝૂંપડાનું પણ છત્ર નહીં અને બીજી બાજુ 4500 કરોડ રૂપિયાના મહાલયમાં મહાલતા અને અઢળક ધનસંપત્તિમાં આળોટતા ધનપતિઓ.

બેકારીની સમસ્યા

ઇમેજ સ્રોત, Getty Images

વધુને વધુ પહોળી થતી જતી વંચિતો અને ધનપતિઓ વચ્ચેની આ ખાઈ.

અર્ધ ભૂખમરો અને બેકારીની સ્થિતિ વચ્ચે જીવતા કરોડો લોકો લેબેનોન અને ચિલીની માફક હજુ સુધી રસ્તા પર નથી ઊતરી આવ્યા, કારણ કે સરેરાશ ભારતીય નસીબમાં માને છે અને આ દેશનો બે તૃતીયાંશ ભાગ હજુ પણ ગામડાંમાં વસે છે.

જ્યાં કૃષિ અને કૃષિ આધારિત રોજગારી પેટનો ખાડો પૂરવા માટે કંઈકનું કંઈક આપતી રહે છે. ભારતમાં ભૂખમરાની સ્થિતિ નથી સરજાઈ એ માટે ભારતના ખેડૂતને જેટલો બિરદાવીએ એટલું ઓછું છે.

છેલ્લે 2021થી શરૂ થતા દાયકાના ભારત માટે વિકટ થનારી સમસ્યાઓની જો યાદી બનાવવી હોય તો તેમાં કૃષિથી દૂર જઇ રહેલો ખેડૂત, ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં વધી રહેલી બેકારી, શહેરી બેકારીમાં પણ ઘણો મોટો વધારો, યુવા બેરોજગારો, પાણી અને પ્રદૂષણની વકરતી જતી સમસ્યા, બેકારો પેદા કરવાના કારખાના બની ગયેલી આપણી શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના શિક્ષણનું સ્તર એટલું કથળ્યું છે કે 60 ટકા સ્નાતકોત્તરની ડીગ્રી મેળવેલ યુવાનો આજે બેકારનું લેબલ લગાવીને ફરે છે.

નોકરીની શોધ

ઇમેજ સ્રોત, Getty Images

વધતી જતી આર્થિક અસમાનતા, ધનવૈભવ અને સંપત્તિમાં આળોટતા થોડાક ધનપતિઓ અને વિરાટ સંખ્યામાં બે ટંકનું પેટિયું રળવા મથતા કરોડો ભારતીયો, (જેઓ આજે પણ પાયાની સવલતોથી વંચિત છે), કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંસાધનોની વહેંચણીની સમસ્યા, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વકરતા જતા સંબંધો, માથું ઉંચકી રહેલો પ્રદેશવાદ અને એને પગલે પગલે ક્યાંકને ક્યાંક આતંકવાદનો પડછાયો, દેશની વૈધાનિક સંસ્થાઓ અને માધ્યમોની ઘટતી જતી વિશ્વસનીયતા... આ પૂરી યાદી નથી.

આમાંની એક એટલે બેકારી, જે વૈશ્વિક સમસ્યા છે અને જેને કારણે તેમ જ આર્થિક અસમાનતાને કારણે વિદ્રોહની પરિસ્થિતિ વધશે એવી સંયુક્ત રાષ્ટ્રસંઘની ચેતવણી છે.

સરવાળે યુવા બેરોજગારીનો મામલો વિસ્ફોટક સ્થિતિએ પહોંચ્યો છે એમાં કોઈ શંકા નથી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો