ગુજરાતમાં છ ધાર્મિક સ્થળોએ ભિખારીઓ પર પ્રતિબંધથી શું ફરક પડશે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જ્યાં શ્રદ્ધાળુઓ વધારે જાય છે એવા ગુજરાતના ડાકોર, શામળાજી સહિતનાં છ સ્થળોએ હવે તમને કદાચ કોઈ વ્યક્તિ ભિક્ષા માગતી નહીં દેખાય.

કેમ કે ગુજરાત સરકારે અમલમાં મૂકેલા નવા કાયદા મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તાર, ખેડા જિલ્લાના ડાકોરમાં, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં, ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકા વિસ્તાર, પાવાગઢના ચાંપાનેર, મહેસાણા જિલ્લાના બહુચરાજી અને અરવલ્લી જિલ્લાના શામળાજી ગ્રામપંચાયત વિસ્તારમાં ભિક્ષાવૃત્તિને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે.

ગુજરાતમાં ભિક્ષા પ્રતિબંધ અધિનિયમ 1959 અમલમાં છે અને તેને લઈને રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.

સરકારનું કહેવું છે કે જે વિસ્તારોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યાં જો ભિખારી જોવા મળશે તો તેમને પકડીને ભિક્ષુકગૃહમાં મોકલી આપવામાં આવશે.

જોકે, કેટલાક લોકો આને ધાર્મિક સ્થળોએ દાન કરવાની ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ પણ ગણાવે છે.

આગળની કાર્યવાહી શું?

ઉલ્લેખનીય ગુજરાત સરકારે જુલાઈ મહિનામાં વિધાનસભામાં ભિક્ષા માગવા પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે સમયે નિયમો અંગે સ્પષ્ટતા થઈ નહોતી.

ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ અંગેનો પરિપત્ર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ જે. વી. દેસાઈએ બહાર પાડ્યો છે, જેમાં તેનો તાત્કાલિક અસરથી અમલ કરવા તંત્રને જણાવવામાં આવ્યું છે.

આ અંગે વાત કરતા તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું કે વિધાનસભામાં પસાર કરાયેલા કાયદા મુજબ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

જોકે, હવે આગળની કાર્યવાહી શું હશે તે અંગે તેમણે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો.

આ અંગે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વર પરમારે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "ગુજરાતમાં કેટલાંક સ્થળોએ ભિક્ષાવૃત્તિની સમસ્યા વધારે છે એટલે અમે શરૂઆતમાં ગુજરાતમાં આ છ સ્થળો પર ભિક્ષા માગવા પર પ્રતિબંધ લાદ્યો છે."

તેમણે દાવો કર્યો કે આ પ્રતિબંધ ગરીબ લોકોને પરેશાન કરવા નથી.

ઈશ્વર પરમારે એમ પણ કહ્યું કે, "આ સ્થળોએ જે ભિક્ષા માગતા હશે એમણે તે સ્થળેથી દૂર કરી ગુજરાતના ભિક્ષુકગૃહોમાં મોકલી અપાશે."

એમણે કહ્યું, "આ છ સ્થળો પછી આગળ ગુજરાતનાં તમામ સ્થળો પર ભિક્ષાવૃત્તિને પ્રતિબંધિત કરાશે. અત્યારે ગુજરાતમાં સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદમાં 2 અને ગાંધીનગરમાં 1 ભિક્ષુકગૃહ ગૃહ છે."

"અમે નવા 7 ભિક્ષુકગૃહો ખોલીશું અને તેમાં ભિક્ષા માગનારા લોકોને જરૂરિયાત પ્રમાણે, તબીબી સારવાર, ખોરાક અને વસ્ત્રની સુવિધા આપવામાં આવશે."

ઈશ્વર પરમારનું કહેવું છે કે આ કાયદો ભિક્ષા માગનારા લોકો માટે સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે.

સરકારે હાઈકોર્ટની અવમાનનાથી બચવા રસ્તો કર્યો?

સરકારના આ નિર્ણય તઘલખી ગણાવતાં નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી વજુભાઈ પરસાણાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "લોકોને રોજગારી પૂરી પાડવી એ સરકારનું કામ છે આ રીતે ભિક્ષા માગવા પર પ્રતિબંધ મૂકવો ના જોઈએ."

તેમણે કહ્યું કે સશક્ત માણસો ભિક્ષા માગે એ વાજબી નથી અને એમની સામે કાનૂની પગલાં લેવાવાં જોઈએ, પણ અશક્ત અને વૃદ્ધ માણસો પર આવાં પગલાં લેવાં વાજબી નથી.

વજુભાઈ પરસાણાનું માનવું છે કે "લોકો જ્યારે ધાર્મિક સ્થળો પર જાય છે, ત્યારે દાન કરવાની સંસ્કૃતિ વડવાઓના સમયથી છે, એટલે ધાર્મિક સ્થળો પર ભિક્ષા માગનારા સામે પગલાં લેવાં યોગ્ય નથી."

પરસાણાએ એમ પણ કહ્યું, "ખરેખર આ સમસ્યા શહેરોમાં વધારે છે એટલે જો સરકાર ભિક્ષાવૃત્તિ રોકવા માગતી હોય, તો પહેલાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત જેવાં શહેરોમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માગતા સશક્ત લોકોને દૂર કરવા જોઈએ."

"પ્રાથમિક પ્રયોગને નામે ધાર્મિક સ્થળો પર ભિક્ષા માગનારા પર કાનૂની અમલ અચાનક કરી દેવો કેટલો યોગ્ય છે એ એક સવાલ છે, કારણ કે ભિક્ષા પ્રતિબંધક કાનૂન આજનો નથી ગુજરાતની સ્થાપના થઈ ત્યારનો છે."

પરસાણા માને છે કે સરકારે સરકારે ભિક્ષાગૃહોની સંખ્યા વધારવી જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી સૌપ્રથમ શહેરી વિસ્તારમાં કાયદાનો અમલ કરાવવો જોઈએ.

જોકે, આ અંગે જાણીતા વકીલ આશિષ શુક્લે બીબીસી ગુજરાતીને કહ્યું કે "ગુજરાતમાં ભિક્ષાવૃત્તિ બંધ કરાવવા માટે ખુદ ગુજરાત હાઈકોર્ટે પણ આદેશ કર્યો છે, પણ એક દસકાથી એનો કોઈ અમલ નથી થયો. સરકાર કોર્ટની અવમાનનાના કેસથી બચવા માટે આવા પરિપત્ર કાઢે છે.

એમણે કહ્યું કે, "સપ્ટેમ્બર 2010માં ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ એસ.જે. મુખોપાધ્યાય અને કે.એમ. ઠાકરની બેન્ચે ગુજરાતમાં ચાલતી ભિક્ષાવૃત્તિ નહીં રોકવા માટે સરકારની ઝાટકણી કાઢી હતી અને આદેશ આપ્યો હતો કે સશક્ત લોકોને ભીખ માગતા રોકીને એમણે રોજગાર આપવા જોઈએ પણ સરકાર એમાં નિષ્ફળ ગઈ છે."

સરકારનો માર્કેટિંગ અપ્રોચ

સરકારના આ પરિપત્રને જાણીતા સમાજશાસ્ત્રી 'માર્કેટિંગ અપ્રોચ' ગણાવે છે.

ગૌરાંગ જાનીએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "આ માનવીય અભિગમ નથી પરંતુ માર્કેટિંગ અપ્રોચ છે. આ ધાર્મિક સ્થળો પર ભિખારી દેખાય તો એમનું ખરાબ દેખાય એટલે ધાર્મિક સ્થળો પર ભિખારીઓને ભીખ માગવા પર પ્રતિબંધ મૂક્યો છે જે ખરેખર દુખદ છે."

ગૌરાંગ જાનીએ એમ પણ કહ્યું, "આપણી સંસ્કૃતિમાં ધાર્મિક સ્થળોએ દાન કરવાની પરંપરા છે. લોકો માને છે કે જાત્રામાં દાનનું પુણ્ય મળે છે. એ રીતે આવો પ્રતિબંધ સામાજિક-ધાર્મિક વ્યવસ્થાને સીધી અસર કરનારો છે. ભીખ માગનારને એમના સ્થાનેથી અલગ કરવા એ માનવતાવિહીન કાર્ય છે."

ગૌરાંગ જાની માને છે કે દુનિયાના મોટા ભાગના દેશમાં ભિખારી હોય છે, વાસ્તવમાં સરકારે ધાર્મિક સ્થળોથી ભિખારીને હઠાવી ધાર્મિક-સામાજિક માળખું તોડી નાખવાનો પ્રયાસ કર્યો છે.

એમણે કહ્યું કે, "જો સરકારને ભિખારીઓની ખરેખર ચિંતા હોય તો મંદિરમાં આવતું કરોડોનું દાન ભિખારીઓનાં ઉત્થાન માટે વાપરવું જોઈએ. સરકારે ભિખારીઓનો એક સર્વે કરી એમના ઉત્થાન માટે પ્રયાસ કરવો જોઈએ."

ગૌરાંગ જાની કહે છે કે આવા પરિપત્રનો ધાર્મિક સંસ્થાઓએ વિરોધ કરવો જોઈએ.

પરિપત્ર પર આવી જ નારાજગી અંબાજી અને ડાકોર પગપાળા સંઘ લઈ જનાર અનિલ પટેલ વ્યક્ત કરે છે.

પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું કે "આ પરિપત્ર ધાર્મિક સ્થળોએ દાન કરવાની પરંપરા અને શ્રદ્ધાની વિરુદ્ધ છે. સરકાર આવા તઘલઘી નિર્ણયો લઈને અમારી આસ્થાને ઠેસ પહોંચાડે છે."

પટેલે એવો સવાલ પણ કર્યો કે, "ડાકોરમાં ભિખારીઓ પર સરકાર પ્રતિબંધ મૂકે છે, પરંતુ તે અંબાજી મંદિર કે ઊંઝાના ઉમિયા માતા મંદિરમાં એવો પ્રતિબંધ મૂકવાની હિંમત કેમ નથી કરતી? કેમ કે સરકાર જાણે છે કે ત્યાં કંઈ કરીશું તો લોચો પડી જશે."

અનિલ પટેલ કહે છે સરકારના આવા તઘલખી નિર્ણયનો અમે વિરોધ કરીશું. સરકારે શહેરોમાં ભિક્ષાવૃત્તિ રોકવી જોઈએ, આ રીતે લોકોની આસ્થા સાથે રમત ન રમવી જોઈએ.

આવા પરિપત્રોથી કંઈ ન થાય

અમદાવાદના મહેશ દેસાઈ શહેરી વિસ્તારમાં બાળકોને ભિક્ષા માગવાનું બંધ કરાવીને એમને ભણાવવાનું કામ કરે છે.

દેસાઈએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "અમદાવાદ જેવાં શહેરોમાં બાળકોની પાસે એમનાં માતાપિતા ભીખ મંગાવે છે અને સાંજે એમનાં બાળકો જે પૈસા લઈને આવે છે એમાંથી ગુજરાન ચલાવે છે."

"આવા પરિવારોનાં બાળકોને ભીખ માગતા રોકવા અને ભણાવવા મુશ્કેલ છે. હું સરકારની કોઈ મદદ વગર એવાં બાળકોને ભણાવું છું. આવાં બાળકોનાં માતાપિતા પણ અમને પરેશાન પણ કરતાં હોય છે."

દેસાઈ કહે છે કે ભિક્ષા માગતાં બાળકોને યોગ્ય રીતે શિક્ષણ આપવામાં આવે તો આગળ જતા આ સમસ્યા ઉકેલાશે બાકી, આવા પરિપત્રોથી કંઈ ન થાય.

તેમણે એમ પણ કહ્યું કે "અમે ભીખ માગનારાં બાળકોને ભણાવીએ છીએ, પરંતુ સરકાર અમારી શાળાને માન્યતા નથી આપતી. અમે નિવૃત્ત શિક્ષકો સાથે 16 વર્ષની ઉંમર સુધીના ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને ભણાવીએ છીએ અને તેઓને ઍક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ધોરણ 10ની પરીક્ષા અપાવીએ છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો