બેરોજગારી : દેશમાં દર 40 મિનિટે એક વ્યક્તિનો આપઘાત કેમ રોકાતો નથી?

નોકરી માટે આંદોલન કરનાર વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
News image

હજુ થોડાંક વરસો પહેલાં જ આપણે હરખથી ફૂલ્યા ન'તા સમાતા. ભારત દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બનવા જઈ રહ્યો છે તેનો નહીં, પણ આ હરખ હતો ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે તેનો.

આપણી સરેરાશ ઉંમર 29 વર્ષથી સહેજ વધારે છે. ચીનની સરેરાશ ઉંમર 35 વર્ષ છે. આ દેશમાં 70 ટકા કરતાં વધુ વસતી 35 વર્ષથી નીચેના વયજૂથમાં છે.

છેલ્લી બે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો બન્ને વખત 12 કરોડ કરતાં વધુ યુવાનો/યુવતીઓએ પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

યુવા માનવબળ જો ઉત્પાદકતા તરફ વળે તો દેશની અર્થવ્યવસ્થામાં બહુ મોટી ક્રાંતિ આવે એ વિચારને કેન્દ્રસ્થાને મૂકીને એક નવો શબ્દપ્રયોગ પ્રયોજાયો, એ હતો 'ડેમૉગ્રાફિક ડિવિડન્ડ' એટલે કે ભારતને એના યુવાધનને કારણે મળનારું મોટું ડિવિડન્ડ.

આપણે હરખાતા રહ્યા પણ એ વાત ભૂલી ગયા કે -

સપનેં હી સપનેં, કબ હુયે અપને, ભોર ભયો ઔર તૂટ ગયે

આ ડેમૉગ્રાફિક ડિવિડન્ડના મુદ્દે પણ આજે આપણે આવી જ કંઈક સ્થિતિમાં છીએ.

'હર યુવા હાથોને કામ' આપવાની અને એક સમયે જુદાજુદા રાજકીય પક્ષો દ્વારા છાપરે ચડીને કરવામાં આવેલ 'હર હાથ કો કામ'ની વાત બીજા બધા રાજકીય ચૂંટણીલક્ષી વચનોની જેમ સાવ ખોખલી સાબિત થઈ છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આમ તો આ દેશનો ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે એ બાબતે ઘણું બધું લખાતું રહ્યું છે.

ખેડૂતની આત્મહત્યા અને જગતના તાતની અત્યંત ગરીબી અને દેવા હેઠળ દબાઈને જીવતો હોવાની સ્થિતિ ભાગ્યે જ કોઈ એવો દિવસ જતો હશે કે માધ્યમોમાં ન ચમકી હોય.

ખેડૂતની આ પરિસ્થિતિ અંગે વિધાનસભાઓ અને લોકસભા કે રાજ્યસભા ગાજ્યાં છે. આપણા રાજકીય નેતાઓએ ઉછળી ઉછળીને કિસાનની આ બેહાલ સ્થિતિ વિશે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

સત્તાધારી પક્ષ, પછી વિધાનસભા હોય કે સંસદ, પોતે કિસાનને તારવા માટે જે કંઈ કરતબો કર્યાં તેની દુહાઈ દઈને કિસાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અને કિસાનની આ પરિસ્થિતિ માટે ભૂતકાળની સરકારોને જવાબદાર ઠેરવવાની વાત જોમ અને જોશપૂર્વક રજૂ કરતો રહ્યો છે પણ પરિસ્થિતિ ખરેખર ગંભીર છે.

સરકારી ચોપડે નોંધાયા મુજબ 2018ની સાલમાં દેવું અથવા પાકની બરબાદીને કારણે અથવા અન્ય કારણે હતાશ થયેલા 10349 કિસાનોએ આત્મહત્યા કરી છે.

ખેડૂતની પરિસ્થિતિ દિવસેદિવસે બદથી બદતર તરફ જઈ રહી છે એમાં કોઈ શંકા નથી.

ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને ખેડૂતને ફરી બેઠા કરવા માટે જે કાંઈ થઈ શકે એ બધું જ કરવું જોઈએ એમાં આ દેશનું હિત હૈયે વસ્યું હોય તેવા કોઈ પણ વ્યક્તિને રજમાત્ર શંકા કે વાંધો ન હોઈ શકે.

આજે આવી જ વિસ્ફોટક એક અન્ય સમસ્યાની વાત કરવી છે.

આ સમસ્યા સીધેસીધી આપણે અત્યાર સુધી ડેમૉગ્રાફિક ડિવિડન્ડનો પાક લણવા માટે જે ગુલાબી સ્વપ્ન જોતાં હતાં તેના કેન્દ્રમાં રહેલા યુવાધનને સ્પર્શે છે.

2018માં 12936 લોકોએ આપઘાત કર્યો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નેશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યૂરોએ 2018ના વર્ષને લગતા જે આંકડા જાહેર કર્યા છે તે મુજબ ભારતમાં કારમી બેરોજગારીથી તંગ આવીને 12936 એટલે કે લગભગ 13 હજાર લોકોએ આપઘાત કર્યો તે છે.

સાદી સીધી ભાષામાં કહીએ તો પેટનો ખાડો પૂરવા માટે પેટિયું રળવાની તક ન દેખાય એવી વિકરાળ બેરોજગારીને કારણે આ દેશમાં રોજના સરેરાશ 35 લોકો અને સરેરાશ દર બે કલાકે ત્રણ લોકો આપઘાત કરે છે.

બીજી રીતે કહીએ તો દર 40 મિનિટે આ દેશમાં એક વ્યક્તિ બેકારીના ખપ્પરમાં હોમાઈને પોતાનું જીવન ટૂંકાવે છે.

આ આંકડો ખેડૂતોની આત્મહત્યાને પણ વટાવી જાય છે અને આમ છતાંય ભાગ્યે જ એની ક્યાંય ચર્ચા થાય છે.

રાજકીય પક્ષો પોતપોતાની રીતે રાજકીય રોટલા શેકવામાં ગુલતાન છે અને સત્તાની રાજ્યની હોય કે કેન્દ્રની, દેશ ઉપર ઊતરી રહેલાં આ બે સંકટ, ખેડૂતની બેહાલી અને તૂટતી જતી ગ્રામ્ય અર્થવ્યવસ્થા તેમજ યુવા બેરોજગારી અંગે ગંભીર ચર્ચા થતી હોય તેવું દેખાતું નથી.

આ બંને સમસ્યાઓ એવી છે જેનાં પરિણામો વિસ્ફોટક હશે, સમાજ તેમજ દેશની શાંતિને હણનારાં હશે. આમ છતાં પણ કોઈ અગમ્ય કારણસર આપણે હજુ કુંભકર્ણની નિદ્રામાં ઘોરી રહ્યા છીએ.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલ આ દિશામાં માત્ર ચેતવણીના સૂર નહીં પણ ચેતવણીનું બ્યુગલ વગાડે છે.

આ અહેવાલ મુજબ ઍમ્પ્લૉયમૅન્ટ ઇલાસ્ટીસિટી ઇન્ડેક્સ એટલે કે રોજગારી સ્થિતિસ્થાપકતાનો આંક લગભગ શૂન્ય થઇ ગયો છે.

line

બેરોજગારીનાં કારણો કયાં છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સીધુંસાદું તારણ એ નીકળે કે દેશની અર્થવ્યવસ્થાનું બેરોમિટર વળી પાછું જીડીપી વૃદ્ધિદરનો સુધારો દર્શાવે તો પણ રોજગારીની સ્થિતિ સુધરશે નહીં.

આ પરિસ્થિતિને ઝીરો ઍમ્પ્લૉયમૅન્ટ ગ્રૉથ એટલે કે શૂન્ય રોજગારી વૃદ્ધિ સાથેનો વિકાસ અર્થશાસ્ત્રીઓની ભાષામાં કહેવાય છે.

દેશમાં બેરોજગારીની સમસ્યા કેટલી વિકટ અને વિસ્ફોટક પરિસ્થિતિએ પહોંચી છે એની આ ચેતવણી છે.

અર્થવ્યવસ્થા તંદુરસ્ત ત્યારે જ કહેવાય જ્યારે 'હર હાથ કો કામ' મળી રહે. તંદુરસ્ત અર્થવ્યવસ્થા રોજગારીની વિપુલ તકો પૂરી પાડે છે.

એની તંદુરસ્તી તો જ કાયમ રહે જો રોજગારની સ્થિતિ સાનુકૂળ હોય. આ અગાઉ પણ લખ્યું છે કે ભારત દુનિયાનું સૌથી મોટું મુક્ત બજાર એટલે કે ફ્રી માર્કેટ છે.

આ કારણથી આપણી તેજી અથવા મંદી માગ પર આધારિત છે.

માગ એ વ્યક્તિના હાથમાં ફૂડ આઇટમ એટલે કે ખાધાખોરાકીની ચીજવસ્તુઓ અને મૂળભૂત જરૂરિયાતો પૂરી કર્યા બાદ જે ફાજલ આવક રહે છે તે 'પર્સનલ ડિસ્પૉઝેબલ ઇન્કમ' પર આધારિત છે.

નવી નોકરી નવી આવકો ઊભી કરે છે અને આ નોકરિયાતો પોતાના પગારની આવકમાંથી જે ખરચ કરે છે તે વપરાશની માગ જન્માવે છે.

આ માગ પૂરી કરવા માટે હયાત ઉત્પાદન વ્યવસ્થા ધમધમતી રહે છે અથવા તે અપૂરતી હોય તો વધારાની નવી ઉત્પાદન વ્યવસ્થા ઊભી કરવા માટે ઉદ્યોગસાહસિક રોકાણકારોને પ્રોત્સાહન મળે છે. આને કારણે વળી પાછી નવી નોકરીની તકો ઊભી થાય છે.

આમ રોજગારી, એના થકી આવક, એ આવકના ખરચ થકી ઊભી થતી માગ અને એ માગને કારણે ધમધમતી ઉત્પાદન વ્યવસ્થા - નવાં રોકાણો અને એ થકી વધુ રોજગારી એમ તંદુરસ્ત અર્થવ્યવસ્થામાં આ ચક્ર ચાલતું રહે છે.

આથી ઊલટું, બેરોજગારીની પરિસ્થિતિ અને તેમાં પણ કરોડોની સંખ્યામાં યુવા બેરોજગાર બજારમાં નવી માગ અને નવી રોજગારી નહીં ઊભી થવાને કારણે અર્થવ્યવસ્થાને મંદી તરફ ધકેલવાનું અને એ મંદીને કારણે હયાત રોજગારી વ્યવસ્થામાં કાપ આવતાં બેરોજગારીમાં વધારો કરવાનું કામ કરે છે. નવા રોકાણકારો આવી અર્થવ્યવસ્થાથી દૂર રહે છે.

છેલ્લા 7 ત્રિમાસિક ગાળાથી ઘટતો જતો જીડીપી વૃદ્ધિદર તેમજ બૅન્કોની અને નાણાકીય સંસ્થાઓની વિકટથી વિકટતમ તરફ જઇ રહેલી પરિસ્થિતિ, મળવાપાત્ર મજૂરી અથવા પગાર કરતાં ઓછા દરે પણ લોકો કામ કરવા તૈયાર હોવા છતાંય તેમને બેરોજગાર રહેવું પડે તેવી સ્થિતિનું સર્જન કરે છે.

કેટલાક કિસ્સાઓમાં નોકરી કરનાર અથવા શ્રમિકને વાજબી પગાર મળતો ન હોવા છતાંય બીજે ક્યાંય નોકરીની તક નથી મળવાની એમ સમજીને ઓછા મહેનતાણે કે પગારે પણ નોકરી ચાલુ રાખવી પડે છે, આને અર્ધબેકારી અથવા અંશતઃ બેકારીની પરિસ્થિતિ કહે છે.

બેકારી અને અર્ધબેકારી દેશની અર્થવ્યવસ્થાને લાગતું ગ્રહણ છે.

line

ભારત દુનિયાના સૌથી વધારે બેરોજગારો ધરાવતા દેશોમાંનો એક દેશ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આજે ભારત, યુવા બેરોજગારીના આ વિષચક્રમાં ફસાઈને દુનિયાના સૌથી વધારે બેરોજગારો ધરાવતા દેશોમાંનો એક દેશ બન્યો છે.

સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીનો અહેવાલ બતાવે છે તે મુજબ 2018ના વર્ષમાં લગભગ 1.09 કરોડ ભારતીયોએ પોતાની નોકરી ગુમાવી છે. બેરોજગારી કોઈ નાતજાત કે ધર્મ જોતી નથી.

સી.એમ.આઈ.ના અહેવાલ મુજબ આવકના નીચલા સ્તરે જીવતો સમાજનો નબળો વર્ગ આ પરિસ્થિતિનો સૌથી વધુ ભોગ બન્યો છે.

એક તરફ ભારત 2025ની સાલ સુધીમાં વસતીની દૃષ્ટિએ ચીનને પાછળ રાખી દે તે પરિસ્થિતિએ પહોંચીને દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ભારત સરકારના સ્ટેટેસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલ મુજબ બેરોજગારીએ માઝા મૂકી છે.

નેશનલ સેમ્પલ સર્વેના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે 2017-18 મુજબ દેશની 6.1 ટકા વસતી બેરોજગાર છે, જે છેલ્લાં 45 વર્ષમાં ઊંચામાં ઊંચો ટકાવારી છે.

આ વિગતોમાં પણ વધુ ચિંતા કરાવે તેવી બાબત ગ્રામીણ બેરોજગારી છે.

સ્ટેટેસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર 15થી 29 વર્ષની ઉંમરના ગ્રામીણ યુવાનોમાં બેરોજગારીનો દર જે 2011માં માત્ર 5 ટકા હતો,

તે છેલ્લાં છ વર્ષમાં જ એટલે કે 2017-18માં સાડા ત્રણ ગણો વધીને 17 ટકા થઈ ગયો હતો.

આ જ સમયગાળા દરમિયાન શહેરી બેરોજગારીનો દર અનુક્રમે 8 ટકા અને 12 ટકા રહેવા પામ્યો હતો.

ગ્રામીણ બેરોજગારી અને શહેરી બેરોજગારીનો દર અનુક્રમે 17 અને 12 ટકા હોવાને કારણે સ્વાભાવિક છે ગામડાંઓમાંથી શહેરો તરફ રોજગારીની શોધમાં સ્થળાંતર થશે.

ગામડું અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા તૂટશે. આજે ગ્રામ્ય અર્થતંત્ર લગભગ 50 ટકા કરતા વધારે રોજગારી આપે છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

એટલું જ નહીં પણ આ દેશમાં ઉત્પન્ન થતી મોટરસાઇકલમાંથી 55 ટકા અને સિમેન્ટના કુલ ઉત્પાદનના 50 ટકા ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં વેચાય છે. કપડું, કોલ્ડ-ડ્રિંક્સ, બિસ્કિટ જેવાં ઉત્પાદનો પણ ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં દેશની કુલ બજારના અડધોઅડધ ખપત છે.

ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને ગ્રામ્ય બજાર તૂટે, ગ્રામીણ બેરોજગારીની સમસ્યા વિકરાળ બને તો ગામડાઓમાં ચોરી અને લૂંટફાટથી માંડી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પણ વણસે જે માટે આપણી પાસે પૂરતી પોલીસ નથી.

ગામડું ભાંગીને શહેર તરફ ધસારો શરૂ થાય તો અત્યારે પણ નબળી આંતરમાળખાકીય સવલતો, ટ્રાફિકની સમસ્યા, ગેરકાયદેસર બાંધકામો અને પ્રદૂષણ જેવાં દુષણોને કારણે પીડાતા શહેરોમાં પણ જીવન જીવવું મુશ્કેલ બને. અહીંયાં પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર અસર થાય.

આજે લગભગ 12 કરોડ યુવાનો પાસે ભારતમાં રોજગાર નથી. જે લોકો નોકરી કરે છે તેમનો સરેરાશ પગાર પણ ખૂબ મોટી ટકાવારી (લગભગ 80 ટકા) માટે મહિને 10 હજાર કરતાં ઓછો છે.

આને કારણે દેશમાં સંપત્તિનું કેન્દ્રીકરણ વકરતું જાય છે. દેશમાં લગભગ 10 ટકા લોકો પાસે 70 ટકા કરતાં વધારે સંસાધનો અને નાણાકીય સાધનો છે જ્યારે 90 ટકા વસતીએ બાકીના માત્ર 25થી 30 ટકા નાણાકીય સાધનો વહેંચીને જીવવાનું છે.

આર્થિક અસમતુલાની આ વિકટ સમસ્યા અને 12 કરોડ જેટલા યુવાન હાથો પાસે કામ ન હોય ત્યારે ધીરેધીરે 'ખાલી દિમાગ એ શૈતાનનું કારખાનું હોય છે' એ ન્યાયે આ યુવાધન હિંસક આંદોલનો, તોડફોડની પ્રવૃત્તિ અથવા અસામાજિક કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ તરફ પણ વળે તો એમાં માત્ર પેટનો ખાડો પૂરવાની સમસ્યા જ જવાબદાર હશે એ સમજવું રહ્યું.

line

બેરોજગારી નાથવાના ઉપાયો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બેરોજગારની સમસ્યા ઉકેલવા માટે અર્થવ્યવસ્થાની તંદુરસ્તીથી એ જ એક મોટો ઉપાય છે. અર્થવ્યવસ્થાની તંદુરસ્તી માટે સરકારી ખરચ યોગ્ય દિશામાં વધતો રહે તે પાયાની જરૂરિયાત છે.

હાલની પરિસ્થિતિ તો એવી છે કે બજેટમાં જાહેર કરાયેલ 27.86 લાખ કરોડના ખરચમાંથી પણ આગામી નાણાકીય વર્ષમાં સરકાર બે લાખ કરોડનો કાપ મૂકશે એવી વાતો વહેતી થઈ છે.

આમ થવાનું કારણ ભારતીય અર્થવ્યવસ્થામાં પ્રવર્તમાન મંદી અને એને કારણે જીએસટી સમેત અન્ય વેરાની ધાર્યા કરતાં ઓછી આવકો છે તેવું જણાવાય છે.

આ સંદર્ભે હજુ બીજી બે બાબતો જોડવી જરૂરી જણાવી છે. તેમાંની પહેલી એટલે કે વસતીવધારો. 2050 સુધીમાં ભારતની વસ્તી 173 કરોડને આંબશે.

આમાંથી કામકાજ કરવા માટે સક્ષમ એટલે કે 15થી 61 વર્ષની વયના લોકોની સંખ્યા 110 કરોડ એટલે કે આજની કુલ વસ્તીના લગભગ 85 ટકા જેટલી હશે.

આની સામે ચીનમાં આ જ સંખ્યા ઘટીને 75 કરોડ થવા પામશે.

હવે આ 110 કરોડને જો કામ નહીં મળે તો વિસ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થશે જેની ઝાળ આ દેશની લોકશાહી તેમજ સામાજિક જીવનના તાણાવાણાને પણ દઝાડી જશે.

બીજો મુદ્દો આવનાર સમયમાં વિશ્વભરમાં જે નવી ટૅકનૉલૉજીનું આગમન થવાનું છે તેને કારણે ચીલાચાલુ કામ માટે જરૂરી માનવબળની સંખ્યા ઘટશે એટલું જ નહીં હયાત નોકરીમાં લગભગ 40 ટકા માનવબળને બદલાયેલા અથવા બદલાતી જતી ટૅકનૉલૉજી સાથે સક્ષમતાથી પનારો પાડવા તાલીમ આપવી પડશે.

આ બધું જ આપણી શિક્ષણ વ્યવસ્થાના આરોગ્ય તેમજ આ સક્ષમતા પર નિર્ભર છે.

દુનિયાના ટોચના દેશોમાં ગણાવું હોય તો વિશ્વની પ્રથમ 200 યુનિવર્સિટીમાં આજે ભારતની એક પણ યુનિવર્સિટી નથી તે પરિસ્થિતિ ન ચાલે.

જીડીપીનું કલેવર પણ બદલાયું છે અને એને કારણે ઊભી થનાર નવી તકો માટે તદ્દન જુદા જ પ્રકારની તાલીમ અને શિક્ષણની જરૂરિયાતો ઊભી થઈ છે.

આ કારણથી ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તામાં ધરખમ ફેરફારો અને સુધાર ફરજિયાત બન્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બેરોજગારીનો પડકાર અને એનો સામનો કરવાની સુસજ્જતા માટેની પહેલી જરૂરિયાત પ્રવર્તમાન પરિસ્થિતિનો સ્વીકાર અને એ સંદર્ભે યુદ્ધના ધોરણે કરવાની થતી કામગીરી બાબતે સરકારની પ્રતિબદ્ધતા છે.

ગમે તે પક્ષની સરકારો હોય, યુવાનો કે કિસાનના મુદ્દે જ્યારે પણ ચર્ચા કરવાની આવે ત્યારે સબ સલામતની આલબેલ પોકારવામાંથી ઊંચી નથી આવતી.

ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને કિસાન બરાબર તે જ રીતે યુવા બેરોજગારી અને યુવાન આવનાર બે કે ત્રણ દાયકામાં દેશ સામે ઊભા થનાર યુદ્ધ કરતાં પણ મોટા પડકારો છે.

કોણે શું કર્યું છે અને કોણ શું કરી રહ્યું છે તે વિતંડાવાદનો આ સમય નથી. પક્ષાપક્ષીથી ઉપર જઈને રાષ્ટ્રીય હિતમાં એક ભારતીય તરીકે વિચારવા માટેનું ઝમીર અને ખમીર બધા જ પક્ષની નેતાગીરીઓએ બતાવવું પડે એવી આ પરિસ્થિતિ છે.

સત્તાની સંકુચિત રાજનીતિ કદાચ હજુ બીજાં દસ કે પંદર વર્ષ આપણને 'અહોરૂપમ અહોધ્વનિ'માં રાચવા દેશે પણ બહુ ઝડપથી આપણે વિસ્ફોટક અને વિનાશક પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ એ વાત આ દેશની પ્રજાએ અને ખાસ કરીને ભણેલ-ગણેલ વર્ગે સમજવી પડશે.

આથીય મોટી જવાબદારી પોતાની સ્વેચ્છાએ ચૂંટણીઓ લડીને આ દેશના ભાવિનું સુકાન સંભાળવા બહાર પડતા નેતાઓની છે.

જો આવું નહીં થાય તો પેલી કાળમુખી આગાહી ક્યાંક સાચી પડે તેવી પરિસ્થિતિનું આપણે બધા નિર્માણ કરીશું. આ આગાહી એટલે -

"ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે;

ખંડેરની ભસ્મકણી ના લાધશે!"

અને ત્યારે...

"યે માટી સભી કી કહાની કહેગી

ના રાજા રહેગા ના રાની રહેગી"

એક પ્રતિબદ્ધ ભારતીય નાગરિક તરીકે આપણા દેશની ચિંતાને પ્રાથમિકતા આપીને, જો દેશ હશે તો આપણે છીએ એ ભાવના સાથેની નેતાગીરી હવે એ દિશામાં જતા કંઈક અસુવિધાઓ થાય, અગવડો પડે, તો એ વેઠીને પણ 'ઇન્ડિયા ફર્સ્ટ', 'મારું ભારત - મારો આરાધ્ય દેવ' એ ભાવના સાથે આગળ વધાય તો આ વિકરાળ સમસ્યાઓનો ઉકેલ હજુ પણ કાબૂ બહાર નથી ગયો.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો