કાર અકસ્માતમાં શબાના આઝમી ઘાયલ, અંબાણી હૉસ્પિટલમાં ખસેડાયાં

શબાના આઝમીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વિખ્યાત બોલીવૂડ ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીને મુંબઈ-પુના એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત નડ્યો છે.

રાયગઢ પોલીસને ટાંકતા ન્યૂઝ એજન્સી એ.એન.આઈ. જણાવે છે કે મુંબઈથી 60 કિલોમીટર દૂર ખલાપુર પાસે શબાનાની કારે ઑવરટેક કરવાનો પ્રયાસ કરતા આ દુર્ઘટના ઘટી હતી.

રાયગઢના એસપી અનિલ પરાસકરનું કહેવું છે કે તેમની કારની ટ્રક સાથે ટક્કર થઈ હતી. દુર્ઘટનામાં તેમની કારને ભારે નુકસાન થયું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર તેમને નવી મુંબઈની એમજીએમ હૉસ્પિટલમાં ભરતી કરાયાં હતા.

ત્યારબાદ મોડી સાંજે શબાના આઝમીને મુંબઈની ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

અંબાણી હૉસ્પિટલના સી.ઈ.ઓ. (ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર) ડૉ. સંતોષ શેટ્ટીના કહેવા પ્રમાણે, આઝમીની તબિયત સ્થિર છે તથા તેમને સઘન તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

શબાના આઝમી પુનાથી મુંબઈ પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેમની ગાડી ઑવરટેક કરવા જતાં ટ્રક સાથે અથડાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતને લીધે શબાનાના ચહેરા, ગળા અને આંખ પર ઈજા થઈ છે. તેઓ ડ્રાઈવરની બાજુવાળી સીટ પર બેઠાં હતાં.

આ સમયે તેમના પતિ જાવેદ અખ્તર પણ અન્ય એક કારમાં હતા, તેઓ સલામત છે.

line

અમદાવાદમાં 'કેમ છો ટ્રમ્પ?'

નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

હિંદુસ્તાન ટાઇમ્સ ડૉટ કોમના અહેવાલ પ્રમાણે અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર સંભવિત ભારતપ્રવાસ વખતે અમદાવાદમાં 'હાઉડી મોદી' જેવો કાર્યક્રમ 'કેમ છો ટ્રમ્પ?' યોજાવાની સંભાવના છે.

નોંધનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાપ્રવાસ સમયે અમેરિકાના મૂળ ભારતીય નાગરિકો દ્વારા તેમના સન્માનમાં હ્યુસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમ યોજાયો હતો.

અહેવાલ અનુસાર અમેરિકન પ્રમુખના ભારતઆગમન અંગેની યોજના વિશે જાણતા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, "અમેરિકન પ્રમુખ ફેબ્રુઆરીમાં ભારતના ત્રણ દિવસીય પ્રવાસ પર આવવાના છે."

"રાષ્ટ્રપતિ આ પ્રવાસ દરમિયાન ભારતના દિલ્હી સિવાયના અન્ય એક શહેરની મુલાકાત લઈ શકે છે."

"જ્યાં તેમના સ્વાગત માટે હ્યુસ્ટન જેવો જ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે."

"દિલ્હી સિવાયનું એ અન્ય શહેર અમદાવાદ હોઈ શકે. જોકે, હજુ સુધી આ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી."

line

LRD ભરતી વિવાદમાં પુત્રો સાથે અન્યાયના આરોપ સાથે પિતાની આત્મહત્યા

ગુજરાત પોલીસ

ઇમેજ સ્રોત, DILIP THAKER

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર શુક્રવારે જુનાગઢના મ્યાંજર હુન નામની 49 વર્ષીય વ્યક્તિએ કથિતપણે લોકરક્ષકદળની ભરતીની પરીક્ષામાં થયેલા વિવાદના પરિણામે આત્મહત્યા કરી લીધી.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)માં પટાવાળા તરીકે નોકરી કરતાં મ્યાંજર હુનનો મૃતદેહ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિસિટી સુપરવાઇઝરની ઑફિસના પંખે લટકેલી અવસ્થામાં મળી આવ્યો હતો.

મૂળ માલધારી સમાજના હુને પોતાની સ્યૂસાઇડ નોટમાં લોકરક્ષકદળની ભરતી પરીક્ષામાં તેમના બે પુત્રો સાથે થયેલા અન્યાયને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યો છે.

તેમણે સ્યૂસાઇડ નોટમાં લખ્યું, "મારા બંને પુત્રોએ લોકરક્ષકદળની ભરતી માટેની લેખિત અને શારીરિક કસોટી પાસ કરી લીધા બાદ અમને અનુસૂચિત જનજાતિનાં પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાનું કહેવામાં આવ્યું હતું."

"જોકે, આ પ્રમાણપત્રોની ચકાસણી કરાયા વગર જ રાજકીય દબાણમાં ફાઇનલ રિઝલ્ટ જાહેર કરી દેવાયું."

"જેના કારણે મારા પુત્રો જેવા અન્ય ઘણા યુવાનોનું જીવન બરબાદ થઈ ગયું."

line

કેરળે રાહુલ ગાંધીને ચૂંટીને વિનાશકારી કામ કર્યું છે : રામચંદ્ર ગુહા

રામચંદ્ર ગુહા

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવી ડૉટ કોમના અહેવાલ અનુસાર ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ શુક્રવારે રાહુલ ગાંધીને ચૂંટીને લોકસભામાં મોકલવાનો કેરળની જનતાના નિર્ણયને વિનાશકારી ગણાવ્યો હતો.

તેમણે શુક્રવારે કહ્યું કે, "ખાનદાનની પાંચમી પેઢીના રાહુલ ગાંધી પાસે ભારતીય રાજકારણમાં કઠોર પરિશ્રમી અને આપકર્મી નરેન્દ્ર મોદી સામે કોઈ તક નથી."

"કેરળના લોકોએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સાંસદ તરીકે ચૂંટીને વિનાશકારી કામ કર્યું છે."

તેમણે કેરળ સાહિત્ય મહોત્સવ દરમિયાન 'રાષ્ટ્રભક્તિ વિરુદ્ધ અંધરાષ્ટ્રીયતા' વિષય પર આયોજિત સત્રમાં આ નિવેદન આપ્યું હતું.

ગુહાએ પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું હતું કે, "સ્વતંત્રતાસંગ્રામ સમયની મહાન પાર્ટી કૉંગ્રેસનું દયનીય પારિવારિક કંપની બનવા પાછળ પણ હિંદુત્વ અને અંધરાષ્ટ્રીયતા જવાબદાર છે."

line

બુલેટ ટ્રેન : જમીનસંપાદન વિરુદ્ધ ગુજરાતના ખેડૂતોની અરજી પર SCએ સરકારને નોટિસ મોકલી

બુલેટ ટ્રેન

ઇમેજ સ્રોત, AFP

ઇન્ડિયન એક્સપ્રેસ ડૉટ કોમ ના અહેવાલ અનુસાર ભારતની સર્વોચ્ચ અદાલતે શુક્રવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનસંપાદન વિરુદ્ધ ખેડૂતોએ કરેલી અરજી અંગે કાર્યવાહી કરતાં ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે.

નોંધનીય છે કે ગુજરાતના ખેડૂતો દ્વારા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કરાઈ રહેલી જમીનસંપાદનની કાર્યવાહી વિરુદ્ધ કરાયેલી અરજી અગાઉ ગુજરાત હાઈકોર્ટે નકારી કાઢી હતી.

ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ ખેડૂતોએ સુપ્રીમ કોર્ટની શરણ લેવી પડી હતી.

ખેડૂતોના સમૂહ દ્વારા કરાયેલ અરજીઓ બાબતે જસ્ટિસ દીપક ગુપ્તા અને અનિરુદ્ધા બોઝે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે.

ખેડૂતોની અરજીઓ આધારે સ્પેશિયલ લીવ પિટિશન અને હાઈકોર્ટના નિર્ણય પર સ્ટેનો નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને નોટિસ પાઠવવામાં આવી છે.

line

કવરપેજ પર સંઘપ્રમુખની તસવીરવાળી 'ભારતના નવા બંધારણ'ની બુકલેટ વારલ

મોહન ભાગવત

ઇમેજ સ્રોત, Getty Images

ડેક્કન હેરાલ્ડ ડૉટ કોમના અહેવાલ પ્રમાણે શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અધિકારી દ્વારા કવરપેજ પર સંઘપ્રમુખ મોહન ભાગવતની તસવીરવાળી 'ભારતના નવા બંધારણ'ની બુકલેટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવા માટે અજ્ઞાત વ્યક્તિઓ સામે અમદાવાદ સાયબર સેલ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવાઈ છે.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે "ભારતના નવા બંધારણના નામવાળી આ બુકલેટમાં આવનારા સમયમાં ચોક્કસ ધર્મ વ્યાપક હશે એવું બતાવવામાં આવ્યું છે."

ફરિયાદીનો આરોપ છે કે આ બુકલેટ બનાવનારનો ઉદ્દેશ ભારતના બંધારણનું મહત્ત્વ ઘટાડવાનો અને ભારતીય સમાજને ધર્મ અને જ્ઞાતિના આધારે વિભાજિત કરવાનો છે.

તેમજ ફરિયાદમાં જણાવાયું છે કે, "આ બુકલેટ બનાવનારે સંઘપ્રમુખ મોહન ભાગવત અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો