India vs Australia : વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયા સાથેનો હિસાબ બરાબર કરી શકશે?

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલી
    • લેેખક, આદેશ કુમાર ગુપ્ત
    • પદ, ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

કૅપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે 2020ના વર્ષની શરૂઆત આશા પ્રમાણે જીતથી કરી છે.

ભારતે ઘરઆંગણે શ્રીલંકા સામે રમાયેલી ત્રણ મૅચોની ટી-20 શ્રેણી 2-0થી જીતી લીધી.

ગુવાહાટીની મૅચ તો વરસાદને કારણે પડતી મુકાઈ હતી. ઇંદોરમાં રમાયેલી બીજી મૅચ ભારતે 7 વિકેટે અને પૂણેમાં રમાયેલી ત્રીજી મૅચ ભારતે 78 રનના વિશાળ અંતરથી જીતી હતી.

શ્રીલંકા સામેની સિરીઝ માં શિખર ધવન અને જસપ્રીત બૂમરાહે ઈજામાંથી બહાર આવી ગયા છે.

શિખરે ટીમમાં પાછા ફરવાનો ફાયદો ઉઠાવી ઇંદોરમાં 32 અને પૂણેમાં 52 રન કર્યા હતા.

line

ભારતના બૉલરોનો તરખાટ

શિખર ધવન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિખર ધવન

જસપ્રીત બૂમરાહ ઈજામાંથી પરત ફર્યા પછી થોડા ફિકા સાબિત થયા અને તેમણે બે મૅચમાં એક-એક વિકેટ ઝડપી. જોકે, શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈની છવાઈ ગયા.

હવે 2020માં ભારતની પહેલી પરીક્ષા ઘર હોમગ્રાઉન્ડ પર જ શક્તિશાળી ગણાતી ઑસ્ટ્રેલિયાની ટીમ સામે થશે.

એરન ફિંચની આગેવાની હેઠળની ટીમ ઑસ્ટ્રેલિયા ભારતમાં ત્રણ એકદિવસીય મૅચોની સિરીઝ રમશે.

આ સિરીઝની પહેલી મૅચ 14 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મૅચ 17 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી મૅચ 19 જાન્યુઆરીએ બેંગ્લુરુમાં રમાશે.

આ સીરિઝનો અંદાજો એ પરથી લગાવી શકાય કે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન એરન ફિંચે ભારતમાં પગ મૂકતાની સાથે જ કહ્યું કે એમની ટીમના બૅટ્સમૅનોએ ઝડપી બૉલર જસપ્રીત બૂમરાહની હવાને દિમાગમાંથી કાઢી નાખવી પડશે.

બીજી તરફ ભારતીય ટીમ ફક્ત જસપ્રીત બૂમરાહ નહીં પણ બાકી તમામ બૉલરોના દમ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે.

જો, ઑસ્ટ્રેલિયા સામે ભારતના ફાસ્ટ બૉલિંગ આક્રમણની વાત કરીએ તો એમાં બૂમરાહ સિવાય ખૂબ અનુભવી એવા મોહમ્મદ શમી અને નવદીપ સૈની તેમજ શાર્દુલ ઠાકુર પણ છે.

આ ઉપરાંત સ્પિનર તરીકે રવીન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ અને સમય પડ્યે બૉલિંગ કરી શકતા કેદાર જાધવ પણ છે.

શાર્દુલ ઠાકુર અને નવદીપ સૈની બેઉએ શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં બે મૅચોમાં 5-5 વિકેટ ઝડપી છે.

line

શાર્દુલ ઠાકુરની કમાલ

નવદીપ સૈની અને કે. એલ. રાહુલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવદીપ સૈની અને કે. એલ. રાહુલ

શાર્દુલ ઠાકુરે તો બેટિંગમા પણ કમાલ કરી હતી. એમણે પૂણેમાં રમાયેવી મૅચમાં ફક્ત 8 બૉલમાં એક ચોકા અને બે છગ્ગા સાથે અણનમ 22 રન કર્યા.

આ ઉપરાંત એમની વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને નિર્ણાયક મૅચમાં અણનમ 17 રનની ઇનિંગે મૅચ જીતાડી હતી એ કોણ ભૂલી શકે?

શાર્દુલ ઠાકુરે કહ્યું પણ કે આઠમા નંબરે બેટ્સમૅન તરીકે યોગદાન આપી શકે તેવું તેઓ ઇચ્છે છે. એમનામાં તે કાબેલિયત પણ છે અને તેમાં સુધાર માટે તેઓ સતત પ્રયાસ કરતા હોય છે.

એમને પોતાના આઉટસ્વિંગ થતા બૉલ પર ભરોસો હોય છે તો બીજી તરફ નવદીપ સૈની પણ ખૂબ ઝડપથી પોતાની છાપ છોડી રહ્યા છે અને ગતિ એ એમની ખાસિયત છે.

line

બેટિંગની તાકાત

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત શર્મા

બેટિંગમાં તો ભારત પાસે ઑપનિંગ જોડીમાં રોહિત શર્મા, કે.એલ.રાહુલ, શિખર ધવન છે તો એ સિવાય કૅપ્ટન કોહલી, શ્રેયસ ઐય્યર, કેદાર જાધવ, મનીષ પાંડે, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે અને પાછલા ક્રમે શાર્દુલ ઠાકુર છે.

દરેક ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી કોચ રવિ શાસ્ત્રી અને કૅપ્ટન વિરાટ કોહલીની ચિંતા વધી ગઈ છે કે અંતિમ ટીમમાં કોને સમાવવા.

શિખર ધવન તો કહી પણ ચૂક્યા છે કે કોને ટીમમાં રાખવા તે માથાના દુખાવાનું કામ છે અને તે મારું નથી એમનું છે.

આ સ્થિતિમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટનને ચિંતાઓ પણ છે તે છતાં ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતને મોટી ટક્કર આપી શકે તેમ છે.

line

ઑસ્ટ્રેલિયાની તાકાત

સ્મિથ અને વૉર્નર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્મિથ અને વૉર્નર

ઑસ્ટ્રેલિયા પાસે સ્ટિવ સ્મિથ અને ડેવિડ વૉર્નર જેવી કમાલના બેટ્સમૅનો છે. એ ઉપરાંત કૅપ્ટન એરન ફિંચ, પીટર હૅન્ડસકૉમ્બ, ઍલેક્સ કૈરી અને પાછળના ક્રમે ખતરનાક મિશેલ સ્ટાર્ક પણ છે.

સ્મિથ અને વૉર્નરને ભારતમાં આઈપીએલનો ઘણો અનુભવ છે અને વિવાદો માટે પણ જાણીતા છે. જો એ ચાલી ગયા તો ખૂબ ખતરનાક બેટ્સમૅન છે.

આ સિવાય સહુની નજર ટેસ્ટ ક્રિકેટમાં તહેલકો મચાવનારા અને ધૂમકેતુની જેમ ઉદય પામેલા માર્નસ લાબુશાન પર પણ છે.

એમણે અત્યાર સુધી એક પણ વન ડે મૅચ નથી રમી પરંતુ 14 ટેસ્ટ મૅચની 23 ઇનિંગમાં એમણે 4 સદી અને 8 અર્ધસદીની મદદથી 1459 બનાવી લીધા છે.

છેલ્લી 5 ટેસ્ટ મૅચમાં પહેલાં પાકિસ્તાન સામે અને પછી ન્યૂઝીલૅન્ડ સામે એમની બેટિંગ શાનદાર રહી છે.

પાકિસ્તાન સામે લાબુશાને પહેલી મૅચાં 185 અને બીજી મૅચમાં 162 રન કર્યા હતા.

ન્યૂ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં એમણે 143 અને 50 તેમજ બીજી ટેસ્ટ મૅચમાં 63 અને 19 રન કર્યા. ત્રીજી મૅચમાં એમણે 215 અને 59 રન કર્યા.

વન ડે મૅચમાં પસંદગી માટે એમણે ક્રિકેટ ઑસ્ટ્રેલિયાનો દરવાજો ખખડાવ્યો નથી પરંતુ તોડી જ પાડ્યો છે એમ કહીએ તો ખોટું નથી.

હવે જોવાનુ એ છે કે વન ડેમાં જે મોકો એમને મળ્યો છે એમાં તે કેવું પ્રદર્શન કરે છે.

line

શું ઑસ્ટ્રેલિયા સાથેનો હિસાબ બરાબર કરી શકશે ભારત?

જીતની ઉજવણી કરી રહેલી ભારતીય ટીમ

ઇમેજ સ્રોત, Rex Features

ઇમેજ કૅપ્શન, જીતની ઉજવણી કરી રહેલી ભારતીય ટીમ

બૉલિંગમાં પણ ઑસ્ટ્રેલિયા પાસે ધારદાર ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્ક ઉપરાંત જોશ હેઝલવુડ, કેન રિચર્ડસન અને સ્પિનર એડમ ઝેમ્પા તથા ઍશ્ટન ટર્નર છે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની આ વન ડે સિરીઝ રસપ્રદ બનવાનું કારણ એ પણ છે કે સ્ટિવ સ્મિથ અને ડેવિડ વૉર્નરી ગેરહાજરીમાં ભારતે ઑસ્ટ્રેલિયાને એની જ ધરતી પર હરાવ્યું હતું.

એ સિવાય ગત વર્ષે ઇંગ્લૅન્ડમાં આઈસીસી વિશ્વ કપમાં પણ ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

ભારત માટે પણ એ જખમ છે કે ગઈ વખતે ઑસ્ટ્રેલિયાએ ભારત સામેની વન ડે સિરીઝ ભારતમાં જ 3-2થી જીતી લીધી હતી.

2020ની શરૂઆતમાં દિગ્ગજ ખેલાડીઓ ધરાવતી બે મજબૂત ટીમો વચ્ચે સિરીઝ રમાઈ રહી છે એનાથી મોટા સમાચાર ક્રિકેટ પ્રેમીઓ માટે શું હોઈ શકે.

ઉલ્લેખનીય છે કે આઈસીસી રૅન્કિંગમાં ભારત બીજા અને ઑસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો