JNU હિંસા : હવે જેએનયુ હિંસાની પોલીસતપાસમાં કોનો કક્કો ખરો એની ભાંજગડ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ચંદન કુમાર ચૌધરી
- પદ, બીબીસી હિંદી માટે
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (જેએનયુએસયુ)એ શનિવારે એક પત્રકારપરિષદમાં જેએનયુ હિંસા કેસમાં દિલ્હી પોલીસની તપાસને 'નકલી' અને 'ત્રુટીપૂર્ણ' ગણાવી છે.
દિલ્હી પોલીસના વિશેષ તપાસ દળે વીડિયો અને અન્ય પુરાવઓ આધારે નવ વિદ્યાર્થીઓની ઓળખ કરી છે.
જેમાં જેએનયુ વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ આઇશી ઘોષનું નામ પણ સામેલ છે.
પોલીસે આ નવ પૈકી સાત વિદ્યાર્થીઓ ડાબેરી દળ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું છે.
પોલીસ અનુસાર, 'યુનિટી અગેઇન્સ્ટ લેફ્ટ' નામનું વૉટ્સએપ ગ્રૂપ પણ તપાસના ઘેરામાં છે.
આ ગ્રૂપમાં લગભગ 60 લોકો હતા. પોલીસની તપાસ પ્રમાણે આ વૉટ્સએપ ગ્રૂપ હુમલા સમયે જ બનાવવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસે યોગેન્દ્ર ભારદ્વાજ આ ગ્રૂપના એડમિન હોવાનું જણાવ્યું છે.
જેએનયુમાં થયેલા હુમલાઓની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે કુલ 3 ગુના દાખલ કર્યા છે. ડીસીપી જૉય તિરકી પ્રમાણે દિલ્હી પોલીસને જેએનયુના સીસીટીવી કૅમેરાનું ફૂટેજ નથી મળ્યું, કારણ કે એ કૅમેરા કામ નહોતા કરી રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે તેનું કારણ સર્વર રૂમમાં કરાયેલી તોડફોડને ગણાવી હતી.
પોલીસનું કહેવું છે કે હુમલાખોરોની ઓળખ માટે વિદ્યાર્થીઓ, ગાર્ડ, શિક્ષકો અને યુનિવર્સિટી પરિસરમાં રહેનાર લોકો સાથે વાત કરાઈ છે.
જે વીડિયો પોલીસને મળ્યા છે તેના આધારે શકમંદોની ઓળખ કરાઈ રહી છે.
બીજી બાજુ જેએનયુ વિદ્યાર્થીસંધે આરોપ લગાવ્યો છે કે પાંચ જાન્યુઆરીના રોજ બનેલી હિંસાની ઘટના અગાઉ જ પોલીસને કૅમ્પસમાં ભીડની હાજરી અંગેની સૂચના અપાઈ હતી, પરંતુ તેમણે આ માહિતી પર ધ્યાન ન આપ્યું.
જેએનયુએસયુએ દાવો કર્યો છે કે તેમણે બપોરે 3 વાગ્યે પોલીસને સૂચના આપી હતી અને આ મૅસેજ ત્રણ વાગ્યા ને સાત મિનિટે વાંચવામાં આવ્યા, પરંતુ આ મૅસેજો પર ધ્યાન ન અપાયું.
એવો પણ આરોપ લાગી રહ્યો છે કે આ હુમલા માટે આરએસએસ સાથે જોડાયેલ વિદ્યાર્થીસંગઠન એબીવીપી જવાબદાર છે.
જેએનયુએસયુએ એ પણ આરોપ લગાવ્યો છે કે એબીવીપીના સભ્યોએ ચાર જાન્યુઆરીના રોજ પણ વિદ્યાર્થીઓને માર માર્યો હતો અને જ્યારે જેએનયુએસયુના મહાસચિવ સતીશ ચંદ્ર યાદવે હસ્તક્ષેપ કર્યો ત્યારે તેમણે તેમના પર પણ હુમલો કરી દીધો હતો.

'આમને ન તો બંધારણ પર વિશ્વાસ છે, ન પોલીસ પર'

ઇમેજ સ્રોત, ANI
જેએનયુ વિદ્યાર્થીસંઘના આરોપો પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના જેએનયુ યુનિટના પ્રમુખ દુર્ગેશ કુમાર જણાવે છે :
"તેમને ના બંધારણ પર વિશ્વાસ છે, ના તો પોલીસ પર ભરોસો છે, ના કે પ્રશાસન પર યકીન છે."
"જેમને કોઈની પર પણ વિશ્વાસ નથી, એમના વિશે અમે શું કહી શકીએ છીએ."
"આપણે અમુક સંસ્થાનો પર તો વિશ્વાસ કરવો જ પડશે."
"જ્યારે તેમને કોઈ સંસ્થાન પર વિશ્વાસ જ નથી તો આ વિશે શું કહી શકાય?"
દિલ્હી પોલીસે હિંસાના શકમંદોનાં નામ જારી કર્યાં છે, જેમાં વિદ્યાર્થીસંઘનાં અધ્યક્ષ આઇશી ઘોષનું નામ પણ સામેલ છે.
તેમણે આ અગે કહ્યું, "મેં કોઈના પર, કોઈ પણ પ્રકારનો હુમલો કર્યો નથી."
"મારા હાથમાં કોઈ રૉડ નહોતી."
"મને નથી ખબર કે દિલ્હી પોલીસને આવી માહિતી ક્યાંથી મળી રહી છે?"
"મને ભારતના કાયદા પર પૂરેપૂરો વિશ્વાસ છે અને હું જાણું છું કે હું ગલત નથી."
"અત્યાર સુધી મારી ફરિયાદ પર એફ.આઈ.આર. નોંધાઈ નથી."
"શું મારા પર જીવલેણ હુમલો નહોતો થયો?"
આઇશીએ દિલ્હી પોલીસની તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું, "દિલ્હી પોલીસ કેમ પક્ષપાતયુક્ત વલણ સાથે કામ કરી રહી છે, સુરક્ષા કારણોને લીધે જો હું વિદ્યાર્થીઓ પાસ જઉં તો શું આ વાત ખોટી છે?"
"પોલીસ પાસે કોઈ પુરાવા નથી."
"જે વીડિયો મીડિયામાં ચાલી રહ્યો છે, તેના પર હું પહેલાંથી જ સ્પષ્ટતા કરી ચૂકી છું."
"હું વિદ્યાર્થીસંઘનાં અધ્યક્ષ તરીકે પોતાની ફરજ બજાવી રહી હતી."
"હું વિદ્યાર્થીઓને મળવા ગઈ હતી."
"જો સુરક્ષાકર્મી પોતાનું કામ કરી રહ્યા હોત તો અમારે ત્યાં જવાની કોઈ જરૂર જ ન પડત."
"કેમ પોલીસના સ્થાને વિદ્યાર્થીઓએ અમને બોલાવ્યા?"
જોકે, એબીવીપીના દુર્ગેશને લાગે છે કે આ મામલે હજુ વધુ નામો સામે આવવાનાં બાકી છે.
તેમણે કહ્યું : "દિલ્હી પોલીસની તપાસમાં જે લોકોનાં નામ બહાર આવ્યાં છે, તેનાથી અમે પણ સંતુષ્ટ નથી."
"મને લાગે છે કે આ નામોની યાદીમાં હજુ કેટલાંક નામો ઉમેરાવાના બાકી છે."
"તપાસ ચાલી રહી છે અને અમને લાગે છે કે ન્યાય મળશે."

દિલ્હી પોલીસ પર કાવતરું ઘડવાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
બીજી બાજુ, જેએનયુ વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્ય એન. સાઈ બાલાજીએ કહ્યું, "અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક એબીવીપીને બચાવવા માટે દિલ્હી પોલીસ સંપૂર્ણપણે રાજકારણથી પ્રેરિત થઈને કામ કરી રહી છે."
"દિલ્હી પોલીસ કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા કે તપાસ વગર કાવતરું ઘડીને ગણ્યાં-ગાંઠ્યાં વિદ્યાર્થીઓ અને સંગઠનોને ગુનેગાર સાબિત કરવામાં લાગેલી છે."
આ મામલે તેઓની શું માગણી છે? આ પ્રશ્નના જવાબમાં બાલાજીએ કહ્યું :
"અમે ઇચ્છીએ છીએ કે જે નામો અમે દિલ્હી પોલીસને પોતાની ફરિયાદમાં આપ્યાં છે, એ તમામની પૂછપરછ કરાય."
"તેમના વૉટ્સએપની તપાસ કરવામાં આવે, ઘટના સમયે તેમના મોબાઇલની લોકેશનના આધારે તપાસ કરવામાં આવે."
બાલાજીએ આ સાથે એવી પણ માગ કરી કે દિલ્હી પોલીસની કાર્યપ્રણાલીની નિષ્પક્ષ ન્યાયિક તપાસ હાઈકોર્ટની દેખરેખમાં થવી જોઈએ.
બીજી તરફ એબીવીપીના દુર્ગેશ પોલીસ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરે છે.
દુર્ગેશે કહ્યું, "દિલ્હી પોલીસે જે નવ લોકોનાં નામ જાહેર કર્યાં છે, તે પૈકી સાત લોકો લેફ્ટિસ્ટ સંગઠનોના છે."
"અમે તપાસમાં પોલીસનો સહયોગ કરીશું."
"અમને દિલ્હી પોલીસ પર વિશ્વાસ છે."
"અમે એવી માગ કરીશું કે દિલ્હી પોલીસ જલટી મામલાની તપાસ પૂરી કરે અને ઘટનાના દોષીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે."
વિદ્યાર્થીસંગઠન સીઆરજેડી સાથે જોડાયેલાં પ્રિયંકા ભારતીએ પણ પોલીસ પર ઝુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો છે.
સાથે જ તેમણે આ મામલે નિષ્પક્ષ તપાસ કરવાની અને ઘટનામાં સામેલ લોકો પર કાર્યવાહી કરવાની માગણી કરી છે.
તેમણે કહ્યું : "દિલ્હી પોલીસ કોઈ પણ પ્રકારે અમારી સાથે નથી."
"તેઓ જેટલાં પણ નિવેદનો આપી રહ્યાં છે તે આધારહીન અને પક્ષપાતપૂર્ણ છે."
"તેઓ માત્ર જુઠ્ઠું બોલી રહ્યા છે."
"જે દિવસે અમને કૅમ્પસમાં માર મારવામાં આવ્યો, એ દિવસે તેઓ કૅમ્પસમાં ત્રણ વાગ્યાથી જ હાજર હતા."
"દિલ્હી પોલીસ આ બાબતે નિષ્પક્ષ નથી અને તેમણે આ મામલાની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ."
"તેમજ આ ઘટનામાં જે લોકો સામેલ છે તેમના પર કડક કાર્યવાહી કરવી જોઈએ."

વધુ કડક થયું જેએનયુ પ્રશાસન

ઇમેજ સ્રોત, Getty Images
આ તમામ ઘટનાક્રમ વચ્ચે, જેએનયુ પ્રશાસન દ્વારા 5 જાન્યુઆરીના રોજ થયેલ હિંસાની તપાસ માટે પાંચ સભ્યોની એક ટીમ બનાવાઈ છે.
આ સાથે જ જેએનયુના ડીન ઉમેશ એ. કદમે તમામ વૉર્ડનને નિર્દેશ આપ્યા છે કે હૉસ્ટેલમાં કોઈ પણ બહારની વ્યક્તિ હાજર ન રહેવી જોઈએ.
નિર્દેશમાં સાત જાન્યુઆરીના રોજ વસંતકુંજ પોલીસ સ્ટેશન તરફથી મળેલા પત્રનો હવાલો અપાયો છે.
તેમાં જણાવાયું છે કે, વસંતકુંજ પોલીસ સ્ટેશન તરફથી મળેલા પત્રમાં રજિસ્ટ્રારને સલાહ અપાઈ છે કે તેઓ હૉસ્ટેલમાં બહારની વ્યક્તિઓ છે કે કેમ? એ અંગેનું ઑડિટ કરાવે.
જો આવી કોઈ પણ ઘટના સામે આવે તો તરત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને તેની માહિતી આપવામાં આવે.
નોટિસમાં જણાવાયું છે કે જો કોઈ બહારની વ્યક્તિ કે પરવાનગી વગરના વિદ્યાર્થીઓ કોઈ હૉસ્ટેલના રૂમમાં રહેતા હોય એવું મળી આવશે તો સંબંધિત છાત્ર વિરુદ્ધ વહીવટી નિયમો હેઠળ જરૂરી પગલાં ભરાશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














