JNU હિંસા : પોલીસે કહ્યું, યુનિયન પ્રૅસિડેન્ટ આઈશી સહિત નવ વિદ્યાર્થીઓ હિંસામાં સામેલ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે થયેલા હુમલામાં સામેલ કેટલાક બુકાનીધારીઓની ઓળખ કરી લેવાઈ હોવાનો દિલ્હી પોલીસે દાવો કર્યો છે. પત્રકારપરિષદમાં પોલીસે જણાવ્યું કે હુમલો કરનારા લોકોમાંથી નવની ઓખળ કરી કરી લેવાઈ છે અને તેમાં જવાહરલાલ નહેરુ સ્ટુડન્ટ્સ યુનિયનનાં અધ્યક્ષા આઈશી ઘોષનું નામ પણ સામેલ છે.

દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જોય ટિર્કીએ કહ્યું કે આઈશી ઘોષની આગેવાની વિદ્યાર્થીના એક ટોળાએ પાંચ જાન્યુઆરીએ સાંજે પેરિયાર હૉસ્ટેલ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, "આ મામલે અત્યાર સુધી ત્રણ કેસો નોંધાયા છે અને તપાસ ચાલુ છે."

પોલીસના જણાવ્યા અનુસાર એક જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન થવાનું હતું. જોકે, જેએનએસયુ અંતર્ગત એસએફઆઈ, આઇસા, એઆઈએસએફ અને ડીએસએફ જેવાં વિદ્યાર્થી સગંઠનો વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરતા અટકાવી રહ્યાં હતાં.

"જેને પગલે વિવાદ વકર્યો હતો અને પાંચ જાન્યુઆરીએ પેરિયાર તેમજ સાબરમતી હૉસ્ટેલના કેટલાક ઓરડામાં હુમલો કરાયો હતો." ટિર્કીએ કહ્યું કે હુમલો કરવા માટે વૉટ્સઍપ ગ્રૂપ બનાવાયાં અને બુકાનીધારીઓ એ પણ જાણતા હતા કે એમને કયાકયા ઓરડામાં જવાનું હતું.

"હિંસાના સીસીટીવી ફૂટેજ નથી મળ્યા જોકે, અમે વાઇરલ વીડિયો થકી આરોપીઓની ઓળખ કરી લીધી છે. આ અંગે 3-32 સાક્ષીઓ સાથે પણ વાત કરવામાં આવી છે."

ઓળખ કરાયેલા વિદ્યાર્થીઓમાં આઈશી ઘોષ, જેએનયુ છાત્રસંઘનાં કાઉન્સિલર સૂચેતા તાલુલ્કદાર, ચુનચુન કુમરા, પ્રિયા રંજન, ડોલન સામંત, યોગેન્દ્ર ભારદ્વાજ, વિકાસ પટેલ, પંકજ મિશ્રા અને વાસ્કર વિજય સામેલ છે.

જોકે, આઈશી ઘોષે જણાવ્યું છે કે પોલીસના શંકાસ્પદ કહેવાથી કોઈ શંકાસ્પદ નથી થઈ જતું.

તેમણે કહ્યું,"મને આ દેશના ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે અને હું આશા રાખું છું કે અસલી આરોપીઓ અંગે માલુમ પડી જશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો