કન્હૈયા કુમારે કહ્યું, 'તેમને JNUમાં ત્રણ હજાર કૉન્ડમ મળ્યા, પણ ત્યાંનો વિદ્યાર્થી નહીં' Top News

દિલ્હીની જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય એટલે કે JNUના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારે ગુરુવારના રોજ કહ્યું છે કે વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો દેશને નહીં, પણ ભાજપને તોડી રહ્યા છે.

NDTVમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, દિલ્હીમાં નિકળેલી માર્ચ દરમિયાન કન્હૈયા કુમારે ભાજપ અને ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ પર શાબ્દિક હુમલો કર્યો હતો.

કન્હૈયા કુમારે કહ્યું,"તેમને જે.એન.યુ.ની કચરાપેટીઓમાંથી ત્રણ હજાર કૉન્ડમ મળ્યા, પરંતુ ત્યાંનો વિદ્યાર્થી નઝીબ ન મળ્યો."

"સમજાતું નથી કે તેમણે કઈ રીતે ગણતરી કરી હશે."

તેમના આ નિવેદનને ઉપસ્થિત ભીડે તાળીઓથી વધાવી લીધું હતું.

તેમણે કહ્યું, "દેશના ગૃહમંત્રી અમને ટૂકડે-ટૂકડે ગૅંગ તરીકે બોલાવે છે. તો હું એમને જણાવવા માગુ છું કે અમે દેશના નહીં, પણ ભાજપના ટૂકડા કરીશું."

કન્હૈયા કુમારે આ દરમિયાન કહ્યું કે જેએનયુ માત્ર આજની પેઢી માટે લડે છે એવું નથી. તે આગળની પેઢી માટે પણ લડે છે. અમે માત્ર અમારા માટે જીવવાનું શીખતા નથી.

કન્હૈયાએ કહ્યું છે કે આ દેશનું બંધારણ દરેક નાગરિકને ભણવા તેમજ સપના જોવાના અધિકાર આપે છે.

તમે અમારા સપનાને મારવા માગો છો, પણ અમે મરવા નહીં દઈએ. તમને એ ભ્રમ છે કે પોલીસ પાસે મારપીટ કરાવી તમે અમને રોકી દેશો.

'ઇન્ટરનેટ મૂળભૂત અધિકાર'

જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો પ્રદાન કરતા અનુચ્છેદ 370ને કેન્દ્ર સરકારે 5 ઑગસ્ટ 2019ના રોજ હઠાવાયા બાદ પ્રદેશમાં ઇન્ટરનેટ અને લૉકડાઉનની સ્થિતિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવ્યો.

જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બી.આર. ગવઈની સંયુક્ત પીઠે આ મામલે ફેંસલો સંભળાવ્યો.

જસ્ટિસ રમણાએ કહ્યું કે ઇન્ટરનેટ વાણીસ્વાતંત્ર્યના અધિકાર અંતર્ગત આવે છે. તે વાણીસ્વાતંત્ર્યનું માધ્યમ પણ છે.

દીપિકા પાદુકોણનો 'સ્કિલ ઇન્ડિયા' પ્રમોશનલ વીડિયો ડ્રૉપ

આ તરફ JNUની મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર દીપિકા પાદુકોણ ચર્ચાનો વિષય બની ગયાં છે.

પહેલાં તેમની ફિલ્મ છપાકનો બહિષ્કાર કરવા કૅમ્પેન ચાલ્યું, તો હવે સમાચાર આવ્યા છે કે કૌશલ વિકાસ મંત્રાલયે દીપિકા પાદુકોણનો સ્કિલ ઇન્ડિયા પ્રમોશનલ વીડિયો ડ્રૉપ કર્યો હોવાની ચર્ચા છે.

ઇન્ડિયા ટૂડેમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ડ્રૉપ કરવામાં આવેલા પ્રમોશનલ વીડિયોમાં દીપિકા 'ઍસિડ ઍટૅક સર્વાઇવર' અને 'સ્કિલ ઇન્ડિયા' વિશે વાત કરતાં નજરે પડે છે.

આ વીડિયો બુધવાર એટલે કે 8 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાનો હતો, જે થયો નથી, જેથી વીડિયો પડતો મૂકાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું.

આ સમાચારના સામે આવ્યા બાદ સંબંધિત મંત્રાલયે પણ પોતાનો પક્ષ રાખ્યો છે.

મંત્રાલયનું કહેવું છે કે આવા કેસમાં મંત્રાલય કોઈ નિર્ણય લેતું નથી. તેમાં અંતિમ નિર્ણય નેશનલ સ્કિલ ડેવલપમૅન્ટ ઑથોરિટી જ લે છે.

રાજ્યમાં બળાત્કારના કેસમાં 16%નો વધારો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2018માં બળાત્કારના કેસોમાં 16%નો વધારો નોંધાયો છે.

વર્ષ 2017માં બળાત્કારનો આંકડો 477 પર હતો, જે 2018માં 553 પર પહોંચ્યો હતો.

આ તરફ બાળકો પર થતી જાતીય સતામણીના કેસમાં પણ 28%નો વધારો થયો છે.

વર્ષ 2017માં આ આંકડો 1671 પર હતો, જે 2018માં 2127 પર પહોંચ્યો હતો.

આ આંકડા નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યૂરો (NCRB) એ જાહેર કર્યા છે.

NCRBના આંકડા પ્રમાણે ગુજરાતના બે મોટા શહેર અમદાવાદ અને સુરતમાં બળાત્કારના કેસોમાં ક્રમશઃ 6.25% અને 43%નો વધારો થયો છે.

મનસે સાથે હાથ મિલાવવાનો કોઈ વિચાર નહીં : દેવેન્દ્ર ફડણવીસ

અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ ઠાકરે સાથે મુલાકાત કરી છે અને બન્નેએ ગઠબંધન કરવાની યોજના બનાવી છે.

જોકે, આ વાત પર દેવેન્દ્ર ફડણવીસે પૂર્ણવિરામ લગાવી દીધું છે.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે કોઈ મુલાકાત નથી કરી અને તેમની સાથે હાથ મિલાવવાની કોઈ યોજના નથી.

તેમણે ઉમેર્યું છે કે તેમની પાર્ટી અને મ.ન.સે.ની વિચારધારા અલગ છે.

તેમના મતે ભાજપ એક રાષ્ટ્રીય પાર્ટીના રૂપમાં વિત્રિન્ન ક્ષેત્રીય સંગઠનો સાથે કામ કરવાના પક્ષમાં છે અને ભવિષ્યમાં આ મુદ્દે વિચાર કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો