શું ઈરાનની સેના અમેરિકાને જવાબ આપી શકે એટલી તાકતવર છે? રિયાલિટી ચેક

    • લેેખક, રિયાલિટી ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

ઈરાને ઇરાકમાંનાં અમેરિકન સેનાનાં બે ઠેકાણાં પર એક ડઝન કરતાં વધારે મિસાઇલ છોડી હતી.

બગદાદ હવાઈમથક ખાતે ઈરાની સેનાના કમાંડર, જનરલ કાસિમ સુલેમાનીએ અમેરિકાના ડ્રોન હુમલામાં જીવ ગુમાવ્યા બાદ ઈરાને અમેરિકાના આ કૃત્યનો જવાબ આપવાનો સંકલ્પ કર્યો હતો.

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખમેનીએ ઈરાનના આ હુમલાને 'અમેરિકાના મોં પર લપડાક' ગણાવી હતી.

આવી પરિસ્થિતિમાં આપણે ઈરાનની સૈન્ય તાકાત વિશે કેટલું જાણીએ છીએ?

ઈરાન પાસે કેવી મિસાઇલો છે?

ઈરાનની મિસાઇલો તેની મિલિટરી તાકાત માટે અત્યંત મહત્ત્વની છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગના મતે ઈરાનની મિસાઇલ ફોર્સ મધ્ય-પૂર્વના દેશો પૈકી સૌથી વધારે તાકતવર છે.

નોંધનીય છે કે ઈરાનના મિસાઇલ-સંગ્રહમાં મોટા ભાગે શોર્ટ અને મિડિયમ રેન્જની મિસાઇલો સામેલ છે.

વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ઈરાન દ્વારા ઇન્ટર-કોન્ટિનેન્ટલ મિસાઇલ ટેકનોલૉજી વિકસાવવા માટે સ્પેસ ટેકનોલૉજી ક્ષેત્રે પરીક્ષણ કરી રહ્યું છે.

ધ રોયલ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુટ (RUSI)ના રિપોર્ટ અનુસાર વર્ષ 2015માં અન્ય દેશો સાથેની ન્યૂક્લિયર ડીલને કારણે ઈરાન દ્વારા પોતાના લોંગ-રૅન્જ મિસાઇલ પ્રોગ્રામ પર બંધ કરી દેવાયો હતો.

પરંતુ આ ડીલને લઈને સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે ઈરાને આ પ્રોગ્રામ ફરીથી શરૂ કર્યું હોય એવું લાગે છે.

જોકે, હાલના તબક્કે ઈરાન પાસે રહેલી મિસાઇલોની રેન્જમાં સાઉદી-અરેબિયા અને અખાતના ઘણા દેશો આવે છે.

એક અનુમાન અનુસાર આ મિસાઇલોના નિશાન પર ઇઝરાયલના કેટલાક ઠેકાણાં પણ આવી શકે છે.

ગયા વર્ષે મે મહિનામાં અમેરિકાએ મધ્ય-પૂર્વમાં ઈરાન સાથે વધી રહેલા તણાવને જોતાં પેટ્રિયૉટ- ઍન્ટિ મિસાઇલ સિસ્ટમ મેદાનમાં ઉતારી દીધું હતું.

આ સિસ્ટમ દ્વારા બેલિસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ અને એડવાન્સ ઍરક્રાફ્ટ નષ્ટ કરી શકાય છે.

ઈરાનની સેનાનું કદ કેટલું?

યુ. કે. બેઝ્ડ થિંક-ટૅન્ક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડિઝ પ્રમાણે હાલ ઈરાનની સેનામાં 5,23,000 સક્રિય સૈન્ય અધિકારીઓ છે.

આ સંખ્યામાં કાયમી સેનાના 3,50,000 સૈનિકો અને ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ્ઝ કોર્પ્સ (IRGC)ના 1,50,000 સૈનિકો પણ સામેલ છે.

આ સિવાય IRGCની નેવલ ફોર્સમાં પણ 20 હજાર જેટલા સૈનિકો છે. આ ફોર્સ હથિયારબંધ બોટ સાથે હોર્મુઝની સામુદ્રધુની પર પહેરો ભરે છે.

હોર્મુઝની સામુદ્રધુની ખાતે વર્ષ 2019માં ઘણા વિદેશી ટેન્કરો સાથે ઈરાની સૈન્યને ઘર્ષણ થવાના સમાચાર મળતા રહેતા હતા.

આ સિવાય IRGC આંતરિક અસંતોષને ડામવામાં સેનાને મદદરૂપ થતા સ્વયંસેવી યુનિટ બસજી પર નિયંત્રણ ધરાવે છે.

આ યુનિટ જરૂર પડ્યે લાખોની સંખ્યામાં સ્વયંસેવકો લાવી સેનામાં ઉમેરી શકે છે.

IRGCની સ્થાપના 40 વર્ષ પહેલાં ઈરાનમાં ઇસ્લામિક તંત્રના રક્ષણ માટે થઈ હતી.

ત્યારથી આજ સુધી આ ફોર્સ ઈરાનની મોટી સૈન્ય, રાજકીય અને આર્થિક તાકાત બની ગઈ છે.

સ્વયંસેવકોની મોટી સંખ્યા અને કાયમી સૈન્ય શક્તિ ઓછા પ્રમાણમાં હોવા છતાં પણ આ IRGCને ઈરાનની સૌથી તાકતવર મિલિટરી ફોર્સ માનવામાં આવે છે.

વિદેશમાં ઈરાની સેના

IRGC માટે વિદેશમાં સિક્રેટ ઑપરેશન હાથ ધરતી ફોર્સ કુદ્સ ફોર્સનું નેતૃત્વ જનરલ સુલેમાની કરતા હતા. જે સીધી ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતોલ્લાહ અલી ખમેનેઈને જવાબદાર છે.

આ ફોર્સમાં પણ આશરે પાંચ હજાર અધિકારીઓ કાર્યરત હોવાનું મનાય છે.

આ ફોર્સ સીરિયામાં તહેનાત કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. સીરિયામાં આ ફોર્સ સીરિયન પ્રમુખ બશર અલ-અશદની સેના અને તેમના માટે કામ કરી રહેલા શિયા લડાકાઓને સલાહ આપતી હતી.

ઇરાકમાં પણ આ ફોર્સ ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ લડત આપી રહેલા શિયા પેરામિલિટરી ફોર્સને ટેકો આપી રહી હતી.

જોકે, અમેરિકા અનુસાર ઈરાનની કુદ્સ ફોર્સ મધ્ય-પૂર્વમાં અમેરિકા દ્વારા ઉગ્રવાદી તરીકે નોંધાયેલા સમૂહોને પૈસા, તાલીમ અને હથિયારો પૂરાં પાડે છે.

જેમાં લેબનોનની હેઝબુલ્લાહ ચળવળ અને પેલેસ્ટાઇનની ઇસ્લામિક જેહાદ સામેલ છે.

આર્થિક મુશ્કેલીઓ અનો પ્રતિબંધોને કારણે ઈરાનની હથિયારોની આયાત પર અવળી અસર પડી છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2009 થી 2018ના સમયગાળા દરમિયાન ઈરાનની સંરક્ષણ-આયાતોનું મૂલ્ય સાઉદી-અરેબિયાની સંરક્ષણ-આયાતોના મૂલ્યના માત્ર 3.5 ટકા જેટલું હતું.

ઈરાન મોટા ભાગે હથિયારોની આયાત રશિયા અને ચીન પાસેથી કરે છે.

શું ઈરાન પાસે પરમાણુ હથિયારો છે?

ઈરાન પાસે હાલ પરમાણુ હથિયાર નથી, તેમજ અગાઉ ઈરાન આ અંગ કહી ચૂક્યું છે કે તેને પરમાણુ હથિયારની જરૂરિયાત પણ નથી.

તેમજ ઈરાન આ અંગે કહી ચૂક્યું છે કે તેની પાસે પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી મોટા ભાગના સાધનો છે. તેમજ પરમાણુ હથિયાર બનાવવા માટે જરૂરી વૈજ્ઞાનિક તકનીક ઉપલબ્ધ હોવાનો પણ દાવો તેઓ કરી ચૂક્યા છે.

વર્ષ 2015માં અમેરિકન સરકારના અનુમાન પ્રમાણે પરમાણુસજ્જ રાષ્ટ્ર બનવા માટે જરૂરી પરમાણુ મટિરિયલ તૈયાર કરવાથી ઈરાન માત્ર બે-ત્રણ મહિના જ દૂર હતું.

વર્ષ 2015માં તહેરાન અને અન્ય છ શક્તિશાળી દેશો વચ્ચે થયેલા ન્યુક્લિયર કરારમાં ઈરાનની ન્યુક્લિયર ગતિવિધિઓ પર આંતરરાષ્ટ્રીય દેખરેખ રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે આ કરારમાંથી વર્ષ 2018માં અમેરિકાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

અમેરિકાની સેના દ્વારા જનરલ સુલેમાનીની હત્યા બાદ ઈરાને આ પ્રતિબંધોને માનવાથી ઇન્કાર કરી દીધો છે.

પરંતુ ઈરાને યુ. એન.ની ન્યુક્લિયર હથિયારો અંગેની તકેદારી સંસ્થા, IAEA (ઇન્ટરનેશનલ ઍટમિક ઍનર્જી એજન્સી, આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી)ને સહકાર આપવાનું ચાલુ રાખવાની ખાતરી આપી છે.

વર્ષો સુધી પ્રતિબંધ લાદી રખાયા છતાં, ઈરાન સફળતાપૂર્વક ડ્રોન ટેકનોલૉજી વિકસાવી ચૂક્યું છે.

વર્ષ 2016થી ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડતમાં ઈરાની ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

RUSI પ્રમાણે સીરિયા ખાતેના બેઝ પરથી ઈરાનને ઇઝરાયલના ઍરસ્પેસમાં પહોંચવામાં પણ સફળતા હાંસલ થઈ છે.

જૂન 2019માં ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની ખાતે મંડરાઈ રહેલા અમેરિકાના સર્વેલન્સ ડ્રોનને ઈરાનના ઍરસ્પેસના કથિત ઉલ્લંઘન બદલ તોડી પાડ્યો હતો.

બીબીસીના ડિફેન્સ અને ડિપ્લોમૅટિક સંવાદદાતા જોનાથન મારકસે આપેલી માહિતી અનુસાર ઈરાન તેના સાથી દેશોને પોતાની ડ્રોન ટેકનૉલૉજી વેચવા કે તબદીલ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.

વર્ષ 2019માં સાઉદી અરેબિયાનાં બે મહત્ત્વપૂર્ણ ઓઇલ-ઠેકાણાં પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કરાયો હતો.

અમેરિકા અને સાઉદી-અરેબિયા બંનેએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યો હતો.

જોકે, તહેરાને આ ઘટના માટે યમનના બળવાખોરોને જવાબદાર ગણાવ્યા હતા.

શું ઈરાન સાયબર ક્ષેત્રે શક્તિશાળી છે?

વર્ષ 2010માં ઈરાની ન્યુક્લિયર ફૅસિલિટી પર સાયબર હુમલાના પગલે, ઈરાને સાયબર ક્ષેત્રે પોતાની તાકાત વધારવાનું શરૂ કરી દીધું હતું.

IRGC પાસે પોતાનું સાયબર કમાન્ડ હોવાનું કહેવાય છે, જે વ્યવસાયિક અને સૈન્ય જાસૂસી માટે કામ કરે છે.

વર્ષ 2012માં અમેરિકાએ તેની પર થઈ રહેલા શ્રેણીબદ્ધ સાયબર હુમલાઓ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું.

વર્ષ 2019ના અમેરિકન સૈન્યના રિપોર્ટમાં અમેરિકાએ તેની ઍરોસ્પેસ કંપનીઓ, ડિફેન્સ કૉન્ટ્રેક્ટરો, ઍનર્જી અને નેચરલ રિસોર્સ કંપનીઓ અને ટેલિકૉમ્યુનિકેશન કંપનીઓ પર ઈરાન જાસૂસી સાયબર હુમલા કરતું હોવાનું જણાવાયું હતું.

2019માં માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, ઈરાની સરકાર સાથે સાંઠગાંઠ ધરાવતા હૅકરોના સમૂહ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો કરાયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો