You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રૅડ-યુનિયનોની હડતાળ : ગુજરાતમાં હજારો મહિલાઓ રસ્તા પર કેમ ઊતરી?
કેન્દ્ર સરકારની 'શ્રમિકવિરોધી નીતિઓ'ની સામે બુધવારે (8 જાન્યુઆરી) દેશવ્યાપી હડતાળની અપીલ કરનારાં મજૂરયુનિયનોનો દાવો છે કે હડતાળમાં અંદાજે 25 કરોડ લોકો ભાગ લેશે.
INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC કામદારસંગઠનોએ સામાન્ય હડતાળનું આહ્વાન કર્યું હતું.
ગુજરાતનાં વિવિધ શહેરોમાં પણ હડતાળના સમર્થનમાં રેલી અને પ્રદર્શનોના કાર્યક્રમો યોજાયા હતા. જોકે આ હડતાળમાં નોંધપાત્ર રીતે મહિલા કામદારોની સંખ્યા જોવા મળી હતી.
અમદાવાદ, ભરૂચ, અરવલ્લી, ભાવનગર સહિત વિવિધ સ્થળે હજારોની સંખ્યામાં આશા વર્કર્સ, આંગણવાડી બહેનો અને મહિલા કામદારો રસ્તા પર ઊતર્યાં હતાં.
વયમર્યાદા, વેતનવધારો, બઢતી સહિતની વિવિધ માગણીઓ આ કામદારો દ્વારા ઉઠાવવામાં આવી છે.
વિવિધ જિલ્લાઓમાં કામદારસંગઠનો રેલી યોજીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત પણ કરવામાં આવી હતી.
ટ્રૅડ-યુનિયનોએ ગત ગુરુવારે કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષ ગંગવાર સાથે મુલાકાત કરી હતી.
ટ્રૅડ-યુનિયનો અનુસાર કેન્દ્રીય મંત્રી ગંગવારે યુનિયનોના પ્રતિનિધિઓને જણાવ્યું કે સરકાર શ્રમિકોની ભલાઈ માટે બધાં પગલાં ભરી રહી છે અને લેબર કોડ સાથે જોડાયેલો કાયદો પણ તેનો હિસ્સો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે બાદમાં 10 કેન્દ્રીય ટ્રૅડ-યુનિયનોએ એક સંયુક્ત નિવેદન કરીને જણાવ્યું કે ગંગવારે તેમની '14 સૂત્રીય માગમાંથી એક પણ માગના સમાધાનનો ભરોસો આપ્યો નથી.'
ગુજરાતમાં હડતાળની કેટલી અસર?
અમદાવાદ : અમદાવાદમાં કામદારસંગઠનો દ્વારા સંયુક્ત રીતે રેલી યોજવામાં આવી હતી અને કામદારો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા
રેલીમાં 'મજદૂરીવિરોધી સરકાર મુર્દાબાદ'ના પ્લેકાર્ડ સાથે પ્રદર્શનકારીઓ જોડાયા હતા.
કલેક્ટર કચેરીના પરિસરમાં મોટી સંખ્યામાં આશા વર્કર અને અન્ય કામદાર મહિલાઓ હાજર રહી હતી.
સુરત : દેશવ્યાપી હડતાળના સમર્થનમાં સુરતના વિવેકાનંદ સર્કલ ખાતે પ્રદર્શન યોજાયું હતું.
બૅન્કો, એલઆઈસી, પોસ્ટના કર્મચારીઓ પણ જોડાયા હતા.
આ હડતાળને પગલે બૅન્કિંગ ક્ષેત્ર પણ પ્રભાવિત થયું હતું.
આશા વર્કર બહેનો પણ આ પ્રદર્શનમાં જોડાઈ હતી.
કામદાર સંગઠનોનું કહેવું છે કે દસ રાષ્ટ્રીયકૃત બૅન્કોની સુરતસ્થિત 350 જેટલી શાખાઓમાં અસર થઈ હતી.
બૅન્ક કર્મચારીઓ પગારવધારો, પૅન્શન યોજના અને એનપીએની વસૂલાત સહિતની માગ કરી રહ્યા છે.
પ્રદર્શનોમાં સેવાકીય ક્ષેત્રો ઉપરાંત ટેક્સ્ટાઇલ અને હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો હાજર રહ્યા હતા.
ટેક્સ્ટાઇલ અને હીરાઉદ્યોગ એ સુરતના ઉદ્યોગજગતના પાયાના ઉદ્યોગો છે અને બંને ક્ષેત્રોમાં મંદી પ્રવર્તી રહી હોવાની બૂમો પડી રહી છે.
જોકે મોટાભાગનાં ઉદ્યોગએકમોમાં હડતાળનો માહોલ જોવા નહોતો મળ્યો અને ચાલુ રહ્યા હતા.
વડોદરા : હડતાળના ભાગરૂપે વડોદરામાં સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ ટ્રૅડ-યુનિયનોએ રેલી યોજી હતી.
લાલ ઝંડા અને પ્લેકાર્ડ્સ સાથે મોટી સંખ્યામાં કામદારો કલેક્ટ કચેરીએ પહોંચ્યા હતા.
કેન્દ્રીય ટ્રૅડ-યુનિયનોની સાથે વડોદરાના સ્થાનિક ટ્રૅડ-યુનિયનો પણ રેલીમાં જોડાયાં હતાં.
હજારોની સંખ્યમાં કામદારો રેલી સ્વરૂપે માંડવી દરવાજાથી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
વડોદરા સંયુક્ત કામદાર સમિતિના પ્રતિનિધિઓ કલેક્ટરને મળ્યા હતા અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
રાજકોટ :દેશનાં દસ કામદારસંગઠનો અને તેની સાથે જોડાયેલાં અન્ય સેવાકીય ક્ષેત્રોનાં સંગઠનો પણ આ હડતાળમાં સામેલ છે.
રેલવે, બૅન્ક, એલઆઈસી, બીએસએનએલ, બીએચઈએલ, બીપીસીએલ, એનટીપીસીના કામદારો પર હડતાળમાં સામેલ છે.
રાજકોટમાં આવકવેરા કચેરી, સરકારી બૅંકો, લાઇફ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC) સહિતની કચેરીઓ બહાર પણ કર્મચારીઓએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજકોટની રાષ્ટ્રીયકૃત બૅન્કો તથા એલઆઈસીનું કામકાજ આ હડતાળથી પ્રભાવિત થયું હતું.
ભાવનગરમાં ઘોઘા ગેટ પાસે કામદારસંગઠનો દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
દેશવ્યાપી હડતાળમાં આંગણવાડી બહેનો પણ જોડાઈ હતી. અરવલ્લી અને ભરૂચમાં આંગણવાડી બહેનો દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
અન્ય રાજ્યોમાં શું થઈ રહ્યું છે?
દેશના વિવિધ પ્રાંતોમાં સવારથી જ હડતાળના સમર્થનમાં રેલી-સરઘસો અને પ્રદર્શનો જોવા મળ્યાં હતાં.
પશ્ચિમ બંગાળના હૃદયપુરી રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રૅક પરથી પોલીસને ચાર ક્રૂડ બૉમ્બ મળી આવ્યા હતા, જેના કારણે માહોલ તંગ બન્યો હતો.
કેરળના થિરુવનન્થપુરમ્ ખાતે કામદાર સંગઠન દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પ્રદર્શન દરમિયાન એક બસને નિશાન બનાવવામાં આવી હતી અને પથ્થરમારો કરી બસમાં તોડફોડ કરાઈ હતી.
પશ્ચિમ બંગાળના હાવડામાં કામદારસંગઠનોના કાર્યકરો લાલા ઝંડાઓ સાથે રેલવે ટ્રૅક પર ગોઠવાઈ ગયા હતા અને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
કાંચરાપરામાં પણ આ રીતે જ ટ્રેનને રોકવામાં આવી હતી.
મુંબઈમાં ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડના કર્મચારીઓએ પણ પ્રદર્શન યોજ્યું હતું.
તામિલનાડુના ચેન્નાઈ ખાતે કામદાર સંગઠનોએ પ્રદર્શન યોજ્યું હતું.
ટ્રૅડ-યુનિયનોની માગ
સંયુક્ત નિવેદન પ્રમાણે ટ્રૅડ-યુનિયનોની મુખ્ય માગોમાં બેરોજગારી, લઘુતમ વેતન નક્કી કરવું અને સામાજિક સુરક્ષા નક્કી કરવી સામેલ છે. યુનિયનો બધા શ્રમિકો માટે લઘુતમ વેતન 21 હજાર રૂપિયા પ્રતિ માસની માગ કરી રહ્યા છે.
ટ્રૅડ-યુનિયનો નવા ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ બિલને 'માલિકોના પક્ષમાં અને મજૂરોની વિરુદ્ધ' ગણાવી રહ્યા છે.
ભારતીય ટ્રૅડ-યુનિયનોના ફેડરેશન સીટુના (સેન્ટર ઑફ ઇંડિયન ટ્રૅડ યુનિયન્સ) મહાસચિવ તપન સેને બીબીસી સંવાદદાતા ઝુબૈર અહમદ સાથેની વાતચીતમાં કેન્દ્ર સરકાર શ્રમિકવિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.
સેને કહ્યું, "આ સરકાર શ્રમિકોને બંધાયેલા મજૂર બનાવવા માગે છે, આ ઉદ્યોગપતિઓની સરકાર છે અને તે સરે-આમ 'ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ'ના નામે આવું કરી રહી છે."
તપન સેને આગળ કહ્યું, "સરકાર સફળ કેવી રીતે થશે? ફેકટરી પણ ચલાવવાની છે. બધા ટ્રૅડ-યુનિયનો 8 જાન્યુઆરીએ હડતાળ પાડીશું, ત્યારે તમને અમારી તાકતનો અંદાજ આવશે."
ભારતીય મજૂર સંઘ સામેલ નહીં
આરએસએસ સાથે જોડાયેલો ભારતીય મજૂર સંઘ આ હડતાળમાં સામેલ નહીં થાય.
સંઘના નેતા વીરજેશ ઉપાધ્યાયે કહ્યું, "આ કૉંગ્રેસ અને ડાબેરી દળોની એક રાજકીય હડતાળ છે."
તો અખિલ ભારતીય બૅન્ક કર્મચારી સંઘના સી.એચ. વેંકટચલમના અનુસાર, "કેન્દ્ર સરકાર મૂડીવાદીઓ સાથે છે, જેનો હેતુ અપ્રામાણિક છે."
ટ્રૅડ-યુનિયનોના નેતાઓ પ્રમાણે બુધવારની હડતાળમાં સરકારી કર્મચારી, બૅન્ક અને વીમા ક્ષેત્રના કર્મચારી સામેલ થશે. તેમણે સિવિલ સોસાયટીનું પણ સમર્થન માગ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો