જેએનયુ-દીપિકા પાદુકોણ : બોલીવૂડમાં ફાંટા પડ્યા છે ત્યારે ગુજરાતી કલાકારો શું માને છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે દિલ્હીની જેએનયુ (જવાહલાલ નહેરુ વિશ્વવિદ્યાલય)માં થયેલા હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સોશિયલ મીડિયામાં દીપિકાના વિરોધમાં અને સમર્થનમાં લોકો આવી રહ્યા છે. બોલીવૂડમાં પણ ફાંટા જોવા મળી રહ્યા છે.
મંગળવારે દીપિકાની મુલાકાત બાદ ટ્વિટર #Chappak #boycottchhapaak #DeepikaAtJNU હેશટેગ ટ્રૅન્ડ કરવા લાગ્યા હતા.
ટીવી ન્યૂઝ ચેનલ આજતકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું, 'દેશમાં જે કંઈ થઈ રહ્યું છે, એને જોઈને તેમને બહુ તકલીફ થાય છે.'
ઘણા જાણીતા અભિનેતાએ દીપિકા પાદુકોણની આ મુલાકાતને બિરદાવી છે અને તેને ટેકો આપ્યો છે.
તો જેએનયુની ઘટના, દેશમાં ચાલી રહેલો માહોલ અને દીપિકાની મુલાકાત સંદર્ભે બીબીસી ગુજરાતીએ ગુજરાતના કલાકારો-અભિનેતાઓ સાથે વાત કરી અને તેમનાં મંતવ્ય જાણ્યાં.

"મૈં કહીં ખો ગયા હૂં, જિસ્મ કી કબ્ર મેં સો ગયા હૂં"

ઇમેજ સ્રોત, SM VIRAL IMAGE
ફિલ્મ અભિનેતા અને નાટ્યકાર પ્રેમ ગઢવી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દીપિકા પાદુકોણની મુલાકાતને વ્યક્તિગત અને સંવેદનશીલ ગણાવે છે.
બર્લોસ્ત બ્રેખ્તની પંક્તિ ટાંકીને તેઓ કહે છે:
ક્યા જુલ્મતોં કે દૌર મેં ભી ગીત ગાયે જાએંગે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હા, જુલ્મતોં કે દૌર મેં હી ગીત ગાયે જાયેંગે.
આગળ તેઓ કહે છે, "આપણી સંવેદનશીલતાને શું થયું એ ખબર પડતી નથી. એક છોકરીના માથે વાગ્યું છે અને દીપિકા પાદુકોણ એને મળવા ગઈ છે. એક કલાકાર તરીકે એની અભિવ્યક્તિ રજૂ કરી છે એમાં ખોટું શું છે."
"એની સાથે ફિલ્મને શું લેવાદેવા હોય. એ એક કલાકાર છે અને એને જે સાચું લાગે એ કરી રહી છે."
દીપિકાના ટ્રૉલ થવા પર તેઓ કહે છે કે આમ પણ ફિલ્મી કલાકારો ઘણી બધી રીતે ટ્રૉલ થતાં હોય છે. તેઓ એ બધાથી પર હોય છે. એણે (દીપિકા) એના આત્માનો અવાજ સાંભળ્યો હશે એટલે મળવા ગઈ હશે.
ટ્રૉલથી ડરીને જે અન્ય અભિનેતાઓ, કલાકારો પીડિતોને સપોર્ટ નથી કરતાં એ મોટી ચિંતાનો વિષય છે એમ પ્રેમ ગઢવી કહે છે.
"જે કલાકારો આ ઘટના વિશે બોલતાં નથી એમના માટે પ્રેમ ગઢવી એક શેર કહે છે- મૈં કહીં ખો ગયા હૂં, જિસ્મ કી કબ્ર મેં સો ગયા હૂં."
સમાજની વર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરતાં પ્રેમ ગઢવી કહે છે, "કટ્ટર લોકો કરતાં આવા (સરકાર બદલાતાં જેમનાં તથ્યો બદલાતાં હોય છે)થી વધુ બીક લાગે છે. આવા લોકો સોસાયટીમાં માટે સૌથી વધુ હાનિકારક છે, જે સવાલો નથી કરતાં, વિરોધ નથી કરતાં."

ઇમેજ સ્રોત, Getty Images
જેએનયુની ઘટના મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અભિનેત્રી દીક્ષા જોશી કહે છે કે હું શાંતિમાં માનું છું, વિરોધ કરવો હોય તો શાંતિથી કરો, વિરોધને રોકવો હોય તો શાંતિથી રોકો. હિંસા ન થવી જોઈએ.
દીક્ષા જોશી માને છે કે લોકો ટ્રૉલ કરવાનો રસ્તો શોધતા હોય છે. દીપિકા હોય કે ગમે તે- લોકો પાસે ફ્રી ટાઈમ બહુ છે એટલે આવા ટ્રૉલ થતા હોય છે.
તેઓ કહે છે કે "ખરેખર જે થઈ રહ્યું છે એના પર સ્વસ્થ અને નિષ્પક્ષ ચર્ચા થવી જોઈએ, જે થતી નથી. લોકો મુદ્દા પર વાત નથી કરતાં પણ કોઈને વ્યક્તિગત ટાર્ગેટ કરે છે."
તેઓ જણાવે છે કે દીપિકા સામેની આ ઘટના નવી નથી, અગાઉ પણ થયું જ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અભિનેત્રી ભક્તિ કુબાવત માને છે કે સેલિબ્રિટી જે કંઈ પણ કરે છે લોકો તેના પર સવાલ ઉઠાવે છે. લોકો મોટા ભાગે તેને નકારાત્મક ગણે છે. કંઈ પણ કરવામાં આવે તો કહે છે કે લાભ માટે છે, પીઆર માટે છે.
"લોકો સાથે ખરાબ થઈ રહ્યું છે અને દીપિકાએ તેમને સપોર્ટ આપ્યો છે. આટલા વ્યસ્ત સમય વચ્ચે દીપિકા એ લોકોને મળ્યાં એ મોટી વાત છે."
"આ મુલાકાતથી લોકો દીપિકાને ઓળખતા થશે એવું નથી. તેમજ આ મુલાકાતથી વધુ લોકો ફિલ્મ જોવા જશે એવું પણ નથી. જે લોકો ફિલ્મ જોવાના છે, એ જોવાના જ છે."
"તેમને લાગ્યું કે અમને ઘણા લોકો ફૉલો કરે છે તો મારે સ્ટેન્ડ લેવું જોઈએ અને તેમણે લીધું છે."
નાટ્યકાર અને લેખક પરેશ વ્યાસ દીપિકાની મુલાકાતને વ્યક્તિગત માન્યતા સાથે જોડે છે.
તેઓ કહે છે, "કોઈ કહે છે કે આ ફિલ્મ પબ્લિસિટી છે, તો કોઈ કહે છે કે એમણે સ્ટેન્ડ લીધું છે. જો વ્યક્તિગત રીતે દીપિકા પાદુકોણ એમની માન્યતાને આધારે ગયાં હોય તો આપણી લોકશાહીમાં એવું છે કે દરેકની માન્યતાનું સન્માન થવું જોઈએ. એટલું જ નહીં પણ વિરોધ કરનારે અને સમર્થન આપનારે પણ તેમનું સન્માન કરવું જોઈએ."

દીપિકા પહેલાં નાગરિક છે, પછી સ્ટાર

ઇમેજ સ્રોત, Getty Images
જાણીતા નાટ્યકાર અને અભિનેતા રાજુ બારોટ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે દીપિકાએ જેએનયુમાં મળવા જઈને કશું ખોટું કર્યું નથી.
તેઓ કહે છે, "કોઈ પણ પ્રોફેશનના આ દેશના નાગરિક હોય તેમણે આના સમર્થનમાં ઊભા રહેવું જ જોઈએ. જેએનયુમાં જે ઘટના બની છે તેની સામે, તેના વિરોધમાં એક દેશના નાગરિક તરીકે ઊભા રહેવું જ જોઈએ. આ ન્યાયી આચરણ છે."
"એક કલાકાર તરીકે જો દીપિકા ગઈ હોય તો હું એને એક નાગરિક તરીકે જોઉં છું. અને નાગરિક તરીકે સંવેદનશીલતા રજૂ કરવાની એની ફરજ છે."
"એ સ્ટાર છે એ પછીની વાત છે પણ પહેલાં આ દેશની નાગરિક છે. અને આવા અન્યાય સામે અવાજ ઉઠાવે છે એ બહુ સારી વાત છે."
"લોકો જો એમ કહેતા હોય તો એ પબ્લિસિટી માટે આવી છે તો એ સાઇડની વસ્તુ છે. એક નાગરિક તરીકે, માણસ તરીકે એ ત્યાં આવી અને આ લોકોને (પીડિતો) સાંત્વન આપ્યું એ ખોટું નથી."
રાજુ બારોટ એમ પણ કહે છે કે દેશના કલાકારો, ઉદ્યોગપતિઓ કે સામાન્ય માણસે પણ આવા અન્યાય સામે અવાજ ઉઠાવવો જ જોઈએ.
તો ફિલ્મના પ્રમોશન અને રિલીઝ થવાના સમયે દીપિકાની આ મુલાકાત અંગે પરેશ વ્યાસ વધુમાં કહે છે, "જ્યારે ફિલ્મ આવવાની હોય ત્યારે લોકો સામાન્ય રીતે વિવાદ ટાળતા હોય છે, કેમ કે ફિલ્મમાં ઘણા પૈસા રોકાયેલા હોય, ઘણા માણસ જોડાયેલા હોય છે."
"તો આવા સમયે દીપિકાની આ મુલાકાત એક રીતે જોઈએ તો પબ્લિસિટી કરતાં પણ પોતાની એક માન્યતા મૂકી હોય એવું વધારે લાગે છે."

'પ્રમોશન જેવું લાગે છે'

ઇમેજ સ્રોત, Reuters
તો ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ઈડરના ભાજપના ધારાસભ્ય હીતુ કનોડિયા કહે છે કે મને તેઓ (દીપિકા પાદુકોણ) અત્યારે ફિલ્મ પ્રમોશન અને રિલીઝ થવાનો સમય છે એટલે પ્રમોશન માટે ગયાં હોય એવું લાગે છે.
"એનાથી રાજકીય રીતે કોઈ ફેર પડવાનો નથી અને લોકો પણ અત્યારે ઘણા સમજુ થઈ ગયા છે. એમને ખબર છે કે કયા અભિનેતા કયા સમયે કોને મળવા જાય છે અને તેમને શું ફાયદો થવાનો છે."
તો જેએનયુની ઘટના વિશે હીતુ કનોડિયા કહે છે, "આજના યુવાવર્ગે સમજીવિચારીને પગલાં ભરવાં જોઈએ. કોઈ પણ પાર્ટીના, કોઈ પણ નેતા ગમે તે રીતે ભડકાવી દે એનું આંધળું અનુકરણ કરવું ન જોઈએ."
તેમણે કહ્યું, "નાગરિકતા સંશોધન બિલ મામલે તેઓએ બધું વાંચી લીધું હોય તો આટલી બધી મુશ્કેલી કદાય ન સર્જાત. એટલે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં દેખાઈ રહેલો નૉલેજનો અભાવ બહુ દુઃખની વાત છે."
જેએનયુની ઘટનાને દુખદ ગણાવી અભિનેતા પ્રતીક ગાંધી કહે છે કે યુનિવર્સિટીમાં ઘૂસીને કોઈ મારામારી કરી જાય એ માન્યા ન આવે એવી વાત છે.
દીપિકા પાદુકોણની મુલાકાત પર તેઓ કહે છે, "આવી તો ઘણી ઘટનાઓ બનતી હોય છે અને ઘણા લોકો ક્યાંને ક્યાં જઈને પીડિતોને મળતા હોય છે. પછી દુકાળ હોય, આગની વાત હોય કે બળાત્કારના પીડિતોની વાત હોય."
"અને તેમની (દીપિકા પાદુકોણ) ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે. તો કદાય એ મળવા ગયા હોય તો એને કોઈ અન્ય વસ્તુ સાથે જોડવાની જરૂર નથી. તેઓ વ્યક્તિગત રીતે મળ્યાં છે તો કોઈ ચર્ચા કરવું જેવું નથી."
ફિલ્મ ડાયરેક્ટર અભિષેક જૈન કહે છે, "એમનો જે કંઈ પણ ઇરાદો હોય- પ્રમોશન હોય કે અન્ય લાભ મળતો હોય એવી વાત થતી હોય અને એ એના (દીપિકા)ના લાભમાં હોય તો એમાં ખોટું શું છે. એનું ભલું થતું હોય તો એનું થાય, બીજાનું થતું હોય તો બીજાનું થાય. એને એટલે કે દીપિકાને ફાવે તેમ કરી શકે છે. આપણે કોણ હોઈએ એને રોકવાવાળા?"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












