અમદાવાદમાં ABVP-NSUI ઘર્ષણ : હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઇન્ડિયા (એનએસયુઆઈ)ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયાની ઘટના સામે આવી છે.

આ ઘર્ષણમાં પાટીદાર અનામત આંદોલન સમયના હાર્દિકના સાથીદાર નિખિલ સવાણી પણ ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઘટનાક્રમને પગલે અમદાવાદમાં પાલડી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલયે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવા પહોંચ્યા હતા.

સોમવારે અમદાવાદના આઈઆઈએમની બહાર જે.એ.ન.યુમાં વિદ્યાર્થીઓ સામે થયેલી હિંસાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.

જ્યાં એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ વ્યક્ત કરવા પહોંચ્યાં હતા, પરંતુ હાજર પોલીસે તેમને અટકાવ્યા હતા.

હાર્દિક અને જિગ્નેશ મેવાણીએ શું કહ્યું?

હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "પોલીસ અને એબીવીપીના લોકોએ એનએસયુઆઈના કાર્યકરો પર હુમલો કર્યો છે."

"પોલીસની હાજરીમાં થયું કેવી રીતે? એબીવીપીના કાર્યકરો પર યુવા મોરચાના લોકો હતા અને તેમની પાસે ડંડા, લાકડીઓ અને હથિયારો હતાં."

"એનએસયુઆઈના કાર્યકરોને ડરાવવાનું પૂર્વાયોજિત કાવતરું હતું."

તો અમદાવાદની ઘટના મામલે બનાસકાંઠા જિલ્લાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યું છે.

મેવાણી લખ્યું- "એબીવીપીના ગુંડાઓએ મારા મિત્ર નિખિલ સવાણીને સળિયા અને લાકડી વડે માર માર્યો છે. જ્યારે અમદાવાદ પોલીસે કંઈ ન કર્યું. શું મિસ્ટર @ashishbhatiaips આ ફાસીવાદી ગુંડાઓની ધરપકડ કરશે?!

'કૉંગ્રેસના કાર્યકરો સામેલ'

એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે થયેલી હિંસાની ઘટના બાદ એબીવીપી દ્વારા અમદાવાદ ખાતે પત્રકારપરિષદ યોજવામાં આવી હતી.

જેમાં એબીવીપીએ એનએસયુઆઈ પર આક્ષેપ કર્યા હતા અને એવું પણ કહ્યું હતું કે આ હુમલાના કાવતરામાં કૉંગ્રેસના કૉર્પોરેટર અને કાર્યકરો પણ સામેલ હતા.

પત્રકારપરિષદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે "એનએસયુઆઈ પથ્થરમારો કરીને ગુજરાતને કાશ્મીર બનાવવા માગે છે."

વાસણા પોલીસસ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી. યુ. પારેખના કહેવા પ્રમાણે, "આ પ્રકારની ઘટના તેમના ધ્યાને આવી છે, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે."

પારેખે ઉમેર્યું હતું કે હજુ સુધી કોઈ પણ પક્ષ તરફથી ઔપચારિક ફરિયાદ મળી નથી.

બીબીસીના પ્રતિનિધિ ભાર્ગવ પરીખને ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે કહ્યું, "હિંસા ઘટના યોગ્ય નથી. પહેલાંથી દેખાવનો કાર્યકમ આવ્યો હોવાથી બંને પક્ષો તરફથી ઉશ્કેરાટ થયો હતો. આ અંગે પોલીસ તપાસ કરશે."

તેમણે એનએસયુઆઈ પર આરોપ લગાવ્યો હતો કે "એનએસયુઆઈએ કાર્યાલય પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તે યોગ્ય નથી. જેના કારણે ઉશ્કેરાટ થયો તેની યોગ્ય તપાસ કરવામાં આવશે."

કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું, "ભાજપ દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે."

"એનએસયુઆઈના કાર્યકરો શાંતિપૂર્ણ દેખાવ કરી રહ્યા હતા, ત્યારે એબીવીપીના કાર્યકરે લાકડી અને અન્ય હથિયારોથી એનએસયુઆઈના કાર્યકરોને મારવા માંડ્યા હતા."

"પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી. અમે આની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાના છીએ. હાલમાં અમારી પ્રાથમિકતા અમારા કાર્યકર્તાની સારવારની છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો