JNU હિંસા : શું પોલીસ પરવાનગી વગર યુનિવર્સિટીમાં પ્રવેશી શકે?

    • લેેખક, અભિજિત કાંબલે
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

રવિવારે બુકાનીધારી હુમલાખોરોએ જે.એન.યુ.માં આતંક મચાવ્યો હતો, ત્યારે પોલીસ ઉપર કાર્યવાહી નહીં કરવાના આરોપ લાગ્યા હતા.

પોલીસનું કહેવું છે કે યુનિવર્સિટીના વહીવટીતંત્રની મંજૂરી મળતા જ પ્રવેશ કરાયો હતો. આ પહેલાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો હતો, ત્યારે હિંસક ઘર્ષણમાં દિલ્હીની વિખ્યાત યુનિવર્સિટી જામિયા મિલિયા ઇસ્લામિયાના કૅમ્પસમાં પોલીસ વાઇસ ચાન્સેલરની પરવાનગી વગર પ્રવેશી હતી અને વિવાદ ઊભો થયો હતો.

પોલીસની આ કાર્યવાહી બાદ ચર્ચા છેડાઈ છે કે વિશ્વવિદ્યાલયમાં પ્રવેશવા માટે પોલીસે પણ એક વિશેષ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે.

વિશ્વવિદ્યાલય પરિસરમાં સંમતિ વગર પ્રવેશેલી પોલીસ વિરુદ્ધ યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર નઝમા અખ્તરે એફઆઈઆર નોંધાવવાની તૈયારી દર્શાવી છે.

બીજી તરફ, દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી એમ. એસ. રંધાવાએ કહ્યું હતું: "દિલ્હી પોલીસ ભીડને હઠાવવાના પ્રયાસો કરી રહી હતી, એ જ વખતે પથ્થરમારો થયો અને અમારે તેમનો પીછો કરવો પડ્યો. અમે લોકો આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ."

પરવાનગી વગર કૅમ્પસમાં પોલીસ પ્રવેશી એ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના પૂર્વ અધ્યક્ષ ડૉ. સુખદેવ થોરાટ કહે છે, "હવે જેએનયૂમાં પોલીસ આવવા લાગી છે. 40 વર્ષમાં પોલીસ ક્યારેય અંદર આવી નથી. પોલીસ આવીને ગેટ પર જ ઊભી રહેતી હતી."

"વિશ્વવિદ્યાલય એક સ્વાયત સંસ્થા છે, જેથી પોલીસે વિશ્વવિદ્યાલયના પ્રશાસન પાસેથી પ્રવેશવાની પરવાનગી લેવી પડે છે."

"જોકે સંકટ કે આપત્તિની સ્થિતિમાં પોલીસ સીધી પ્રવેશી શકે છે, પણ વિશ્વવિદ્યાલયના નિયમો બધા પર લાગુ પડે છે."

બીજી તરફ પોલીસવ્યવસ્થાના જાણકાર અને નિવૃત્ત આઈપીએસ (ઇંડિયન પોલીસ સર્વિસીઝ) અધિકારી મીરા બોરવણકર કહે છે:

"વિશ્વવિદ્યાલયમાં પ્રવેશવા માટે પોલીસ હંમેશાં પરવાનગી લઈને જાય છે, પણ કેટલીક પરિસ્થિતિઓમાં આ પરવાનગીની જરૂર નથી હોતી."

"જો પોલીસ કોઈનો પીછો કરતી વખતે એટલે કે 'હૉટ ચેઝ' કરી રહી હોય એ વખતે પરવાનગીની જરૂર નથી."

"સામાન્ય રીતે વિશ્વવિદ્યાલય પરિસરમાં વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હોય તો પ્રવેશ કરતી વખતે પણ પોલીસ મૅનેજમૅન્ટનો સંપર્ક કરે છે."

બોરવણકર કહે છે, "વિદ્યાર્થીઓ સાથે સંઘર્ષ ન થાય એ માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે."

"આંદોલનકારીઓનો પીછો કરતી વખતે જો પોલીસે અંદર જવું પડે તો એ માટે તેમની પાસે કોઈ નક્કર કારણ હોવું જોઈએ."

હ્યુમન રાઇટ્સ નેટવર્કના સંસ્થાપક અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કૉલિન ગોન્ઝાલવિસ કહે છે:

"જામિયા મિલિયા અને અલીગઢ યુનિવર્સિટીમાં પોલીસ પરવાનગી વગર પ્રવેશી."

"જો યુનિવર્સિટીમાં એ વખતે પોલીસ હાજર હતી, તો તેમણે આની જાણકારી પહેલાંથી આપવી જરૂરી છે."

યુનિવર્સિટી કૅમ્પસમાં પોલીસ કાર્યવાહીના જે ગણ્યા-ગાઠ્યા મામલા છે, એમાંથી એક પંજાબ યુનિવર્સિટીનો પણ છે.

એપ્રિલ 2017માં ચંડીગઢ સ્થિત પંજાબ યુનિવર્સિટીમાં પોલીસ પ્રવેશી, ત્યારે વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા.

વિદ્યાર્થીઆંદોલન ચાલી રહ્યું હતું. તેમને કાબૂમાં લેવા માટે કુલપતિએ પોલીસને બોલાવી.

ચંડીગઢના વરિષ્ઠ કાયદાવિદ્ અર્જુન શેવરાન કહે છે, "વિશ્વવિદ્યાલયમાં જ્યારે પણ પોલીસ પ્રવેશી છે, ત્યારે તેના વિપરીત પરિણામ આવ્યાં છે."

"એટલે જ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં અલગ સુરક્ષાવ્યવસ્થા હોય છે. પોલીસ પરવાનગી વગર જઈ શકતી નથી."

"જો શિક્ષણને સ્વતંત્ર રાખવી હોય તો પોલીસને યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાથી દૂર રાખવામાં જ ભલાઈ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો