You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'IIM-Aમાં પોલીસે CAA વિરુદ્ધના કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાના પ્રયત્નો કર્યા'
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ, અમદાવાદ (આઇઆઇએમ-એ)માં યોજાનારા કાર્યક્રમ 'આઈઆઈએમએ સ્ટુન્ડ્સ અપ ફૉર ડેમૉક્રસી' અગાઉ સાદા વસ્ત્રોમાં પોલીસે આવીને કાર્યક્રમમાં વિપેક્ષ પાડવાના પ્રયત્નો કર્યા હતા.
આઈઆઈએમએના લુઈસ કહાન પ્લાઝામાં 'આઈઆઈએમએ સ્ટન્ડ્સ અપ ફૉર ડેમૉક્રસી' કાર્યક્રમ 6.30એ યોજાવાનો હતો.
તે અગાઉ 5.30 વાગ્યે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમે કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા પહોંચી હતી.
વિદ્યાર્થીઓ, ફૅકલ્ટી અને સ્ટાફના સભ્યો દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સ્થળ પહેલાં ક્લાસરૂમમાં અને ત્યારપછી કૅમ્પસમાં બહાર ખસેડવું પડ્યું હતું.
કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીએ કહ્યું, "પોલીસ દ્વારા અમને વર્ગખંડમાં મોકલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા કૅમ્પસની અંદર યોજવામાં આવ્યો હતો. કેવી રીતે પોલીસ અંદર આવી અને અમને શાંતિથી કાર્યક્રમ કરવાથી અટકાવ્યા? અમને ખ્યાલ નથી કે કોણે તેમને જાણ કરી છે અને તે કેમ અહીં આવ્યા હતા."
અધ્યાપક નવદીપ માથુરે જણાવ્યું હતું કે, "અમે લોકો શાંતિપૂર્વક વાંચવાનો કાર્યક્રમ કરી રહ્યા હતા, ત્યારે કેટલાંક પોલીસ અધિકારીઓએ આવીને અમને રોક્યા."
"દેશભરમાં વિદ્યાર્થીઓ પર થયેલાં દમનના વિરોધમાં અમે આ કાર્યક્રમ રાખ્યો હતો અમે તેમને વિનંતી કરી હતી કે કાર્યક્રમમાં વિપેક્ષ ન પાડવો જોઈએ."
સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી. ડી. દરજીએ કહ્યું, "પોલીસે કૅમ્પસમાં પ્રવેશ નહોતો કર્યો અમે સુરક્ષાકર્મીઓની કૅબિનની બહાર હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમને વૉટ્સઍપ મારફત કૅમ્પસની અંદર કૅન્ડલ માર્ચનો મૅસેજ મળ્યો હતો અને અમે તેની તપાસ કરવા કૅમ્પસની અંદર પહોંચ્યા હતા. પોલીસે કાર્યક્રમમાં વિક્ષેપ નહોતો પાડ્યો અને તે યથાવત્ રીતે ચાલ્યો હતો."
દલિત યુવતીનો મૃતદેહ મળ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના એક ગામમાંથી એક દલિત મહિલાનો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યો છે, જેનાથી ચકચાર મચી જવા પામી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 20 વર્ષના આ મહિલા 1લી જાન્યુઆરીથી ગુમ થયેલા હતા. મોડાસા ગ્રામ્ય પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
પરિવારના સભ્યોએ પોલીસ પર સવાલ ઊઠાવ્યા છે. તેમણે કહ્યું, "તેઓએ પહેલી જાન્યુઆરીએ ઘર છોડ્યું હતું. તે બીજા દિવસ સુધી ઘરે આવ્યાં ન હતાં."
"તેમના પિતાએ દીકરીના ગુમ થવા પાછળ એક આરોપીનો હાથ હોવાની મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. પોલીસે કેસ દાખલ કર્યો ન હતો અને કહ્યું હતું કે આ મોડાસા ગ્રામ્ય પોલીસના હદ વિસ્તારમાં આવે છે."
"રવિવારે સવારે મહિલાનો મૃતદેહ પડોશી ગામમાંથી ઝાડ પર લટકેલો મળ્યો હતો."
વ્યક્તિએ આરોપ મૂક્યો હતો કે મોડાસા ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેકટર અને આરોપી એક જ જાતિના હોવાથી કેસ દાખલ કર્યો ન હતો.
અરવલ્લી પોલીસના સુપરિન્ટન્ડન્ટ મયુર પાટીલે કહ્યું, "મહિલા 1 જાન્યુઆરીએ ગુમ થયા હતા. તેમના પરિવારના સભ્યોએ બે દિવસ સુધી શોધખોળ કરી અને ત્યારબાદ મોડાસા ટાઉન પોલીસને 3 જાન્યુઆરીએ ફરિયાદ આપી હતી."
"ફરિયાદના આધારે મોડાસા ટાઉન પોલીસે જે જગ્યાએ મૃતદેહ મળ્યો તે જગ્યાએ તે ગામમાં તે છેલ્લે જોવા મળ્યા હતા."
"જેના આધારે તેમણે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ ટાઉન પોલીસે ગ્રામ્ય પોલીને કેસ મોકલ્યો હતો. તપાસ ચાલી રહી હતી ત્યારે મહિલાનો મૃતદેહ શનિવારે મળ્યો હતો."
પાટીલે કહ્યું યોગ્ય પુરાવા ન હોવાના કારણે છોકરીના પિતા જેને આરોપી કહી રહ્યા હતા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ઇમરાન ખાને ક્રિકેટમાં પણ અંચઈ કરી હશે- જનરલ વી.કે સિંહ
એનડીટીવીના અહેવાલ અનુસાર, કેન્દ્રીય મંત્રી જનરલ (રિટાયર્ડ) વી. કે. સિંહે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અંગે કહ્યું હતુ કે તેમણે ક્રિકેટમાં પણ અંચઈ કરી હશે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે ઉત્તર પ્રદેશમાં સીએએ વિરુદ્ધ થયેલાં પ્રદર્શનો બાદની પોલીસ કાર્યવાહીનો ફેક વીડિયો શૅર કર્યો હતો. જે અંગે જનરલ સિંહે ટીકા કરી હતી.
જનરલ સિંહે કહ્યું, "જે દેશના વડા પ્રધાન ફેક વીડિયોને શેયર કરતા હોય તેમની પર ભરોસો કરાય? ના તેમની પર ભરોસો ન કરાય. તેમણે આજ વસ્તુ ક્રિકેટમાં કરી હશે. તેમણે અંચઈ કરી હશે. તેમના દિલમાં પ્રામણિકતા નથી."
ગુજરાતમાં સગીરા પર દુષ્કર્મ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સુરતમાં 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાના આરોપ હેઠળ સાત આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પીડિતા હીરા કારીગરની દીકરી પર વરાછામાં, ઉધના અને ઉતરણ વિસ્તારમાં દુષ્કર્મ આચરાયું હતું.
અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કહ્યું, "અમે દુષ્કર્મ પીડિતાની મેડિકલ તપાસ કરી છે અને તેનું સ્વાસ્થય હાલ સામાન્ય છે."
"આરોપીઓએ સગીરાને ધમકાવી હતી કે જો તે ફરિયાદ નોંધાવશે તો તેના પિતાને મારી નાખવામાં આવશે. જેના કારણે પહેલાં ઘટના ધ્યાને આવી ન હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો