You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : ભાજપ સાંસદ કેપી યાદવ સામે નકલી ઓબીસી સર્ટિફિકેટનો કેસ
પુત્રને અન્ય પછાત જાતિ (ઓબીસી)ના ખોટા પ્રમાણપત્ર દ્વારા અનામત અપાવવાના કેસમાં મધ્ય પ્રદેશના ગુના-શિવપુરીથી ભાજપના સાંસદ કેપી યાદવ સામે પોલીસ ફરિયાદ થઈ છે.
એમની અને એમના પુત્ર સામે મુંગાવલી પોલીસ સ્ટેશનમાં મધરાતે પોલીસ ફરિયાદ થઈ છે.
આ જ મામલે પોલીસે ફરિયાદ લેવામાં મોડું કરતા અશોકનગરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસની બદલી પણ કરી નાખવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી આ પોલીસ ફરિયાદને બદલાની કાર્યવાહી અને રાજકીય કાવતરું ગણાવે છે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં કેપી યાદવે દિગ્ગજ કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને હરાવ્યા હતા.
ગુજરાતમાં સીએએના સમર્થનમાં પ્રદર્શનો, મુખ્ય મંત્રી ભાગ લેશે
ગુજરાતમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આજે અનેક જિલ્લાઓમાં પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત નાગરિક સમિતિએ ગુજરાતના 33 જિલ્લાઓમાં રેલીઓનું આયોજન કર્યું છે.
આ અલગઅલગ રેલી-સભાઓમાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત ભાજપના ટોચના નેતાઓ અને પદાધિકારીઓ ભાગ લેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને અમુક મંત્રીઓ ગાંધીઆશ્રમ ખાતે સીએએ સમર્થન પ્રદર્શનમાં ભાગ લેશે.
અહેવાલ મુજબ આખી કૅબિનેટ અલગઅલગ સ્થળોએ સીએએ સમર્થન પ્રદર્શનમાં હાજરી આપશે.
નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ મહેસાણામાં, ભાજપ પ્રમુખ જિતુ વાઘાણી વડોદરામાં હાજર રહેશે.
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાનું કહેવું છે કે ભાજપના નેતાઓ એક નાગરિક તરીકે સીએએના સમર્થનમાં યોજાઈ રહેલા પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે.
સીએએના વિરોધમાં સિમિનો હાથ - યુપી પોલીસનો દાવો
નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ દરમિયાન ઉત્તર પ્રદેશમાં ઘણી હિંસા થઈ છે.
ફક્ત ઉત્તર પ્રદેશમાં 10થી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.
હિંદુસ્તાન ટાઇમ્સે પ્રકાશિત કરેલા એક અહેવાલ મુજબ લખનઉ પોલીસનું કહેવું છે કે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં હિંસા ભડકાવવા પાછળ પ્રતિબંધિત સિમિ સાથે સંકળાયેલા પોપ્યુલર ફ્રંટ ઑફ ઇન્ડિયાનો હાથ છે.
પોલીસે આ મામલે 3 લોકોની ધરપકડ કરી છે અને પોસ્ટર-બેનર વગેરે જપ્ત કર્યાં છે.
શું નેપાળ પણ નાગરિકતા કાયદાની વિરુદ્ધ છે?
નેપાળના વડા પ્રધાનના સત્તાવાર હૅન્ડલ પરથી થયેલી એક રીટ્વીટને લઈને ભારતના નાગરિકતા સંશોધન કાયદા અંગે નેપાળના મત અંગે વિવાદ શરૂ થયો છે.
વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ 21 ડિસેમ્બરે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીનો એક વીડિયો રીટ્વીટ કર્યો હતો.
આ વીડિયોમાં સોનિયા ગાંધીએ દેશને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાગરિકતા કાયદાની કડક ટીકા કરી હતી.
સોનિયા ગાંધીના વીડિયોને પત્રકાર શિવમ વીજે રીટ્વીટ કર્યો હતો અને એને નેપાળના વડા પ્રધાને રીટ્વીટ કર્યો હતો.
નેપાળમાં વડા પ્રધાન કેપી શર્મા ઓલીનો આ વીડિયો વાઇરલ થયો છે. નેપાળ લાઇવના સંપાદક નારાયણ અમૃતે ઓલીની ટ્વીટનો સ્ક્રીનશૉટ મૂક્યો અને લખ્યું કે, આના પર કોઈ ટિપ્પણીની જરૂર નથી.
ભૂતાનના પત્રકારોએ પણ આવા જ સ્ક્રીનશૉટ્સ મૂક્યા હતા.
વિવાદ વધી જતા ઓલીના ટ્વિટર હૅન્ડલ પરથી એ દૂર કરી દેવામાં આવ્યો છે.
નેપાળે આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આપી પરંતુ વડા પ્રધાનના પ્રેસ સલાહકાર સૂર્ય થાપાએ રદિયો આપતા કહ્યું કે, કોઈએ પાસવર્ડનો દુરુપયોગ કર્યો છે. આ ટ્વીટને લઈને ભ્રમ અને અફવાઓ ન ફેલાવો.
જોકે, થાપાએ આપેલા રદિયાથી લોકો હજી સંતુષ્ટ નથી. અનેક લોકો આને રાજકીય ભૂલ ગણાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો