ઝારખંડ ચૂંટણી પરિણામ : નરેન્દ્ર મોદી અને અમિત શાહની 20 સભાઓ છતાં ભાજપ કેમ હાર્યો?

    • લેેખક, રવિ પ્રકાશ
    • પદ, રાંચીથી, બીબીસી ગુજરાતી માટે

ચૂંટણી પહેલાં 'અબકી બાર 65 પાર'નો નારો આપનારો ભાજપ આ લક્ષ્યના અડધા આંકડા સુધી પણ પહોચે એમ નથી લાગી રહ્યું.

ભાજપના આ વખતના પરાજયનાં કેટલાંય કારણો છે. લોકોનું માનવું છે કે મુખ્ય મંત્રી રઘુબર દાસની વ્યક્તિગત છબિ આ હારનું એક પ્રમુખ કારણ છે.

આ ઉપરાંત ભાજપના કેન્દ્રીય સ્તર પરથી ચલાવાયેલા કાર્યક્રમો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના કેટલાક નિર્ણયોને કારણે ભાજપની ઝારખંડમાં હાર થઈ.

આખરે એ કયાં કારણો છે, જેન લીધે ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો?

1. મુખ્ય મંત્રી રઘુબર દાસની છબિ

છેલ્લાં કેટલાંક વર્ષોથી મુખ્ય મંત્રી રઘુબર દાસની વ્યક્તિગત છબિ બહુ ખરાબ થઈ છે. એક વર્ગને એવું લાગતું હતું કે મુખ્ય મંત્રી અહંકારી બની ગયા છે.

આના લીધે પક્ષની અંદર નારાજગી હતી. એક વખતે ભાજપમાં સભ્ય અને હવે રઘુબર દાસ વિરુદ્ધ ચૂંટણીમેદાનમાં જંગે ચડનારા સરયુ રાયે કેટલીય વખત પાર્ટીફોરમમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, નેતૃત્વે તેના વાંધાને ધ્યાને નહોતો લીધો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ તથા ગૃહમંત્રી અમિત શાહ દર વખતે રઘુબર દાસની પીઠ ઠોકતા રહેતા હતા. આના કારણે રઘુબર દાસની વિરોધી ટોળીમાં નારાજગી વધવા લાગી. ભાજપના પરાજયનું આ સૌથી મોટું કારણ ગણાવાઈ રહ્યું છે.

2. જમીનના કાયદામાં સુધારો

આદિવાસીઓના જમીન સંબંધિત અધિકારોના રક્ષણ માટે બનેલા 'છોટાનાગપુર ટૅનન્સી ઍક્ટ' (સીએનટી) અને સંથાલ પરગણા ટૅનન્સી ઍક્ટ (એસપીટી)માં સુધારાના ભાજપ સરકારના પ્રયાસોની રાજ્યના આદિવાસીઓ પર બહુ અસર થઈ.

વિધાનસભામાં વિરોધ પક્ષના વૉકઆઉટ વચ્ચે પસાર કરાયેલા આ સંશોધન વિધેયક સામે ગૃહમંત્રાલયે પણ વાંધો ઉઠાવ્યો હતો.

વિપક્ષ સદનથી સડક સુધીની લડાઈ લડ્યો અને રાષ્ટ્રપતિને આ વિધેયક પર સહી ન કરવા વિનંતી કરી.

વાંધા-વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિએ આ વિધેયકને પરત મોકલી દીધું. એ બાદ સરકારે આને પરત ન મોકલ્યું અને તેમાં સુધારો ન થઈ શક્યો. એમ છતાં રાજ્યભરમાં આદિવાસી સમાજમાં આનો ખોટો સંદેશ ગયો.

ભાજપ તેમને એ સમજાવવામાં નિષ્ફળ રહ્યો કે આ સુધારા કથિત રીતે આદિવાસીઓના પક્ષમાં હતા.

3. ભૂમિસંપાદન કાયદામાં સુધારનો પ્રયાસ

ભૂમિસંપાદન કાયદાની કેટલીક કલમોને ખતમ કરીને તેમાં સુધારો કરવાનો પ્રયાસ પણ આદિવાસીઓને પસંદ ન પડ્યો.

વિપક્ષે એક ખાનગી કંપનીના પાવર પ્લાન્ટ માટે ગોડ્ડામાં જમીન સંપાદિત કરતી વખતે ગોળીઓ ચલાવાઈ હોવાનો આરોપ લગાવ્યો.

જેમાં આદિવાસીઓ અને દલિતોની જમીનો ખોટી ગ્રામસભાના આધારે બળજબરીથી સંપાદિત કરવા જેવા આરોપ સામેલ હતા.

સરકાર એ સમજી શકી નહીં કે આનો વ્યાપક વિરોધ થશે અને આનાથી લોકોની નારાજગી વધશે.

4. મૉબ લિંચિગ અને ભૂખમરી

ગત પાંચ વર્ષ દરમિયાન ઝારખંડમાં મૉબ લિંચિંગની ઘટનામાં લઘુમતી સમુદાયને નિશાન બનાવાયો અને ભૂખને કારણે કેટલાક લોકોનો જીવ ગયો. આવા મામલા ભાજપ સરકારના વિરુદ્ધમાં ગયા. લોકોને લાગ્યું કે અહીંની સરકાર લઘુમતી સમુદાયના વિરુદ્ધમાં કામ કરી રહી છે.

સામાજિક કાર્યકરોએ આવી ઘટનાઓને દેશભરમાં ઉઠાવી. વિપક્ષે તેને ચૂંટણીપ્રચારનો ભાગ બનાવ્યો અને રઘુબર દાસની સરકાર લોકોને જવાબ આપી સંતુષ્ટ ન કરી શકી.

આ ઉપરાંત ધર્માંતરણના કાયદાને લઈને મુખ્ય મંત્રીનાં જાહેર નિવેદનોને લીધે ખ્રિસ્તી સમુદાયમાં પણ નારાજગી જોવા મળી.

5. બેરોજગારી

ગત પાંચ વર્ષ દરમિયાન બેરોજગારી, નોકરશાહી અને પત્થલગડી અભિયાન વિરુદ્ધ રઘુબર દાસની સરકારની નીતિઓ પણ ભાજપ સરકારના વિરુદ્ધમાં ગઈ. આનાથી મતદારોનો મોટો વર્ગ નારાજ થયો અને જોતજોતામાં આ મુદ્દા ચૂંટણીપ્રચારમાં છવાઈ ગયા.

આ જ કારણ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવ, અમિત શાહની 11 અને રઘુવર દાસની 51 સભાઓ છતાં ઝારખંડમાં ભાજપને સત્તા ન મળી શકી.

લોકોને એ વાતની નારાજગી રહી કે વડા પ્રધાન પોતાની સભામાં કલમ 370, રામમંદિર અને નાગરિકતા સંશોધન કાયદા જેવા મુદ્દાઓની વાત કરી. બીજી બાજુ, ઝારખંડ મુક્તિ મોરચાએ તમામ સ્થાનિક મુદ્દાઓ પર પોતાનો ચૂંટણીપ્રચાર કર્યો.

આ રીતે ઝારખંડમાં ભાજપ સરકારના નિર્વાસનની પટકથા લખાઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો