બિનસચિવાલય પરીક્ષા વિવાદ : અંતે ગુજરાત સરકારે પરીક્ષા રદ કરી

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષા ગેરરીતિની ફરિયાદોને પગલે રદ કરવામાં આવી છે.
ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ-કૉન્ફરસ કરીને માહિતી આપી કે વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરાઈ છે.
તેઓએ કહ્યું કે સીટની ભલામણ હતી કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય એવું પ્રથમ દૃષ્ટિએ જણાઈ આવે છે અને પરીક્ષા રદ કરવાની ભલામણ કરી હતી.
આથી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સીટની ભલામણોને ધ્યાનમાં રાખીને અને ગુજરાતના કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય એ માટે પરીક્ષા રદ કરી છે.
ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં ગેરરીતિ થયાની આશંકાને જોતાં મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થયા હતા અને પરીક્ષા રદ કરવાની માગ કરી હતી.

પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ-કૉન્ફરન્સ
પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું: "ચોરીની ફરિયાદો મળી ત્યાર બાદ 10 મોબાઇલ ફોનને એફએસએલમાં ચેક કરવા મોકલ્યા હતા, જેમાં પેપરલિકના પુરાવા હતા."
"ઉપરાંત જે સીસીટીવી ફૂટેજ મળ્યાં હતાં, તેની તપાસ એફએસએલે કરી હતી, જેમાં મોબાઇલમાંથી પેપર લખતા વિદ્યાર્થીઓ દેખાયા છે. જેના આધારે એસઆઈટી એક તારણ પર પહોંચી છે કે આ પરીક્ષામાં ગેરરીતિ થઈ છે."
"એસઆઈટીનો 30થી વધુ પાનાંનો અહેવાલ છે જેમાં આ પેપરલિક કેટલાં કેન્દ્રોમાં થયાં છે એ જણાવ્યું છે. આથી આ તમામ બાબતોને ધ્યાન લઈને પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં કહ્યું, "બનાસકાંઠા અને ગીર સોમનાથમાં પેપરલિક મામલે ચાર લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હવે આ સમગ્ર તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ (ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ) જોડાશે, જેના આધારે પેપર ક્યાંથી અને કેવી રીતે લીક થયું છે એ ખબર પડશે."
"તેમણે કહ્યું કે પ્રથમ વખત પરીક્ષા બાબતની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને જોડવામાં આવી છે. તપાસના આધારે જે લોકો પકડાશે, એ લોકો ત્રણ વર્ષ સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ નહીં આપી શકે."
"39 ગેરરીતિની જે ફરિયાદો મળી છે એ તમામ પરીક્ષા કેન્દ્રમાં આગામી દિવસોમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નહીં યોજાય."
ગુજરાત કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે પરીક્ષા રદ થવીએ ગુજરાતના યુવાનોની એકતા અને તેમના સંઘર્ષની જીત છે.
અગાઉ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો ઇન્કાર કરનારી રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી છે, જે દર્શાવે છે કે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે.
ગત અનેક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, જેની ન્યાયિક તપાસ થવી જોઈએ.
ચાવડાએ ઉમેર્યું હતું કે એનએસયુઆઈ (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇંડિયા) તથા યૂથ કૉંગ્રેસના કાર્યક્રમોને કારણે સરકારને પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી.

કસૂરવાર સામે પગલાં લેવાશે કે કેમ એ પૂછતાં તેઓએ કહ્યું કે આ મામલે એફઆઈઆર થશે, અમે કોઈને છોડીશું નથી.
પરીક્ષા રદ મામલે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બીબીસી સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં કહ્યું કે બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ હોવાની વાત અમે પહેલાંથી ઉઠાવી હતી.
"આમાં ઘણાં મોટાં માથાં સંડોવાયેલાં છે. પેપરલિક થવાના ભૂતકાળના મામલામાં ઢાંકપિછોડો થયો છે. આ વખતે કસૂરવારોને જેલની સજા થવી જોઈએ, કૉંગ્રેસે વિદ્યાર્થીઓના સમર્થનમાં જે આંદોલન કર્યું એને સફળતા મળી છે."

કેમ અગાઉ રદ કરાઈ હતી પરીક્ષા?
ગૌણ સેવા પસંદગી બોર્ડે ઑક્ટોબર 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની 2221 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી હતી.
આ ભરતીમાં 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં, બાદમાં આર્થિક પછાતો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરાતાં તેમજ લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં ફરીવાર ભરતી રદ કરી દેવાઈ.
બાદમાં ફરી વાર જૂન 2019માં જગ્યામાં વધારો કરીને 3053 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી.
જેની પરીક્ષા 20 ઑક્ટોબરે યોજાવાનું નક્કી હતું, પરંતુ અચાનક જ સરકારના આદેશને અનુસરીને ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા 11 ઑક્ટોબરના રોજ યોજાનાર પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવાઈ હતી.
પહેલાં તો સરકારે આ પરીક્ષા રદ કરવા વિશે કોઈ જ સ્પષ્ટીકરણ આપ્યું નહોતું.
પરંતુ બાદમાં આ ભરતી માટેની લાયકાત વધારી 12 પાસથી ગ્રેજ્યુએશન કરવા અંગેનો સામાન્ય વહીવટી વિભાગનું નોટિફિકેશન સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ઉમેદવારો રોષે ભરાયા હતા.
જોકે, ઉમેદવારોના આક્રોશને પગલે સરકારે શૈક્ષણિક લાયકાત અંગેનો પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને 17 નવેમ્બરે પરીક્ષા યોજાશે એવી જાહેરાત કરી દેવાઈ હતી.
વિરોધનો વંટોળ

ઉમેદવારોની માગને લઈને પરીક્ષાર્થીઓના પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી.
બેઠક પછી પ્રતિનિધિઓ પૈકી યુવરાજસિંહે SITનું (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)નું ગઠન થાય તો આંદોલનને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
જોકે બીજી તરફ આંદોલનકારીઓ ધરણાં પર બેસી રહ્યા હતા અને લડત ચાલુ રાખવાની તૈયારી બતાવી હતી.
ધરણાં પર બેસેલા પરીક્ષાર્થીઓએ કહ્યું હતું કે 'જ્યાં સુધી પરીક્ષા રદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી અમે ધરણાં પર બેસીશું.'
વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલ, બનાસકાંઠાના વડગામના વિપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, શંકરસિંહ વાઘેલા, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા સહિત અનેક લોકો પરીક્ષાર્થીઓને સમર્થન આપવા પહોંચ્યાં હતાં.
કૉંગ્રેસે પુરાવા આપ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ આ મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને કહ્યું કે પરીક્ષામાં ગેરરીતિ મામલે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરાઈ હતી. રાજ્યના 6 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત કૉંગ્રેસ તરફથી પણ સીસીટીવી (ક્લોઝ સર્કિટ ટેલિવિઝન) ફૂટેજ અને ફરિયાદ કરી હતી.
આ સિવાય 26 જેટલા વૉટ્સઍપ ચેટિંગ અપાયા હતા.
પાંચ જિલ્લામાં 39 ફરિયાદો મળી હતી, જે પણ કેન્દ્રની ફરિયાદ મળી હતી, તેની તપાસ હાથ ધરાઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














