ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી : Top News

ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં બે દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

અરબ સાગરમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું હોવાના કારણે ગુજરાતના સમુદ્રકિનારાના વિસ્તારોમાં હળવા વરસાદ થવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા અપાયેલી માહિતી અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા ઉપરાંત દીવમાં વરસાદ થવાની સંભાવના છે.

જ્યારે ગુરુવારે માત્ર કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે મંગળવારે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છને બાદ કરતા ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સરેરાશ તાપમાન 19 થી 24 ડિગ્રીની વચ્ચે રહેશે.

ડેન્ગ્યૂના42 ટકા દર્દી 15 વર્ષથી ઓછી વયના

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ચાલુ વર્ષે અમદાવાદમાં નોંધાયેલા ડેન્ગ્યૂના દર્દીઓ પૈકી 42 ટકા દર્દીઓ 15 વર્ષ કે તેથી ઓછી વયનાં બાળકો છે.

30 નવેમ્બર સુધીમાં શહેરમાં 4,195 કેસ નોંધાયા છે. જે પૈકી 1,755 બાળકોમાં ડેન્ગ્યૂથી પીડિત હોવાનું માલૂમ પડ્યું છે. આ વર્ષે નોંધાયેલા ડેન્ગ્યૂના કેસો પૈકી એક વર્ષથી ઓછી ઉંમરનાં 169 બાળકો, 1 થી 4 વર્ષની ઉંમરનાં 359 બાળકોમાં, 5 થી 8 વર્ષનાં 521 બાળકો અને 9 થી 14 વર્ષનાં 706 બાળકો ડેન્ગ્યૂગ્રસ્ત હતા.

15 વર્ષથી વધુ વયની વ્યક્તિઓમાં ડેન્ગ્યૂના કુલ 2440 કેસ નોંધાયા છે.

બી. જે. મેડિકલ કૉલેજ કૉમ્યુનિટી મેડિસિન વિભાગે 2010 થી 2016 વચ્ચે કરેલા સંશોધન પરથી જાણવા મળ્યું છે કે 2010 થી 2016 વચ્ચે 14 વર્ષથી ઓછી વયનાં 58 ટકા બાળકો ડેન્ગ્યુના કારણે મૃત્યુ પામ્યાં હતાં.

ગુજરાત : ગીધની સંખ્યામાં 70%નો ચિંતાજનક ઘટાડો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે વર્ષ 2005માં થયેલી પ્રથમ વસતિગણતરીની સરખામણીમાં વર્ષ 2018માં રાજ્યમાં ગીધની સંખ્યામાં 70%નો ઘટાડો નોંધાયો હોય છે.

અહીં નોંધનીય છે કે વર્ષ 2018ની વસતિગણતરી મુજબ ગુજરાતમાં હવે માત્ર 820 ગીધ જ બાકી બચ્યાં છે.

અહેવાલ પ્રમાણે વર્ષ 2016 થી 2018 વચ્ચેના ગાળામાં જ રાજ્યમાં ગીધની સંખ્યામાં 18%નો ઘટાડો જોવા મળ્યો છે.

હાલ રાજ્યમાં મુખ્યત્વે વાઇટ રમ્પ્ડ, લૉંગ-બિલ્ડ, રેડ-હેડેજ અને ઇજિપ્તની પ્રજાતિનાં ગીધ વસે છે.

નોંધનીય છે કે રાજ્યમાં સતત ઘટી રહેલી ગીધોની સંખ્યા અંગે લોકસભામાં પણ ચર્ચા થઈ હતી.

અહેવાલ મુજબ રાજ્યંમાં વર્ષ 2005ની સરખામણીએ વર્ષ 2018માં જિપ્સ ગીધોની સંખ્યામાં નોંધપાત્ર એવો 75.8%નો ઘટાડો જોવા મળ્યો છે.

ચીનના વહાણનો પીછો કરીને તેને દૂર ખદેડી દેવાયું : ભારતીય નૌકાદળના પ્રમુખ

ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે હાલમાં જ ચીનના નૌકાદળના એક વહાણે આંદામાન પાસે ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ આ વહાણનો પીછો કરીને તેને દૂર ખદેડી દેવાયું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રનો હવાલો આપીને આ વિશે વિસ્તારથી લખ્યું છે કે શી યાન નામનું વહાણ સપ્ટેમ્બર માસમાં ભારતીય સરહદમાં પ્રવેશ્યું હતું.

આ વહાણ જાસૂસી કરી રહ્યું હોવાની શંકા જતાં તેને ભગાડવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનનું વહાણ ભારતીય નૅવીની મંજૂરી લીધા વિના ભારતીય સરહદમાં પ્રવેશ્યું હતું.

પ્રેસ કૉન્ફરન્સમાં નૅવીના પ્રમુખે આ ઘટના અંગે વિસ્તારથી વાત નહોતી કરી, પરંતુ તેમણે કહ્યું કે આ વિસ્તારમાં સાતથી આઠ ચીનનાં વહાણો તહેનાત રહે છે.

એડમિરલ સિંહે કહ્યું, "આ એક સત્ય છે કે તે ત્યાં હાજર રહે છે. તે દરિયાઈ સંશોધન કરતાં વહાણ છે."

"તેમને સમુદ્રમાં ખનન કરવા માટે કેટલાક વિસ્તારો આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં 7-8 ચીનનાં વહાણો હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો