નિત્યાનંદે દેશ છોડીને ઇક્વાડોર નજીક 'હિંદુરાષ્ટ્ર' સ્થાપ્યું?

વિવાદાસ્પદ ધર્મગુરુ નિત્યાનંદ વિદેશ ભાગી ગયા હોવાનું અખબારી અહેવાલો જણાવી રહ્યા છે.

કેટલાક અહેવાલ મુજબ, નિત્યાનંદે દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં એક ટાપુ ખરીદી તેને 'કૈલાસા' નામ આપ્યું છે. 'ધ વાયર'ની વેબસાઇટ અનુસાર, નિત્યાનંદે આ ટાપુને 'હિંદુરાષ્ટ્ર' જાહેર કર્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ નિત્યાનંદ વિદેશ જતા રહ્યા હોવા અંગે કોઈ માહિતી ન હોવાનું વિદેશમંત્રાલયે જણાવ્યું હતું.

આ પહેલાં ગુજરાત પોલીસે 21 નવેમ્બરે જણાવ્યું હતું કે નિત્યાનંદ વિદેશ ભાગી ગયા છે.

નિત્યાનંદ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરાયો છે અને પુરાવા એકઠી કરી રહેલી ગુજરાત પોલીસે અમદાવાદમાં નિત્યાનંદના આશ્રમમાંથી બે મહિલા અનુયાયીઓની પણ ધરપકડ કરી છે.

કેવું હશે કૈલાસા?

'ક્વિન્ટ'ના જણાવ્યા અનુસાર આ ટાપુ હાલમાં ત્રિનિદાદ અને ટૉબાગો વચ્ચે ક્યાંક આવેલો છે.

'કૈલાસા'ની અધિકૃત વેબસાઇટ અનુસાર, સંબંધિત ટાપુને 'સાર્વભૌમ હિંદુરાષ્ટ્ર જાહેર' કરવામાં આવ્યો છે અને રાષ્ટ્રધ્વજ, પાસપોર્ટ અને ચિહ્ન વગરે બનાવાયાં છે.

'કૈલાસા'ને 'નેશન વિધાઉટ બોર્ડર' દેશ જાહેર કરાયો છે.

વેબસાઇટમાં જણાવાયા અનુસાર, હિંદુઓને આ દેશનું નાગરિકત્વ અપાયું છે.

દેશની મુખ્ય ભાષા અંગ્રેજી, સંસ્કૃત અને તામિલ રાખવામાં આવી છે, જ્યારે સનાતન હિંદુ ધર્મને દેશનો અધિકૃત ધર્મ જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત વેબસાઇટમાં 'કૈલાસા'ની આર્થિક નીતિ, બંધારણ વગેરે પણ રજૂ કરાયાં છે.

નિત્યાનંદની વેબસાઇટને ટાંકીને 'ઇન્ડિયા ટુડે' જણાવે છે પોતાના દેશમાં હિંદુ ધર્મ પાળી ન શકનારા હિંદુઓને 'કૈલાસા'માં વસવા આમંત્રણ અપાયું છે.

'ઇન્ડિયા ટુડે'એ નિત્યાનંદનાં પૂર્વ અનુયાયી સારાહ લૅન્ડ્રીના હવાલેથી કહ્યું છે કે નિત્યાનંદ ઇક્વાડોરમાં જ છે.

સારાહે 'ઇન્ડિયા ટુડે' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું:

"મારું 100 ટકા માનવું છે કે નિત્યાનંદ હાલમાં ઇક્વાડોરમાં જ છે. તેઓ તાજેતરમાં જ ત્યાં ગયા હતા."

"ત્યાં એક માછીમારોના ગામ સાન્તા અલૅનામાં તેઓ રોકાયા હતા."

"એમની સાથે કેટલાક લોકોની ટીમ પણ હતી, જેમાં રંજિતા મેનન ઉર્ફે મા નિત્યાનંદમય સ્વામી પણ હતાં."

"એવું પણ મનાઈ રહ્યું છે કે ભારતમાં નિત્યાનંદની પ્રતિષ્ઠાને પહોંચેલી હાનિની ભરપાઈ કરવા માટે તેઓ હાલમાં જ ભારતમાં આવ્યાં હતાં."

"ત્રિનિદાદ અને ટૉબાગોમાં નિત્યાનંદના પૈસાદાર અનુયાયીઓ વસે છે."

અમદાવાદનો વિવાદ શો છે?

નિત્યાનંદે અમદાવાદના છેવાડે ખોલેલા 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમમાં બાળકોને ગોંધી રખાયાં હોવાની અને યુવતી લાપતા હોવાની ઘટના બની હતી. એ કેસમાં આશ્રમનાં બે સંચાલિકાની ધરપકડ કરવામાં આવી હતી.

આશ્રમ પર બાળકોને ગોંધી રાખવાનો, બાળમજૂરીનો અને ધમકી આપવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટના પછી નિત્યાનંદના સર્વાજ્ઞપીઠમ આશ્રમને ડીપીએસ સ્કૂલની જમીન લીઝ પર કેવી રીતે આપવામાં આવી તે અંગે તંત્ર હરકતમાં આવ્યું હતું. જેની તપાસમાં શાળા પાસે અનેક કાયદાકીય મંજૂરીઓનો અભાવ હતો.

ડીપીએસ - પૂર્વ (હીરાપુર-મહેમદાબાદ) પાસે નિયમ મુજબ જરૂરી એવું સરકારના શિક્ષણ વિભાગનું એનઓસી (નૉ-ઑબ્જેક્શન સર્ટિફિકેટ) ન હોવાથી તેની માન્યતા રદ કરવામાં આવી છે.

નિત્યાનંદ કેસથી બહાર આવી વિગતો

અમદાવાદની ડીપીએસ પૂર્વ-સ્કૂલના મૅનેજમૅન્ટ દ્વારા સ્વામી નિત્યાનંદના સર્વાજ્ઞપીઠમ આશ્રમને સ્કૂલની જમીન ભાડે આપવામાં આવી હતી.

એ આશ્રમમાંથી યુવતીઓ ગુમ થવાની અને બાળકોને ગોંધી રાખવાની ફરિયાદો થઈ અને એ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ થઈ હતી.

એ પછી આખો વિવાદ સામે આવ્યો હતો. પોલીસ ફરિયાદ તેમજ જમીન વિવાદના પ્રકરણને ધ્યાનમાં લઇને સીબીએસઈ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને એનઓસીની તપાસ મુદ્દે જાણ કરવામાં આવી હતી.

રાજ્ય શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી હતી જેમાં બહાર આવ્યું હતું કે, 2009માં સ્કૂલ તરફથી અરજી કરાઈ હતી, પરંતુ જમીન વગેરેના દસ્તાવેજ પૂરતા ન હોવાથી એનઓસીની અરજી નામંજૂર થઈ હતી.

આ બાબતે સરકારે સીબીએસઈને અહેવાલ મોકલ્યો હતો. ગુજરાત સરકારના અહેવાલને લઈને સીબીએસઈએ સ્કૂલને સાત દિવસમાં જવાબ આપવાની નોટિસ આપી હતી.

સ્કૂલે 29 નવેમ્બરે જે જવાબ રજૂ કર્યો હતો, તેને સીબીએસઈએ માન્ય રાખ્યો ન હતો અને એ રીતે સ્કૂલની માન્યતા રદ કરાઈ હતી.

સીબીએસઈએ લેટરમાં જણાવ્યું છે કે સ્કૂલને જે પ્રોવિઝનલ કે જનરલ એફિલિએશન અપાયું હતું એ રદ કરવામાં આવે છે, કારણ કે સીબીએસઈ સ્કૂલ તરીકેના જોડાણ માટે નિયમ મુજબ સ્કૂલ જે રાજ્યમાં હોય તે રાજ્યના શિક્ષણ વિભાગનું એનઓસી હોવું જરૂરી છે.

ડીપીએસ સ્કૂલ પાસે સરકારનું 'બોનાફાઈડ એનઓસી' જ નથી તેથી સ્કૂલનું જોડાણ કે માન્યતા ટકી શકે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો