પ્રજ્ઞા ઠાકુર સામે ભાજપે કાર્યવાહી કરી, નથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા

મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત કહેવા બદલ ભાજપે તેના સંસદસભ્ય પ્રજ્ઞાસિંહ ઠાકુર સામે કાર્યવાહી કરી છે અને તેમને સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિમાંથી હઠાવી દીધા છે.

આ પહેલાં બુધવારે મધ્ય પ્રદેશના ભોપાલથી ભાજપનાં સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે એક વાર ફરી મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ભાજપના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે વાત કરતાં કહ્યું :

"ભાજપનાં સંસદસભ્ય પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નિવેદન નિંદનીય છે. ભાજપ આ પ્રકારનાં નિવેદનોનું સમર્થન નથી કરતો."

"અમે આ પ્રકારની વિચારસરણીનું સમર્થન નથી કરતા. અમે તેમને સંરક્ષણ બાબતોની સલાહકાર સમિતિમાંથી હઠાવવાનો નિર્ણય લીધો છે.

"ઉપર શિયાળુ સત્ર દરમિયાન તેમને ભાજપની સંસદીય દળની બેઠકમાં હાજર રહેવા નહીં દેવાય."

પ્રજ્ઞાસિંહને ભાજપની વિચારસરણીને ફેલાવવાની સલાહ આપવામાં આવી છે.

સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે કહ્યું, "જો કોઈ વ્યક્તિ નથુરામ ગોડસેને 'દેશભક્ત' માનતી હોય, તો અમે તેની ટીકા કરીએ છીએ. ગાંધીજી અમારા આદર્શ છે અને રહેશે."

બીજી બાજુ, કૉંગ્રેસના સંસદસભ્યોએ ઠાકુરના નિવેદન સામે સંસદમાંથી વૉકાઉટ કર્યું હતું.

શું છે ગોડસે વિવાદ?

બુધવારે લોકસભામાં સાંસદ એ. રાજાએ એસપીજી બિલમાં સંશોધન દરમિયાન ચર્ચા કરતા ટિપ્પણી કરી અને નકારાત્મક માનસિકતા તરીકે નથુરામ ગોડેસેનું ઉદાહરણ આપ્યું.

ટિપ્પણી સાંભળતાં જ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું દેશભક્તોનું ઉદાહરણ ન આપો.

પ્રજ્ઞા ઠાકુરના વિવાદિત નિવેદન પછી લોકસભામાં હંગામો થયો હતો અને તેમનું નિવેદનને લોકસભાના રૅકર્ડમાંથી હઠાવી દેવામાં આવ્યું છે.

આ અંગે વિવાદ ઊભો થતા પત્રકારોએ એમને સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુરુવારે આનો જવાબ આપશે.

કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ જોશીએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું, "પ્રજ્ઞા ઠાકુરનું માઇક બંધ હતું."

"જ્યારે તેઓ ઉધમ સિંઘનું નામ લઈ રહ્યા હતા ત્યારે તેમણે વાંધો દર્શાવ્યો હતો."

"આ સિવાય તેમણે ગોડસે વિશે કશું નથી કહ્યું. આ અંગે તેમણે સ્પષ્ટીકરણ પણ આપ્યું છે."

"આ (મુદ્દો) રેકર્ડ ઉપર નથી, આ અંગે સમાચાર ફેલાવવા અયોગ્ય છે."

અગાઉના વિવાદ

તાજેતરમાં પ્રજ્ઞાસિંહ ઠાકુરને સંરક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિમાં સ્થાન આપવામાં આવતા વિવાદ ઊભો થયો હતો.

આ સમિતિમાં 21 સભ્ય છે અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તેના અધ્યક્ષ છે.

કૉંગ્રેસે પ્રજ્ઞાસિંહને આ સમિતિમાં સ્થાન આપવાની બાબતને દેશનું અપમાન ગણાવ્યું છે.

પ્રજ્ઞાસિંહ વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે અને આરોગ્યના કારણસર જામીન પર છે.

અગાઉ પણ તેમણે મહાત્મા ગાંધીની હત્યામાં દોષિત નથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે એ મુજબનું નિવેદન આપ્યું હતું.

આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રકારનું નિવેદન આપનારને તેઓ દિલથી માફ નહીં કરી શકે.

કોણ છે પ્રજ્ઞા ઠાકુર

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં સભ્ય રહી ચૂક્યાં છે.

તેઓએ આ વર્ષે લોકસભા ચૂંટણીમાં ભોપાલથી જીત મેળવી હતી. તેઓએ કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને હરાવ્યા હતા.

પ્રજ્ઞા ઠાકુર તેમનાં નિવેદનોને લઈને વિવાદોમાં રહ્યાં છે. તેઓ વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટના આરોપી પણ છે.

મહારાષ્ટ્રના માલેગાંવમાં અંજુમનચોક અને ભીકુચોક વચ્ચે શકીલ ગૂડ્સ ટ્રાન્સપૉર્ટની સામે 29 સપ્ટેમ્બર, 2008માં રાતે 9.35 વાગ્યે બૉમ્બબ્લાસ્ટ થયો હતો, જેમાં છ લોકોનાં મૃત્યુ અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ બ્લાસ્ટમાં એક મોટરસાઇકલનો ઉપયોગ થયો હતો. એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ના રિપોર્ટ પ્રમાણે, આ મોટરસાઇકલ પ્રજ્ઞા ઠાકુરના નામે હતી.

આ મામલે એનઆઈએ કોર્ટે પ્રજ્ઞા ઠાકુરને જામીન આપી દીધી હતાં, પરંતુ તેમને દોષમુક્ત માન્યા નહોતાં અને ડિસેમ્બર 2017માં આપેલા આદેશમાં કહ્યું હતું કે પ્રજ્ઞા પર યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ) અંતર્ગત કેસ ચાલતો રહેશે.

પ્રજ્ઞા ઠાકુર પર 'સમજૌતા એક્સપ્રેસ' વિસ્ફોટ કેસના આરોપી સુનીલ જોશીની હત્યાનો પણ આરોપ લાગ્યો હતો. જોશીની 296 નવેમ્બર, 2007માં હત્યા કરી દેવાઈ હતી.

અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં પણ પ્રજ્ઞા ઠાકુરનું નામ આવ્યું હતું, પરંતુ એપ્રિલ 2017માં એનઆઈએએ પ્રજ્ઞા ઠાકુર, આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના નેતા ઇન્દ્રેશ કુમાર અને અન્ય બે સામે રાજસ્થાનની સ્પેશિયલ કોર્ટમાં ક્લૉઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો