You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત સાથે નાતો ધરાવનારાં પ્રજ્ઞા ઠાકુરના સંરક્ષણ સમિતિમાં સમાવેશ ઉપર વિવાદ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક ઉપરથી ભાજપના સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને સંરક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ સમિતિમાં 21 સભ્ય છે અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તેના અધ્યક્ષ છે.
કૉંગ્રેસે પ્રજ્ઞાસિંહને આ સમિતિમાં સ્થાન આપવાની બાબતને દેશનું અપમાન ગણાવ્યું છે.
પ્રજ્ઞાસિંહ વર્ષ 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે અને આરોગ્યના કારણસર જામીન ઉપર બહાર છે.
'દરેક ભારતીયનું અપમાન'
કૉંગ્રેસે સરકારની પસંદગી અંગે તેના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને લખ્યું :
"આતંકવાદના આરોપી અને ગોડસેના કટ્ટર સમર્થક પ્રજ્ઞા ઠાકુરને ભાજપે સંરક્ષણ અંગેની સંસદીય સમિતિમાં સભ્ય તરીકે નિમ્યાં છે."
"આ પગલું દેશનાં સુરક્ષાબળો, માનનીય સંસદસભ્યો તથા દરેક ભારતીયનું અપમાન છે."
કૉંગ્રેસે એમ પણ લખ્યું, "છેવટે મોદીજીએ પ્રજ્ઞા ઠાકુરને હૃદયથી માફ કરી દીધાં!"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આતંકવાદી હુમલાના આરોપીને સંરક્ષણમંત્રાલયમાં સ્થાન આપવું તે વીર જવાનોના અપમાન સમાન છે. તેઓ આતંકવાદીઓથી દેશને સુરક્ષિત રાખે છે."
નથુરામ ગોડસે અંગે પ્રજ્ઞા ઠાકુરનું નિવેદન વિવાદાસ્પદ બન્યું હતું. તેમણે ગાંધીજીની હત્યાના ગુનેગાર નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા.
આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રકારનું નિવેદન આપનારને તેઓ હૃદયથી માફ નહીં કરી શકે.
પ્રજ્ઞા ઠાકુર અને સુરત
મધ્ય પ્રદેશમાં ચંબલના ભીંડમાં તેમનો ઉછેર થયો. તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા.
ઇતિહાસમાં અનુસ્નાતક પ્રજ્ઞા શરૂઆતથી જ જમણેરી વિચારસરણી ધરાવતાં હતાં. તેઓ સંઘની વિદ્યાર્થી પાંખ 'અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ' તથા 'વિશ્વ હિંદુ પરિષદ'ની મહિલા પાંખ 'દુર્ગાવાહિની' સાથે સંકળાયેલાં હતાં.
તેમણે 'લવજેહાદ' સામે અભિયાન છેડ્યું હતું. તેઓ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ફરીને તેજાબી ભાષણો આપતાં.
જોકે, બાદમાં તેમણે સંસાર ત્યજી દીધો અને ભગવો ધારણ કરી લીધો.
ત્યારબાદ તેઓ સુરતમાં સ્થિર થયાં અને પુણા ગામ ખાતે આશ્રમ સ્થાપ્યો.
NIA (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની ચાર્જશિટ પ્રમાણે, આશ્રમની આડમાં તેઓ 'અભિનવ ભારત' નામના ઉગ્રપંથી સંગઠન સાથે સંકળાયેલાં હતાં.
એ જ રીતે માલેગાંવ બ્લાસ્ટ તથા સુનીલ જોશી મર્ડર કેસમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું.
'હિંદુ ઉગ્રવાદ'
સપ્ટેમ્બર-2008માં મહારાષ્ટ્રની ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડે માલેગાંવ બ્લાસ્ટના કેસમાં તેમની ધરપકડ કરી હતી. એ સમયે હેમંત કરકરે સ્કવૉડના વડા હતા.
એ બ્લાસ્ટમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બ્લાસ્ટમાં વપરાયેલું સ્કૂટર પ્રજ્ઞા ઠાકુરના નામે નોંધાયેલું હતું.
સાધ્વીએ તેમના બચાવમાં કહ્યું હતું કે તેમણે વર્ષ 2004માં એ સ્કૂટર વેચી દીધું હતું.
2011માં એનઆઈએએ આ કેસ સંભાળ્યો. જોકે, કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ તપાસ એજન્સીના વલણમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું હતું અને તેમને જામીન મળી શક્યા.
એપ્રિલ-2017માં જામીન મળ્યા તે પહેલાં નવ વર્ષ તેઓ જેલમાં રહ્યાં હતાં.
આ દરમિયાન લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિત, સ્વામી અસીમાનંદ અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર 'હિંદુ ઉગ્રવાદ' ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.
હિંદુ ઉગ્રવાદનો મુદ્દો
2010માં કૉંગ્રેસના તત્કાલીન મહાસચિવ દિગ્વિજય સિંહે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘને પત્ર લખીને અલગઅલગ ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં હિંદુવાદી સંગઠનોની સંડોવણી અંગે સવાલ ઊભા કર્યા હતા.
સપ્ટેમ્બર-2008માં તત્કાલીન ગૃહ પ્રધાન શિવરાજ પાટિલને પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી સમયે કહ્યું હતું કે, 'કૉંગ્રેસ કાન ખોલીને સાંભળી લે, હિંદુ આતંકવાદી ન હોઈ શકે.'
એપ્રિલ-2018માં ઠાકુરે અણસાર આપ્યા હતા કે તેઓ રાજકારણમાં જોડાશે. મે-2019માં કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને ભોપાલની બેઠક ઉપરથી હરાવીને પ્રજ્ઞા ઠાકુર સંસદસભ્ય બન્યાં.
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે 'ભગવાને ફરી સન્માન અપાવીશ અને દેશને સુરક્ષિત બનાવીશ.'
કૅન્સરપીડિત ઠાકુર
વર્ષ 2013માં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને સ્તનકૅન્સર હોવાનું નિદાન થયું હતું. તેમનાં જેલવાસ દરમિયાન જ તેમની સારવાર ચાલતી રહી.
પ્રજ્ઞા ઠાકુરે કૅન્સર માટે ઍલૉપથી ઉપરાંત આયુર્વેદ અને પંચકર્મની સારવાર કરાવી હતી. તેમના પિતા આયુર્વેદમાં પ્રૅક્ટિસ કરતા હતા.
તેમણે જેલવાસ દરમિયાન અનેક વખત આરોગ્યના આધાર પર જામીન માગ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો