TOP NEWS: સાધ્વી પ્રજ્ઞાસિંહને સંરક્ષણમંત્રાલયની સમિતિમાં સ્થાન મળ્યું

મધ્ય પ્રદેશના ભોપાલથી ભારતીય જનતા પક્ષનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને સંરક્ષણમંત્રાલયની સમિતીમાં મોટી જવાબદારી સોંપાઈ છે.

'આજ તક'ની વેબસાઇટના અહેવાલ અનુસાર સાધ્વી પ્રજ્ઞાને સંરક્ષણ મંત્રાલયની સમિતિમાં સભ્ય બનાવાયાં છે અને આ સમિતિની આગેવાની સંરક્ષણમંત્રી રાજનાથસિંહ કરી રહ્યા છે.

સંરક્ષણ સમિતિમાં કુલ 21 સભ્યો છે, જેમાંથી સાધ્વી પ્રજ્ઞાસિંહનું નામ હોવાનું વેબસાઇટનો અહેવાલ જણાવે છે. આ સમિતામાં ફારુક અબ્દુલ્લા, એ. રાજા, સુપ્રિયા સુલે, મીનાક્ષી લેખી, રાકેશસિંહ, શરદ પવાર, જેપી નડ્ડા વગેરે સામેલ છે.

મહત્ત્વપૂર્ણ છે કે પોતાનાં નિવેદનોને લીધે ચર્ચામાં રહેતાં સાધ્વી પ્રજ્ઞાએ લોકસભાની ચૂંટણીમાં ભોપાલની બેઠક પરથી વિજય હાંસલ કર્યો હતો.

સાધ્વી પ્રજ્ઞાસિંહ જ્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યાં હતાં ત્યારે તેમણે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો.

આ ઉપરાંત વિપક્ષ દ્વારા ભાજપના નેતાઓ પર 'મારકશક્તિ'નો ઉપયોગ કરવાં જેવાં તેમનાં નિવેદનોએ પણ ચર્ચા જગાવી હતી.

અહીં એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે સાધ્વી પ્રજ્ઞાસિંહ વર્ષ 2008માં માલેગાંવમાં થયેલા બૉમ્બ વિસ્ફોટના આરોપી છે અને હાલ જમાનત પર છે. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

સરકાર BPCL સહિત પાંચ કંપનીઓની ભાગીદારી વેચશે

એનડીએ સરકારે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) સહિત પાંચ સરકારી કંપનીઓના વિનિવેશને મંજૂરી આપી દીધી છે.

બુધવાર રાતે પત્રકારપરિષદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારના આ મોટા નિર્ણયની જાણકારી આપી છે.

નાણામંત્રીએ જણાવ્યું કે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) સાથે કન્ટેનર કૉર્પોરેશન (કૉનકૉર), ટિહરી હાઇડ્રૉ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ (ટીએચડીસીએલ), નૉર્થ ઈસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશન લિમિટેડ (નીપકો) અને શિપિંગ કૉર્પોરેશન (એસસીઆઈ)ના વિનિવેશને મંજૂરી મળી છે.

આ નિર્ણય અંતર્ગત કેન્દ્ર સરકાર બે મોટી કંપનીઓ બીપીસીએલની 53.4% અને શિપિંગ કૉર્પોરેશનની 63.5% ભાગીદારી વેંચશે. બીપીસીએલમાં કેન્દ્રની ભાગીદારી 53.29% છે.

વિનિવેશની આ પ્રક્રિયામાં નુમાલીગઢની રિફાઇનરીમાં બીપીસીએલની 61%ની ભાગીદારી સામેલ નથી.

આ ઉપરાંત કૅબિનેટે શૅર ભાગીદાગી 51 ટકા નીચે લાવવાને મંજૂરી મળી છે. એટલે કે બીપીસીએલ ઉપરાંત ચાર અન્ય સરકારી કંપનીઓમાં પણ પોતાનું રોકાણ વેચ્યા બાદ સરકારની ભાગીદારી 51%થી ઓછી રહી જશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ)ના પ્રસ્તાવિત વિનિવેશના સમાચારોની પૃષ્ઠભૂમિમાં કૉંગ્રેસના એક સભ્યે લોકસભામાં બુધવારે આ પ્રકારના નિર્ણયને દેશહિત માટે નુકસાનકારક ગણાવતાં આ મામલે પુનર્વિચારણાની માગ કરી છે.

પ્રિન્સ ઍન્ડ્ર્યુએ રાજવી જવાબદારી છોડી

બ્રિટનના રાજવી પરિવારના સભ્ય ડ્યૂક ઑફ યૉર્ક પ્રિન્સ ઍન્ડ્ર્યૂનું કહેવું છે કે તેઓ પોતાની રાજવી જવાબદારીમાંથી પાછળ હઠી રહ્યા છે. જૅફરી ઍપસ્ટિનનો મામલો શાહી પરિવાર માટે એક બહુ 'મોટી અડચણ' બની ગયો હોવાથી તેમણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.

59 વર્ષના પ્રિન્સ ઍન્ડ્ર્યૂએ કહ્યું કે તેમણે સ્થિતિને સમજીને મહારાણી સમક્ષ પોતાની ફરજોમાંથી પીછેહઠ કરવાની મંજૂરી માગી છે.

તેમણે એવું પણ ઉમેર્યું કે તેઓ યૌન શૌષણના આરોપી જૅફરી ઍપસ્ટીનના કેસમાં તમામ પીડિતો સહિત એ દરેક વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, જેઓ ઇચ્છે છે કે આ મામલો ન્યાય સાથે પૂર્ણ થાય.

ડ્યૂકને અમેરિકન ફાઇનાન્સર જૅફરી ઍપ્સટીન સાથેની પોતાની મિત્રતાને લઈને બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂ બાદ ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે.

બકિંઘમ પૅલેસ દ્વારા પ્રિન્સ ઍન્ડ્ર્યૂના આ નિર્ણયને વ્યક્તિગત નિર્ણય ગણાવાયો છે.

'મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળીને કૉંગ્રેસ-NCPની સરકાર'

એનડીટીવીના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળીને સરકાર રચવા કૉંગ્રેસ અને એનસીપી તૈયાર થઈ ગયાં છે.

એનડીટીવીના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં સરકારના ગઠનને લઈને ચાલી રહેલી ગડમથલ વચ્ચે બુધવારે રાતે કૉંગ્રેસ અને એનસીપીની બેઠક પૂર્ણ થઈ.

આ બેઠક બાદ નિર્ણય લેવાયો કે મહારાષ્ટ્રમાં 'શિવસેના સાથે મળીને સરકાર રચવામાં આવશે.'

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું, "ચર્ચા હાકારાત્મક રહી છે. અમે મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપીશું અને અમે સરકાર બનાવીશું."

નોંધનીય છે કે આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર વચ્ચે મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત બાદ કેટલાય પ્રકારના કયાસ લગાવાઈ રહ્યા હતા.

જોકે, હવે મહારાષ્ટ્રમાં ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે.

ચંદ્રયાન-2નું હાર્ડ લૅન્ડિંગ થયું હોવાનું ISROએ સ્વીકાર્યું

ચંદ્રયાન-2 મિશનના લગભગ અઢી મહિના બાદ હવે ઈસરોએ સ્વીકાર્યું છે કે વિક્રમ લૅન્ડરનું ચંદ્રની સપાટી પર હાર્ડ લૅન્ડિંગ થયું હતું.

કેન્દ્ર સરકાર તરફથી બુધવારે વડા પ્રધાનના કાર્યાલયમાં રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે લોકસભામાં લેખિત જવામાં આ વાત જણાવી છે.

તેમણે જણાવ્યું કે ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરે પર હાર્ડ લૅન્ડિંગ કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો