ભારતનો વિકાસદર 20 વર્ષમાં સૌથી તળિયે કેમ?

    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

'નેશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઇડ ઇકૉનૉમિક રિસર્ચ' (એનસીએઈઆર) પ્રમાણે ભારતનો વર્ષ 2019-20નો જીડીપીનો દર 4.9 ટકા રહી શકે છે. આ રૅટિંગ અગાઉની એજન્સીઓ તથા ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલાં પૂર્વાનુમાનો કરતાં સૌથી ઓછું છે.

આર્થિક બાબતોની થિન્ક ટૅન્ક નેશનલ કાઉન્સિલ ઑફ ઍપ્લાઇડ ઇકનૉમિક રિસર્ચ (એનસીએઈઆર)ના જણાવ્યા અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં પણ જીડીપીનો દર નીચો આવી શકે છે.

ભારતના ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના દરમાં છેલ્લાં 20 વર્ષમાં આવેલો આ સૌથી મોટો ઘટાડો માનાય છે.

એનસીએઈઆરનું અનુમાન છે કે, બધાં જ ક્ષેત્રમાં મંદી વર્તાઈ રહી છે અને તેને કારણે 2019-20ના વર્ષના બીજા ત્રિમાસિકમાં જીડીપીનો દર 4.9 ટકા જેટલો રહેશે.

આ પહેલાં વિશ્વ બૅન્ક, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને આઈએમએફ (ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ) જેવી સંસ્થાઓએ પણ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના જીડીપીનો દર ઓછો આંક્યો હતો.

હાલમાં જ એસબીઆઈના અહેવાલમાં બીજા ત્રિમાસિકમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં વિકાસદર માત્ર 4.2 ટકા રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું.

ભારતનો જીડીપી 2018-19ના પ્રથમ ત્રિમાસિકમાં સૌથી વધારે વૃદ્ધિદર પર એટલે કે 8.1% પર પહોંચ્યો હતો, પરંતુ ત્યાર બાદ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં તે છેલ્લા છ વર્ષના સૌથી નીચેના સ્તરે (5%) પર પહોંચ્યો હતો.

દેશની વર્તમાન અર્થવ્યવસ્થા અંગે બીબીસીએ દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓના મત જાણ્યા હતા.

અર્થશાસ્ત્રી ભરત ઝુનઝુનવાલા અર્થતંત્ર મામલે સરકારની ઉદાસીનતાને આગળ ધરતાં કહે છે કે સરકારે દેશના અર્થતંત્ર અને લોકોની રોજગારી પર વિશેષ ધ્યાન આપ્યું નથી.

ઝુનઝુનવાલા કહે છે, "આપણા દેશમાંથી મોટાપાયે મૂડી બહાર જઈ રહી છે. ગ્રોથ રેટ ઘટવાનું એક કારણ આ પણ છે."

"મૂડી દેશની બહાર જવાનું કારણ દર્શાવતાં તેઓ કહે છે કે દેશમાં જે સામાજિક તણાવ વધી રહ્યો છે તેનાથી લોકો વિચલિત છે."

"પ્રદૂષણનું સ્તર વધતાં લોકો દિલ્હી કે મુંબઈમાં રહેવા માગતા નથી. આથી એવા લોકો પોતાની મૂડી લઈને દેશની બહાર જઈ રહ્યા છે."

"બીજી વાત કે દેશના નેતાઓ પહેલાં તેમનાં કાળાં નાણાંને પ્રૉપર્ટીમાં રોકતા હતા, પરંતુ હવે તેઓ તેમનાં નાણાંને બહાર લઈ જઈ રહ્યાં છે."

"સરકારની નીતિ મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની છે. નાના ઉદ્યોગો રોજગારી પેદા કરે છે, તેના કારણે બજારમાં માગ વધે છે."

"પરંતુ સરકાર હવે મોટા ઉદ્યોગોને આગળ વધારી રહી છે, આથી માગ વધતી નથી."

ઝુનઝુનવાલા ઉમેરે છે કે વિકાસદર ઘટવાની મૂળ સમસ્યા મૂડીનું પલાયનવાદ અને લોકોની બેરોજગારી છે, જેના પર સરકારે પૂરતું ધ્યાન આપ્યું નથી.

આંધ્ર પ્રદેશ સરકારના 'કૉમ્યુનિકેશન ઍડવાઇઝર' રહી ચૂકેલા અને નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરાકાલા પ્રભાકરે પણ ભારતીય અર્થવ્યવસ્થા મામલે ભાજપ સરકારની ટીકા કરી હતી.

અગાઉ તેમણે ધ હિન્દુ અખબારમાં એક લેખ લખ્યો હતો અને ભાજપ સરકારને સલાહ આપી હતી કે તેઓએ નહેરુના સમાજવાદની ટીકા કરવાને બદલે રાવ- (ડૉ. મનમોહન) સિંહના ઇકૉનૉમિક આર્કિટેક્ચરને અપનાવવું જોઈએ.

દેશની વર્તમાન અર્થવ્યવસ્થા અંગે બીબીસીએ જાણીતા અર્થશાસ્ત્રી ધીરેન્દ્ર કુમાર સાથે પણ વાત કરી હતી.

ધીરેન્દ્ર કુમાર કહે છે કે હાલના સમયમાં દેશની ઑપરેટિંગ સિસ્ટમ બદલાઈ ગઈ છે. આપણા દેશમાં જે રીતે કારોબાર થતો હતો એ છેલ્લા અઢી વર્ષમાં બદલાઈ ગયો છે.

"અત્યાર સુધી જે રીતે મકાન, સામાનની લે-વેચ થતી હતી એ બદલાઈ ગઈ છે. સરકારનો હિસાબ પણ બદલાઈ ગયો છે. તેના કેટલાક ફાયદા પણ છે."

"હાલમાં જે થઈ રહ્યું છે તેને કેટલાક લોકો સમજી શકતા નથી, કેટલાક લોકોને સમજવામાં વાર લાગશે."

"ઘણા લોકો કારોબારમાંથી નીકળી જશે અને ઘણા મોટો લોકો વધુ મોટા થઈ જશે."

"જે કાયદાની રીતે ચાલશે એ મોટા થઈ જશે અને જે નાનો માણસ તેનો સામનો નહીં કરી શકે એ મૂંઝવણમાં મુકાઈ જશે."

આ મામલે તેઓ વધુમાં જીએસટી (ગુડ્ઝ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ને પણ મોટું કારણ આ માટેનું એક કારણ ગણાવે છે.

"જીએસટીમાં ઘણી ત્રુટીઓ છે. સરકાર તેમાં દિવસે દિવસે સુધારાવધારા કરી રહી છે."

"લોકો તેનાથી ઘણા પરેશાન છે અને તેની ધંધા પર મોટી અસર થઈ છે."

"રોજરોજ તેમાં સુધારા થઈ રહ્યા છે. આથી અર્થવ્યવસ્થામાં સુધારો થતાં સમય લાગી શકે છે."

"તેઓ કહે છે કે ગ્રોથ રેટમાં ઘટાડો થયો છે, પણ આપણી અર્થવ્યવસ્થાનું વૉલ્યુમ (કદ) નાનું થઈ રહ્યું નથી."

એનસીએઈઆરના રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત વિકાસ મામલે ઘટાડાનો સામનો કરી રહ્યું છે, જે વૈશ્વિક મંદીની તુલનામાં ઝડપી છે.

વિકાસમાં ઝડપી ઘટાડો થતાં દરેક ક્ષેત્રોમાં પણ મંદી વર્તાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ક્રૅડિટ રૅટિંગ એજન્સી 'મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે' ભારતીય અર્થવ્યવસ્થાના રૅટિંગ પર પોતાનો દૃષ્ટિકોણ બદલીને તેને 'સ્થિર'માંથી 'નકારાત્મક' કર્યો હતો.

એજન્સીએ કહ્યું હતું કે ભારતમાં સુસ્ત અર્થવ્યવસ્થાને લઈને જોખમ વધી રહ્યું છે.

દેશના પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે ધ હિંદુ અખબારમાં એક લેખ લખીને નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી.

ડૉ. મનમોહન સિંહે કહ્યું કે 'સરકારની ખોટી નીતિઓને કારણે ભય અને અવિશ્વાસનો માહોલ છે.'

'તેમણે કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ નિરાશાજનક સ્થિતિમાં છે.'

'આવું હું એક વિપક્ષી પાર્ટીના નેતા તરીકે નથી કહી રહ્યો, પરંતુ ભારતના એક નાગરિક તરીકે અને અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કહી રહ્યો છું.'

'ગત 15 વર્ષોમાં અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ સૌથી નીચે છે.'

'બેરોજગારી છેલ્લા 45 વર્ષમાં ટોચના સ્તરને સ્પર્શી છે અને લોકોની ખર્ચ કરવાની ક્ષમતા છેલ્લા 40 વર્ષને તળિયે પહોંચી ગઈ છે.'

જીડીપી કઈ રીતે નક્કી થાય છે?

જીડીપી બે રીતે નક્કી કરવામાં આવે છે, કેમ કે ઉત્પાદનનો પડતરખર્ચ મોંઘવારી સાથે વધતોઘટતો રહે છે. આ માપદંડ છે 'કૉન્સ્ટન્ટ પ્રાઇઝ'.

આ આધારે જીડીપીનો દર અને ઉત્પાદનનું મૂલ્ય એક વર્ષના આધારે ઉત્પાદનની કિંમત પર નક્કી થાય છે.

એટલે કે જો વર્ષ 2019નો આધાર લઈએ તો એના પર જ ઉત્પાદનનું મૂલ્ય અને તેમાં થતી વધઘટને ધ્યાને લેવામાં આવે છે.

બીજી રીત છે 'કરન્ટ પ્રાઇઝ', જેમાં ઉત્પાદન મૂલ્યમાં મોંઘવારીનો દર પણ સામેલ હોય છે.

કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય એટલે કે સી.એસ.ઓ. ઉત્પાદન અને સેવાઓના મૂલ્યાંકન માટે એક 'આધારવર્ષ' એટલે બેઝ નક્કી કરે છે.

આ બેઝ પ્રમાણે કિંમતને આધાર બનાવીને ઉત્પાદન અને સેવાઓની કિંમત જોવામાં આવે છે અને એ હિસાબે તુલનાત્મક વૃદ્ધિ કે ઘટાડો આંકવામાં આવે છે.

'કૉન્સ્ટન્ટ પ્રાઇઝ'ના આધારે જીડીપીની ગણતરી કરવાનું કારણ એ પણ છે કે આ આંકડાને મોંઘવારીના ઉતારચડાવથી અલગ રાખીને માપી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો