You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NSO : નરેન્દ્ર મોદીની સરકાર આ ડેટા જાહેર નહીં કરીને દેશની ગરીબી દબાવી રાખવા માગે છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કેન્દ્ર સરકારે નેશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ એટલે કે NSOનો 2017-18નો ખરીદશક્તિનો ડેટા જાહેર ન કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું છે કે ડેટાની 'ગુણવત્તા'માં કમીના કારણે તેને જાહેર કરવામાં નહીં આવે.
મિનિસ્ટ્રી ઑફ સ્ટૅટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના જણાવ્યા અનુસાર ડેટાની ગુણવત્તાને પગલે મંત્રાલયે 2017-18નો ખરીદશક્તિનો ડેટા જાહેર ન કરવાનો નિર્ણય કર્યો છે.
મંત્રાલયે કહ્યું, "મંત્રાલય 2020-21 અને 2021-22માં ગ્રાહક ખર્ચ સર્વે (કન્ઝ્યુમર ઍક્સપેન્ડિચર સર્વે) કરાવવાની શક્યતાઓ અંગે વિચારણા કરી રહી છે."
જો આ ડેટા જાહેર નહીં થાય તો ભારતમાં દસ વર્ષ દરમિયાનની ગરીબીનું અનુમાન લગાવવું મુશ્કેલ થશે.
આ પૂર્વે આ સર્વે 2011-12માં થયો હતો. આ ડેટાની મદદથી સરકાર દેશમાં ગરીબી અને વિષમતાનું આકલન કરે છે.
40 વર્ષમાં લોકોની ખરીદશક્તિ ઘટી?
બિઝનેસ સ્ટાન્ડર્ડ અખબારે ખરીદશક્તિ સર્વેની મહત્ત્વની વિગતો શુક્રવારે પ્રકાશિત કરવાનો દાવો કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે છેલ્લાં 40 વર્ષોમાં લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં ઘટાડો થયો છે.
જોકે સરકારનું કહેવું છે કે રિપોર્ટ હજુ ડ્રાફ્ટ છે અને તેના કોઈ ડેટા જાહેર નથી થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનએસઓની રચના 1950માં થઈ હતી અને પહેલી વખત એવું બની રહ્યું છે કે તેનો ડેટા જાહેર કરવામાં નથી આવી રહ્યો.
સરકારી પ્રસારક પ્રસાર ભારતી ન્યૂઝ સર્વિસના ટ્વીટને મંત્રાલયે રિટ્વીટ કર્યું હતું.
તે ટ્વીટમાં લખ્યું છે, "કેટલીક મીડિયા સંસ્થાઓમાં સર્વેનો જે ડેટા બતાવવામાં આવી રહ્યો છે તે ઠીક નથી. મંત્રાલય પાસે સર્વે છે અને તે હજુ ડ્રાફ્ટ છે જેને અંતિમ રિપોર્ટ તરીકે રજૂ કરી શકાય એમ નથી."
"મીડિયા રિપોર્ટ્સમાં 2017-18ની સર્વેની વાત કહેવામાં આવી રહી છે જ્યારે નેશનલ ઍકાઉન્ટ્સ સ્ટૅટિસ્ટિક્સની સલાહકાર સમિતિએ પહેલાં જ કહી દીધું હતું કે 2017-18નું વર્ષ નવા આધાર વર્ષ માટે યોગ્ય વર્ષ નથી."
ગ્રાહક ખર્ચ સર્વે સામાન્ય રીતે પાંચ વર્ષના આંતરે કરવામાં આવે છે. પરંતુ 2011-12માં સર્વે બે વર્ષ બાદ જ કરાયો હતો. એ પૂર્વે 2009-10માં સર્વે આવ્યો હતો અને ત્યારે દુષ્કાળ પણ પડ્યો હતો.
ડેટા જાહેર કરવામાં વાંધો શું છે?
વર્ષ 2099-10 અને 2011-12ના સર્વે રિપોર્ટ સાર્વજનિક છે.
આધાર વર્ષ બદલવા મામલેના તર્ક પર પટનાના એ. એન. સિંહા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સ્ટડીઝમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર ડી. એમ. દિવાકર કહે છે કે આધાર વર્ષ બદલવાથી કોઈ રોકી નથી રહ્યું પણ જે સર્વે થઈ ચૂક્યો છે, તેના આંકડા જાહેર કરવામાં વાંધો શું છે?
દિવાકર કહે છે, "નવું આધાર વર્ષ બનાવવું છે તો ભલે બનાવે. કોઈ રોકી નથી રહ્યું. પરંતુ જૂનો ડેટા જાહેર કરવામાં વાંધો શું છે?"
"જે સર્વે થઈ ચૂક્યો છે તેનો ડેટા જાહેર થતો કેમ રોકવામાં આવી રહ્યો છે? વાત સીધી છે કે તેમને તેમની પસંદનો ડેટા જોઈએ છે. જે ડેટા તેમની પસંદનો નથી હોતો તેમને તેઓ જાહેર નથી થવા દેતા."
"રોજગારીના ડેટા વિશે પણ આવું જ થયું. તેને પણ તેમણે જાહેર નહોતો થવા દીધો."
દિવાકર કહે છે કે આ ભારતીય લોકશાહીના ઇતિહાસની પહેલી સરકાર છે કે જે પોતાની જ સંસ્થાઓનો ડેટા ખારિજ કરી રહી છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરાયો છે કે એક ભારતીયની દર મહિને ખર્ચ કરવાની સરેરાશ ક્ષમતામાં 3.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. વળી ગ્રામીણ ભારતમાં આ ઘટાડો 8.8 ટકા છે.
આ સમગ્ર વિવાદ પર પૂર્વ પ્રમુખ આંકડાશાસ્ત્રી પ્રણબ સેને બિઝનેસ સ્ટાન્ડર્ડને કહ્યું,"2017-18 અસામાન્ય વર્ષ હોવા છતાં સરકારે ડેટા જાહેર કરવો જોઈએ."
"જ્યારે હું પ્રમુખ સ્ટૅટિસ્ટિશન હતો ત્યારે મારા સમય દરમિયાન 2009-10માં સર્વે થયો હતો અને ત્યારે પાછલાં 40 વર્ષો બાદ ભયાનક દુષ્કાળ પડ્યો હતો અને વૈશ્વિક આર્થિક સંકટનો સમયગાળો હતો ત્યારે પણ ડેટા જાહેર કરાયો હતો."
"અમે 2011-12ને નવું આધાર વર્ષ બનાવ્યું હતું પરંતુ 2009-10ના રિપોર્ટને અટકાવ્યો નહોતો. અમે ડેટા દબાવીને નહોતો રાખ્યો."
સરકાર ડેટા જાહેર કરવા કેમ નથી માગતી?
બિઝનેસ અખબાર લાઇવ મિંટે લખ્યું કે એનએસઓનો સર્વે નોટબંધી બાદ શરૂ થયો હતો. ત્યારે નોટબંધીના કારણે રોકડ પ્રવાહની ભયાનક સમસ્યા સર્જાઈ હતી.
વળી તેની સાથે જ નોટબંધીને કારણે રોકડ વેપારને પણ ઘણું નુકસાન થયું હતું. જુલાઈ-2017માં જીએસટી લાગુ થયો. તેના કારણે પણ કારોબારને અસર થઈ.
દિવાકર કહે છે કે નોટબંધી અને જીએસટીથી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે અને તેની અસર લોકોના જીવન પર પણ થઈ છે.
દિવાકર કહે છે,"સરકારને માલૂમ છે કે એનએસઓનો ડેટા નોટબંધી અને જીએસટી પર સવાલ સર્જશે આથી ડેટા જાહેર કરવા નથી માગતી."
ગત વર્ષે પર્યાવરણ અને વનમંત્રી પ્રકાશ જાવડેકરે રોજગાર પર નેશનલ સૅમ્પલ સર્વેના ડેટાને ખારિજ કર્યો હતો.
જાવડેકરે કહ્યું હતું કે એનએસેસઓના ડેટા સંગ્રહની પ્રક્રિયા વ્યવસ્થિત નથી અને તે જૂની પદ્ધતિ છે.
જાવડેકરે વધુમાં કહ્યું હતું કે એનએસએસઓની પ્રક્રિયા 70 વર્ષ જૂની હતી અને આજનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરવામાં સક્ષમ નથી.
વિપક્ષ પાર્ટીઓએ પણ ડેટા ખારિજ કરવા મામલે સરકાર પર નિશાન સાધ્યું છે.
કૉંગ્રેસે તેના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કર્યું,"સરકાર એનએસઓનો ડેટો છુપાવી રહી છે. 40 વર્ષોમાં પહેલી વાર લોકોની ખર્ચ ક્ષમતામાં ઘટાડો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ગરીબી વધી રહી છે અને ખર્ચ ક્ષમતામાં ઘટાડો આવવાથી કુપોષણ વધી રહ્યું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો