You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી સરકારે બધે મોરચે કરેલા અણઘડ વહીવટને લીધે મંદી આવી - મનમોહન સિંહ
દેશમાં નબળા આર્થિક વિકાસદર અને મંદીના માહોલની ચર્ચા છે ત્યારે પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહે આને માટે નરેન્દ્ર મોદી સરકારના 'ઑલરાઉન્ડ મિસમૅનેજમૅન્ટ'ને જવાબદારે ઠેરવ્યું છે.
તાજેતરમાં એપ્રિલ-જૂનના ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ત્રિમાસિક આંકડા જાહેર થયા છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર 5% નોંધાયો છે, જે આ પહેલાંના ત્રિમાસિક ગાળાના 5.8%ના દર કરતાં પણ નીચો રહ્યો છે.
તો વર્ષ 2018માં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર 8% નોંધાયો છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન નોંધાયેલો આ સૌથી નબળો આર્થિક વિકાસદર છે.
ડૉ. મનમોહન સિંહે સમાચાર સંસ્થા એએનઆઈને આપેલા નિવેદનમાં ભારતની આર્થિક સ્થિતિ અને મંદી બાબતે અનેક વાતો કહી.
કૉંગ્રેસ પાર્ટીએ પણ ડૉ. મનમોહન સિંહના નિવેદનનો વીડિયો શૅર કર્યો છે.
ડૉ. મનમોહન સિંહે કહેલી ખાસ વાતો આ મુજબ છે :
- દેશની વર્તમાન ખરાબ આર્થિક સ્થિતિ માટે નરેન્દ્ર મોદી સરકારે દરેક મોરચે કરેલો અણઘડ વહીવટ જવાબદાર છે અને એને પરિણામે જ મંદી આવી છે.
- દેશની હાલની આર્થિક સ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા ત્રિમાસિકની જીડીપી 5 ટકા છે અને એ દર્શાવે છે કે આપણે લાંબી મંદીની મઝધારે આવી ગયા છીએ.
- ડૉ. મનમોહન સિંહે કહ્યું કે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રમાં 0.6 ટકાનો નબળો ગ્રોથ ચિંતાજનક છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે માનવસર્જિત ડિઝાસ્ટર સમાન નોટબંધી અને ખરાબ રીતે અમલ કરાયેલ જીએસટીની હજી અર્થતંત્રને કળ વળી નથી.
- સ્થાનિક માગ હતાશાજનક છે અને ઉપભોકતા વૃદ્ધિ 18 મહિનાને તળિયે છે. નોમિનલ જીડીપી 15 વર્ષને તળિયે છે.
- નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ મોટા પાયે જૉબલેસ ગ્રોથની છે. એકલા ઑટોમોબાઇલ ક્ષેત્રમાં જ 3.5 લાખ નોકરીઓ ગઈ છે. આ જ રીતે મોટા પાયે અસંગઠિત ક્ષેત્રોમાં નોકરીઓ ગઈ છે જેને લીધે કામદારોમાં નારાજગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રામીણ અર્થતંત્ર વિશે શું કહ્યું?
ડૉ. મનમોહન સિંહે કહ્યું કે ગ્રામીણ ભારતની હાલત ખૂબ જ ખરાબ છે. ખેડૂતોને ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય ન મળતાં ગ્રામીણ આવકમાં ઘટાડો થયો છે.
ફૂગાવાનો જે નીચો દર દર્શાવે છે તે આપણા ખેડૂતો અને તેમની આવકને ભોગે અને 50 ટકા વસતીની દુર્દશાને ભોગે છે.
ડૉ. મનમોહન સિંહે સરકાર પર સંસ્થાઓની સ્વાયત્તતા ખતમ કરવાનો પણ આરોપ મૂક્યો.
એમણે કહ્યું કે બંધારણીય સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે અને તેમની સ્વાયત્તતાને ખતમ કરવામાં આવી રહી છે.
તેમણે જે રીતે આરબીઆઈએ સરકારને 1.76 લાખ કરોડ આપવાની વાત કરી તેનું પણ ઉદાહરણ આપ્યું અને એમ પણ કહ્યું કે સરકાર પાસે એ પૈસાનું શું કરશે એનો પ્લાન નથી.
ડૉ. મનમોહન સિંહે આ સરકારના સમયમાં ડેટાની વિશ્વનિયતા શંકાસ્પદ બની હોવાની વાત પણ કરી.
ડૉ. સિંહે કહ્યું કે આપણા યુવાનો, ખેડૂતો અને ખેતમજૂરો, ઉદ્યોગસાહસિકો અને વંચિતો આનાથી બહેતરને લાયક છે. ભારતને સતત માર્ગ ભૂલવો પોસાય તેમ નથી. એથી હું સરકારને વિનંતી કરું છું કે બદલાની રાજનીતિ બંધ કરે અને આ માનવસર્જિત કટોકટીમાંથી અર્થતંત્રને ઉગારવા માટે વિચારશીલ લોકો સુધી પહોંચે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો