ગોટાભાયા રાજપક્ષે : શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ ભારત અને ચીનમાંથી કોની વધારે નજીક રહેશે?

ગોટાભાયા રાજપક્ષે શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ હશે. તેમણે તેમના હરીફ સજિત પ્રેમદાસા સામે નિર્ણાયક બહુમતી હાંસલ કરી છે. જોકે હજી સુધી સત્તાવાર રીતે ચૂંટણીનાં પરિણામોની જાહેરાત નથી કરાઈ.

ચૂંટણીપંચના અધિકારીઓ પ્રમાણે અત્યાર સુધી 80 ટકા મતની ગણતરી થઈ ગઈ છે, જેમાં રાજપક્ષેને 48 ટકા લોકોનું સમર્થન મળ્યું છે.

વર્તમાન રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ આ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. તેમની શ્રીલંકન ફ્રીડમ પાર્ટી આ ચૂંટણીમાં રાજપક્ષેનું સમર્થન કરી રહી હતી.

ગોટાભાયા રાજપક્ષે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને હાલના વિપક્ષના નેતા મહિંદા રાજપક્ષેના નાના ભાઈ છે.

જાણકારોનું માનવું છે કે જો રાજપક્ષે ચૂંટાય તો દેશમાં ધાર્મિક અને જાતીય તણાવ સર્જાઈ શકે છે.

'ચીન માટે મોટી જીત સાબિત થશે'

ભારતીય વિશ્લેષક બ્રહ્મ ચેલાનીએ મિંટમાં લખ્યું, "ફેંસલા પહેલાં એક કથિત યુદ્ધ અપરાધીના રાષ્ટ્રપતિ બનવાની સંભાવનાઓને લઈને લઘુમતી લોકો, મીડિયા અને નાગરિક અધિકારો માટે અવાજ ઉઠાવનારા લોકો વચ્ચે ભયની લાગણી હોય એ સ્વાભાવિક છે."

કેટલાક લોકોને ચિંતા છે કે રાજપક્ષે રાષ્ટ્રીય સુરક્ષાના નામે ધાર્મિક અને જાતીય દૃષ્ટિએ લઘુમતીમાં ગણાતા લોકો વિરુદ્ધ મોરચો ખોલી દેશે.

તામિલ વિદ્રોહીઓ સામે લડવામાં તેમની ભાગીદારી અને મુસલમાનવિરોધી વિચારો માટે જાણીતા કટ્ટર બૌદ્ધ સમૂહ બોદુ બાલા સીન સાથેના તેમનો મિત્રભાવ આ અવધારણાને પાયો પૂરો પાડે છે.

રાજપક્ષેના ચૂંટણી ઘોષણાપત્રમાં ભ્રષ્ટાચારની નાબૂદી, અર્થવ્યવસ્થાની મજબૂતી અને નિષ્પક્ષ સોસાયટી બનાવવાના વાયદા હતા.

જોકે તેમની મજબૂત છબિ મતદારોમાં આકર્ષણ સાબિત થઈ શકે છે.

કેટલાક જાણકારોનું માનવું છે કે રાજપક્ષેની સફળતા ચીન માટે એક મોટી જીત સાબિત થશે.

મહિંદા રાજપક્ષે 2015 સુધી અહીં સત્તામાં રહ્યા, તેઓ સત્તામાં રહ્યા એ 10 વર્ષ દરમિયાન ચીને પોતાના રોકાણમાં સતત વધારો કર્યો.

ભારતના ધૂંધવાટની વચ્ચે મહિંદા રાજપક્ષેએ ચીન પાસેથી અબજો ડૉલર ઉછીના લીધા અને પોતાના મુખ્ય બંદરના દરાવાજા ચીનની સબમરીનો માટે ખોલી દીધા.

તેમણે ચીન સાથે મળીને એક વિશાળ બંદરનું નિર્માણ કર્યું, એના કારણે ચીનનાં દેવાં તળે દબાયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

સંબંધો પર શું અસર?

રાષ્ટ્રપતિની ચૂંટણીથી શ્રીલંકાના ભારત અને ચીન સાથે સંબંધો પર શું અસર થશે?

કોલંબો યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાન અને પબ્લિક પૉલિસી વિભાગના પ્રોફેસર રહી ચૂકેલા જયદેવ ઉયાંયગોડેનું કહેવું છે, "થોડા દિવસો પહેલાં જ રાજપક્ષે દ્વારા રાનિલ વિક્રમસિંઘેના પક્ષને અમેરિકા અને પશ્ચિમી શક્તિઓના સમર્થક ગણાવવાની કોશિશ થઈ હતી."

"સામાન્ય રીતે ચૂંટણીઓમાં વિદેશ નીતિની કોઈ ખાસ ભૂમિકા હોતી નથી."

દસ વર્ષથી વધુ સમયથી ચીન શ્રીલંકાને આર્થિક મદદ કરે છે. હવે તેણે શ્રીલંકાના દક્ષિણ-પશ્ચિમ કિનારા પાસે આવેલા અમ્બાથોટ્ટાઈમાં મહિંદા રાજપક્ષે બંદરને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે.

આ અધિગ્રહણનું પરસ્પર મહત્ત્વ છે. આ બંદર મહિંદા રાજપક્ષેના કાર્યકાળમાં બનાવવામાં આવ્યું હતું.

આ બંદર ચીની યુદ્ધજહાજોની અવરજવર માટે હિંદ મહાસાગરમાં બહુ સુલભ જગ્યા છે. જ્યાંથી તેમાં તેલ પૂરવામાં આવે છે.

ચીને કોલંબો બંદરને વિકસિત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.

ભારતે કોલંબો બંદરમાં ઈસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ બનાવવા માટે શ્રીલંકા સાથે સમજૂતી કરી છે.

પરંતુ આ પ્રકારની ઘણી ઓછી યોજનાઓ અંગે શ્રીલંકાએ પોતાની ઇચ્છા દર્શાવી છે. ત્યાં સુધી કે કોલંબો કન્ટેનર સમજૂતી પણ ઘણા લાંબા સમય બાદ થઈ શકી.

મૈત્રીપાલા સિરિસેનાએ ભારત સાથે સમજૂતી કરવામાં બહુ રસ દાખવ્યો નહીં, જેના પર ગયા ઑક્ટોબર મહિનામાં થયેલી બેઠકમાં વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે અને રાષ્ટ્રપતિએ પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.

ભારત સાથે સંબંધો નબળા પડ્યા?

જયદેવ ઉયાંયગોડેના મતે "છેલ્લાં 30 વર્ષમાં ભારતે ધીમેધીમે શ્રીલંકા પર પોતાની પકડ ગુમાવી છે. મને નથી લાગતું કે ભારત સાથેના સંબંધોનું કોઈ મોટું મહત્ત્વ રહ્યું હોય."

જોકે મહિંદાના પક્ષે આરોપ લગાવ્યો છે કે ભારતે 2015ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફેરફાર કરવા માટે ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ તેમની ભારત પ્રવાસની સંખ્યા વધી ગઈ.

શ્રીલંકાના વરિષ્ઠ પત્રકાર વીરાકાથી થાનાબાલાસિંઘમ કહે છે, "શ્રીલંકા સાથે ભારત પોતાના સંબંધો આર્થિક આધાર પર જ નક્કી કરી શકે તેમ છે. હવે તેઓ તામિલ મુદ્દાના આધારે દબાણ રાખી શકશે નહીં."

તેઓ કહે છે કે ભારત કે અમેરિકા બંનેમાંથી કોઈ સંબંધ જાળવી રાખવાની કે ચીન સાથે અંતર વધારવા દબાણ કરવાની સ્થિતિમાં નથી.

જોકે યુનાઇટેડ નેશનલ પાર્ટીના ચીનવિરોધી વલણમાં પરિવર્તન આવવાના પણ સંકેત આપે છે.

તેઓ કહે છે, "યૂએનપીએ પહેલાં તો હમ્બનટોટા બંદર ચીનને આપવાનો વિરોધ કર્યો. રાનિલ વિક્રમસિંઘેના કાર્યકાળમાં જ આ બંદર ચીનને 99 વર્ષની લીઝ પર આપી દેવામાં આવ્યું હતું."

શ્રીલંકા સાથેના પોતાના સંબંધો ચીન સતત મજબૂત કરતું રહ્યું છે, કારણ કે તેને હિંદ મહાસાગરમાં પોતાની હાજરી સુરક્ષિત કરવી છે. તે શ્રીલંકામાં મોટું રોકાણ પણ કરી રહ્યું છે.

એ સરખામણીએ ભારતનો શ્રીલંકા સાથેનો સંબંધ તામિલ મુદ્દા પર નિર્ભર હતો.

સત્તામાં કોઈ પણ રાષ્ટ્રપતિ આવે, આ અંતર જ શ્રીલંકા સાથે ભારત અને ચીનના સંબંધોની રૂપરેખા નક્કી કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો