શ્રીલંકાનાં ચૂંટણી પરિણામો ભારત સાથેના સંબંધો બદલી નાંખશે?

    • લેેખક, મુરલીધરન કે વિશ્વનાથન
    • પદ, કોલંબોથી બીબીસી ગુજરાતી માટે

16 નવેમ્બરે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે. શું આ ચૂંટણી પરિણામોની અસર ભારત અને ચીન સાથેના શ્રીલંકાના સંબંધો પર પડશે?

આ વખતે રાષ્ટ્રપતિપદની રેસમાં 30 ઉમેદવારો છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે મુખ્ય લડાઈ યૂનાઇટેડ નેશન્સ પાર્ટીના સજિત પ્રેમદાસા અને શ્રીલંકા પોડુજાના પેરામુનાના ગોટાબાયા રાજપક્ષે વચ્ચે છે.

હાલના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાનો કાર્યકાળ બહુ વિવાદાસ્પદ રહ્યો છે. તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. તેમની શ્રીલંકા ફ્રીડમ પાર્ટી તરફથી પણ કોઈ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો નથી.

તેમની પાર્ટી વૈચારિક રીતે બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. એક જૂથ ગોટાબાયા રાજપક્ષેના ટેકામાં છે તો બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ ચંદ્રિકા કુમારતુંગાના સમર્થકો સાજિતના ટેકામાં છે.

વર્ષ 2015માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મૈત્રીપાલા સિરિસેનાએ આરોપ મૂક્યો હતો કે તેમના વિરોધી અને તે વખતના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના ચીન સાથે ઘનિષ્ઠ સંબંધો છે.

એ વખતે પણ આ સવાલ ઊઠ્યો હતો કે જો મહિંદા ચૂંટણીમાં હારી જાય તો શું ચીન બાબતે શ્રીલંકાની સરકારના નિર્ણયો બદલાઈ જશે.

જોકે આ વલણ છતાં મહિંદા એ ચૂંટણીમાં હારી ગયા. શ્રીલંકામાં ચીનનું રોકાણ અને સંબંધો યથાવત રહ્યા.

એ સમયે મહિંદા રાજપક્ષેના સમર્થકોએ આક્ષેપ કર્યો હતો કે તેમની અભૂતપૂર્વ હારમાં ભારતે મોટી ભૂમિકા નિભાવી હતી.

ચીનની દખલગીરી

આ દૃષ્ટિએ જોઈએ તો એ પ્રશ્ન ઊભો થાય છે કે આ મહિને થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શ્રીલંકાના ભારત અને ચીન સાથે સંબંધો પર શું અસર થશે?

કોલંબો યૂનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાન અને પબ્લિક પૉલિસી વિભાગના પ્રોફેસર રહી ચૂકેલા જયદેવ ઉયાંયગોડેનું કહેવું છે, "થોડા દિવસ પહેલા જ રાજપક્ષે દ્વારા રાનિલ વિક્રમસિંઘેના પક્ષને અમેરિકા અને પશ્ચિમી શક્તિઓના સમર્થક ગણાવવાની કોશિશ થઈ હતી."

"સામાન્ય રીતે ચૂંટણીઓમાં વિદેશ નીતિની કોઈ ખાસ ભૂમિકા હોતી નથી. "

દસ વર્ષથી વધુ સમયથી ચીન શ્રીલંકાને આર્થિક મદદ કરે છે. હવે તેણે શ્રીલંકાના દક્ષિણ પશ્ચિમ કિનારા પાસે આવેલા અમ્બાથોટ્ટાઈમાં મહિંદા રાજપક્ષે બંદરને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે.

આ અધિગ્રહણનું પરસ્પર મહત્ત્વ છે. આ બંદર મહિંદા રાજપક્ષેના કાર્યકાળમાં બનાવવામાં આવ્યું હતું.

આ બંદર ચીની યુદ્ધજહાજોની અવર-જવર માટે હિંદ મહાસાગરમાં બહુ સુલભ જગ્યા છે. જ્યાંથી તેમાં તેલ પુરવામાં આવે છે.

ચીને કોલંબો બંદરને વિકસિત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા નીભાવી છે.

ભારતે કોલંબો બંદરમાં ઈસ્ટર્ન કન્ટેનર ટર્મિનલ બનાવવા માટે શ્રીલંકા સાથે સમજૂતી કરી છે.

પરંતુ આ પ્રકારની ઘણી ઓછી યોજનાઓ અંગે શ્રીલંકાએ પોતાની ઇચ્છા દર્શાવી છે. ત્યાં સુધી કે કોલંબો કન્ટેનર સમજૂતી પણ ઘણા લાંબા સમય બાદ થઈ શકી.

મૈત્રીપાલા સિરિસેનાએ ભારત સાથે સમજૂતી કરવામાં બહુ રસ દાખવ્યો નહીં, જેના પર ગયા ઑક્ટોબર મહિનામાં થયેલી બેઠકમાં વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે અને રાષ્ટ્રપતિએ પ્રશ્નો પણ ઊઠાવ્યા હતા.

સંબંધ બનાવવાની પળોજણ

જાપાનના હસ્તક્ષેપ પછી આ સમજૂતી પર હસ્તાક્ષર થઈ શક્યા. ભારતને આ સમજૂતીમાં ઘણો રસ હતો કારણ કે ભારત આવતો ઘણો માલ કોલંબો બંદર પર થઈને આવે છે.

શ્રીલંકામાં સત્તા પર કોઈ પણ આવે, ભારત તેનો સહયોગ ઇચ્છશે. પરંતુ તમિલો અને ચીન સાથે નજીકના સંબંધો અંગે રાજપક્ષે પરિવારના વલણને કારણે ભારતને થોડી ચિંતા રહી છે.

શ્રીલંકાની રાજનીતિ અને અર્થવ્યવસ્થા પર નિયિમિત રીતે લખતા અલિગાન કાથિરકુમારના મતે, "પડોશી દેશો સાથેના શ્રીલંકાના વલણમાં કોઈ ખાસ ફરક પડવાનો નથી. કોઈ પણ ઉમેદવાર જીતે તે ભારત અને ચીન સાથે મિત્રતા જાળવી રાખશે. બીજી તરફ બંને દેશો શ્રીલંકા સાથે મળીને કામ કરવા ઇચ્છશે."

તેમનું એમ પણ કહેવું છે કે આ મુદ્દો ચૂંટણીમાં બહુ મહત્ત્વનો નથી.

ઘણા લોકો એ તરફ ઇશારો કરી રહ્યા છે કે ગૃહ યુદ્ધ બાદ શ્રીલંકાની વિદેશી બાબતોમાં ભારતનું મહત્ત્વ ઘટી ગયું છે.

જયદેવ ઉયાંયગોડેના મતે, "શ્રીલંકાના તમિલોમાં અને ભારત વચ્ચે ગૃહયુદ્ધ બાદ સંબંધો નબળા પડી ગયા છે. ત્યાં ઘણા તમિલોને લાગે છે કે ભારતે તેમની સાથે દગો કર્યો છે. સિંહાલી લોકો પણ ભારત સાથે કોઈ ઘનિષ્ઠ સંબંધ ધરાવતા નથી ઉલટું તેને ખતરા તરીકે જુએ છે."

પરંતુ ભારતની સરખામણીએ ચીને બહુ શાંતિપૂર્વક પણ શ્રીલંકામાં સતત રોકાણ કર્યું છે અને દેશને દેવાના બોજાં તળે દબાવી દીધો.

શ્રીલંકાની ઘણી ઇમારતો, બંદરો અને સડકો એ વાતનો પુરાવો છે.

ભારત સાથે સંબંધો નબળા પડ્યા?

જયદેવ ઉયાંયગોડેના મતે,"છેલ્લાં 30 વર્ષોમાં ભારતે ધીરે ધીરે શ્રીલંકા પર પોતાની પકડ ગુમાવી છે. મને નથી લાગતું કે ભારત સાથેના સંબંધોનું કોઈ મોટું મહત્ત્વ રહ્યું હોય."

જોકે મહિંદાના પક્ષે આરોપ લગાવ્યો છે કે ભારતે 2015ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફેરફાર કરવા માટે ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ તેમની ભારત પ્રવાસની સંખ્યા વધી ગઈ.

શ્રીલંકાના વરિષ્ઠ પત્રકાર વીરાકાથી થાનાબાલાસિંઘમ કહે છે, "શ્રીલંકા સાથે ભારત પોતાના સંબંધો આર્થિક આધાર પર જ નક્કી કરી શકે તેમ છે. હવે તેઓ તમિલ મુદ્દાના આધારે દબાણ રાખી શકશે નહીં."

તેઓ કહે છે કે ભારત કે અમેરિકા બંનેમાંથી કોઈ સંબંધ જાળવી રાખવાની કે ચીન સાથે અંતર વધારવા દબાણ કરવાની સ્થિતિમાં નથી.

જોકે યૂનાઇટેડ નેશનલ પાર્ટીના ચીન વિરોધી વલણમાં પરિવર્તન આવવાના પણ સંકેત આપે છે. તેઓ કહે છે, "યૂએનપીએ પહેલાં તો હમ્બનટોટા બંદર ચીનને આપવાનો વિરોધ કર્યો. રાનિલ વિક્રમસિંઘેના કાર્યકાળમાં જ આ બંદર ચીનને 99 વર્ષની લીઝ પર આપી દેવામાં આવ્યું હતું."

ચીન શ્રીલંકા સાથેના પોતાના સંબંધો સતત મજબૂત કરતું રહ્યું છે કારણ કે તેને હિંદ મહાસાગરમાં પોતાની હાજરી સુરક્ષિત કરવી છે. તે શ્રીલંકામાં ભારે રોકાણ પણ કરી રહ્યું છે.

સામે તેની સરખામણીએ ભારતનો શ્રીલંકા સાથેનો સંબંધ તમિલ મુદ્દા પર નિર્ભર હતો.

સત્તામાં કોઈ પણ રાષ્ટ્રપતિ આવે, આ અંતર જ શ્રીલંકા સાથે ભારત અને ચીનના સંબંધોની રૂપરેખા નક્કી કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો