કાશ્મીર, અયોધ્યા પછી મોદીનું આગામી નિશાન યુનિફોર્મ સિવિલ કોડ પર?

    • લેેખક, નવીન નેગી,
    • પદ, બીબીસી સંવાદદાતા

મોદી- 2.0માં હાલ સુધી બે તારીખ ઘણાં મહત્ત્વ સાથે નોંધાઈ છે. આ તારીખ છે 5 ઑગસ્ટ અને 9 નવેમ્બર.

5 ઑગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય કર્યો, આની સાથે જ જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો આપતી અનુચ્છેદ 370ની મુખ્ય જોગવાઈઓને બેઅસર કરી દેવાઈ.

આ પછી 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે વર્ષો જૂનાં અને ભારતીય ઇતિહાસના સૌથી વિવાદિત મુદ્દામાંથી એક એવા બાબરી મસ્જિદ-રામમંદિર કેસનો ચુકાદો આપ્યો.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત જમીનને હિંદુ પક્ષને સોંપવાની વાત કહી.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની સાથે જ અયોધ્યામાં રામમંદિર નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે.

રાજકીય તબકામાં ચહલપહલ છે કે હવે મોદી સરકારના ઍજન્ડામાં નવું લક્ષ્ય ક્યું છે. હવે તે પોતાના કોઈ મોટા ચૂંટણી વાયદાને પૂર્ણ કરવા માટે કાયદો બનાવી શકે છે.

ક્યું નવું લક્ષ્ય?

ઘણાં રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે મોદી સરકારના આગામી ઍજન્ડામાં સૌથી વધારે નજીક યુનિફોર્મ સિવિલ કોડ સાથે જોડાયેલું બિલ છે.

આ સિવાય, આખા દેશમાં એનઆરસી લાગુ કરવો અને નાગરિકત્વનો કાયદો બનાવવો એ પણ ભાજપ સરકારના મુખ્ય ઍજન્ડામાં છે.

ભાજપના રાજકારણને નજીકથી જોનાર વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ કહે છે કે ભાજપના ત્રણ મુખ્ય ઍજન્ડા છે અયોધ્યા, અનુચ્છેદ 370 અને યુનિફોર્મ સિવિલ કોડ.

આમાંથી બે કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે તે યુનિફોર્મ સિવિલ કોડ પર પોતાનું કામ શરૂ કરશે.

પરંતુ પ્રદીપ સિંહ માને છે કે યુનિફોર્મ સિવિલ કોડ અગાઉ સરકાર એનઆરસી અને નાગરિક્તા બિલ પર કામ કરવા ઇચ્છશે.

તે કહે છે, "આગામી શિયાળુ સત્રમાં સરકાર એનઆરસી અને નાગરિકતા બિલ રજૂ કરી શકે છે કારણ કે આ મુદ્દે સરકાર પહેલાંથી જ ઘણું કામ કરી ચૂકી છે અને પાર્ટી હાલના દિવસોમાં આ મુદ્દાઓ પર ઘણી ગંભીર છે."

પ્રદીપ સિંહ કહે છે કે આ પછી મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડ પ્રત્યે પણ ગંભીર છે પરંતુ એના માટે તેમને જનમાનસની સહમતી લેવી પડશે.

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

યુનિફોર્મ સિવિલ કોડ એટલે સમાન નાગરિક ધારો. તેનો અર્થ છે કે દેશમાં તમામ નાગરિકો માટે એક જેવાં નાગરિક કાયદાનું હોવું, પછી તે કોઈ પણ ધર્મના હોય અથવા સંપ્રદાય સાથે સંબંધ રાખતા હોય.

યુનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન, તલાક અને જમીન-માલિકીના ભાગ જેવા મામલે પણ તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ કરવાની વાત છે.

હાલના સમયમાં ભારતીય બંધારણ હેઠળ કાયદાને વિશેષ કરીને બે ભાગમાં વહેચવામાં આવ્યો છે. એક દિવાની(સિવિલ) અને બીજો ફોજદારી(ક્રિમિનલ).

લગ્ન, સંપત્તિ, વારસાગત અધિકાર એટલે પરિવાર સાથે સંબંધિત વ્યક્તિ સાથે જોડાયેલાં મુદ્દાઓ વગેરે સિવિલ કાયદા હેઠળ આવે છે.

અનુચ્છેદ 370થી પણ મુશ્કેલ પડકાર છે યુનિફોર્મ સિવિલ કોડ?

ભાજપના મહાસચિવ રામ માધવે કેટલાંક મહિના પહેલાં જ કહ્યું હતુ કે મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

એટલું જ નહીં હાલની લોકસભાના પહેલાં સત્રમાં જ ભાજપના સંસદ સભ્ય નિશિકાંત દુબેએ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાની માંગ કરી.

જોકે પ્રદીપ સિંહનું માનવું છે કે આ લાગુ કરવું એટલું સરળ નહીં હોય. તે કહે છે, "આ બિલને બનાવવામાં સૌથી મોટો પ્રશ્ન એ આવશે કે લગ્ન અને સંપત્તિના મામલે અલગ-અલગ ધર્મોને પોતાના-પોતાના નિયમ અને કાયદા છે."

"એ તમામ નિયમોને એક કરવામાં કેટલાંક સમુદાયોને નુકસાન થઈ શકે છે. કેટલાંકને ફાયદો પણ મળી શકે છે. એવામાં તમામને બરાબરી પર લાવવાની યોજના બનાવી એ બહુ જ મુશ્કેલ છે."

પ્રદીપ સિંહ માને છે કે સરકાર માટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને નાબુદ કરવાથી પણ વધારે મુશ્કેલ પડકાર હશે.

તે કહે છે, "જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવવો એક રીતે વહીવટી કામ હતું જેને સરકારે પોતાની રીતે કરી દીધું પરંતુ આ મામલો અલગ-અલગ ધર્મોની માન્યતાઓ સાથે જોડાયેલો છે એટલાં માટે તેને પૂર્ણ કરવો એટલો સરળ નહીં રહે."

યુનિફોર્મ સિવિલ કોડમાં કાયદાકીય મુશ્કેલી?

બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાની અનુચ્છેદ 44 હેઠળ રાજ્ય (કેન્દ્ર અને રાજ્ય બંને)ની જવાબદારી બતાવાઈ છે.

આ મુદ્દે સર્વોચ્ચ અદાલતના વકીલ વિરાગ ગુપ્તા કહે છે, "યુનિફોર્મ સિવિલ કોડની વાત કરીએ તો એમાં બે મુદ્દા આવે છે. પહેલાં તમામ ધર્મોની વચ્ચે એક જેવો કાયદો. બીજું તે ધર્મોના તમામ સમુદાયોની વચ્ચે એક જેવો કાયદો."

તે કહે છે, "આ જટિલ પ્રક્રિયા છે જેના માટે બંધારણના ડાયરેક્ટિવ પ્રિન્સિપલ(માર્ગદર્શક સિદ્ધાંતો)માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવનારા સમયમાં આપણે યુનિફોર્મ સિવિલ કોડની દિશામાં પ્રયાસ કરીશું. પરંતુ આ દિશામાં આજ સુધી કોઈ મોટું પગલું ભરવામાં આવ્યું નથી."

વિરાગ કહે છે, "યુનિફોર્મ સિવિલ કોડને હિંદુ અને મુસ્લિમ સાથે જોડવામાં આવે છે. એક તરફ જ્યાં મુસલમાનોના લગ્ન અને વારસાગત અધિકારો માટે અલગ પ્રકારની જોગવાઈ છે. બીજી તરફ હિંદુની અંદર પણ અનેક સમુદાય છે અને તેમાં અનેક પ્રકારનો આંતરિક વિવાદ છે."

"મુસ્લિમ અથવા ખ્રિસ્તીઓને મુશ્કેલીની વાત થતી હોય છે પરંતુ ભારતમાં અનેક સમુદાય, અનેક પ્રકારના વર્ગ, પરંપરાં છે. જોકે એક પ્રકારના સિવિલ લૉને લાગુ કરવા અંગે કોઈ પણ સમુદાયના રીતરિવાજમાં જો કોઈ એક પણ ગડબડી થશે તો તેને મુશ્કેલી થશે."

શું આખા દેશમાં લાગુ થઈ શકે છે એનઆરસી?

ભાજપ સરકારે ઉત્તર પૂર્વના રાજ્ય અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે એનઆરસી લાગુ કરી છે.

આ પ્રકારની માંગ ઉઠી છે કે સરકાર આખા દેશમાં એનઆરસી લાગુ કરી શકે છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ પોતાના રાજ્યમાં એનઆરસી લાગુ કરવાની વાત કરી ચૂક્યા છે.

શું એનઆરસીનો આખા દેશમાં અમલ કરી શકાય છે, આ અંગે પ્રદીપ સિંહ કહે છે, "આખા દેશમાં એનઆરસીનો અમલ કરવામાં સરકારને કોઈ તકલીફ નહીં થાય, પરંતુ સરકારનું કહેવું છે કે તેમણે અસમમાં સુપ્રીમ કોર્ટના આદેશના આધારે એનઆરસીનો અમલ કર્યો જ્યારે આખા દેશમાં આનો અમલ કરતાં પહેલાં ત્યાં નાગરિક્તા સંશોધન બિલ લાવવાં માંગે છે."

શું છે નાગરિક્તા સંશોધન બિલ?

નાગરિક્તા સંશોધન ખરડા હેઠળ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મમાં માનનારા લઘુમતી સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

પરંતુ પડોશી દેશના મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલાં લોકોને આમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

ખરડામાં એવી જોગવાઈ છે કે મુસ્લિમ સિવાયના સમુદાયના લોકો જો ભારતમાં છ વર્ષ પસાર કરી દે છે તો તે સરળતાથી નાગરિક્તા મેળવી શકશે.

પ્રદીપ સિંહ કહે છે કે હાલની સરકાર મુજબ હિંદુઓ માટે ભારત સિવાય કોઈ બીજો કોઈ દેશ નથી.

તે કહે છે, "સરકાર માને છે કે જો કોઈ બીજા દેશમાં રહેવાવાળા હિંદુઓની સાથે અત્યાચાર થશે અને તેમને તે દેશ છોડવો પડશે તો એ સ્થિતિમાં તેમનો એકમાત્ર દેશ ભારત જ છે."

"તે ભારત જ આવશે. એવા લોકો જો ભારતની નાગરિક્તા ઇચ્છે છે અને તેના માટે અરજી કરી શકે છે કે તેમને ભારતની નાગરિકતા મળવી જોઈએ."

પછી સરકાર આ મામલામાં મુસ્લિમને કેમ અલગ રાખવા માંગે છે.

આના જવાબમાં પ્રદીપ સિંહ કહે છે કે ભાજપ અને સરકારમાં સામેલ તેમના સહયોગીઓ અનુસાર મુસ્લિમ ક્યારેય ઉત્પીડનના કારણે બીજા દેશોથી ભારતમાં આવતા નથી, તે બીજા કારણોથી ભારતમાં આવે છે.

2024 પહેલાં ફાઈનલ જન્ડા

મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં ત્રણ તલાક પર પણ કાયદો બનાવી ચૂકી છે. તે એનઆઈએ, આરટીઆઈ, યૂએપીએ જેવા બિલ પણ પહેલાં સંસદીય સત્રમાં પાસ કરાવી ચૂકી છે.

મોદી સરકાર પોતાના એજન્ડામાં રહેલાં મુખ્ય મુદ્દાઓને ઝડપથી ખતમ કરતી જોવા મળે છે. એવામાં સવાલ ઉઠે છે કે શું તે યુનિફોર્મ સિવિલ કોડને પણ હાલ પૂરો કરવા ઇચ્છશે અથવા આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાની વોટબૅન્કને લાભ થાય માટે એક મુદ્દો બચાવીને રાખશે.

આ વાત પર વરિષ્ઠ પત્રકાર શેખર ઐય્યરનું માનવું છે કે હાલ સરકારની સામે સૌથી મોટો પડકાર અર્થવ્યવસ્થાની સુસ્તી અને બેરોજગારીના વધતાં આંકડાંનો છે.

શેખર ઐય્યર કહે છે, "અનુચ્છેદ 370ને સરકાર તરફથી લેવામાં આવેલું પગલું કહી શકાય છે પરંતુ અયોધ્યાનો મામલો તો સુપ્રીમ કોર્ટમાંથી પૂર્ણ થયો છે."

"એટલા માટે હાલ સરકારની સામે સૌથી મોટો પડકાર અર્થવ્યવસ્થાની ખરાબ હાલતને સુધારવા બેરોજગારી ઘટાડવાનો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો