મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવી રીતે યોજાશે ફ્લોર-ટેસ્ટ

સર્વોચ્ચ અદાલતની તસવીર

ઇમેજ સ્રોત, ANI

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ દ્વારા દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય મંત્રી અને અજિત પવારને ઉપમુખ્ય મંત્રી પદના શપથ અપાવવાની રીતને પડકાર આપતી અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપ્યો હતો.

મુંબઈમાં સોમવારની મોડી રાત્રે ભારે હલચલ જોવા મળી.

મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP), શિવસેના અને કૉંગ્રેસે એક પ્રકારનું સંયુક્ત શક્તિ પ્રદર્શન કર્યું હતું.

જેમાં 'અમે 162'ના નારા હેઠળ 162 ધારાસભ્યનું સમર્થન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

line

સુપ્રીમમાં સમરાંગણ

મુંબઈમાં NCP, શિવસેના અને કૉંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ઇમેજ સ્રોત, SHARAD PAWAR FACEBOOK

સુપ્રીમ કોર્ટથી અમારા સહયોગી સુચિત્રા મોહંતીએ જણાવ્યું:

"સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે 27મી નવેમ્બર (બુધવાર)એ સાંજે પાંચ વાગ્યા પહેલાં ફ્લોરટેસ્ટ યોજવામાં આવે અને સમગ્ર પ્રક્રિયાનું જીવંત પ્રસારણ કરવામાં આવે."

"આ સિવાય સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવે."

સર્વોચ્ચ અદાલતે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરીને ઑપન સિક્રેટ બૅલેટ-પેપર દ્વારા મતદાન યોજવાના નિર્દેશ આપ્યા હતા.

અદાલતે નોંધ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકશાહીના મૂલ્યોની જાળવણી તથા બહુમતી નક્કી કરવા માટે ફ્લોર-ટેસ્ટ યોજાય તે જરૂરી છે.

નાગરિકોને સુશાસન મેળવવાનો અધિકાર છે. આ સિવાય પક્ષકારોને જવાબ આપવા આઠ અઠવાડિયાનો સમય આપ્યો હતો.

આ પહેલાં રવિવારના રોજ શરૂ થયેલી સુનાવણી સોમવારના રોજ પણ ચાલુ રહી હતી .

line

'અમને જનાદેશ'

ત્રણેય પાર્ટીઓએ પોતાના બધા જ 162 ધારાસભ્યોની પરેડ કરાવી અને એ દર્શાવ્યું કે મહારાષ્ટ્રમાં શાસન કરવા માટે 'અસલ જનાદેશ' તેમને જ મળ્યો છે.

આ અવસર પર હાજર દરેક 162 ધારાસભ્યોએ પોતાની પાર્ટી પ્રત્યે વફાદાર રહેવા અને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ ન થવાના સોગંદ લીધા હતા.

તેના પર ભાજપના નેતા અને પૂર્વ મંત્રી આશિષ શેલારે કહ્યું, "અમને ભરોસો છે કે અમે વિધાનસભામાં બહુમતી સાબિત કરીશું."

"હોટેલમાં આ પ્રકારની પરેડ કરાવવાથી બહુમતી સાબિત થઈ જતી નથી."

line

'પાઠ ભણાવીશું'

રાજ્યપાલ સાથે દેવેન્દ્ર ફડણવીસ

ઇમેજ સ્રોત, Getty Images

NCPના નેતા શરદ પવારે કહ્યું કે બધા 162 ધારાસભ્યો તેમની સાથે છે. એટલે અજિત પવારને કોઈ પ્રકારનું વ્હિપ જાહેર કરવાનો અધિકાર નથી.

પવારે કહ્યું, "મહારાષ્ટ્ર ગોવા કે મણિપુર નથી, અમે તેમને પાઠ ભણાવીશું."

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ- કૉંગ્રેસ અને શિવસેનાનું ગઠબંધન માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ સમગ્ર દેશમાં પોતાની શક્તિનો અનુભવ કરાવવા માગે છે.

કૉંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું, "અમે માત્ર 162 જ નથી, પણ તેના કરતાં પણ વધારે છીએ."

"અમે બધી જ સરકારનો ભાગ બનીશું. હું સોનિયા ગાંધીનો ધન્યવાદ વ્યક્ત કરવા માગુ છું કે જેમણે ભાજપને રોકવા માટે ગઠબંધનને મંજૂરી આપી."

"હવે જરૂરી છે કે સરકાર બનાવવા માટે રાજ્યપાલ અમને આમંત્રણ આપે."

બીજી તરફ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને રાહત આપવા માટે 5380 કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી છે.

line

સુપ્રીમ કોર્ટથી માંડીને સંસદ સુધી

સંસદમાં વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ, તેમાં રાજ્યપાલની ભૂમિકા અને બંધારણની કથિત અવહેલનાનો મુદ્દો મુંબઈથી માંડીને દિલ્હી સુધી દિવસ દરમિયાન ગુંજતો રહ્યો.

સુપ્રીમ કોર્ટે જ્યારે એ કહ્યું કે તે મંગળવારે નિર્ણય સંભળાવશે. સંસદમાં શિયાળુસત્ર ચાલી રહ્યું છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા કરવામાં આવી છે.

વિપક્ષના નેતાઓએ તેની વિરુદ્ધ દેખાવ કર્યા હતા.

આ સિવાય શિવસેના તથા કૉંગ્રેસે 'બંધારણ દિવસ'ના અનુસંધાને રાષ્ટ્રપતિના પ્રસ્તાવિત ભાષણનો બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે.

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Reuters

કૉંગ્રેસના સાંસદોએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘટનાક્રમને ગેર-બંધારણીય ગણાવતા લોકસભામાં વિરોધ પ્રદર્શન કર્યું, જ્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી સ્થગિત કરી દીધી.

આ જ રીતે રાજ્યસભામાં પણ કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ વિરોધ વ્યક્ત કરતા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, જેના લીધે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી.

હવે સૌની નજર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટકેલી છે, જેની સંસદની અંદર તેમજ બહાર અસર જોવા મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો