મહારાષ્ટ્રમાં સરકારનું ભવિષ્ય નક્કી કરનાર પક્ષપલટાવિરોધી કાયદો શું છે?

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર

ઇમેજ સ્રોત, ANI

મહારાષ્ટ્રમાં શનિવારે નાટકીય ઘટનાક્રમ વચ્ચે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ(એનસીપી)ના વડા શરદ પવાર પત્રકારપરિષદમાં આવ્યા હતા અને તેમણે તેમના પક્ષના ધારાસભ્યોને પક્ષાંતરવિરોધી કાયદા સંબંધે ચેતવણી આપી હતી.

વાસ્તવમાં શરદ પવારના ભત્રીજા અજિત પવારના નેતૃત્વમાં એનસીપીના ધારાસભ્યોના ટેકાનો દાવો ભારતીય જનતા પક્ષ (ભાજપ) કરી રહ્યો છે.

તેમની સંખ્યા કેટલી છે એ કોઈ જાણતું નથી. એનસીપીના 54 ધારાસભ્યો છે અને ભાજપ પાસે 105 ધારાસભ્યો છે, જ્યારે સરકાર રચવા માટે કુલ 145 ધારાસભ્યોનો ટેકો હોવો જરૂરી છે.

શરદ પવાર જેની ચેતવણી આપી રહ્યા છે એ પક્ષાંતરવિરોધી કાયદો શું છે એ વિશે જાણીએ.

1985 પહેલાં પક્ષાંતરવિરોધી કોઈ કાયદો નહોતો. એ સમયે 'આયારામ ગયારામ' શબ્દપ્રયોગ બહુ પ્રચલીત હતો.

1985માં રાજીવ ગાંધીના વડપણ હેઠળની કૉંગ્રેસ સરકાર પક્ષાંતરવિરોધી ખરડો લાવી હતી. 1985માં બંધારણમાં દસમી અનુસૂચિ જોડવામાં આવી હતી. એ બંધારણમાં બાવનમો સુધારો હતો.

તેમાં ધારાસભ્યો તથા સંસદસભ્યોના પક્ષાંતર કરવા પર લગામ તાણવામાં આવી છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પક્ષાંતરને કારણે ધારાસભ્યો કે સંસદસભ્યોનું સભ્યપદ રદ પણ થઈ શકે છે.

line

પક્ષાંતરવિરોધી કાયદો ક્યારે અમલી બને?

ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

  • કોઈ ધારાસભ્ય કે સંસદસભ્ય જાતે પોતાના પક્ષનું સભ્યપદ છોડી દે.
  • ચૂંટાયેલો કોઈ ધારાસભ્ય કે સંસદસભ્ય પક્ષની નિર્ધારિત કાર્યરચનાથી વિરુદ્ધનું કામ કરે.
  • પક્ષના વ્હિપ છતાં કોઈ ધારાસભ્ય કે સંસદસભ્ય મતદાન ન કરે.
  • કોઈ સભ્ય ગૃહમાં પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરે.

ધારાસભ્ય કે સંસદસભ્ય બન્યા પછી જાતે પક્ષનું સભ્યપદ છોડવાનું, પાર્ટી વ્હિપ કે પક્ષના આદેશનું ઉલ્લંઘન પણ પક્ષાંતરવિરોધી કાયદાના કાર્યક્ષેત્રમાં આવે છે.

line

તેમાં અપવાદ પણ છે

કોઈ પક્ષના બે-તૃતિયાંશ ધારાસભ્યો કે સંસદસભ્યો બીજા પક્ષમાં જોડાવાનો નિર્ણય કરે તો તેમનું સભ્યપદ રદ્દ થતું નથી.

2003માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. એ કાયદામાં એક એવી જોગવાઈ હતી કે કોઈ મૂળ પક્ષમાં ભંગાણ પડે અને એક-તૃતિયાંશ ધારાસભ્યો નવું જૂથ બનાવે તો તેમનું સભ્યપદ રદ્દ થતું નથી.

જોકે, એ પછી પણ મોટાપાયે પક્ષાંતર થયું હતું અને એવું સમજાયું હતું કે પક્ષમાં ભંગાણની જોગવાઈનો ગેરલાભ લેવામાં આવી રહ્યો છે. તેથી એ જોગવાઈને રદ્દ કરવામાં આવી હતી.

એ પછી બંધારણમાં 91મો સુધારો જોડવામાં આવ્યો હતો. તેમાં વ્યક્તિગત નહીં, પણ સામુહિક પક્ષાંતરને ગેરબંધારણીય ગણવામાં આવ્યું છે.

ધારાસભ્યો કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં પોતાનું સભ્યપદ બચાવી શકે છે. કોઈ એક પક્ષના બે-તૃતિયાંશ સભ્યો મૂળ પક્ષથી અલગ થઈને બીજા પક્ષમાં ભળી જાય તો તેમનું સભ્યપદ રદ્દ થતું નથી.

આ સ્થિતિમાં બીજા પક્ષમાં જોડાયેલા સભ્યો કે મૂળ પક્ષ સાથે રહેલા સભ્યોને અયોગ્ય ઠેરવી શકાતા નથી.

line

કઈ પરિસ્થિતિમાં આ કાયદાનો અમલ ન થાય?

શરદ પવાર

ઇમેજ સ્રોત, ANI

  • કોઈ આખેઆખા પક્ષનું બીજા રાજકીય પક્ષમાં વિલીનીકરણ થાય.
  • કોઈ પક્ષના ચૂંટાયેલા સભ્યો એક નવા પક્ષની રચના કરે.
  • જ્યારે કોઈ પક્ષના બે-તૃતિયાંશ સભ્યો અલગ થઈને નવા પક્ષમાં સામેલ થઈ જાય.

દસમી અનુસૂચિના છઠ્ઠા પૅરેગ્રાફમાં જણાવ્યા અનુસાર, પક્ષાંતર સંબંધે સ્પીકર કે ચૅરપર્સનનો નિર્ણય આખરી ગણાશે. સાતમા પેરાગ્રાફમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં કોઈ કોર્ટ દખલ કરી શકતી નથી.

અલબત, સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે 1991માં દસમી અનુસૂચિને માન્ય ગણી હતી, પરંતુ સાતમા પૅરેગ્રાફને ગેરબંધારણીય ઠરાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે સ્પીકરના નિર્ણયની પણ કાયદાકીય સમીક્ષા થઈ શકે છે.

line

મહારાષ્ટ્રની સ્થિતિ

દેવેન્દ્ર ફડણવીસ

ઇમેજ સ્રોત, CMO Maharashtra

એનસીપીના 54 ધારાસભ્યો છે. તેમાંથી અજિત પવાર 36 ધારાસભ્યોનો ટેકો મેળવી લે તો તેમાં પક્ષાંતરવિરોધી કાયદો લાગુ પડશે નહીં.

તેઓ આટલા સભ્યો ન લાવી શકે તો તેમનું સભ્યપદ રદ્દ થઈ શકે છે.

શરદ પવારે પત્રકારપરિષદમાં દાવો કર્યો હતો કે અજિત પવાર પાસે માત્ર 10-11 ધારાસભ્યો જ છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો