મંદી : સરકારની ખોટી નીતિઓને કારણે ભય અને અવિશ્વાસનો માહોલ - મનમોહન સિંહ

પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે ધ હિંદુ અખબારમાં એક લેખ લખીને નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે.

ડૉ. મનમોહન સિંહે કહ્યું કે સરકારની ખોટી નીતિઓને કારણે ભય અને અવિશ્વાસનો માહોલ છે.

મનમોહન સિંહે ધ હિંદુમાં લખેલા લેખની મહત્ત્તવની વાતો :-

ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ નિરાશાજનક સ્થિતિમાં છે. આવું હું એક વિપક્ષી પાર્ટીના નેતા તરીકે નથી કહી રહ્યો પરંતુ ભારતના એક નાગરિક તરીકે અને અર્થશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે કહી રહ્યો છું.

ગત 15 વર્ષોમાં અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ સૌની નીચે છે. બેરોજગારી ગત 45 વર્ષોમાં સૌથી વધારે છે અને લોકોની ખર્ચ કરવાની ક્ષમતા છેલ્લા 40 વર્ષને તળિયે પહોંચી ગઈ છે.

બૅન્કોની ખરાબ લોનની પરિસ્થિતિ સૌથી વધારે છે. વીજળી ઉત્પાદનની વૃદ્ધિ ગત 15 વર્ષોમાં સૌથી ઓછી છે. આ સૌથી વધારે અને સૌથી બાબતોની યાદી ખૂબ લાંબી અને નિરાશાજનક છે. પરંતુ હેરાન કરનારી બાબત ફક્ત આ આંકડાઓ નથી, હવે તો આંકડાઓ પ્રકાશિત કરવા ઉપર પણ પહેરો છે.

કોઈ પણ સમાજની અર્થવ્યવસ્થા એના સમાજની કાર્યપ્રણાલિને પણ દર્શાવે છે. કોઈ પણ અર્થવ્યવસ્થા લોકો અને સંસ્થાઓની ભાગીદારી પર ચાલે છે. પરસ્પર ભરોસો અને આત્મવિશ્વાસ આર્થિક વૃદ્ધિ માટે મૂળ તત્ત્વો છે. પરંતુ આજના સમયમાં સામાજિક વિશ્વાસ અને ભરોસાને શંકાસ્પદ બનાવી દેવાયો છે.

આજની તારીખે લોકોમાં ભયનો માહોલ છે. અનેક ઉદ્યોગપતિઓ મને કહે છે કે તેઓ સરકારી મશીનરીના દમનના ડરમાં જીવે છે. બૅન્કરો નવું કરજ આપવાથી ડરી રહ્યા છે, ઉદ્યોગસાહસિકો નવો પ્રોજેક્ટ શરૂ કરવાથી ડરી રહ્યા છે. ટૅકનૉલૉજી સ્ટાર્ટ-અપ્સ આર્થિક વૃદ્ધિ દર અને નોકરીઓ માટે નવા એન્જિન છે પરંતુ તેમાં પણ નિરાશાનો માહોલ છે.

આ સરકારમાં નીતિનું ઘડતર કરનારાઓ સત્ય બોલવાથી ડરી રહ્યા છે. અવિશ્વાસના આ માહોલમાં અર્થવ્યવસ્થા પ્રગતિ ન કરી શકે. સંસ્થાઓ અને લોકો વચ્ચે અવિશ્વાસ વધશે તો તેની અસર અર્થવ્યવસ્થાની ગતિ પર પણ થશે. લોકો વચ્ચે ભરોસાની કમી કે અવિશ્વાસની સીધી અસર અર્થવ્યવસ્થા પર પડશે.

ભયની સાથે લાચારીનો માહોલ છે. જે અસંતુષ્ટ છે તેમનું કોઈ સાંભળનારું નથી. લોકો સ્વતંત્ર સંસ્થાઓ ઉપર ભરોસો કરે છે. મીડિયા, ન્યાયપાલિકા, નિયમન સંસ્થાઓ અને તપાસસંસ્થાઓની સ્વતંત્રતા ઉપર ગંભીર ઘા કરવામાં આવ્યા છે.

જ્યારે સંસ્થાઓની સ્વતંત્રતા ખતમ થાય છે ત્યારે લોકોને ન્યાય નથી મળતો અને આ માહોલમાં કોઈ ઉદ્યમી જોખમ નથી ઉઠાવતો અને તેની સીધી અસર અર્થવ્યવસ્થા ઉપર પડે છે.

આ માહોલના મૂળમાં કાં તો મોદી સરકારની દુર્ભાવના છે અથવા તો મોદી સરકારના શાસનનો આ જ સિદ્ધાંત છે. એવું લાગે છે મોદી સરકાર દરેકને શકની નજરથી જોઈ રહી છે. આવું એટલા માટે કારણ કે તે એવું માને છે કે પૂર્વવર્તી સરકારોની નીતિઓ ખોટાં ઇરાદાથી બની હતી.

ભારત 3 અરબ ડૉલરની વૈશ્વિક અર્થવ્યવસ્થા છે. જેમાં ખાનગી ઉદ્યોગોની મોટી ભૂમિકા છે. તમે એને મનઘડંત રીતે નિદેશિત ન કરી શકો. તમે તમારી રીતે મીડિયાની હૅડલાઇન્સ મેળવીને પણ મૅનેજ ન કરી શકો.

ગુજરાતમાં સ્વામી નિત્યાનંદ સામે પોલીસ ફરિયાદ

રવિવારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્વામી નિત્યાનંદ અને તેમના બે સમર્થકો સામે ફરિયાદ નોંધી છે.

અમદાવાદ ગ્રામ્ય એસપી આર. વી. અસારીએ કહ્યું કે બેંગલુરુનિવાસીની ફરિયાદને આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આશ્રમમાંથી લાપતા યુવતીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં હેપિયસ કૉર્પસ પિટિશન દાખલ કરાઈ છે જેની આજે સુનાવણી છે.

પોલીસે કહ્યા મુજબ સ્વામી નિત્યાનંદ, પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વા સામે બાળકોને કથિત રીતે ગોંધી રાખવાના, મારવાના અને આશ્રમ દ્વારા મૌખિક રીતે ધમકાવવાના આરોપોને પણ ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યા છે.

હીરાપુરા આશ્રમ સામે અપહરણ અને ભારતીય દંડસંહિતા હેઠળ અન્ય આરોપ પણ લગાવાયા છે.

હીરાપુરામાં યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમ આવેલો છે, જે સ્વામી નિત્યાનંદનો છે.

આ દરમિયાન રાજપૂત કરણીસેના અને પાટીદાર અનામત આંદોલન સમિતિએ પણ વિરોધ નોંધાવ્યો હતો.

રવિવારે કરણીસેનાના સભ્યો પત્રકારો સાથે આશ્રમમાં પ્રવેશ્યા હતા અને લાપતાં છોકરી શોધવાની કોશિશ કરી હતી.

બાબા રામદેવની ધરપકડ કરવાની માગણી

દલિતો અને આદિવાસી સમૂહે બાબા રામદેવની પ્રોડક્ટના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

બાબા રામદેવે દલિતો, આદિવાસીઓ, મુસ્લિમ અને દ્રવિડ નેતા પેરિયાર પર કથિત રીતે ટિપ્પણી કરી હતી. બાદમાં આ વિરોધ શરૂ થયો છે.

ધ ટેલિગ્રાફમાં છપાયેલા અહેવાલ મુજબ બાબા રામદેવે કહ્યું હતું કે સૂર્યવંશીઓ અને ચંદ્રવંશીઓએ હંમેશાં દેશ પર શાસન કર્યું છે. પરંતુ હવે દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો અને પેરિયારના સમર્થકો દ્વારા ફેલાવાતાં 'બૌદ્ધિક આતંકવાદ'થી ખતરો છે.

ઑલ ઇન્ડિયા આંબેડકર મહાસભા, અખિલ ભારતીય પછાત અને અલ્પસંખ્યક સમુદાય કર્મચારી સંઘ અને ભીમ આર્મીએ બાબા રામદેવના નિવેદનની ટીકા કરી છે.

આંબેડકર મહાસભાના અધ્યક્ષ અશોક ભારતીએ કહ્યું કે રામદેવ દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોને સહન નહીં કરાય. તેઓએ પોતાને મનુવાદીના રૂપમાં વ્યક્ત કર્યા છે. અમે પતંજલિની ચીજવસ્તુઓના બહિષ્કારનું એલાન કર્યું છે.

ટ્વિટર પર ArrestRamdev પણ ટ્રૅન્ડ કરતું હતું અને લોકોએ સોશિયલ મીડિયામાં પણ બાબા રામદેવની ચીજવસ્તુઓ ન ખરીદવાની અપીલ કરી હતી.

આના પછી #IsupportBabaRamdev અને #Salute_बाबा_रामदेव પર ટ્રૅન્ડમાં જોવા મળ્યા.

આજથી શિયાળુસત્રનો પ્રારંભ

આજથી (18 નવેમ્બર) સંસદના શિયાળુસત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.

શીતકાલીન સત્રના પહેલા દિવસે દિવંગત અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને રામ જેઠમલાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં અરુણ જેટલી નાણામંત્રી અને સુષમા સ્વરાજ વિદેશમંત્રી હતાં.

સંસદમાં જમ્મુ-કાશ્મીર અને નાગરિકતા સંશોધન બિલ સહિત અનેક મુદ્દાઓ પર ગરમાગરમી થવાની શક્યતા છે.

તો આર્થિક સુસ્તી અને બેરોજગારી મામલે પણ વિપક્ષ સરકારને ઘેરી શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળોને દરેક મુદ્દા પર ચર્ચા કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

જોકે, વિપક્ષે કાશ્મીરના નેતા ફારૂખ અબદુલ્લાને સંસદની કામગીરીમાં સામેલ કરવામાં આવે તેવી માગ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો