અયોધ્યાની વિવાદિત જમીન મુસ્લિમ પક્ષને મળી હોત તો... - બ્લૉગ

    • લેેખક, વુસઅતુલ્લાહ ખાન
    • પદ, પાકિસ્તાનથી, બીબીસી ગુજરાતી માટે

રામમંદિર કે બાબરી મસ્જિદ, જે પણ કહો એના ફેંસલાને લઈને અત્યાર સુઘી ટીવી ચૅનલો પર 3000 કલાકની ટિપ્પણીઓ થઈ ચૂકી છે.

સરકાર સહિત સૌને અંદાજ હતો કે ફેંસલો કેવો આવશે. એમ પણ જે ઝઘડાનો નિવેડો 164 વર્ષમાં કોઈ લાવી ન શક્યું, એનો ફેંસલો જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયમાંથી આવે તો તે યોગ્ય જ ગણાય.

ધારો કે પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે બાબરી મસ્જિદની જમીન સુન્ની વકફ બોર્ડના હવાલે કરીને મસ્જિદ ફરીથી બનાવવા માટે એક સરકારી ટ્રસ્ટ બનાવવાનો અને નિર્મોહી અખાડા તથા રામ લલાને મંદિર માટે અલગથી પાંચ એકર જમીનનો પ્લોટ ફાળવવાનો ચુકાદો આપ્યો હતો તો શું થયું હોત?

જો એવું થયું હોત તો પણ લોકો એવું જ કહેતા હોત કે ઐતિહાસિક ફેંસલો છે જેનું પાલન દરેક નાગરિક અને સરકાર માટે યોગ્ય છે? જો બાબરી મસ્જિદ ધ્વસ્ત ન કરાઈ હોત તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું હોત?

આ ચુકાદો એ દિવસે આવ્યો જ્યારે કરતારપુર કૉરિડોરનું ઉદ્ઘાટન થયું. જોકે આ એક ઐતિહાસિક ક્ષણ હતી જેનું કવરેજ પાકિસ્તાની ચૅનલો પર થયું હતું. એ જ રીતે જે રીતે ભારતીય ચૅનલોમાં કવરેજ થયું.

જે વખતે કોર્ટ-રૂમ ખીચોખીચ ભરેલો હતો એ વખતે જ કરતારપુરમાં પણ જબરજસ્ત ભીડ હતી.

કદાચ વડા પ્રધાન નવાઝ શરીફને બીમારી અને ઇલાજ માટે લંડન મોકલવાના મામલામાં જો અડચણ ઊભી ન કરાઈ હોત તો કદાચ હજી વધારે કવરેજ થયું હોત.

અદાલતે નવાઝ શરીફને ઇલાજ કરાવવા માટે બહાર જવાની પરવાનગી આપી દીધી પણ છતાં એ બીમાર વ્યક્તિ ગૃહમંત્રાલય અને નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યુરો વચ્ચે ફૂટબૉલ બની ગઈ છે.

જ્યાં સુધી નવાઝ શરીફનું નામ દેશથી બહાર જવા માટે પ્રતિબંધિત લોકોની યાદીમાંથી ન નીકળે ત્યાં સુધી તેઓ વિમાનમાં બેસી ન શકે.

સરકાર કહી રહી છે કે તેમને યાદીમાંથી નામ કાઢવામાં કોઈ વાંધો નથી પણ એવું પણ નથી કહી રહી કે જો તેમને વાંધો નથી તો વાંધો કોને છે?

જે પણ અડચણ પેદા કરી રહ્યું હોય એમને ખબર હોવી જોઈએ કે નવાઝ શરીફની જિંદગી આ ઘડીએ જોખમમાં છે.

જો શાસન નવાઝ શરીફના રૂપે હજી એક ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પંજાબને ભેટમાં આપવા માગતું હોય તો વાત જુદી છે. બીજી તરફ રાજધાની ઇસ્લામાબાદમાં મૌલાના ફઝલુર્રહમાનના ધરણાંનું આ બીજું અઠવાડિયું છે.

જો નવાઝ શરીફને કંઈ થઈ ગયું તો ધરણાંમાં પ્રાણ ફૂંકાઈ જશે અને સરકારને તકલીફ પડી જશે. જો આ વાતનો ખ્યાલ ઇસ્લામાબાદના મુન્નાભાઈ એમબીબીએસને ન આવતો હોય તો તેમની બુદ્ધિને સલામ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો