You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ, ઉદ્ધવ-પવાર : 'સ્થિર સરકાર માટે પ્રયાસ કરીશું'
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિશાસન માટે પ્રસ્તાવ આપ્યો હતો, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી ગઈ છે. તો બીજી તરફ શિવસેના આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.
અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાષ્ટ્રપતિને આપેલા અહેવાલમાં રાજ્યમાં સરકાર બની શકે તેમ ન હોઈ બંધારણના અનુચ્છેદ 256 મુજબ રાષ્ટ્રપતિશાસન લાગુ કરવાનું કહ્યું હતું.
સરકાર બનાવવા માટે પૂરતો સમય ન આપવામાં આવતાં શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
રાજ્યપાલ દ્વારા શિવસેના બાદ ત્રીજા ક્રમના મોટા પક્ષ એનસીપીને સરકાર બનાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
અમે ફરી સત્તા સ્થાપવા પ્રયાસ કરીશું
રાષ્ટ્રપતિશાસન લાદી દેવાયા બાદ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ પત્રકારપરિષદ યોજી હતી.
ઠાકરેએ કહ્યું, "ગઈકાલે જ શિવસેનાએ કૉંગ્રેસ-એનસીપીનો સંપર્ક સાધ્યો હતો."
"રાજ્યપાલ પાસે અમે 48 કલાકનો સમય માગ્યો હતો, પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ દયાળુ છે. તેમણે 48 કલાક ન આપ્યા પણ છ મહિનાનો સમય આપી દીધો."
"તેમનું ગણિત શું છે એ ખ્યાલ ન આવ્યો. આ છ મહિનાની મુદ્દતમાં અન્ય પક્ષો સાથે બેસીને કૉમન મિનિમમ પ્રોગ્રામ પર કામ કરીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે એવું પણ કહ્યું કે અમે ફરી સત્તા સ્થાપવા માટેનો પ્રયાસ કરીશું.
ભાજપ સાથેની યુતિ તૂટી છે કે કેમ? એ પ્રશ્નના જવાબમાં ઠાકરેએ કહ્યું :
"અમારા મિત્ર પક્ષે અમને કહ્યું કે શિવસેનાને અન્ય પક્ષ સાથે જવું હોય તો શુભેચ્છા. એક મિત્ર તરીકે અમારે એમની શભેચ્છાનું માન તો રાખવું રહ્યું ને."
શિવસેનાની પત્રકારપરિષદ પહેલાં કૉંગ્રેસ અને એનસીપીએ સંયુક્ત પત્રકારપરિષદ યોજી હતી.
જેમાં શરદ પવાર સાથે અહમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યા હતા.
અત્યાર સુધી શું થયું?
ગઈકાલે શિવસેનાના આદિત્ય ઠાકરે બાદ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી(એનસીપી)ના નેતાઓ મહારાષ્ટ્રના રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રના રાજ્યપાલના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે શિવસેનાના પ્રતિનિધમંડળે સરકાર રચવાની ઇચ્છા વ્યકત કરી હતી પણ તેઓ અન્ય પક્ષોનો સમર્થન પત્ર સુપરત કરવામાં તેઓ નિષ્ફળ ગયા.
આ ટ્વીટમાં એવું પણ લખ્યું છે કે શિવસેના દ્વારા ત્રણ દિવસની મુદ્દત માગવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી છે.
ગઈકાલે એનસીપી નેતા અજિત પવાર અને અન્ય નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલની મુલાકાત કરવા પહોંચ્યું હતું.
ગઈકાલે એનસીપી પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે અમને રાજ્યપાલનો પત્ર મળશે પછી કૉંગ્રેસ પાર્ટીની સાથે મળીને નિર્ણય લઈશું. જોકે, આજે પણ એ જ સ્થિતિ બનેલી છે.
અગાઉ શિવસેનાના નેતા તાજેતરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા આદિત્ય ઠાકરે સોમવારે સાંજે રાજભવન ખાતે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.
ગઈકાલે આદિત્ય ઠાકરેની સાથે શિવસેનાના અન્ય નેતાઓ પણ રાજભવન ખાતે પહોંચ્યા હતા.
આદિત્ય ઠાકરેએ ગઈકાલે પત્રકારપરિષદમાં કહ્યું, "અમે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવા માટેની ઇચ્છાશક્તિ વ્યક્ત કરી છે."
"અન્ય પક્ષો સાથે વાત કરી શકીએ એ માટે અમે રાજ્યપાલ પાસે 48 કલાકનો સમય માગ્યો હતો. જે માગને રાજ્યપાલે નકારી છે છતાં સરકાર રચવાનો અમારો દાવો યથાવત્ છે."
અગાઉ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે બીબીસી મરાઠીને કહ્યું કે શિવસેનાના નેતા એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરે રાજ્યપાલને મળશે અને શિવસેનાને સરકાર બનાવવા માટે વધારે સમય આપવા વિનંતી કરશે.
ગઈકાલે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ વર્તમાન રાજકીય સ્થિતિ અંગે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અહમદ પટેલ અને એન્ટોની પણ વર્તમાન સ્થિતિ અંગે સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ મામલે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ સાથે વાત કરીને જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
કૉંગ્રેસની જેમ જ એનસીપીએ પણ ફેંસલો ટાળી દીધો છે. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે તેમણે કૉંગ્રેસ સાથે ચૂંટણી લડી હતી અને નિર્ણય કૉંગ્રેસ સાથે વાત કરીને જ લેવામાં આવશે.
આ પહેલાં શિવસેનાના સાંસદ અને મોદી સરકારની કૅબિનેટમાં મંત્રી અરવિંદ સાવંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ભાજપને ઘમંડ છે : સંજય રાઉત
સંજય રાઉતે કહ્યું કે ભાજપના ઘમંડને કારણે મહારાષ્ટ્રમાં સરકાર બની રહી નથી. આ મહારાષ્ટ્રના લોકોનું અપમાન છે.
તેમણે કહ્યું, "રાજ્યપાલે જો અમને વધારે સમય આપ્યો હોત તો સરકાર બનાવવી સહેલી થઈ જાત. ભાજપને 72 કલકનો સમય આપવામાં આવ્યો હતો. અમને ઓછો સમય આપવામાં આવ્યો છે."
"મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભાજપની આ વ્યૂહરચના છે."
બીજી તરફ ભાજપના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસના ઘરે આ મામલે બેઠક કરવા માટે એકઠા થઈ રહ્યા છે.
સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે શિવસેના સાથે જે વાત થઈ હતી તે ભાજપ માનવા માટે તૈયાર નથી.
તેમણે કહ્યું, "રાજ્યપાલને ભાજપે કહી દીધું કે સરકાર નહીં બનાવી શકીએ પરંતુ અમને પૂછ્યું પણ નહીં. ભાજપ સાથેના સંબંધોમાં હવે માત્ર ઔપચારિકતા રહી ગઈ છે."
"મને વિશ્વાસ છે કે અમે રાજ્યને એક સ્થિર સરકાર આપીશું. શરદ પવાર અને કૉંગ્રેસના નેતાઓની ભૂમિકા છે કે અમે સાથે આવીને સરકાર બનાવીએ."
સંજય રાઉતે કહ્યું કે ભાજપ મહેબૂબા મુફ્તી સાથે મળીને સરકાર બનાવી શકે છે તો શિવસેના કૉંગ્રેસ-એનસીપી સાથે મળીને કેમ નહીં.
તેમણે કહ્યું કે શિવસેના કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવે તો એમાં શું વાંધો છે. ભાજપ પોતાના વાયદાઓથી ફરી રહી છે તો ગઠબંધન રાખવાનો કોઈ અર્થ નથી.
આ તરફ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ તેમનો મામલો છે, એ લોકો જાણે, અમને તેનાથી શું મતલબ?
એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે, "ભાજપ-એનડીએ ગઠબંધન તૂટશે અને એક ન્યૂનતમ એજન્ડા બનાવાશે તો જ એનસીપી શિવસેનાને સમર્થન આપશે."
ભાજપએ આ ઘટનાક્રમ અંગે કહ્યું કે જો શિવસેના જનાદેશનું અપમાન કરીને એનસીપી અને કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા માગતી હોય તો તેમને શુભકામનાઓ.
મહારાષ્ટ્રના ભાજપપ્રમુખ ચંદ્રકાન્ત પાટિલે કહ્યું કે, "મહારાષ્ટ્રના લોકોનો જનાદેશ ભાજપ-શિવસેનાના ગઠબંધન માટે હતો. અમે એકલા હાથે સરકાર નહીં બનાવી શકીએ."
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શુક્રવારે રાજ્યના સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ ભાજપે તેમની પાસે બહુમત ન હોવાના કારણે સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો હતો.
જે બાદ રવિવારે રાત્રે રાજ્યપાલે બીજા સૌથી મોટા પક્ષ શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા હતા.
જોકે, શિવસેના પાસે માત્ર 56 ધારાસભ્યો જ છે, જ્યારે સરકાર બનાવવા માટે 146 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. આવી પરિસ્થિતિમાં શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસ બન્નેના સમર્થનની જરૂર પડશે..
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો