મહારાષ્ટ્ર : ભાજપ-શિવસેનાના ગઠબંધનમાં વર્ષો બાદ કેમ તિરાડ પડી

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

મહારાષ્ટ્રમાં હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યના રાજકારણના શીર્ષ પદ માટે ભાજપ-શિવસેનાની વર્ષો જૂની મહાયુતિમાં તિરાડ પડી ગઈ છે.

મુખ્ય મંત્રી પદ માટેથી ખેંચતાણમાં બંને પક્ષોએ વર્ષોના સંબંધોની પરવા કર્યા વગર એકબીજાને પીઠ બતાવી દીધી છે.

શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડી એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ) અને કૉંગ્રેસ પક્ષની મદદથી સરકાર રચવાના ઓરતા જોયા હતા, પરંતુ મહારાષ્ટ્રના રાજ્યપાલે સમયસીમામાં વધારાની શિવસેનાની માગણીને ફગાવી દઈ તેના પર પાણી ફેરવી દીધું.

અહીં એ જાણવું રસપ્રદ બનશે કે લગભગ સમાન વિચારધારા અને લક્ષ્યો ધરાવતા આ બે પક્ષો વર્ષો સુધી એક જ મંચ પર રહ્યા બાદ આ વખત એકબીજાથી કેમ જુદા પડી ગયા.

શિવસેનાનું એકહથ્થુ શાસન

'મરાઠી માનુષ'ની વાત સાથે મહારાષ્ટમાં સત્તાના કેન્દ્રબિંદુ બની બેઠેલા બાળ ઠાકરેના નામનો મહારાષ્ટ્રમાં ડંકો વાગતો હતો.

બીબીસી મરાઠીના એક અહેવાલ અનુસાર, હિંદુત્વની પ્રથમ પ્રયોગશાળા ગુજરાત નહીં, પરંતુ મુંબઈના વિલે-પાર્લેમાં 1989માં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણી હતી.

આ પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર રમેશ પ્રભુની શાનદાર જીતે શિવસેનાના 'હિંદુત્વવાદી' માર્ગ પર ચાલી સત્તા મેળવવાની ચાવી પક્ષના હાથમાં આપી દીધી.

શિવસેનાને 'મરાઠી માનુષ' કરતાં પણ પ્રભાવશાળી 'હિંદુત્વ'નો એજન્ડા મળી ગયો. હવે તેઓ સંપૂર્ણપણે આ એજન્ડા સાથે મહારાષ્ટ્રના રાજકારણ પર છવાઈ જવા તલપાપડ થઈ રહ્યા હતા.

આ જ સમયે ભાજપ પણ 'હિંદુત્વ'ના એજન્ડા જેવો જ એક વ્યાપક એજન્ડા અપનાવવા માગતો હતો, ભાજપે 'હિંદુત્વ'ની સાથે 'રામમંદિરનો મુદ્દો' ઉપાડી લીધો.

સમાન વિચારધારા અને લગભગ સમાન વોટ બૅન્ક ધરાવતા બંને પક્ષોને લાગ્યું કે જો સાથે મળીને ચૂંટણી લડીશું તો જ કૉંગ્રેસના પ્રભુત્વ સામે પડકાર ફેંકી શકીશું.

આ જ સમયે જ ભાજપ પણ મહારાષ્ટ્રમાં પોતાના પગ જમાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો. આ અહેવાલ પ્રમાણે ભાજપના શીર્ષના નેતા અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીએ બાલાસાહેબ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત અંગે માહિતી આપતાં વરિષ્ઠ પત્રકાર મૃણાલિની નાનીવાડેકર જણાવે છે કે, "આ મુલાકાત દરમિયાન અડવાણી અને વાજપેયીએ બાળાસાહેબ ઠાકરેને મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપને પોતાની સાથે રાખવા તેમજ અમુક બેઠકો પર ચૂંટણી લડવા દેવા માટે મનાવ્યા હતા."

"આમ આ મુલાકાત બાદથી જ બંને પક્ષોમાં એક પ્રકારની ગર્ભિત સમજૂતી થઈ ગઈ. જેમાં હંમેશાં બાળ ઠાકરેના પક્ષનો હાથ ઊંચો રહેતો."

નાના અને મોટા ભાઈવાળા રાજકીય સમીકરણો

વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ-શિવસેનાના રાજકીય સમીકરણો વિશે વાત કરતાં જણાવે છે કે, "શરૂઆતના સમયની સમજૂતી પ્રમાણે છેક 2014 સુધી બંને પક્ષોમાંથી શિવસેના હંમેશાં વિધાનસભાની ચૂંટણીમાં વધારે બેઠકો પર લડતી."

"એ સમયે શિવસેના પોતે 171 બેઠકો પર અને ભાજપ 117 બેઠકો પર લડતો હતો."

"જ્યારે આ સમજૂતી પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં શિવસેના દ્વારા ભાજપને વધારે બેઠકો અને પ્રોત્સાહન આપવામાં આવતું."

"આ વ્યવસ્થા 1990 બાદની તમામ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં ચાલુ રહ્યું, પરંતુ 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને સારી સફળતા મળતાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શિવસેનાને વધારે બેઠકો આપવાની ના પાડી દીધી."

"આમ 1989 પછી પહેલી વાર 2014ની વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો એક બીજાથી અલગ થઈને ચૂંટણી લડ્યા."

"જેમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું અને શિવસેના પણ પ્રમાણસર સારું પ્રદર્શન કરી શકી."

"બંને પક્ષોએ એક સાથે આવીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી."

"આમ 1990નો મોટો ભાઈ 2014ની ચૂંટણી આવતા આવતા નાનો ભાઈ બની ગયો."

મોદી ઇફેક્ટ બની અલગ પડવાનું કારણ

વરિષ્ઠ પત્રકાર યદુનાથ જોશીના જણાવ્યાનુસાર, "1990ની વિધાનસભા ચૂંટણીમાં પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે અને બાળ ઠાકરે જેવા મહારાષ્ટ્રના નેતાઓને લાગ્યું કે સત્તા મેળવવા માટે હિંદુત્વના મુદ્દે ભાજપ અને શિવસેનાએ એકસાથે મળીને ચૂંટણી લડવી જોઈએ."

1990ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એક સાથે મળીને ચૂંટણી લડ્યા બાદ શિવસેના અને ભાજપની મહાયુતિને 288 બેઠકો પૈકી 94 બેઠકો મળી.

જે પૈકી શિવસેનાને 52 અને ભાજપને 42 બેઠકો મળી હતી.

ત્યાર બાદ 1995ની વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના 171 બેઠકો પર અને ભાજપ 117 બેઠકો પર એક સાથે મળીને ચૂંટણીમેદાને ઊતર્યા હતા.

આ ચૂંટણીમાં શિવસેના-ભાજપની મહાયુતિએ સારું પ્રદર્શન કર્યું. શિવસેનાને આ ચૂંટણીમાં 73 અને ભાજપને 65 બેઠકો મળી.

આમ પહેલી વાર મહારાષ્ટ્રમાં શિવસેનાને સત્તાનો સાચો સ્વાદ ચાખવા મળ્યો.

1995માં મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની સંયુક્ત સરકારમાં શિવસેનાના નેતા મનોહર જોશીને મુખ્ય મંત્રી પદ મળ્યું. જ્યારે ભાજપના ગોપીનાથ મુંડેને ઉપ મુખ્ય મંત્રી પદ મળ્યું.

આ સિવાય 1995ની શિવસેના-ભાજપની સંયુક્ત સરકારમાં મુખ્ય વિભાગો જેમ કે, ગૃહ, સિંચાઈ અને વીજળી જેવા વિભાગો ભાજપને ફાળવાયા.

ત્યાર બાદની તમામ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં આ બંને પક્ષો એકબીજાની સાથે રહીને ચૂંટણી લડ્યા, પરંતુ 2014માં નરેન્દ્ર મોદીના રાજકીય ઉદયથી આ સિલસિલો પડી ભાંગ્યો.

2014ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શિવસેનાને તેમનાથી વધારે બેઠકો આપવાનો ઇનકાર કરી દીધો.

જેથી બંને પક્ષોમાં સંમતિ ન સધાતાં બંને 1990ની વિધાનસભાની ચૂંટણી બાદ પહેલી વાર જુદા-જુદા ચૂંટણીમાં ઊતર્યા.

આ ચૂંટણીમાં ભાજપને 122 બેઠકો મળી જ્યારે શિવસેનાને માત્ર 63 બેઠકો જ મળી.

આ દરમિયાન ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી પદે નિમાયા. શિવસેનાને તો એ વખત ઉપ મુખ્ય મંત્રી પદ પણ ન મળ્યું.

યદુનાથ જોશીના જણાવ્યાનુસાર, "હવે મોટા ભાઈની ભૂમિકા ભાજપ ભજવતો હોવાના કારણે 2014માં સત્તાનાં જે સમીકરણો બનાવવામાં આવ્યાં તેમાં શિવસેનાને માત્ર 5 કૅબિનેટ અને 5 રાજ્યમંત્રીનાં પદ આપવામાં આવ્યાં."

મૃણાલિની નાનીવાડેકર પ્રમાણે, "પોતાના રાજકીય કદમાં થયેલા ઘટાડાને કારણે વ્યથિત શિવસેના વર્ષ 2014થી કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપની સાથે હોવા છતાંય હંમેશાં વિપક્ષની ભૂમિકા જ ભજવતી રહી."

જે કારણે બંને પક્ષોના વર્ષો જૂના સંબંધોમાં અંતર સર્જાવા લાગ્યું. હાલ 2019ના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના એકસાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં મુખ્ય મંત્રી પદ માટે અંદરોઅંદર ઝઘડી પડ્યાં, જે કારણે વર્ષો જૂની મિત્રતાનો કડવો અંત આવ્યો.

આ પરિબળોના કારણે આવ્યા હતા સાથે

ભાજપ અને શિવસેનાને એકસાથે બાંધી રાખતા પરિબળો અંગે વાત કરતાં મૃણાલિની નાનીવાડેકર જણાવે છે કે, "એકસમાન વિચારધારાના કારણે પણ બંને પક્ષો એકસાથે હતા એ વાત તો હતી જ, પરંતુ બંને પક્ષો જાણતા હતા કે મહારાષ્ટ્રમાં જો આપણે કૉંગ્રેસના દબદબાનો અંત લાવવા માગતા હોઈએ તો એકસાથે મળીને જ આ કાર્ય શક્ય બનશે."

બંને પક્ષોને એકસાથે બાંધી રાખતા પરિબળો વિશે વાત કરતાં યદુનાથ જોશી જણાવે છે કે, "1990માં થયેલી સમજૂતી પ્રમાણે લોકસભામાં મોટા ભાઈ તરીકે ભાજપ, જ્યારે વિધાનસભામાં મોટા ભાઈ તરીકે શિવસેનાની ભૂમિકા રહેતી."

"આ પ્રકારની સમજૂતીને કારણે ઘણા સમય સુધી બંને પક્ષો એક બીજા સાથે રહ્યા, સાથે સત્તા પણ ભોગવી અને વિપક્ષમાં પણ બેઠા."

"પરંતુ 2014ની વિધાનસભાની ચૂંટણીની ખાસ વાત એ હતી કે એ પ્રથમ એવી વિધાનસભાની ચૂંટણી હતી જેમાં બાળ ઠાકરે નહોતા, સાથે જ ગોપીનાથ મુંડે પણ નહોતા."

"આ પરિસ્થિતિનો લાભ લઈને ભાજપે રાજ્યમાં પણ શિવસેનાનો મોટા ભાઈ તરીકેના દરજ્જાને ખતમ કરી નાખ્યો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો