'ક્યાર' વાવાઝોડાની ગુજરાતમાં અસર, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

વાવાઝોડું ક્યાર

ઇમેજ સ્રોત, Imd

ગુજરાતમાં 'ક્યાર' વાવાઝોડાને લઈને અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે.

અરબ સાગરમાંથી ઉત્પન્ન થયેલું અને હવે ઓમાન તરફ આગળ વધી રહેલું 'ક્યાર' વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે હવામાનમાં પલટો આવ્યો છે.

'ક્યાર'નો ગુજરાત પર કોઈ ખતરો નથી, પરંતુ તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને હજી વરસાદ વરસી શકે છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.

દ્વારાકા, પોરબંદર, જાફરાબાદ પાસે દરિયાનાં મોજાંમાં કરંટ જોવા મળ્યો હતો અને સાથે-સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

રવિવારથી વડોદરા, છોડાઉદેપુર, વલસાડ અને બારડોલીમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.

હજી 30 ઑક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છુટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે.

હાલ વાવાઝોડું મુંબઈથી 1300 કિલોમિટર દૂર અને ઓમાનના મસિરાહથી 830 કિલોમિટર દૂર છે.

ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ ગયેલા 'ક્યાર'ને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારો તોફાની બન્યો છે.

line

ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જામનગરના કેટલાક વિસ્તારોમાં રવિવારે હળવો વરસાદ પડ્યો હતો.

ઉપરાંત સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હવામાન વાદળછાયું હતું.

દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ડાંગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરી છે.

કમોસમી વરસાદને કારણે હાલ ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

રાજ્યમાં હાલ મગફળી, કપાસ, તલ, કઠોળ જેવા પાકોની સિઝન ચાલી રહી છે.

કમોસમી વરસાદને કારણે આ પાકોને નુકસાન થવાની ભીતિ છે.

line

250 કિલોમિટરની ઝડપે પવન

વાવાઝોડું ક્યાર

ઇમેજ સ્રોત, Imd

'ક્યાર' વાવાઝોડું ગુજરાતને સીધી રીતે અસર કરવાનું નથી. હાલ તે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડના કેન્દ્ર પાસે પવનની ગતિ પ્રતિ કલાકના 240થી 250 કિલોમિટરની છે, જે વધીને 275 કિલોમિટર થઈ શકે છે.

આ વાવાઝોડા તીવ્રતા આવતી કાલથી ઘટવાની શરૂ થશે અને આ સાથે જ ગુજરાતમાં પણ તેની અસર ઘટશે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને આજે દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો તોફાની રહેવાની શક્યતા છે. અહીં પ્રતિ કલાક 60ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાના કેન્દ્ર પાસે દરિયો અતિ તોફાની છે.

31 ઑક્ટોબર આવતા સુધીમાં ક્યાર સાયક્લૉનમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એટલે તેની તીવ્રતા ઘટી જશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો