100women : 'મહિલા પર ખૂબસૂરત શબ્દનો ભાર લાદવાની શું જરૂર છે?' - નંદિતા દાસ

BBC 100 Womenની ફ્યૂચર કૉન્ફરન્સ આજે નવી દિલ્હીમાં ગોદાવરી ઑડિટોરિયમ, આંધ્ર ઍસોસિયેશનમાં ચાલી રહી છે. આ કૉન્ફરન્સમાં 2019ની પ્રભાવશાળી મહિલાઓ આવનારું ભવિષ્ય મહિલાઓ માટે કેવું હોવું જોઈએ એ વિશે વિચારો રજૂ કરી રહ્યાં છે.

આ કાર્યક્રમમાં વિજ્ઞાન, કલા, અર્થશાસ્ત્ર, શિક્ષણ, ફૅશન, ધર્મ અને ઓળખ સહિત અનેક ક્ષેત્રે કાર્યરત નિષ્ણાત મહિલાઓ તેમના વિચાર રજૂ કરી રહ્યાં છે.

BBC 100 Women એક ખાસ અભિયાન છે જેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી.

આ અભિયાનમાં બીબીસી દર વર્ષે એવાં મહિલાઓની કહાણીઓ દુનિયા સામે લાવે છે જેનાથી જગતનાં મહિલાઓ માટે પ્રેરણા બની શકે છે.

ગત છ વર્ષમાં બીબીસીએ BBC 100 Women શ્રેણીમાં અલગઅલગ ક્ષેત્રોમાં કામ કરનારાં મહિલાઓને સન્માનિત કર્યાં છે.

તમે બીબીસી ગુજરાતીના ટ્વિટર હૅન્ડલ ઉપર આ કાર્યક્રમો જોઈ શકો છો તથા @BBC100womenને ટ્વિટર અને ફેસબુક પર ફૉલો કરી શકો છો.

અરણ્યા જોહર

આ કૉન્ફરન્સમાં સૌપ્રથમ કવયિત્રી અરણ્યા જોહરે 2030 માટે પોતાનું વિઝન રજૂ કર્યું અને કહ્યું કે કેવી રીતે યુવાન શ્યામ છોકરીઓ ભવિષ્યમાં મહિલાઓનું નેતૃત્વ કરશે.

આ કાર્યક્રમના મુખ્ય વક્તા અરણ્યાએ 2030ની દુનિયાની એક પરિકલ્પના રજૂ કરી હતી.

એક એવી દુનિયા જેમાં સહુને સમાન શિક્ષણ હશે, સ્ત્રીના શરીર પર એનો પોતાનો અધિકાર હશે અને સામાજિક પરિવર્તન તરફ દોરનારું નેતૃત્વ હશે જે આપણા જીવનને અસર કરશે.

ભાષાની સમાનતા સંબંધિત કવિતાનું પઠન કરતી વેળાએ જોહરે 'શિક્ષણને સમાનતા લાવનારું સૌથી મોટું' માધ્યમ ગણાવ્યું હતું.

તેમણે કહ્યું કે "નિરક્ષરતા તથા અસમાનતાની સૌથી વધુ અસર મહિલાઓને થાય છે."

તેમણે ઉમેર્યું, "એ વાતમા કોઈ શંકા નથી કે શિક્ષણ મહિલાઓને સૌથી વધુ અસર કરી છે. જો છોકરી શાળાએ જાય તો તેનો લાભ સમગ્ર વિશ્વને મળે છે."

જોહરે મહિલાઓના શિક્ષણ અને કરિયર માટે વધુ રોકાણ કરવા પર ભાર મૂક્યો હતો. ટૂંક સમયમાં કંપનીઓનાં બોર્ડમાં તમામ વર્ણની મહિલાઓ મહત્ત્વનું પદ હાંસલ કરશે.

તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે 'ઍંગ્રી યંગમૅન' હાથ ધરે તો જ કોઈ ચળવળને માન્યતા કેમ મળે છે?

રાયા બિદશહરી - શાળાઓનું ભવિષ્ય

શિક્ષણની જરૂરિયાતથી આગળ વધીને બીજા વક્તા ઈરાનનાં શિક્ષણશાસ્ત્રી રાયા બિદશહરીએ ભવિષ્યની શાળાઓ વિશે વાત કરી.

Awecademyનાં સંસ્થાપક અને સીઈઓ રાયા બિદશહરી એક અલગ જ પ્રકારની શાળાઓની પરિકલ્પના પર ભાર મૂકે છે.

ઈરાનનાં શિક્ષણશાસ્ત્રી રાયા બિદશાહરીના કહેવા પ્રમાણે, સ્કૂલની વિભાવનાને બદલવાની જરૂર છે.

તેમણે કહ્યું કે "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભવિષ્ય છે. શિક્ષણમાં વૈકલ્પિક મૉડલ આખી દુનિયામાં વધ્યા છે, પરંતુ તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડવાની જરૂર છે."

તેમણે કહ્યું કે આંકડા અને જાણકારી બેઉ અલગ બાબત હોય છે. એકૅડેમિક કે તકનીકી મૉડલને બદલે બૌદ્ધિક, સામાજિક તથા નૈતિક પ્રગતિ આધારિત અભ્યાસ વધુ અર્થપૂર્ણ છે.

તેમણે કહ્યું કે ગુણ તથા જ્ઞાન એ બે અલગ બાબત છે.

રાયાએ ઑનલાઇન લર્નિંગ પ્લૅટફૉર્મ Awecademyની સ્થાપના કરી છે. તેમના કહેવા પ્રમાણે, ભવિષ્યની શાળાઓમાં ઇમારતો નહીં હોય અને 'ક્લાઉડ સેશન' દ્વારા શૈક્ષણિક વર્ગો લેવાશે.

વર્તમાન શિક્ષણ-વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું કે આજની શાળાઓ અને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને એવા વિશ્વ માટે તૈયાર કરે છે, જેનું કોઈ અસ્તિત્વ જ નથી.

રાયાના કહેવા પ્રમાણે, "આજે વિશ્વ અકલ્પનીય ઝડપે બદલાઈ રહ્યું છે. છતાં શિક્ષણ-વ્યવસ્થામાં પરિવર્તન માટે એ ઝડપે પ્રાથમિકતા નથી અપાઈ રહી, જેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું."

વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના આંકડાને ટાંકતાં તેમણે ઉમેર્યું કે "2030 સુધીમાં ઑટૉમેશનને કારણે લગભગ 80 કરોડ નોકરી પર જોખમ ઊભું થશે અને ભવિષ્યની 65 ટકા નોકરીઓ આજે અસ્તિત્વ પણ નથી ધરાવતી."

તેમણે કહ્યું કે આજે સમસ્ત માનવજાત ઐતિહાસિક વળાંક ઉપર છે. બ્લૉક-ચેન, VR તથા AR આધારિત જગત, માઇક્રૉકૉર્સ નૉટ્રોપિક્સનો ઉપયોગ, AI આધારિત સેવાઓ વગેરે આપણું ભવિષ્ય હશે.

સારા માર્ટિન્સ ડા સિલ્વા - પુરુષોનું વંધ્યત્વ

આપણા સમાજમાં બાળક ન થાય તે માટે મહિલાઓને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ પુરુષોના વાંઝિયાપણાની ન તો સમાજમાં ખાસ ચર્ચાય છે કે ન તો વિજ્ઞાનમાં.

ઈનફર્ટિલિટી એટલે કે વંધ્યત્વનાં નિષ્ણાત ડૉ. સારાહ માર્ટિન દ સિલ્વા સ્કોટલેન્ડનાં અગ્રણી સ્ત્રીરોગનિષ્ણાતો પૈકીનાં એક છે અને તેઓ પુરુષોના વાંઝિયાપણાના મુદ્દા પર ધ્યાન આપે છે.

તેઓ યુનિવર્સિટી ઑફ ડન્ડી ખાતે રિપ્રોડક્ટિવ મેડિસિનનું શિક્ષણ પણ આપે છે.

દિલ્હીમાં યોજાયેલા 100 Women કાર્યક્રમમાં ભાષણ કરતાં સારાહે મહિલાઓના નેતૃત્વ હેઠળ ભવિષ્યના પ્રજનન મુદ્દે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "વૈશ્વિક અસમાનતા અને મહિલાઓ પરના પ્રજનનબોજના વર્તમાન ભારણને દૂર કરવા માટે આપણે પુરુષોમાં પ્રજનન આરોગ્ય સંબંધી સંશોધન માટે વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, રોકાણ અને નાવીન્યનો ઉપયોગ કરીશું એવી મને આશા છે."

આરોગ્ય સંબંધી કોઈ સમસ્યાનો સંકેત પુરુષોનાં આંતરવસ્ત્રોમાંથી મળી શકે તેવી કોઈ વ્યવસ્થા હોય તો મને જણાવો એમ કહીને સારાહે પુરુષોમાં વંધ્યત્વ સંબંધી તદ્દન નવા વિચારોના રજૂઆત માટે મંચ ખુલ્લો મૂક્યો હતો.

2030ના ભાવિ વિશેના સારાહના દૃષ્ટિકોણ અનુસાર, પુરુષોના વંધ્યત્વની સારવાર મોટા ભાગે મહિલાઓના વંધ્યત્વ વિસ્તરણ પૂરતી મર્યાદિત નહીં રહે.

વંધ્યત્વની બિનજરૂરી અને પીડાદાયક સારવાર માત્ર મહિલાઓએ જ શા માટે કરાવવી પડે છે, એવો સવાલ સારાહે કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે સારાહે જણાવ્યું હતું કે શુક્રાણુઓનું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે અને પુરુષો માટે પિતા બનવાનું મુશ્કેલ બનતું જાય છે, ત્યારે આ બાબતે તાકીદે વિચારણા થાય એ જરૂરી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ હકીકતના વધુને વધુ પુરાવા મળી રહ્યા છે, એમ જણાવતાં સારાહે વિશ્વભરના સંશોધકોને હાકલ કરી હતી કે શુક્રાણુના તીવ્ર ઘટાડાનાં કારણોની તપાસ, તેને અટકાવવાના ઉપાયો સાથે થવી જોઈએ.

સારાહે કહ્યું હતું કે "વંધ્યત્વ એ માત્ર મહિલાઓની સમસ્યા જ નથી."

આ અન્યાય અને અસમાનતાનું નિવારણ, પુરુષોમાં વંધ્યત્વ વિશે વિશિષ્ટ સંશોધન કરીને ભવિષ્ય નિર્માણની દિશામાં કઈ રીતે કામ કરી રહ્યું છે, એ સારાહે સમજાવ્યું હતું.

મહિલાઓ અને અર્થતંત્રમાં કેટલું યોગદાન?

મેરિલીન વેરિંગ અને શુભાલક્ષ્મી નંદીએ મહિલાઓને જે કામનું મૂલ્ય નથી મળતું એનું અર્થતંત્રમાં કેટલું યોગદાન છે એ વિષય પર વાત કરી.

ન્યૂઝીલેન્ડનાં 67 વર્ષની વયનાં અગ્રણી અર્થશાસ્ત્રી તથા પર્યાવરણવિદ્ મેરિલીન વેરિંગ એવા હિંમતવાન ભૂતપૂર્વ રાજકારણી તરીકે જાણીતાં છે કે જેઓ 1984માં ચૂંટણીનું કારણ બન્યાં હતાં.

મેરિલીને વિશ્વભરના લોકોને 'વિમેન ઈકોનોમિક્સ'ને ગંભીર મુદ્દો ગણવાની ફરજ પાડી હતી.

જાતીય સમાનતાવાદી કર્મશીલ સુભાલક્ષ્મી નંદી સાથે મળીને મેરિલીને 100 Women કાર્યક્રમમાં એવી દલીલ કરી હતી કે જાતીય સમાનતા, સાતત્યસભર વિકાસ અને મહિલાઓના માનવાધિકારો નારીના નેતૃત્વ હેઠળના ભવિષ્યમાં આર્થિક કામગીરીનાં ચાવીરૂપ મૂલ્યો હોવાં જોઈએ.

બાળકને જન્મ આપવાનું સૌથી મહત્વનું કામ કરતી મહિલાઓને તેમના મોટાભાગના મહેનતભર્યાં કામ માટે કોઈ વળતર કેમ આપવામાં આવતું નથી, એવા મેરિલીનના સવાલે ઘણાને વિચારતા કરી મૂક્યા હતા.

દુનિયાભરના દેશો પાકમાં, ખાદ્યસામગ્રીના ઉત્પાદનમાં અબજોનું રોકાણ કરી રહ્યા છે ત્યારે આ પૃથ્વી પરની સૌથી મહત્વની ખાદ્યસામગ્રી સ્તનદુગ્ધનું ઉત્પાદન કરતી મહિલાઓને આપણે વળતર શા માટે નથી આપતા?

કોઈ પણ બાળકના ભાવિ આરોગ્ય તથા શિક્ષણ માટે એ સૌથી મહત્વનું રોકાણ છે, એમ પોતાની વાતનો સારાંશ સમજાવતાં મેરિલીને જણાવ્યું હતું.

મેરિલીને ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે 2030માં ભવિષ્ય માટે અર્થતંત્રો તથા વિશ્વનાં રાષ્ટ્રોની સંપતિના મૂલ્યાંકન માટે જીડીપી(કુલ ઘરેલુ ઉત્પાદન)ને બદલે સમયને પ્રાધાન્ય આપવામાં આવશે.

મેરિલીનની આ વાતમાં સૂર પૂરાવતાં જાતીય સમાનતાવાદી કર્મશીલ અને નિષ્ણાત સુભાલક્ષ્મી નંદીએ જણાવ્યું હતું કે ભારતમાં મહિલાઓ અનૌપચારિક કાર્યબળનો અદૃશ્ય હિસ્સો બની રહી છે.

ખેતીમાં કમરતોડ મહેનતનું કામ કરતી મહિલાઓને ખેડૂત તરીકે માન્યતા કેમ આપવામાં આવતી નથી, એવો સવાલ સુભાલક્ષ્મી નંદીએ કર્યો હતો.

મહિલાઓને જે કામ માટે વળતર ચૂકવાતું નથી એ બધાં કામને રાષ્ટ્રીય અર્થતંત્રનો હિસ્સો ગણવા માટે મેરિલીન અને સુભાલક્ષ્મીએ સાથે મળીને આગ્રહ કર્યો હતો.

સવાલ એ છે કે એ પરિસ્થિતિના નિર્માણમાં કેટલો સમય લાગશે?

મેરિલીન અને સુભાલક્ષ્મીનાં મતાનુસાર, મહિલાઓને જે કામ માટે વળતર આપવામાં આવતું નથી એ ગણતરીમાં લેવાશે ત્યારે જ ભાવિ વિશ્વ બહેતર બનશે.

અંતરીક્ષમાં મહિલાઓ

'આપણે બધા અવકાશયાત્રીઓ છીએ એ વાત જાણી લેજો.'

BBC 100 Womenની મહિલાઓના ભાવિ વિશેની કોન્ફરન્સ જ્વલંત સફળતા સાથે આગળ વધી રહી છે ત્યારે હવે આશ્ચર્યસર્જક સ્પેસ વુમન ડૉ. સુસ્મિતા મોહંતીએ એમનાં વિચારો રજૂ કર્યા.

સુસ્મિતા ભારતનાં પહેલાં અવકાશ ઉદ્યોગસાહસિક છે. અવકાશયાન ડિઝાઈન કરવા ઉપરાંત જળવાયુ પરિવર્તન કર્મશીલ તરીકે પણ તેઓ કાર્યરત છે.

પોતાના સત્રની શાનદાર શરૂઆતમાં સુસ્મિતાએ આપણા પોતાના ગ્રહ-પૃથ્વી વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે "આપણે બધાં અત્યારે એક બ્લૂ અવકાશયાનમાં બેસીને બ્રહ્માંડમાં ઝડપભેર પ્રવાસ કરી રહ્યા છીએ."

ભવિષ્યમાં જ્યારે પૃથ્વી વસવાટ યોગ્ય નહીં રહે ત્યારે શું થશે એ વિચારવાનો પડકાર કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને ફેંકતાં તેમણે કહ્યું હતું કે "ગઈ સદીમાં કૉમર્શિયલ એવિએશનનું જે થયું એ 2030માં સ્પેશ એવિએશનનું થશે."

"મને ભય છે કે ત્રણ કે ચાર પેઢી પછી આપણી આ પૃથ્વી વસવાટ યોગ્ય નહીં રહે. પર્યાવરણની જાળવણીની તાકીદની જરૂરિયાત પ્રત્યે માનવજાત જાગૃત થશે એવી મને આશા છે."

પર્યાવરણની સુરક્ષાના ચુસ્ત આગ્રહી સુસ્મિતાએ જળવાયુ પરિવર્તનમાં થતાં ફેરફાર પર નજર રાખવા સ્પેસ ટેક્નોલોજીના ઉપયોગની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે "આપણે માનવસમાજે યુદ્ધો અને શસ્ત્રોને બદલે અવકાશમાં જવાના સ્વસ્થ ઊર્જા વિકલ્પો સંબંધી સંશોધનમાં વધારે નાણાંકીય રોકાણ કરવું જોઈએ."

તેમણે ઉમેર્યું હતું કે "અવકાશમાં મોટા પ્રમાણમાં ભંગાર ખડકાયેલો છે અને એ હાલ મોટી ચિંતાની બાબત છે, કારણ કે નીચલી ભ્રમણકક્ષાને તો આપણે ભંગાર બનાવી ચૂક્યા છીએ. નીચલી ભ્રમણકક્ષામાં 30 લાખથી વધારે વસ્તુઓ રઝળી રહી છે."

સુસ્મિતાએ અવકાશમાં વસવાટના નવા વિકલ્પોની વાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તમારે છેક મંગળ સુધી જવાની જરૂર નથી. 2030 સુધીમાં પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માઈક્રો-સોસાયટીની કલ્પના શક્ય છે.

અંધારભર્યા આકાશમાં પૃથ્વી પરથી અવકાશ યાત્રા અને આર્કટિક સમુદ્ર પર વાદળોની જંગી જમાવટના સુંદર વીડિયો સાથે તેમણે સત્રનું સમાપન કર્યું હતું.

ડ્રેસ ઈ-મેલ કરો, પ્રિન્ટ કરો અને પહેરી લો - દનિત પેલેગ

ખેતીથી માંડીને ફૅશન સુધીના વિષયો અને આશ્ચર્યજનક વક્તાઓ તથા સત્રો સાથે દિલ્હીમાં યોજાયેલા BBC 100 women કાર્યક્રમ શ્રોતાઓ-દર્શકોને મંત્રમૂગ્ધ કરી નાખ્યા હતા.

આ કાર્યક્રમના એક સત્રમાં ઈઝરાયલના દનિત પેલેગે આપણાં ફૅશનેબલ વસ્ત્રોમાં થ્રીડી પ્રિન્ટિંગના ભાવિ વિશ્વ મારફત ક્રાંતિ લાવવાની વાત કરી હતી.

દનિત પેલેગ હજુ 30 વર્ષના થયાં નથી, પણ આ હોંશિયાર મહિલા ડિઝાઈનરને થ્રીડી ટેક્નોલોજી અને વાસ્તવિક ફૅશનના અદભૂત સંયોજન વિશે વાત કરવી ગમે છે.

દનિતે વિશ્વની સંપૂર્ણપણે થ્રીડી પ્રિન્ટેડ વસ્ત્ર શ્રેણી સર્જી હોવાનું માનવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે "તમે તમારા દોસ્તને માત્ર ઈ-મેલ મારફત ડ્રેસ મોકલી શકો એવા ભવિષ્યની કલ્પના કરો. તમારા દોસ્તે તેને ડાઉનલોડ કરી, પ્રિન્ટ કાઢી અને પહેરવાનો હશે."

દનિતની 2030ના વિઝન અનુસાર, એક ફૅશન ડિઝાઇનરનું કલેક્શન ઘરે બેઠાં આરામથી થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે. વળી એ ટકાઉ અને વૈકલ્પિક ફૅશન હશે.

દનિતે આજે જણાવ્યું તેમ, વધારે ગંભીર બાબત એ છે કે 50 ટકા કાચો માલ નકામો જાય છે, જ્યારે વિશ્વમાં માત્ર એક ટકા વસ્ત્રો રિસાઇકલ કરવામાં આવે છે.

દનિતે કહ્યું હતું કે "આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યાં છીએ." ભાવિ ફૅશન ઉદ્યોગમાં કશું નકામું નહીં હોય અને અંગત તથા મોજભર્યું હશે.

તેનો આપણાં દૈનિક જીવન પર કેવો પ્રભાવ પડશે, એવો સવાલ કરતાં દનિતે જણાવ્યું હતું કે શોપિંગને ભૂલી જાઓ. તમે ટૂંક સમયમાં તમારાં નવાં વસ્ત્રો ડાઉનલોડ કરતા થઈ જશો.

ન્યાયમાં ડેટાનું મહત્ત્વ

પાઓલા 12 વર્ષનાં હતાં ત્યારે કોડિંગનું જ્ઞાન તેમણે જાતે મેળવ્યું હતું. તેઓ 15 વર્ષનાં થયાં ત્યારે વેબ ડિઝાઈનર તરીકે કામ કરવા લાગ્યાં હતાં અને એ પછી અમેરિકા ગયાં હતાં. અમેરિકામાં તેમનું મુખ્ય કામ ન્યાય વ્યવસ્થામાંથી રંગભેદી દ્વેષને નાબુદ કરવા પર કેન્દ્રીત છે.

ભેદભાવભર્યા સમાજમાંથી વધારે અસરકારક વહીવટયુક્ત સમાજના નિર્માણ માટે ડેટા અને આલ્ગોરિધમનો ઉપયોગ કરવો જરૂરી છે.

પાઓલાએ તેમનો દૃષ્ટિકોણ એની દૂખાન નામની લેબોરેટરી ટેક્નિશ્યનના રસપ્રદ ઉદાહરણ મારફત રજૂ કર્યો હતો. પોલીસે જપ્ત કરેલી સામગ્રીના પ્રકારને એનીએ સમર્થન આપ્યું હતું અને એ પછી તેમના પર જ સુપરત કરવામાં આવેલાં સેમ્પલ્સના વ્યવસ્થાપનમાં બેદરકારીનો આરોપ લાગ્યો હતો.

પાઓલાએ કરેલા ડેટાના વિશ્લેષણને લીધે 'રંગભેદી દ્વેષને કારણે 20,000 કેસમાં કરાયેલી સજા સુલટાવવામાં મદદ મળી હતી. એ માટે ઇન્ટરએક્ટિવ નકશા સાથેનું ડેટા ફૉર જસ્ટિસ ટૂલ વિકસાવવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અને લઘુમતી સમુદાયના સભ્યોની પ્રવૃત્તિની સરખામણી કરવામાં આવી હતી.'

પાઓલાએ કહ્યું હતું કે "ઐતિહાસિક રીતે હાંસિયામાં ધકેલી દેવાયેલા લોકોને ડેટા અને ટેક્નોલોજીની મદદ વડે અધિકાર આપી શકાય છે."

"તમામ પ્રકારના દ્વેષ અને અસમાનતા સામે કામ પાર પાડવામાં એ ખરેખર મદદરૂપ થઈ શકે છે."

આખરે તો માણસો જ દ્વેષના જનક અને વાહક છે એવું ભારપૂર્વક જણાવતાં પાઓલાએ ઉમેર્યું હતું કે "જાતિદ્વેષ ધરાવતા કોડર્સ દ્વારા અલ્ગોરિધમ તૈયાર કરવામાં આવશે તો એ પુરુષપ્રધાન અલ્ગોરિધમ હશે."

બોડી પોઝિટિવિટી - નતાશા નોએલ

યોગ ગુરુ, પ્રેરણાદાયી પ્રવચનકર્તા અને બોડી પોઝિટિવિટી ચળવળના પ્રભાવશાળી અગ્રણી નતાશા નોએલના વકતવ્ય સાથે BBC 100 Women કાર્યક્રમના બપોરના સત્રની શરૂઆત થઈ હતી.

નતાશા ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતાનું અવસાન થયું હતું એ વાત ઉપરાંત સાત વર્ષની વયે શરૂ થયેલી જાતીય સતામણીનો સામનો પોતે કઈ રીતે કર્યો તેની વાતો નતાશાએ કરી હતી.

તેમણે કહ્યું હતું કે "હું આજે પણ સંઘર્ષ કરું છું, પરંતુ હું મારી જાતને રોજ થોડોક વધારે પ્રેમ કરવાનું શીખી રહી છું."

અનેક લોકો માટે મજબૂત ઉદાહરણ રચવા માટે વિખ્યાત નતાશાએ બાળપણના આઘાતનો સામનો યોગ વડે કરવાની વાત કરી હતી.

વાસ્તવમાં દર્શકો-શ્રોતાઓની સામે મંચ પર શિર્ષાશન કરીને નતાશાએ આ સત્રને વધુ ઊર્જાવાન બનાવ્યું હતું.

તાળીઓના ગડગડાટ વચ્ચે નતાશાએ 2030 માટેનો તેમનો દૃષ્ટિકોણ જણાવ્યો હતો અને સવાલ કર્યો હતો કે સારા માણસની વ્યાખ્યા 'પૂર્ણતા'ની નજીક છે કે કેમ.

નતાશાએ સંખ્યાબંધ ગલૂડિયાંઓ સાથેના તેમના પ્રિય ભાવિની વાત કરી હતી અને કહ્યું હતું કે "વધારે સમજદાર હોય તેવી વધુ મહિલાઓ સાથેનું વિશ્વ, અનુકંપાભર્યું વિશ્વ અને પ્રેમ તથા સમજણની શક્તિ દર્શાવતાં અનેક પ્રાણીઓ સાથેનું વિશ્વ."

તેમણે જણાવ્યું હતું કે પ્રગતિની ગતિ ધીમી છે ત્યારે મહિલાઓની નેતૃત્વ શક્તિએ પોતાનો પરિચય આપવાનું શરૂ કર્યું છે.

મહત્વની વાત એ છે કે ભવિષ્ય શુદ્ધ અંતઃકરણથી સભર હશે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે "પ્રચૂર બુદ્ધિમતા અને લાગણીસભર હોય તેવી મહિલાઓ વડે જ બહેતર માનવોનું સર્જન કરી શકાશે નહીં."

બાળકો આપશે વિશ્વના ધર્મોને આકાર - જિના ઝુરલો

ધાર્મિક બાબતોનાં વિદ્વાન જિના ઝૂરલોએ વિશ્વ અને તેના ધર્મના ભાવિ વિશે તદ્દન અલગ જ દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો.

મહિલાઓની ભૂમિકા વિશે વાત કરતાં જિનાએ કહ્યું હતું કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ ધાર્મિક હોય છે એવું વધુને વધુ સંશોધનોમાં જાણવા મળતું રહ્યું છે. "હું તમને કહેવા માગું છું કે મહિલાઓ ધર્મની રખેવાળ છે. મહિલાઓ પૃથ્વીની રખેવાળ છે."

વિશ્વનો ધાર્મિક ભૂતકાળ તેના વર્તમાન સાથે કેવી રીતે ક્રિયાકલાપ કરે છે અને ભવિષ્યને આકાર આપે છે એ બાબતે જિનાએ વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું.

જિના વિશ્વના ધર્મસંબંધી આંકડાઓના નિષ્ણાત છે. તેમણે વર્ષ 1900થી 2050 સુધીનો વિશ્વના ધર્મોનો પ્રભાવશાળી ચાર્ટ રજૂ કર્યો હતો.

2030 સુધીમાં વિશ્વની વસ્તીમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમોનો કુલ હિસ્સો 59 ટકા કઈ રીતે થઈ જશે એ તેમણે માત્ર આંકડાઓના આધારે સભાજનોને જણાવ્યું હતું.

ઇસ્લામને વિશ્વમાં સૌથી ઝડપભેર વિકસતો ધર્મ ગણાવતાં જિનાએ 100 Women કાર્યક્રમને, બાળકો વિશ્વને કઈ રીતે ચલાવે છે તે વિશેની રસપ્રદ ચર્ચામાં ફેરવી નાખ્યો હતો.

તમામ ધર્મના લોકોમાં જન્મદર એકસમાન રહે અને કોઈ ધર્માંતર ન થાય તો 2030 સુધીમાં વિશ્વમાં સૌથી વધારે બાળકો ઇસ્લામધર્મીઓનાં હશે.

સવાલ એ છે કે પ્રત્યેક મહિલાને કેટલાં બાળકો હોવાં જોઈએ તેનો નિર્ણય વિશ્વના ધર્મો કરશે?

જિનાએ જણાવ્યું હતું કે ભાવિ ધાર્મિક પરિદૃશ્ય અને તેમાં મહિલાઓની સંભવિત ભૂમિકા તપાસવાની નવી પદ્ધતિ નક્કી કરવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ટેકનૉલૉજીનો ઉપયોગ કરવાનો સમય આવી પહોંચ્યો છે.

તેમણે કહ્યું હતું કે "મહિલાઓની ફળદ્રુપતાના દર સિવાયની બાબતો પર નજર રાખતા વિશ્વનું નિર્માણ આપણે કરીશું એવી મને આશા છે."

પ્રેમનું ભવિષ્ય - પ્રગતિ સિંહ

તમારી આંખો બંધ કરો અને ઉડતો હાથી, પ્રેમ, ગાઢ સંબંધ, રોમાન્ટિક ડેટ, લગ્ન, આદર્શ પરિવાર તથા પ્રેમ આ શબ્દો સંબંધે વિચારતાં તમારા મનમાં જે પહેલું દૃશ્ય આવે તેના પર ધ્યાન આપો.

દિલ્હીમાં યોજાયેલા BBC 100 Women કાર્યક્રમના શ્રોતાઓ-દર્શકોને આનંદ, હાસ્ય અને ઊંડા ચિંતનથી ભરપૂર અત્યંત રસપ્રદ તથા ઇન્ટરઍક્ટિવ ચર્ચાનો લાભ મળ્યો હતો.

હેલ્થકેર પ્રોફેશનલ ડૉ. પ્રગતિ સિંહે સેક્સુઆલિટી અને જાતીય ઓળખ વિશે વાત કરી હતી.

આજના સમાજમાં સેક્સ તથા ઓળખ વિશે વાત કરવાનું કેટલું સંવેદનશીલ તથા કદરૂપું હોઈ શકે એ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે "આવું વલણ 2030 સુધીમાં નકામું થઈ જશે એવી મને આશા છે."

ડૉ. પ્રગતિ સિંહે સંબંધના મૂળભૂત વિચારને પડકારતાં સોલોગામી એટલે કે મહિલાને જીવનસાથી વિના રહેવાના અધિકારની અને કોઈ મહિલાને જીવનસાથીની ખરેખર જરૂર છે કે કેમ તેની વાત કરી હતી.

ડૉ. પ્રગતિ સિંહ અસેક્સ્યુએલિટી વિશે જાગૃતિ ફેલાવવા નિયમિત કાર્યશાળાઓનું આયોજન કરતાં રહે છે. એરેન્જ મેરેજ કરવા તૈયાર પણ સેક્સ માણવા ન ઈચ્છતી ઘણી મહિલાઓના સંદેશા ડૉ. પ્રગતિ સિંહને મળતા રહે છે.

શ્રોતાઓનાં અનેક સવાલોના જવાબ આપતાં ડૉ. પ્રગતિ સિંહે જણાવ્યું હતું કે "પોતે એસેક્સ્યુઅલ છે એ સમજાયા બાદ સંબંધિત વ્યક્તિ પોતાના જેવી બીજી વ્યક્તિઓ વિશે જાણવા ઈચ્છે છે. આપણે આવી વધુ સલામત કોમ્યુનિટી સ્પેસ સર્જવાની જરૂર છે."

મૂળ મુદ્દો એ છે કે પરંપરાના બંધનોને તોડીને, નારીના નેતૃત્વ હેઠળના ભવિષ્યમાં તમારો એજન્ડા અને ઓળખ તમારે જાતે નક્કી કરવાં પડશે.

મહિલાઓ બને કૌશલ્યવાન - હાયફા સિદ્રી

હાયફા સિદ્રી ભલે યંગ લાગે, પણ તેમનું દિમાગ એકદમ ચકોર છે. હાયફા સિદ્રી બિઝનેસ અને ઉદ્યોગસાહસિકતા વિશે વાત કરે ત્યારે તેમના ચકોર દિમાગનો પરિચય મળે છે.

નારીના નેતૃત્વ હેઠળના ભવિષ્યની વાત કરતાં ટ્યુનિશિયાસ્થિત હાયફાએ તેમના ઑનલાઈન પ્લૅટફોર્મ Entr@crush વિશે જણાવ્યું હતું. આ પ્લેટફોર્મ ટ્યુનિશિયાના યુવાઓ ઉદ્યોગસાહસિકોને સમાન વિચાર ધરાવતા લોકો, દાતાઓ અને ઉદ્યમીઓ સાથે જોડી આપવામાં મદદ કરે છે.

હાયફાએ કહ્યું હતું કે "શહેરમાં ન રહેતી હોય તેવી મહિલાઓ માટે આ પ્લેટફોર્મ તેમના કૌશલ્યને એક ડગલું આગળ લઈ જવાનો અને બિઝનેસ શરૂ કરવાનો એક માર્ગ છે, કારણ કે હવે બધું ઓનલાઇન ચાલે છે."

ભારત વિશે વાત કરતાં હાયફાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વના બીજા વિકાસશીલ દેશો જેવી પરિસ્થિતિનો જ સામનો કરી રહ્યું છે. તેના કૌશલ્યવાન લોકો દેશ છોડીને વિકસિત દેશોમાં જવાનું પસંદ કરી રહ્યા છે.

પોતાના 2030 માટેના વિઝનની વાત કરતાં હાયફાએ જણાવ્યું હતું કે યુવતીઓને તેમની ક્ષમતા પૂરવાર કરવાની અને રોજગારની વધારે તક મળે એ જ નારીના નેતૃત્વ હેઠળનું ભાવિ છે.

હાયફાએ કહ્યું હતું કે "તમામ પુરુષો તથા મહિલાઓને સમાન અધિકાર તથા તક મળતાં હોય એવા ભવિષ્યની મારી કામના છે."

શ્યામ છે તે સુંદર છે - નંદિતા દાસ

ભારતીય સમાજમાં ઊંડે સુધી પ્રસરેલા રંગદ્વેષનો સતત વિરોધ કરવા માટે વિખ્યાત હિન્દી ફિલ્મ અભિનેત્રી નંદિતા દાસ પણ નવી દિલ્હીમાં યોજાયેલા BBC 100 Women કાર્યક્રમમાં જોડાયાં હતાં.

નંદિતાએ તેમને ફિલ્મોદ્યોગમાં થયેલા વ્યક્તિગત રંગદ્વેષી અનુભવોની વાત આ કાર્યક્રમમાં કરી હતી.

નંદિતાએ જણાવ્યું હતું કે શ્યામવર્ણી કળાકારો અને કોમર્શિયલ સિનેમા વચ્ચે જરાય મનમેળ નથી. મુખ્ય ધારાની ફિલ્મમાં શિક્ષિત, ઉપલા વર્ગની મહિલાની ભૂમિકા ભજવવાની હોય ત્યારે મેકઅપ વડે ત્વચાને થોડો ઊજળો રંગ આપવાનું મને વારંવાર જણાવવામાં આવે છે.

નંદિતાએ કહ્યું હતું કે "હું જ્યારે ગ્રામીણ પાત્ર ભજવતી હોઉં ત્યારે મારા શ્યામ વર્ણ અને સુંદર દેખાવ માટે અભિનંદન આપવામાં આવે છે."

સવાલ એ છે કે આ માન્યતાને આપણે કેટલું મહત્વ આપીએ છીએ?

સારું દેખાવું એ સારી વાત છે, પણ એ તમારી સર્વોચ્ચ અગ્રતા હોવું જોઈએ?

નંદિતાએ સવાલ કર્યો કે મહિલા પર ખૂબસૂરત શબ્દનો ભાર લાદવાની શું જરૂર છે?

નંદિતાએ શ્રોતાઓ સમક્ષ ઘણા વિચારપ્રેરક સવાલો રજૂ કર્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન એક તબક્કે નંદિતાએ શ્રોતાઓને પડકારતાં સવાલ કર્યો હતો કે શ્યામ વર્ણની મહિલા, એ પ્રતિભાશાળી ન હોય તો પણ ટકી શકે? તેની સરખામણી ગોરા વર્ણની મહિલા સાથે કરો અને વિચારો કે શ્યામ વર્ણની મહિલા ટકી શકે?

2030ના નારી આધારિત નેતૃત્વનો નંદિતાનો ખ્યાલ તમામ પૂર્વગ્રહો અને દ્વેષ હટાવવાનો છે.

નિર્ણય પ્રક્રિયામાં વધારે મહિલાઓની ભાગીદારી પર નંદિતાએ ભાર મૂક્યો હતો, પણ કહ્યું હતું કે "નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભૂમિકા ભજવતી મહિલાઓ પુરુષ નેતાઓની પત્નીઓ કે સંબંધી છે અને આખરે તેમની ટેકેદાર બની રહે છે ત્યારે અંગૂઠાછાપ કલ્ચરનો નિશ્ચિત રીતે અંત આવતો જોઈએ. "

"દાખલા તરીકે ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના પ્રારંભે જોવા મળ્યું હતું કે અનેક મહિલાઓ મંદિરોના નિર્માણ માટે તેમના પુરુષ સાથીદારોને ટેકો આપતી હતી, પણ આસાનીથી પાણી લાવી શકાય એ માટે રોડના નિર્માણમાં ટેકો આપતા ન હતી."

ભવિષ્ય વિશેના પોતાના દૃષ્ટિકોણની વાત કરતાં નંદિતાએ સમાજમાં અનંત ધિક્કાર અને હિંસાનો અંત લાવવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે "આ બધું કરનારા મોટાભાગે પુરુષો હોય છે."

"સંખ્યાબંધ લોકોને રહેંસી નાખવામાં આવે છે. યુદ્ધો, હુલ્લડો થાય છે અને સતામણી કરવામાં આવે છે. મહિલાઓ મોખરે હશે તો આપણી દુનિયા વધારે શાંતિપૂર્ણ હશે."

મહિલાઓ અને પર્યાવરણ - વાસુ પ્રિમલાની

ભારતીય પર્યાવરણશાસ્ત્રી અને સ્ટેન્ડ-અપ કોમેડિયન વાસુ પ્રિમલાનીએ 100 Women કાર્યક્રમના છેલ્લા સત્રની શરૂઆત હાસ્ય સાથે કરી હતી.

દેખીતી રીતે સંસ્કારી રાષ્ટ્રપતિના હસ્તે 2015માં વાસુ પ્રિમલાનીની નારી શક્તિ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેથી વાસુએ કહ્યું હતું કે "હું અદભૂત છું"

એ પછી તરત વાસુએ તેની ધારદાર રમૂજ વડે પ્લાસ્ટિકના પ્રદૂષણનો સામનો કરવા જેવા ગંભીર મુદ્દે વાત કરી હતી.

વાસુએ શ્રોતાઓને પૂછ્યું હતું કે પ્લાસ્ટિકને માટી સાથે મળીને માટી થતાં કેટલાં વર્ષ લાગે? શ્રોતાઓમાંથી કોઈકે "500 વર્ષ" એવો જવાબ આપ્યો ત્યારે વાસુએ પ્લાસ્ટિકની બોટલમાંથી પીણું પીતાં જેટલો સમય લાગે છે તેની સરખામણી 500 વર્ષ સાથે કરવા જણાવ્યું હતું.

પર્યાવરણની સમસ્યાનું નિરાકરણ રિસાયક્લિંગ નહીં, પણ રિયુઝ છે, એમ જણાવતાં વાસુએ કહ્યું હતું કે "મારી સ્લિપર રિયુઝ્ડ છે. મેં સાડી માગીને પહેરી છે. મારી ઘડિયાળ ચોરાઈ ગઈ છે."

મસ્તીખોર અને અત્યંત રમૂજી વાસુએ પર્યાવરણથી માંડીને ભાવનાત્મક ક્ષમતા સુધીની વાતો કરી હતી.

નારીના નેતૃત્વ હેઠળના ભવિષ્યનો પોતાનો દૃષ્ટિકોણ જણાવતાં વાસુએ "સ્ત્રીનો અવાજ માત્ર સ્ત્રી માટે જ નહીં, પણ સમગ્ર પૃથ્વીના કલ્યાણ માટે સંભળાય એ જરૂરી" હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

તારણ

હવે આપણે આપણા મૂળ સવાલ ભણી પાછા ફરીએઃ નારીના નેતૃત્વ હેઠળનું ભવિષ્ય કેવું હશે?

સૌપ્રથમ તો ઉડીને આંખે વળગતી અસમાનતાનું નિરાકરણ કરવું પડશે.

100 Women seasonના વિક્રમસર્જક ફિનાલે નજીક પહોંચતાં અમને સમજાય છે કે અમારા વક્તાઓએ જે લક્ષ્યાંકોની વાત કરી એ માત્ર સપનાં નથી, એ સારા ભવિષ્યની આશા છે અને સમાનતાનું પાયાનું આ કામ નહીં થાય તો બીજું કંઈ થવાની શક્યતા નથી.

એક વખત એ થઈ જશે, અધિકારો આપવામાં આવશે, ભેદભાવ પર પૂર્ણવિરામ મૂકાશે, સમાનતા હાંસલ થશે પછી નારીના નેતૃત્વ હેઠળનું સાચું ભવિષ્ય કેવું લાગશે?

એ સ્વપ્નોનો, દૃષ્ટિકોણોનો અને નહીં કહેવાયેલી કથાઓનો ગુલદસ્તો હોઈ શકે.

અમારા રેકોર્ડ બ્રેકિંગ ફિનાલેનો હિસ્સો બનવા બદલ આપનો આભાર.

તમે ટ્વીટર અને ફેસબુક પર અમને @BBC100women મારફત ફૉલો કરી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો