નરેન્દ્ર મોદી અને અભિજિત બેનરજી વચ્ચેની મુલાકાતમાં શું વાત થઈ?

આ વર્ષે અર્થશાસ્ત્રના નોબેલ સન્માનિત પ્રોફેસર અભિજિત બેનરજીની નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર સાથે મુલાકાત થઈ હતી.

વડા પ્રધાન મોદીએ અભિજિત બેનરજી સાથેની મુલાકાતની તસવીર શૅર કરી છે.

આ તસવીરને ટ્વિટર પર પોસ્ટ કરતાં વડા પ્રધાન મોદીએ લખ્યું, "નોબેલ સન્માનિત અભિજિત બેનરજી સાથેની શ્રેષ્ઠ રહી. માનવ સશક્તીકરણ પ્રત્યેની તેમની ધૂન સ્પષ્ટ રીતે બધાની સામે છે. ઘણા વિષયો પર બેનરજી સાથે વિસ્તારથી ચર્ચા થઈ. અભિજિતની ઉપલબ્ધિઓ પર ભારતને ગર્વ છે. ભવિષ્ય માટે તેમની ઘણી બધી શુભકામના."

પીએમ મોદી સાથેની મુલાકાત બાદ અભિજિત બેનરજીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "મને પીએમ મોદીને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વડા પ્રધાને મને પૂરતો સમય આપ્યો અને તેમણે જણાવ્યું કે તેઓ ભારત વિશે શું વિચારે છે."

'દેશ અંગે મોદીના વિચાર એકદમ અલગ છે'

અભિજિતે કહ્યું, "મોદી દેશ અંગે જે વિચારી રહ્યા છે એ બિલકુલ અલગ છે. વડા પ્રધાને પોતાની નીતિઓને લઈને વાત કરી. તેઓ તેને કઈ રીતે લાગુ કરી રહ્યા છે એના પર પણ વાત થઈ."

"વડા પ્રધાને કહ્યું કે શાસનમાં એલિટ વર્ગનું કેવું નિયંત્રણ હતું. મોદીએ એ પણ જણાવ્યું કે તેઓ કેવી રીતે અમલદારશાહીમાં સુધારો લાવવાની કોશિશ કરે છે. ભારત માટે એ અગત્યનું છે કે અધિકારી લોકો પ્રત્યે જવાબદાર બને. આ શ્રેષ્ઠ મુલાકાત માટે પીએમ મોદીનો આભાર."

અભિજિત બેનરજી મોદી સરકારની આર્થિક નીતિઓના ટીકાકાર રહ્યા છે.

2016માં જ્યારે વડા પ્રધાને નોટબંધીની જાહેરાત કરી ત્યારે અભિજિત બેનરજીએ તેને મૂર્ખતાપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમજ બેનરજીએ ભારતની આર્થિક વૃદ્ધિના માપનની રીતની ટીકા કરતાં તેના ડેટાને સંદિગ્ધ ગણાવ્યો હતો.

પીયૂષ ગોયલે અભિજિતને વામપંથી વિચારધારાવાળા ગણાવ્યા હતા

અભિજિત બેનરજીને નોબેલ મળ્યું ત્યારે ભારત સરકાર તરફથી કોઈ ખાસ પ્રતિક્રિયા આવી નહોતી.

એટલે સુધી કે વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલે અભિજિતને વામપંથી વિચારધારાવાળા ગણાવ્યા અને કહ્યું કે ભારતના લોકોએ તેમના વિચારોનો અસ્વીકાર કર્યો છે.

અભિજિત બેનરજીએ 2019ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસનો ચૂંટણીઢંઢેરો બનાવવામાં ન્યાયસ્કીમને લઈને મદદ કરી હતી. જેમાં દેશના સૌથી ગરીબ 20 ટકા પરિવારોનાં ખાતાંમાં દર વર્ષે 72 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાનો વાયદો હતો.

તેમ છતાં કૉંગ્રેસની સામાન્ય ચૂંટણીમાં શરમજનક હાર થઈ. તેને લઈને અભિજિત બેનરજી પર નિશાન સાધતાં પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારતની જનતાએ તેમના વિચારને નકારી દીધો છે.

અભિજિતને પીયૂષ ગોયલની વાતનું ખોટું લાગ્યું

અભિજિત બેનરજીએ બીબીસી સંવાદદાતા અરુણોદય મુખરજીને આપેલી મુલાકાતમાં પીયૂષ ગોયલે કરેલી ટિપ્પણી અંગે કહ્યું હતું કે એનાથી એમને ખરાબ લાગ્યું છે.

એમણે કહ્યું કે હા, ખરાબ તો લાગ્યું, પરંતુ એટલા માટે નહીં કે મારા વિરુદ્ધ કહેવાયું હતું. એટલા માટે ખરાબ લાગ્યું કે દેશને પ્રોફેશનલ્સની જરૂર છે તો એમનો ઉપયોગ કરવો જોઈએ.

અભિજિત બેનરજીને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભારત આવવા ઇચ્છશે?

આ સવાલના જવાબમાં એમણે કહ્યું, "જો લાગે કે દેશને કોઈ જરૂર છે તો સલાહ આપવા તૈયાર છું, પરંતુ હાલ નોકરી છોડી કે બાળકોને છોડીને અહીં આવવું મુશ્કેલ છે. જે રઘુરામ રાજને કર્યું હતું એ એક પ્રકારનો ત્યાગ હતો."

પીયૂષ ગોયલની ટિપ્પણી બાબતે એમણે બીબીસીને કહ્યું, "મને લાગે છે કે આ પ્રકારના ટિપ્પણીઓથી કોઈ મદદ નહીં મળે. મને મારા કામને લીધે નોબેલ મળ્યું છે અને તેમને મારા કામ પર સવાલ ઊભો કરવાથી એમને કંઈ પ્રાપ્ત નહીં થાય."

"જો ભાજપ પણ કૉંગ્રેસ પાર્ટીની જેમ અર્થશાસ્ત્રને લઈને સવાલ પૂછશે તો શું હું સત્ય નહીં બોલું? હું બિલકુલ સત્ય જ બોલીશ. હું એક પ્રોફેશનલ છું અને બધાને માટે છું."

"કોઈ ખાસ પાર્ટી માટે નથી. અર્થવ્યવસ્થાને લઈને મારી જે સમજણ છે તે પક્ષને આધારે નથી બદલાતી. જો કોઈ મને સવાલ કરશે તો હું તેમના સવાલ પૂછવાના હેતુ પર સવાલ ઊભો નહીં કરું. હું એ સવાલનો જવાબ આપીશ."

અભિજિત બેનરજીએ કહ્યું, "મેં ભારતમાં અનેક રાજ્ય સરકારો સાથે કામ કર્યું છે અને એમાં ભાજપની સરકારો પણ છે. મેં ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે કામ કર્યું હતું અને તે વખતે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી જ હતા, એ વખતનો મારો અનુભવ ઘણો સારો રહ્યો હતો."

"મને એ વખતે કોઈ રાજકીય વ્યક્તિ તરીકે જોવામાં નહોતી આવી, એક નિષ્ણાત તરીકે જ જોવામાં આવ્યો હતો અને તેમણે એ નીતિઓને લાગુ પણ કરી. હું એક નિષ્ણાત છું, અને એ બધાને માટે છું. મેં હરિયાણામાં ખટ્ટર સાથે પણ કામ કર્યું છે."

અભિજિત બેનરજી પરની વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલની ટિપ્પણીને લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

રાહુલે ટ્વીટ કર્યં, "પ્રિય, અભિજિત બેનરજી, નફરતે આ હઠીલાઓને અંધ બનાવી દીધા છે. તેમને મન એ વાતનું કોઈ મહત્ત્વ નથી કે એક પ્રોફેશનલ શું હોય છે."

"તમે દશકો સુધી પ્રયાસ કરતાં રહેશો તો પણ તેઓ નહીં સમજે. એટલું નક્કી છે કે લાખો ભારતીયોને તમારા કામ પર ગર્વ છે."

નોબેલ મળ્યા બાદ એમઆઈટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં અભિજિત બેનરજીએ કહ્યું હતું કે રાજકોષીય ખોટ અને મુદ્રા ફુગાવાના સંતુલનના લક્ષ્યને વળગી રહેવાને ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી નથી આવી. આખરે તેને અર્થ શું છે?

આ સવાલના જવાબમાં અભિજિતે હિન્દુસ્તાન ટાઇમ્સને કહ્યું હતું, "મને લાગતું નથી કે આ કોઈ રૉકેટ સાયન્સ છે. ભારતીય અર્થવ્યવસ્થામાં જે કંઈ થઈ રહ્યું છે એના મૂલ્યાંકનને આધારે આ વાત કહી રહ્યો છું."

"ભારતીય અર્થવ્યવસ્થામાં માગની કમીને કારણે સુસ્તી આવી છે. જો આપણી પાસે પૈસા નથી તો બિસ્કિટ નહીં ખરીદી શકીએ અને બિસ્કિટની કંપની બંધ થઈ જશે. મને લાગે છે કે માગને વધારવી જોઈએ."

"મતલબ કે લોકો પાસે પૈસા હોવા જોઈએ જેથી તેઓ ખર્ચ કરી શકે. ઓબામા સરકારે અમેરિકામાં આ જ કર્યું હતું. તેને વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તીનું કારણ માગમાં આવેલો ઘટાડો છે."

અભિજિત બેનરજીના પુસ્તકમાં કહેવાયું છે કે ભારત ઝડપથી વૃદ્ધિદર હાંસલ કરવામાં એવી નીતિઓ પર ચાલી રહ્યો છે, જેનાથી ગરીબોની મુશ્કેલી વધી રહી છે. તેનો મતલબ શું છે?

આ સવાલના જવાબમાં અભિજિતે કહ્યું, "આવું ઘણા દેશોમાં થયું છે. અમેરિકા અને બ્રિટનમાં શું થયું? 1970ના દાયકામાં આ દેશોના વૃદ્ધિદરમાં આવેલા ઘટાડાને કોઈ સમજી શક્યું નહીં."

"ત્યારે એવું કહેવાયું હતું કે વધુ ટેક્સ અને વધુ પુનર્વિતરણ તેના માટે કારણભૂત છે. બાદમાં તેમાં કાપ મુકાયો. આ રીગન અને થૈચર શૈલીની અર્થવ્યવસ્થા હતી."

શું ભારતની અર્થવ્યવસ્થા એ તરફ આગળ વધી રહી છે?

એ સવાલના જવાબમાં અભિજિત બેનરજીએ કહ્યું કે ના, હું એમ કહી રહ્યો છું કે આ પ્રકારની પડતીમાં સરકારોની એ સ્વાભાવિક પ્રતિક્રિયા હોય છે.

બેનરજીએ કહ્યું કે આવી નીતિઓથી અમેરિકા અને બ્રિટનને કઈ મદદ નથી મળી અને ઉપરથી એ નીતિઓથી વિષમતા વધી એ બાબત પણ જાણવી જોઈએ. આનાથી એવી અર્થવ્યવસ્થાને બળ મળે છે જે ટ્રમ્પ કરી રહ્યા છે અને જેનાથી બ્રેક્સિટને વેગ મળ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો