કાશ્મીર LoC : 6થી 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા - આર્મી ચીફ બિપિન રાવત, પાકિસ્તાને કર્યો ઇન્કાર

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઉગ્રવાદી લૉન્ચ પેડ સામે કાર્યવાહી પછી આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું છે કે 6થી 10 પાકિસ્તાની સૈનિકો અને અને એટલા જ ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
જોકે, ઇસ્લામાબાદે ઇન્ડિયન આર્મી ચીફના આ દાવાને ફગાવી દીધો છે.
બિપિન રાવતે કહ્યું કે સેનાએ આર્ટિલરી ગન્સનો ઉપયોગ કરીને ઉગ્રવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. મળતી માહિતી મુજબ 6થી 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. 3 કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા છે અને એટલા જ પ્રમાણમાં ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.
જોકે, પાકિસ્તાન આને નકારી કાઢે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે ભારતીય મીડિયા ભારતની સેના દ્વારા લાઇન ઑફ કન્ટ્રોલ નજીક પાકિસ્તાનમાં લૉન્ચ પૅડને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે જેને નકારી કાઢીએ.
પાકિસ્તાને પી-5 દેશો (સંયુક્ત રાષ્ટ્રના કાયમી સભ્ય દેશો)ને મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે.
પાકિસ્તાને ભારતની સેના દ્વારા લાઇન ઑફ કન્ટ્રોલ નજીક પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં જુરા, શાહકોટ અને નૌશેરી સેક્ટરમાં કરાયેલી સૈન્ય કાર્યવાહીમાં 5 નાગરિકોનાં મોત થયા તે બાબતે ભારતીય રાજદૂત ગૌરવ અહલુવાલિયાને તેડાવ્યાં છે.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં લાઇન ઑફ કંટ્રોલ નજીક ઉગ્રવાદીઓના કથિત કૅમ્પોને નિશાન બનાવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂઝ એજન્સીનો દાવો છે કે આ સૈન્ય કાર્યવાહીમાં 4-5 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.
ભારતીય સેનાએ તંગધાર સૅક્ટરની સામે આવેલા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આ કાર્યવાહી કરી છે.
સમાચાર સંસ્થા રોયટર્સના અહેવાલ પ્રમાણે, ભારતે કહ્યું છે કે રવિવારે વિવાદાસ્પદ કાશ્મીર વિસ્તારમાં સામસામે ગોળીબારમાં તેમના બે સૈનિકો અને એક નાગરિકનાં મૃત્યુ થયાં છે, જ્યારે પાકિસ્તાને કહ્યું છે કે તેમની બાજુ છ લોકોનાં મૃત્યુ થયાં છે.
પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વિના સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને પાકિસ્તાની આર્મીએ તેનો જવાબ આપતાં ભારતીય સેનાનાં નવ જવાનોનાં મૃત્યુ થયા છે, જ્યારે બે બંકરને ધ્વસ્ત કરી દીધા છે.
એનઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ભારતે નીલમ ઘાટી વિસ્તારમાં ઉગ્રવાદીઓનાં 4 લૉન્ચ પેડને નિશાન બનાવ્યાં હતાં.
રિપોર્ટ પ્રમાણે, સતત થઈ રહેલા યુદ્ધવિરામ ભંગ બાદ ભારતીય સેનાએ આ કાર્યવાહી કરી છે.
હાલ બંને દેશો તરફથી સરહદ પર ગોળીબારી થઈ રહી હોવાનો અહેવાલ છે.

શું કહે છે ભારત?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સેનાએ બહાર પાડેલા તેમના અધિકૃત નિવેદનમાં કહ્યું છે કે કોઈ પણ ઉશ્કેરણી વિના પાકિસ્તાન દ્વારા કાશ્મીર સરહદ પર નાગરિકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તંગધારના વિસ્તારમાં એકને ગંભીર ઈજા તથા ત્રણ નાગરિકોને સામાન્ય ઈજા પહોંચી છે.
ભારતીય સેનાના કહેવા મુજબ, પાકિસ્તાને આતંકવાદીઓને ભારતીય ભૂમિમાં ઘૂસાડવા માટે કોઈ પણ ઉશ્કેરણી વિના યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
સેનાના નિવેદન મુજબ પાકિસ્તાનની કાર્યવાહીનો જવાબ આપતા ભારતીય સેનાએ આતંકવાદીઓના લૉન્ચ પેડને નિશાન બનાવ્યાં છે.

શું કહે છે પાકિસ્તાન?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાન તરફથી પણ વળતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું કહેવાયું છે.
પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતે કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વિના યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
મેજર જનરલ ગફૂરે ટ્વીટ કરીને કહ્યું છે જુરા, શાહકોટ અને નૌશેરી સૅક્ટર્સમાં પાકિસ્તાની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યાં છે.
પાકિસ્તાની આર્મીએ તેનો જવાબ આપતાં ભારતીય સેનાના 9 જવાનોનાં મૃત્યુ થયાં છે, જ્યારે બે બંકરને ધ્વસ્ત કરી દીધાં છે.
ગફૂરે ટ્વીટમાં કહ્યું કે સામસામા થયેલા ગોળીબારમાં પાકિસ્તાનનાં એક સૈનિક અને ત્રણ નાગરિક મૃત્યુ પામ્યાં છે, જ્યારે બે સૈનિક અને પાંચ નાગરિકને ઈજા થઈ છે.
પાકિસ્તાનનો દાવો છે કે તે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ભારતના જૂઠાણાનો સત્ય દ્વારા પર્દાફાશ કરતું રહેશે.

શનિવારથી સ્થિતિ વકરી

ઇમેજ સ્રોત, Getty Images
રોયટર્સને એક પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ ભારતના ત્રણ નાગરિકો ઇજાગ્રસ્ત થયાં છે અને કલાકોથી ચાલી રહેલા ભારે ગોળીબારમાં કેટલાંક મકાનો તથા વાહનોને નુકસાન થયું છે.
પોલીસ અધિકારીના કહેવા મુજબ શનિવાર રાતથી ઉત્તર કાશ્મીરના તંગધાર સૅક્ટરમાં સામસામો ગોળીબાર થઈ રહ્યો છે.
રોયટર્સના અહેવાલ મુજબ પાકિસ્તાને કહ્યું છે કે તેમના 6 નાગરિકોનાં મોત થયાં છે જ્યારે 8 લોકો ઘાયલ થયાં છે.
ભારત અને પાકિસ્તાન બંને ન્યુક્લિયર શસ્ત્રો ધરાવતાં રાષ્ટ્રો છે, બંને વચ્ચે થયેલાં ત્રણ યુદ્ધોમાં બે યુદ્ધ કાશ્મીર વિવાદ મામલે થયાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












