કમલેશ તિવારી હત્યાકાંડ : પોલીસનો દાવો કેટલો સાચો?

ઇમેજ સ્રોત, KAMLESH TIWARI FB
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી ગુજરાતી માટે, લખનૌથી
લખનૌમાં શુક્રવારે હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા થઈ હતી. ઉત્તર પ્રદેશ પોલીસ તેમની હત્યાની ઘટનાને ચાર વર્ષ પહેલાંના તેમના એક નિવેદન સાથે જોડીને જુએ છે.
પરંતુ તેમના પરિવારજનોએ ભાજપ નેતા પર આરોપ લગાવી સરકાર અને તંત્ર પર પણ શંકા પ્રગટ કરી છે. પોલીસના દાવા પર પણ સવાલ ઊઠી રહ્યા છે.
શનિવારે ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ. પી. સિંહે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે પોલીસે આ મામલાનો પર્દાફાશ કરી દીધો છે.
તેમણે કહ્યું કે ગુજરાત એટીએસ દ્વારા ત્રણ લોકોની ગુજરાતના સુરતથી અને યૂપી પોલીસ દ્વારા બે લોકોની બિજનૌરથી અટકાયત કરવામાં આવી છે.
ઓ. પી. સિંહનું કહેવું છે, "હત્યા પાછળ કમલેશ તિવારીએ 2015મા આપેલું નિવેદન છે. પોલીસે ગુજરાતથી જે લોકોની અટકાયત કરી છે, તેમાં મૌલાના મોહસિન શેખ, ફૈઝાન અને રાશિદ અહમદ પઠાણ સામેલ છે."
"બિજનૌરથી અનવારુલ હક અને નઈમ કાઝમીની અટકાયત કરાઈ છે. પોલીસ આ લોકોની પૂછપરછ કરી રહી છે."

શું છે જૂનો મામલો?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
કમલેશ તિવારીએ વર્ષ 2015માં ઇસ્લામ ધર્મના મોહમ્મદ પયગંબર વિશે કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી બિજનૌરના અનવારુલ હક અને નઈમ કાઝમીએ કમલેશ તિવારીનું માથું કાપી લાવનારને ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
પોલીસે પરિવારજનોની એફઆઈઆરના આધારે આ બન્નેની અટકાયત કરી છે અને પૂછપરછ કરાઈ રહી છે.
ડીજીપીના કહેવા પ્રમાણે ગુજરાત એટીએસ અને યૂપી પોલીસની મદદથી જે લોકોની અટકાયત કરી છે, તેઓ કાવતરામાં સામેલ છે. કમલેશ તિવારીની હત્યા કરનાર બે શંકાસ્પદ શખ્સોને પોલીસ હજી શોધી રહી છે.
જોકે ડીજીપીનું કહેવું હતું કે તેમની પણ ઓળખ કરી લેવાઈ છે અને જલ્દીથી તેમની ધરપકડ કરવામાં આવશે.
ડીજીપીના કહેવા પ્રમાણે ઘટનાસ્થળેથી મળેલું મીઠાઈનું ખોખું મહત્ત્વનો પુરાવો છે અને એને આધારે જ પોલીસ કાવતરાખોરો સુધી પહોંચી શકી.

પરિવારજનોનો સવાલ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
બીજી તરફ કમલેશ તિવારીના પરિવારજનો સીધો આરોપ મૂકે છે કે કમલેશ તિવારીને ભાજપના એક સ્થાનિક નેતા સાથે અણબનાવ હતો અને હત્યા માટે એ નેતા જ જવાબદાર છે.
કમલેશ તિવારીનાં માતા કુસુમ તિવારીએ શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે વારંવાર માગ કરવા છતાં ધીમે-ધીમે કમલેશ તિવારીની સુરક્ષા ઘટાડી દેવામાં આવી.
જાણવા મળે છે કે છેલ્લા એક વર્ષથી કમલેશ તિવારી તેમની સુરક્ષા અંગે મુખ્ય મંત્રીને અનેક વખત પત્ર લખી ચૂક્યા હતા.
તેમનાં માતાએ રાજ્ય સરકાર પર કમલેશ તિવારી પરના ખતરાની આશંકાની અવગણના કરવાનો આક્ષેપ કર્યો છે.
જોકે આ આરોપને કમલેશ તિવારીના એક વીડિયો મૅસેજથી પણ બળ મળે છે, જેમાં તેઓ પોતાના જીવને ખતરો હોવાનું જણાવી રહ્યા છે અને સુરક્ષા ન વધવાને લીધે યોગી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો કમલેશ તિવારીની હત્યાના થોડા દિવસ પહેલાંનો છે.
ડીજીપીના દાવા પર કમેલશ તિવારીના પુત્ર સત્યમ તિવારીએ સવાલ ઉઠાવતા એનઆઈએ પાસે તપાસ કરાવવાની માગ કરી છે.
જોકે, યૂપી પોલીસે આને માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે.
સત્યમ તિવારીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "મને ખ્યાલ નથી કે જે લોકોની ધરપકડ કરાઈ છે એમણે જ મારા પિતાની હત્યા કરી છે કે પછી નિર્દોષ લોકોને ફસાવ્યાં છે."
"જો ખરેખરમાં આ લોકો દોષી છે અને પોલીસ પાસે પૂરતા પુરાવા છે તો આની તપાસ એનઆઈએ પાસે કરાવવી જોઈએ કેમકે અમને તંત્ર પર વિશ્વાસ નથી."
આ નિવેદન તેમણે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની પરિવાર સાથેની મુલાકાત અગાઉ આપ્યું હતું.

પોલીસના દાવામાં વિરોધાભાસ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
આ મામલામાં કમલેશ તિવારીનો પરિવાર જ સવાલ ઉઠાવી રહ્યો છે એવું નથી.
પોલીસની વાત અને ગુજરાત એટીએસને દાવામાં પણ વિરોધાભાસ દેખાઈ રહ્યો છે.
લખનૌના એસએસપી કલાનિધિ નૈથાનીએ શુક્રવારે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ કહ્યું હતું કે 'પ્રાથમિક દૃષ્ટિએ આ મામલો પરસ્પર દુશ્મનીનો છે.'
નૈથાનીનું આ નિવેદન કમલેશ તિવારીના પરિવારજનોની આશંકાઓ સાથે મેળ ખાય છે, જ્યારે ડીજીપીએ આ મામલાને ચાર વર્ષ જૂની ઘટના સાથે જોડી દીધો છે.
ગુજરાત એટીએસનું કહેવું છે કે તેમને ત્યાં અટકાયતમાં લેવાયેલા ત્રણેય શખ્સોએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
વરિષ્ઠ પત્રકાર સુભાષ મિશ્ર કહે છે, "જે રીતે ડીજીપીએ આ મામલાને ઉકેલી કાઢવાનો દાવો કરીને આને ખતમ કરવાની કોશિશ કરી છે, જેનાથી લાગે છે કે આ મામલામાં ઉતાવળ કરાઈ રહી છે."
"તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કેસને એક ખાસ દિશામાં વાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
શુક્રવારે કમલેશ તિવારીનો પરિવાર અડગ હતો કે મુખ્ય મંત્રી નહીં આવે ત્યાં સુધી અગ્નિસંસ્કાર નહીં કરીએ.
જોકે લખનૌના કમિશનર અને કમલેશ તિવારીના સંબંધીઓ સાથે થયેલી લેખિત સમજૂતી પછી પરિવારજનો અંતિમસંસ્કાર માટે રાજી થઈ ગયા હતા.
લખનૌના કમિશનર મુકેશ મેશ્રામ સાથે થયેલી સમજૂતીમાં પરિવારની સુરક્ષા વધારવી, પુત્રને શસ્ત્રનું લાઇસન્સ અને સરકારમાં નોકરી અપાવવી, લખનૌમાં મકાન આપવું અને યોગ્ય વળતર માટે તંત્રને ભલામણ કરવી એવી વાત કરાઈ છે.
આ વચ્ચે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે રવિવારે સવારે 11 વાગ્યે કમલેશ તિવારીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
કમલેશ તિવારીને અંગત રીતે ઓળખતા કેટલાક પત્રકાર જણાવે છે કે કમલેશ તિવારી પોતે દબંગ છબી ધરાવતા નેતા હતા અને મોહમ્મદ પયગંબર પરની ટિપ્પણી બાદ તેમની સુરક્ષા અપાઈ હતી.
કમિશનરના આશ્વાસન બાદ શનિવારે પરિવારજનોએ તેમની અંતિમસંસ્કાર વિધિ કરી.
જોકે આ સાથે કમલેશ તિવારીની હત્યાથી નારાજ લોકોએ વિવિધ સ્થળે પ્રદર્શનો પણ કર્યાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













