પરીક્ષામાં ચોરી અટકાવવાનો વિચિત્ર પ્રયોગ, વિદ્યાર્થીઓને માથે બોક્સ પહેરાવવામાં આવ્યાં

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કર્ણાટકમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓને માથે બોક્સ પહેરાવીને પરીક્ષા આપવા માટે ફરજ પાડવા બદલ જુનિયર કૉલેજ ઍડમિનિસ્ટ્રેટરે જિલ્લાના ટોચના અધિકારીઓ સમક્ષ માફી માગી છે.

હવેરી સ્થિત ભગત પ્રિ-યુનિવર્સિટી કૉલેજમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નકલ ન કરે એ માટે ઍડમિનિસ્ટ્રેટરે વિદ્યાર્થીઓને માથે પૂઠાંના બૉક્સ પહેરવાની ફરજ પાડી હતી.

આ બૉક્સને એક બાજુથી કાપવામાં આવ્યાં હતાં, જેથી વિદ્યાર્થીઓ માત્ર તેમની ઉત્તરવહીમાં જ જોઈ શકે.

જોકે આ વિદ્યાર્થીઓની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી, જેના પગલે જિલ્લા તંત્રને ઍડમિનિસ્ટ્રેટર એમ. બી. સતીષ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

સતીષે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "મેં લેખિતમાં જિલ્લા ડેપ્યુટી કમિશનર સમક્ષ માફી માગી છે."

જોકે તેમણે પોતાના કૃત્યનો બચાવ પણ કર્યો હતો.

તેમણે કહ્યું, "મેં વિદ્યાર્થીઓને જાણ કરી હતી અને આ તેમની મંજૂરી સાથે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ બૉક્સ લઈને આવ્યા હતા અને તેમને માથે પહેરીને પરીક્ષા આપી હતી."

સતીષે કહ્યું, "કોઈ પણ પ્રકારની ફરજ પાડવામાં નહોતી આવી. તસવીરમાં દેખાય છે કે કેટલાક વિદ્યાર્થીઓએ બૉક્સ નથી પહેર્યાં."

"કેટલાક વિદ્યાર્થીઓએ પહેર્યાં બાદ બૉક્સ કાઢી નાખ્યાં હતાં. એક કલાક પછી તો અમે પણ કાઢી નાખવા કહ્યું હતું. પણ તે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયું"

શું નકલ કરવાના કિસ્સા મોટી સંખ્યામાં બહાર આવ્યા? જેથી આવું કરવાની ફરજ પડી?

આ સવાલના જવાબમાં સતીષ કહે છે, "ના ઘણા બધા કિસ્સા તો નથી આવ્યા. વિદ્યાર્થીઓને ભરોસામાં લીધા બાદ જ આ કરવામાં આવ્યું હતું."

"મને એવું કહેવામાં આવ્યું હતું કે અખબારમાં આવ્યું હતું કે આવું જ તાજેતરમાં મુંબઈમાં થયું. જાપાન અને ચીનમાં પણ આ સામાન્યપણે આવું થાય છે."

સોશિયલ મીડિયા પર તસવીર વાઇરલ થઈ એ પછી ડેપ્યુટી કમિશનર દ્વારા સતીષને નોટિસ પાઠવવામાં આવી હતી.

પ્રિ-યુનિવર્સિટી એજ્યુકેશન બોર્ડના ડેપ્યુટી ડિરેક્ટર એસ. સી. પીરઝાદાએ બીબીસી હિંદીને જણાવ્યું, "સોશિયલ મીડિયા પર તસવીર જોઈ એટલે હું તાબડતોબ ત્યાં પહોંચ્યો. હું પહોંચ્યો ત્યારે મેં જોયું કે વિદ્યાર્થીઓએ બૉક્સ પહેરેલાં હતાં. તેઓ કૉમર્સ અને કૅમિસ્ટ્રીની પરીક્ષા આપી રહ્યા હતા."

પીરઝાદાએ કહ્યું, "તેણે મને કહ્યું કે પ્રયોગના ભાગરૂપે આવું કર્યું છે કેમ કે તેણે બિહારની કૉલેજમાં આવું થતું હોવાનું વાંચ્યું હતું."

વિદ્યાર્થીઓ પર શું અસર?

સાઇકૉલૉજિસ્ટ અચિરા ચેટરજીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "વિદ્યાર્થીઓને શું કહેવામાં આવ્યું એની પર એનો આધાર છે. તેમને એવું કહેવાયું હોય કે આ મજા ખાતર છે કે પછી તમે નકલ કરો છો એ માટે છે. બન્ને કિસ્સામાં અસર જુદી હશે."

"જો તેમને એવું કહેવામાં આવ્યું હોય કે તેઓ નકલ કરવા બદલ આવું કરાયું છે તો તેમને એવું લાગી શકે છે કે દુનિયાને તેમની પર વિશ્વાસ નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો