TOP NEWS : સુરતમાં હીરાઉદ્યોગમાં 200 કારીગરોની નોકરી ગઈ, એક રત્નકલાકારે જીવન ટૂંકાવ્યું

સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરાઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને નોકરીઓ ન મળતાં લોકો શહેર છોડી રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ મંદીને કારણે સુરતમાંથી વધુ 200 કારીગરોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

સુરતમાં વધુ એક ડાયમંડ કટિંગ, પૉલિશિંગ કંપની ગોધાણી ઇમ્પેક્સ બંધ થઈ ગઈ છે.

કંપની અને કારીગરો વચ્ચે ઘણી તકરાર થયા પછી કંપની કારીગરોને ઑક્ટોબર અને સપ્ટેમ્બર મહિનાનો પગાર આપવા સહમત થઈ હતી.

બીજી તરફ સુરતમાં હીરાઉદ્યોગની મંદીને કારણે એક બેકાર કારીગરે ઝેરી દવા પીને જિંદગી ટૂંકાવી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે 41 વર્ષીય જયેશ શિંગાળાએ સરથાણામાં તેમના ઘરની બહાર શેરીમાં ઝેરી દવા પીધી હતી અને બાદમાં વીડિયો પણ શૂટ કર્યો હતો.

આ વીડિયો તેઓએ તેમના ભાઈને ઉદ્દેશીને બનાવ્યો હતો અને વીડિયોમાં કહ્યું કે તેઓ બેરોજગારીને લીધે કંટાળી ગયા છે અને હવે કોઈ વિકલ્પ બચ્યો નથી.

તેઓએ દવા પીધી હોવાની જાણ થતાં તેમને સ્મીમેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમને બચાવી શકાયા નહોતા.

યોગીચોકમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા જયેશ શિંગાળા કિરણ જેમ્સમાં નોકરી કરતાં હતા, પરંતુ છેલ્લા બે મહિનાથી બેકાર હતા.

જયેશભાઈ મૂળે બોટાદ જિલ્લાના કિકલિયા ગામના વતની હતા.

જયેશભાઈને એક નાનો પુત્ર અને પુત્રી છે. તેઓ ત્રણ ભાઈઓ અને માતાપિતા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.

સીરિયાને લઈને તુર્કી અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો

તુર્કીએ ઉત્તર સીરિયામાં સંઘર્ષવિરામ લાગુ કરવાની અમેરિકાની માગને ઠુકરાવી દીધી છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રિચેપ તૈયપ અર્દોઆનનું કહેવું છે કે જ્યાં સુધી 'સેફ ઝોન' બનાવવાનું તેમનું મિશન પૂરું નહીં થાય ત્યાં સુધી ઉત્તર સીરિયામાં તેમના હુમલા ચાલુ રહેશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉત્તર પૂર્વીય સીરિયામાંથી સુરક્ષાબળોને પરત બોલાવી લેવાના નિર્ણયની ટીકા થઈ રહી છે.

કહેવાય છે કે ટ્રમ્પે મધ્યપૂર્ણના સંઘર્ષરત વિસ્તારમાંથી અમેરિકા સેનાને પરત બોલાવીને ક્યારેક તેમના સમર્થક રહેલા કુર્દો સામેના હુમલાને લીલીઝંડી આપી દીધી છે.

ટ્રમ્પનું કહેવું છે કે કુર્દ સેનાઓ સામે તુર્કીના હુમલા એ અમેરિકાની સમસ્યા નથી.

તેમણે કહ્યું કે કથિત ચરમપંથી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સામે કુર્દોએ જે સમર્થન આપ્યું છે, એના બદલામાં અમેરિકાએ બહુ પૈસા આપ્યા હતા.

ગાંગુલીએ કહ્યું કે ધોનીના ભાવિ અંગે ચર્ચા થશે

ભારતીય ક્રિકેટની પ્રમુખ સંસ્થા બીસીસીઆઈના અધ્યક્ષ બનવા જઈ રહેલા સૌરવ ગાંગુલીએ કહ્યું કે તેઓ પદભાર સંભાળતાંની સાથે જ બેઠક થશે તેમાં મહેન્દ્રસિંહ ધોનીના ભાવિ પર ચર્ચા કરશે.

તેમણે કહ્યું કે તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પર પણ ધ્યાન આપવા માગે છે અને ખેલાડીઓની આવક વધે તે માટે કામ કરવા ઇચ્છે છે.

બુધવારે એક ટેલિવિઝન ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સૌરવ ગાંગુલીએ કહ્યું કે તેમની પાસે કામ કરવા માટે બહુ ઓછો સમય છે, પરંતુ તેમની પાસે ઘણાં મોટાં કામ છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું કે મને ખુશી છે કે મુશ્કેલ સમયમાં મને કામ કરવાનો મોકો મળ્યો છે. એ દર્શાવે છે કે મારા અને મારી કાબેલિયત પર લોકોને વિશ્વાસ છે. અમારી પાસે યુવાટીમ છે અને અમે પ્રયત્નોમાં કોઈ કચાશ નહીં રાખીએ.

કહેવાય છે 23 ઑક્ટોબરે સૌરવ ગાંગુલી બોર્ડના અધ્યક્ષનો પદભાર સંભાળશે.

સાબરમતી આશ્રમના પુનર્નિમાણની કેન્દ્રની મંજૂરી

અમદાવાદના સાબરમતી આશ્રમને પુનર્નિમાણ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે કે કેન્દ્ર સરકારે 278 કરોડના ખર્ચે પુનર્નિમાણ કરવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.

રાજ્ય સરકારના અધિકારીએ જણાવ્યું કે આખા આશ્રમના દરેક ઘટક અને સ્થળને ફરીથી ડિઝાઇન અને રીડેવલપમેન્ટ કરાશે. પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ સહિત અનેક નેતાઓ આઝાદીના આંદોલન દરમિયાન આશ્રમમાં રોકાયા હતા. આથી અદ્યતન ટૅકનૉલૉજીના માધ્યમથી એ આઝાદીના દિવસોને જીવંત કરવાનો પ્રયાસ કરાશે.

દેશભરમાં ગાંધીજીની 150મી જયંતીની ઉજવણી થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ 2જી ઑક્ટોબરે સાબરમતી આશ્રમમાં આવ્યા હતા.

સાબરમતી આશ્રમની એક વર્ષમાં અંદાજે સાત લાખ પ્રવાસીઓ મુલાકાત લે છે, પરંતુ હૃદયકુંજ (ગાંધીજી રહેતા હતા એ ઘર) સિવાયનાં અન્ય સ્થળો પ્રવાસીઓને આકર્ષી શકતાં નથી.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે સાબરમતી આશ્રમને રીડેવલપ કરવાની દરખાસ્ત મોકલવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો