'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા સાથે મોદીને પડકારતા ધારાસભ્યનું સત્ય - ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ,
    • પદ, બીબીસી ન્યૂઝ

કૉંગ્રેસના ધારાસભ્ય નસીમ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એવા દાવા સાથે શૅર કરાઈ રહ્યો છે કે તેમણે પોતાની ચૂંટણીસભામાં 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા પોકાર્યા.

આ વીડિયોમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને પડકાર ફેંકતા દેખાય છે કે તેઓ તેમના પર દેશદ્રોહની કલમ લગાવી બતાવે.

છેલ્લા કેટલાક દિવસોમાં નસીમ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર 3 લાખ કરતાં વધારે જોવામાં આવ્યો છે અને આ વીડિયો વૉટ્સઍપ પર ખૂબ શૅર કરાઈ રહ્યો છે.

18 સેકંડના વીડિયોમાં મુંબઈના ચાંદિવલી ક્ષેત્રના ધારાસભ્ય દૂર એક મંચ પર ઊભેલા દેખાય છે અને મંચ પર તેમની પાસે જ કેટલાક અન્ય લોકોને પણ બેઠેલા જોઈ શકાય છે.

વીડિયોમાં તેમને 'પાકિસ્તાન જિંદાબાદ'ના સૂત્રોચ્ચાર કરતા જોઈ શકાય છે. જે બાદ તેઓ કહે છે, "મોદીજી જો તમારામાં હિંમત હોય, જો રાજનાથ સિંહે માનું દૂધ પીધું હોય તો મારી પર દેશદ્રોહનો કેસ કરીને બતાવે."

નસીમ ખાને શું કહ્યું હતું?

પરંતુ અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ વાયરલ થયેલા વીડિયોના એક ભાગ સાથે છેડછાડ કરાઈ છે અને તેને ખોટા સંદર્ભ સાથે શૅર કરાઈ રહ્યો છે.

બીબીસીએ પોતાની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો 3 વર્ષ જૂનો છે.

વીડિયોમાં 'મુશાયરા મીડિયા' નામનું એક ચિહ્ન દેખાય છે. જેને સર્ચ કરતાં અમને યૂટ્યુબ પર એક લિંક મળી, જે મારફતે નસીમ ખાનનું આખું ભાષણ સાંભળી શકાય છે.

વીડિયો પબ્લિશ કરનાર આ આધિકારિક પેજ પ્રમાણે નસીમ ખાનનો આ વીડિયો 13 માર્ચ, વર્ષ 2016નો છે.

મુંબઈના સાકીનાકા વિસ્તારમાં 'ગુલિસ્તાને ઉર્દૂ અદબ' દ્વારા એક મુશાયરાનું આયોજન કરાયું હતું જેમાં કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય નસીમ ખાન મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત હતા.

આ જ કાર્યક્રમમાં નસીમ ખાન કહ્યું હતું, "હું પૂછવા માગું છું મોદીજીને કે આજે યમુનાકિનારે દિલ્હીમાં શ્રી શ્રી રવિશંકરે રાજનાથ સિંહની હાજરીમાં 'પાકિસ્તાન જિંદાબાદ'નો નારો લગાવ્યો. તેમની પર દેશદ્રોહનો કેસ ચલાવાશે કે નહીં? જો મોદીજી અને રાજનાથ સિંહમાં હિંમત હોય તો દેશદ્રોહનો કેસ કરી બતાવે."

નસીમ ખાનનું આ જ નિવેદન સોશિયલ મીડિયા પર એડિટ કરીને ખોટા દાવા સાથે ચલાવાઈ રહ્યું છે.

આ વીડિયો અંગે બીબીસીએ નસીમ ખાન સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો ખોટો છે. જેની વિરુદ્ધમાં તેમણે ચૂંટણીપંચ ઉપરાંત સાકીનાકા પોલીસસ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી દીધી છે.

નસીમ ખાને એ વાત પર ભાર મૂક્યો કે મહારાષ્ટ્રની આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની છબિ ખરડવા વિરોધપક્ષ દ્વારા આ પ્રકારની હરકતો કરાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો