ગાદલાંના વેપારી એક અકસ્માતે ગણિતના પંડિત બની ગયા

ગણિત એક એવો વિષય છે, જેમાં બાળકોને મોટા ભાગે રસ હોતો નથી. બાળકોને ગણિતના ટીચર કોઈ રાક્ષસ જેવા લાગતા હોય છે.

ગણિતનો અભ્યાસ નહીં કરવા માટે બાળકો આગવા તર્ક રજૂ કરતા હોય છે.

બાળકો માનતા હોય છે કે સરવાળા, ગુણાકાર અને બાદબાકી તો જાણે ઠીક છે, પણ અંકગણિત અને બીજગણિતના અઘરા અભ્યાસનું રોજિંદા જીવનમાં શું કામ? તેને શીખવા માટે આટલી માથાકૂટ શા માટે કરવી?

આવી જ દલીલ અમેરિકાના અલાસ્કારના નિવાસી જેસન પેજેટ કરતા હતા.

તેમને ગણિત શીખવામાં જરાય રસ ન હતો, પણ એક અકસ્માતે તેમને ગણિતના પંડિત બનાવી દીધા અને એ પણ આયુષ્યના બીજા તબક્કામાં.

જેસન વેપારી છે અને ગાદલાંનો વેપાર કરે છે. તેઓ તેમનું જીવન બિન્ધાસ્ત શૈલીમાં જીવ્યા છે. અભ્યાસમાં તેમને ખાસ કોઈ રસ ન હતો, ખાસ કરીને ગણિતના અભ્યાસમાં.

જોકે, 12 સપ્ટેમ્બર, 2002 પછી તેમનું જીવન એકદમ પલટાઈ ગયું હતું.

એ દિવસે જેસન તેમના દોસ્તો સાથે પાર્ટીની મજા માણીને પરત આવી રહ્યા હતા. એ વખતે કેટલાક બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો અને એ હુમલામાં જેસનને માથામાં ઊંડો જખમ થયો હતો.

એ જખમ તો સારવારથી ભરાઈ ગયો, પણ જેસનનું વર્તન અચાનક બદલાઈ ગયું. તેઓ ઘરની બહાર નીકળતાં ડરવા લાગ્યા. કોઈ તેમની નજીક આવે કે તરત જેસન પોતાના હાથ ધોવા લાગતા હતા.

જેસનની દીકરી તેમની નજીક આવતી ત્યારે પણ તેઓ હાથ ધોવા માંડતા હતા. આ પ્રકારના વર્તનને તબીબી વિજ્ઞાનની ભાષામાં ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસોર્ડર (ઓસીડી) કહેવામાં આવે છે.

અકસ્માત પછી મોટું પરિવર્તન

પોતાના બદલાતા વર્તનની સાથે જેસનને ખુદમાં એક મોટું પરિવર્તન જોવા મળ્યું. તેઓ દરેક ચીજને ધારીધારીને જોતા થયા.

તેમને દરેક ચીજમાં ભૌમેતિક આકાર દેખાવા લાગ્યો અને એ ત્યાં સુધી કે નળમાંથી ટપકતા પાણીનાં ટીપામાં પણ તેમને આકૃતિઓ દેખાવા લાગી. તેમનું દિમાગ ગણિત અને ભૌતિક વિજ્ઞાનને જોડતી કડીની તપાસમાં લાગી ગયું.

જેસન એકાંતમાં જીવન જીવી રહ્યા હતા ત્યારે ઇન્ટરનેટ તેમનું સાથી બન્યું અને તેમણે ઓનલાઇન ગણિત શીખવાનું શરૂ કર્યું.

ઇન્ટરનેટ મારફત તેઓ ગણિતના અનેક કન્સેપ્ટ શીખ્યા. અલબત, એમનું દિમાગ જે તસવીરો નિહાળતું હતું તેનો સંબંધ તેઓ ગણિત સાથે જોડી શકતા ન હતા.

એક દિવસ તેમની દીકરીએ તેમને પૂછ્યું કે ટેલિવિઝન પર ચિત્રો કઈ રીતે જોવા મળતાં હોય છે?

દીકરીના આ સવાલ બાદ જેસનની મુશ્કેલી હળવી થઈ હતી.

ટેલિવિઝન પર આપણે જે ચિત્રો નિહાળીએ છીએ તે ચિત્રો વાસ્તવમાં બહુ નાના-નાના પિક્સેલથી બનતાં હોય છે, પણ એ પિક્સેલ્સને એકદમ નજીકથી નિહાળીએ તો સમજાય છે કે પિક્સેલ્સ ગોળ નહીં, પણ ઝીગઝેગ (વાંકાચૂકા) સ્વરૂપમાં હોય છે. એ ઝીગઝેકના ટૂકડા કરો તો પણ ગોળાકાર મળતો નથી.

સાયનેસ્થેસિયાના શિકાર

ભૌમિતિક આકૃતિઓ પ્રત્યેના પોતાના ઝનૂનને લોકો સુધી પહોંચાડવા માટે જેસને ગણિતની ભાષા જાણવી જરૂરી હતી.

તેથી ગણિત શીખવા માટે તેમણે કોમ્યુનિટી કૉલેજમાં પદ્ધતિસર એડમિશન લીધું અને ગણિત શીખવાનું શરૂ કર્યું. પણ મોટો સવાલ એ હતો કે જેસન પેજેટને ભૌમિતિક આકારવાળી ચીજો અને ગ્રાફ દરેક જગ્યાએ શા માટે દેખાતા હતા?

આ સવાલનો જવાબ મેળવવા માટે તેમણે ન્યૂરો સાયન્ટિસ્ટ ડો. બેરિટ બ્રોગાર્ડની મદદ લીધી હતી.

જેસન સાથે કલાકો સુધી વાત કર્યા બાદ ડો. બ્રોગાર્ડે જણાવ્યું હતું કે જેસન સાયનેસ્થેસિયાનો શિકાર બન્યા છે. તે એક પ્રકારના દિમાગી હાલત હોય છે, જેમાં મગજની નસોમાં 'લોચો' સર્જાતો હોય છે.

મગજ કંઈક ભળતી જ દિશામાં કામ કરવા લાગે છે. મગજ જે ચીજનો વિચાર કરતું હોય એ ચીજ મગજમાં જ રહી જાય છે અથવા તેના વિચાર અનુસાર જ દરેક વસ્તુ દેખાવા લાગે છે.

ડો. બ્રોગાર્ડે હેલસિંકીની આલ્ટો યુનિવર્સિટીના બ્રેઈન રિસર્ચ યુનિટમાં જેસનના દિમાગનું અનેક વખત સ્કૅનિંગ કર્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે જેસનના દિમાગના કેટલાક હિસ્સામાં સમજવાની ક્ષમતા નથી, પણ તેમાં કેટલીક ખાસ પ્રકારની તસવીરો ઊભરી આવે છે.

હુમલાખોરે પત્ર લખીને માફી માગી

જેસને પોતાના અનુભવના આધારે એક પુસ્તક લખ્યું છે, જેનું નામ 'સ્ટ્રક બાય જિનિયસ' છે. જેસને દુનિયાભરનો પ્રવાસ કરીને લોકોને પોતાની આપવીતી જણાવી અને ગણિત શીખવાડ્યું.

2002માં સપ્ટેમ્બરની રાતે જે બે લોકોએ જેસન પર હુમલો કર્યો હતો, તેમને ક્યારેય ગુનેગાર ગણવામાં આવ્યા ન હતા પણ જેસને બન્નેને ઓળખી કાઢ્યા હતા. એ બે પૈકીના એક હુમલાખોરે પત્ર લખીને જેસનની માફી માગી હતી.

જેસન કહે છે કે આજે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. એક ઈજાને કારણે તેમને દુનિયાની દરેક ચીજમાં એવી આકૃતિઓ દેખાય છે, જે બીજા કોઈને દેખાતી નથી.

દાખલા તરીકે વરસાદના છાંટા પડતા હોય તો જેસનને એ છાંટાઓમાં સંખ્યાબંધ આકૃતિઓ દેખાય છે, જે એકબીજા પર તારાની માફક કે હીમબુંદોની માફક લહેરાતી હોય છે.

જેસન વિચારે છે કે તેઓ જે નિહાળી શકે છે તેને બીજા લોકો પણ નિહાળી શકતા હોત તો કેવું સારું થાત. સપ્ટેમ્બરની રાતે થયેલા અકસ્માતનો જેસનને કોઈ અફસોસ નથી. આજે તેઓ ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો