રોહીત શર્મા વન-ડે બાદ ટેસ્ટમાં હિટમૅન સાબિત, દ. આફ્રિકા સામે બનાવ્યો રેકૉર્ડ

ભારતીય ક્રિકેટ ટીમના વન-ડેમાં ઓપનર અને હિટમૅન તરીકે ઓળખતા રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાની નવી ભૂમિકામાં હિટ સાબિત થયા છે.

સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માને ઓપનિંગમાં બેટિંગ કરવાની તક આપવામાં આવી.

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ રોહિત શર્મા પર ભરોસો દાખવ્યો હતો અને તેમને મયંક અગ્રવાલ સાથે ઓપનિંગમાં મોકલવામાં આવ્યા હતા.

મૅચ પહેલાં પણ કોહલીએ રોહિત પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે રોહિત શર્મા જો ઓપનિંગમાં સફળ થઈ જશે તો ભારતની બેટિંગ ઘાતક બની જશે.

રોહિત શર્માએ પોતાની આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા ઓપનર તરીકે શાનદાર ડેબ્યૂ કર્યું અને સદી ફટકારી દીધી હતી.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં રોહિતે ઓપનર બૅટ્સમૅન તરીકે પોતાની આ પ્રથમ સદી ફટકારી છે અને ટેસ્ટ કૅરિયરમાં આ તેમની ચોથી સદી છે.

ચોથા ભારતીય બૅટ્સમૅન

રોહિત શર્મા ભારતના ચોથા બૅટ્સમૅન છે જેમણે ટેસ્ટ ક્રિકેટ મૅચમાં પહેલી વખત ઓપનિંગમાં સદી ફટકારી છે.

આ પહેલાં ભારતના શિખર ધવન, કે. એલ. રાહુલ અને પૃથ્વી શૉએ પણ પ્રથમ વખત ટેસ્ટ મૅચમાં ઓપનિંગમાં સો રન પૂરા કર્યા હતા.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના કૅરિયરની 138મી ઇનિંગ રમતા રોહિત શર્માએ ચાર વખત ઓપનિંગ કરી છે અને આ પ્રથમ વખત હતી કે તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરી છે.

ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માની આ ચોથી સદી છે અને ચારેય સદી ભારતમાં રમાયેલી ટેસ્ટમાં જ ફટકારી હતી.

28 ટેસ્ટ મૅચ રમી ચૂકેલા રોહિત શર્માએ દસ અડધી સદી પણ ફટકારી છે.

સાઉથ આફ્રીકા વિરુદ્ધ આ રોહિતની પ્રથમ સદી છે. આ પહેલાં રોહિતે સાઉથ આફ્રીકા વિરુદ્ધ 12.41ની સરેરાશથી 12 મૅચમાં 149 રન બનાવ્યા છે.

વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રીકા સામે ભારતની પહેલી ટેસ્ટ મૅચ રમાઈ રહી છે.

મૅચમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલે પ્રથમ દિવસે 202 રન બનાવીને ભારત માટે મજબૂત પાયો નાખ્યો છે.

જોકે વરસાદને કારણે પ્રથમ દિવસની રમત અટકી પડી હતી. ત્યા સુધીમાં રોહિત શર્માએ 115 અને મયંક અગ્રવાલે 84 રન બનાવ્યા હતા. રોહિતે પ્રથમ દિવસે 152 બૉલમાં 115 રન બનાવ્યા હતા.

આ પહેલાં કૅપ્ટન વિરોટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ફૅન્સ ખુશ

ટ્વિટર પર રોહિત શર્માની ઇનિંગ્સની ચર્ચા ચાલી રહી છે.

તેમના ચાહકો રોહિત શર્માની સદી વિશે પોતાના વિચાર ટ્વિચર પર મૂકી રહ્યા છે.

ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે ટ્વીટ કરીને કહ્યું, વાહ રોહિત, શાનદાર 100, ડ્રેસ નીલો હોય કે સફેદ ફેર નથી પડતો. રોહિત હિટ છે ભાઈ.

આકાશ ચોપરાએ લખ્યું કે ચોથી ટેસ્ટ સદી. ઓપનર તરીકે પ્રથમ. રોહિતે આ તકને બંને હાથે પકડી. સારું રમ્યા.

કીરુબા કરન નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે સોથી શરૂઆત. સીમિત અને લાંબા ફૉર્મેટમાં ઓપનિંગ પર પોતાની છાપ છોડી.

ખિલાડી સમ્રાટ નામના ટ્વિટર યૂઝરે એક તસ્વીર સાથે ટ્વીટ કરીને તેમના ટીકાકારો પર ટિપ્પણી કરી.

નિતિન નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે જે લોકો કહેતા હતા કે રોહિત અને કોહલી વચ્ચે તિરાડ છે, એ લોકો માટે બે મિનિટનું મૌન. જ્યારે રોહિત શર્માએ ઓપનર તરીકે તેમની પહેલી અડધી સદી ફટકારી ત્યારે કોહલી રોહિત માટે તાળી પાડી રહ્યા છે.

સાઉથ આફ્રિકા બનામ ભારત સિરીઝમાં ત્રણ ટી20 મૅચ રમાઈ જેમાં એક ભારત અને એક સાઉથ આફ્રિકા જીત્યું.

એ સિવાય ત્રણ ટેસ્ટ મૅચ રમાવાની છે જેમાંથી પ્રથણ મૅચ વિશાખાપટ્ટનમમાં શરૂ થઈ છે.

બીજી ટેસ્ટ મૅચ પુણેમાં 10-14 ઓક્ટોબરે રમાશે અને ત્રીજી ટેસ્ટ મૅચ ઝારખંડના રાંચીમાં 19 થી 23 ઓક્ટોબરે રમાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો