You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં અંબાજી પાસે ખાનગી બસનો અકસ્માત, 21 લોકોનાં મોત
અંબાજીથી દર્શન કરીને પરત આવેલી બસને અકસ્તમાત નડતા 21થી વધુનાં મોત થયાં છે.
બનાસકાંઠાના એસપી અજીત રાજીયાને આ મામલે વાત કરતાં કહ્યું કે આ અકસ્માતમાં કુલ 21 લોકોનાં મોત થયાં છે અને 35 લોકો ઘાયલ થયાં છે.
ખાનગી બસને ત્રિશૂલિયા ઘાટ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બસ ઊંધી વળી જતાં વધારે ખુવારી થઈ છે.
અકસ્માતની જાણ થતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ઘાયલ થયેલા લોકોને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
અંબાજી અને દાંતા વચ્ચેના હાઇવે પર આ ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બસ વળાંક લેતી વખતે ઊંધી વળી ગઈ હતી.
દાતાના પ્રાંત અધિકારી કુસુમબહેન પ્રજાપતિએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે મૃતકોમાં 14 પુરુષો, 3 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.
બસમાંથી લોકોને બચાવવા માટે જેસીબી અને હિટાચી જેવાં મશીનોની મદદ લેવામાં આવી હતી.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ મામલે બનાસકાંઠાના કલેક્ટર જોડે વાત કરી છે અને આ અંગે તમામ વિગતો મેળવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્ય મંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવાની સૂચના પણ કલેક્ટરને આપી દીધી છે.
વડા પ્રધાને દુખ વ્યક્ત કર્યું
આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ પણ દુખ વ્યક્ત કર્યું છે.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે બનાસકાંઠાથી દુખજનક સમાચાર આવ્યા છે. અકસ્માતના સમાચાર જાણીને ખૂબ દુખ થયું છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
વડા પ્રધાને લખ્યું કે સ્થાનિક તંત્ર આ મામલે તમામ મદદ પહોંચાડી રહ્યું છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ મામલે ટ્વીટ કરીને લખ્યું કે ત્રિશૂલિયા ઘાટ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતને લઈને દુખી છું. અધિકારીઓને બચાવ કામગીરી માટે સૂચના આપી દેવામાં આવી છે. જે લોકો ઘાયલ થયાં છે તેઓ જલદી સાજા થાય તેવી પ્રાર્થના. મૃતકોના આત્માને શાંતિ મળે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો