'અમારા પૂર્વજોએ વિકાસ માટે જમીન આપી દીધી અને આજે અમે તરસ્યા મરીએ છીએ'

વણજ

ઇમેજ સ્રોત, Julie Rupali

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પોળોનાં જંગલોને અડીને આવેલા વણજ ગામના આદિવાસીઓ એ વિકાસની રાહ જોઈ રહ્યા છે, જેના માટે તેમના પૂર્વજોએ પોતાની જમીન સરકારને આપી દીધી હતી.

44 વર્ષ પહેલાં એટલે કે છેક 1975માં વિજયનગર અને આસપાસના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે હરણાવ બંધ બાંધવાનું નક્કી કરાયું હતું.

આ બંધ બાંધવા માટે અહીંનાં નાની વણજ, મોટી વણજ અને વણજ એમ ત્રણ ગામના આદિવાસીઓની અંદાજી 240 એકર ખેતીલાયક જમીન સંપાદિત કરાઈ હતી.

સંપાદિત ખેતીલાયક જમીનના બદલામાં બીજી જમીન મળે એવો સરકારી નિયમ હોવા છતાં અને આ વાતને ચાર દાયકા કરતાં વધુ વખત વીતી ગયો હોવા છતાં હજુ સુધી એમને જમીન ફાળવવામાં આવી નથી.

આજે પણ અહીંના 250 પરિવારના કુલ 750 સભ્યો પોતાના હકની જમીન મળે એની રાહ જોઈ રહ્યા છે.

line

ન્યાય મેળવવાની રાહ

વણજ

ઇમેજ સ્રોત, Julie Rupali

જમીન સંપાદિત કરાયા બાદ અહીંના ખેડૂતોને જમીન દીઠ રૂપિયા 2,970 આપવામાં આવ્યા હતા.

જ્યારે પુનર્વસવાટની કામગીરીના ભાગરૂપે ઘર બાંધવા માટે રૂપિયા 750 અને ઘરનું છાપરું બાંધવા માટે માટે રૂપિયા 450 આપવામાં આવ્યા હતા.

વણજ ગામના સોમજી ડામોર જણાવે છે, "અમારા વડવાએ સરકારને જમીન આપી દીધી અને કહ્યું ત્યાં અંગૂઠો પણ કરી આપ્યો પણ બદલામાં આજ દિન સુધી અમને જમીન મળી નથી."

"જમીન સંપાદિત થઈ ગયા બાદ અમારા વડવા જંગલમાં અલગઅલગ જગ્યાએ ખેતી કરવા લાગ્યા હતા."

"જોકે, 1984માં જંગલખાતાએ અમારી પાસેથી એ જમીન પણ આંચકી લીધી અને જંગલમાં ખેતી કરવા બદલ સૌને ત્રણસો-ત્રણસો રૂપિયા દંડ પણ કર્યો હતો."

"એટલું જ નહીં, અમારા બળદો પણ જપ્ત કરી લેવાયા હતા અને અમને જંગલમાંથી બહાર કાઢી મૂકાયા હતા."

આદિવાસી સમુદાયમાં શિક્ષણના અભાવને કારણે ખેતીલાયક જમનીના બદલામાં ખેતીલાયક જમીન મળે એવી કોઈને જાણ નહોતી.

જોકે, વર્ષો બાદ ગામના દેવજી ડામોર શિક્ષિત બન્યા અને તેમણે આ મામલે સરકારને પત્ર પણ લખ્યા અને તપાસ પણ કરાવી.

line

જોખમી શિક્ષણ

વણજ

ઇમેજ સ્રોત, Julie Rupali

શિક્ષણનું મહત્ત્વ સમજ્યા બાદ આદિવાસી સમુદાય પોતાનાં બાળકોને ભણાવવા માટે ગંભીર થયો છે. જોકે, એમાં પણ મુશ્કેલીઓનો પાર નથી.

આ અંગે વાત કરતાં ગામમાં રહેતા રતનજી ડામોર જણાવે છે,

"ઘર માટે ફાળવાયેલા અમુક પ્લૉટ નદીને પેલે પાર છે અને શાળા નદીને આ પાર છે."

"ગામમાં રસ્તો કે બીજી કોઈ વ્યવસ્થા કરાઈ નથી એટલે અમારાં બાળકોને નદી પાર કરીને શાળાએ જવું પડે છે. બાળકો હોડીમાં શાળાએ જાય છે પણ જોખમ તો રહે જ છે."

અહીં જોખમ વચ્ચે પણ બાળકોને શાળાએ મોકલવામાં આવે છે, પણ ગામમાં સાત ધોરણ બાદ ભણવાની કોઈ વ્યવસ્થા નથી એટલે અહીંનાં માબાપને ના છૂટકે પોતાનાં બાળકોને સાત ધોરણ બાદ શાળાએથી ઉઠાડી મૂકવા પડે છે.

15 વર્ષનાં શાંતા ડામોરને પણ આવા જ કારણસર ભણવાનું છોડવું પડ્યું હતું.

શાંતા જણાવે છે, "હું ભણવામાં હોશિયાર હતી અને મારે આગળ ભણવું પણ હતું."

"જોકે, આગળ ભણવા માટે વિજયનગર જવું પડે એમ હતું એટલે મારે ભણવાનું છોડી દેવું પડ્યું."

"હું ઘરકામ કરું છું અને મારા પિતા જંગલમાંથી ઔષધિ લાવીને વેચે છે, એનાથી પરિવારનું ગુજરાન ચાલે છે."

"આગામી બે વર્ષમાં મારું લગ્ન કરાવી દેવાશે એટલે હવે હું ક્યારેય ભણી નહીં શકું."

શાંતા જેવી જ સ્થિતિ વિજયાની પણ છે.

વિજયા પાંચમાં ધોરણમાં ભણે છે અને હોડીમાં બેસીને શાળાએ જાય છે, પણ આગળ કેટલું ભણી શકશે એની એને ખબર નથી.

ગામમાં પીવાના પાણીની પણ સમસ્યા છે. ગામમાં પાણીનો કોઈ સ્રોત ન હોવાને લીધે મહિલાઓને પાણી માટે તળાવ સુધી જવું પડે છે.

ગામમાં રહેતાં કાંતા ડામોર જણાવે છે :

"મેં વર્ષો સુધી તળાવમાંથી પાણી ભર્યું છે અને હજુ પણ આ જ સ્થિતિ છે."

"બાજુનાં ગામોમાં પાણી મળે એ માટે અમે જમીન આપી દીધી અને આજે અમે તરસ્યાં મરી રહ્યાં છીએ."

line

સરકારી પ્રયાસો

વણજ

ઇમેજ સ્રોત, Julie Rupali

ભાજપના એક સમયના વનમંત્રી કાનજીભાઈ પટેલ પણ પોતાની સરકારને વણજ ગામના આદિવાસીઓની સ્થિતિ અંગે પત્ર લખીને જાણ કરી ચૂક્યા છે.

એ બાદ વનમંત્રી રહેલા મંગુભાઈ પેટલે એ વખતની ભાજપ સરકારને પત્ર લખીને સંબંધિત આદિવાસીઓને જમીન ફાળવવા વિનંતી કરી હતી.

જોકે, હજુ સુધી આ મામલે કોઈ નિવેડો આવ્યો નથી. આ વિસ્તાર વર્ષોથી કૉંગ્રેસનો ગઢ રહ્યો છે.

કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે બીબીસીને જણાવ્યું, "આ આદિવાસીઓને ન્યાય મળે એ માટે ધારાસભ્ય તરીકે મેં અનેક રજૂઆતો કરી છે."

"માત્ર વણજ નહીં, ખેડબ્રહ્માના ખેડવા બંધના અસરગ્રસ્તોને પણ જમીન મળે એ માટે પ્રયાસો કરું છું."

"ગુજરાત સરકાર નર્મદા બંધના અસરગ્રસ્તોના પુનર્વસનની વાત કરે છે, પણ ગુજરાતના જ આ આદિવાસીઓના પુનર્વસવાટ માટે કોઈ પ્રયાસ નથી કરતી."

"એટલે જ અમે આવા જ અન્ય મામલામાં ચદ્રના બંધનું બાંધકામ અટકાવી દીધું છે અને સરકાર તરફથી યોગ્ય વ્યવસ્થા ન કરી આપવામાં આવે ત્યાં સુધી અમે બંધ બાંધવા નહીં દઈએ."

આ મામલે બીબીસીએ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને સિંચાઈ અને જળસંસાધનમંત્રી કુંવરજી બાવળિયાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

સાબરકાંઠાનાં કલેક્ટર પ્રવીણા ડી.કે. જણાવે છે, "વણજ ગામનાં બાળકોને શાળાએ જતી વખતી પડી રહેલી મુશ્કેલીઓની અરજી અમને મળી છે અને આ માટે રસ્તો બનાવવાના આદેશ આપી દેવાયા છે."

"અમે પ્રયાસ કરી રહ્યા છે પણ સિંચાઈવિભાગ, જંગલવિભાગ અને મહેસૂલવિભાગ એમ ત્રણ-ત્રણ જગ્યાએથી મંજૂરીની જરૂર હોવાને લીધે મુશ્કેલી પડી રહી છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો