ક્લાઇમેટ ચેન્જ : નરેન્દ્ર મોદીની નીતિમાં કેટલી સચ્ચાઈ અને કેટલી હવા?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, હૃદયેશ જોશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આ સપ્તાહે અમેરિકામાં બે શખ્સિયત કૅમેરા પર છવાયેલી રહી. એક ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજાં સ્વિડનનાં 16 વર્ષીય ગ્રેટા થનબર્ગ.

આમાંથી એક સમાચારોમાં ચમકતા રહેતા નેતા છે અને બીજાં ધરતી પર સંભવિત વિનાશલીલાથી આક્રોશે ભરાયેલાં એક વિદ્યાર્થિની કે જેઓ વિશ્વભરમાં પર્યાવરણને બચાવવા માટે ચાલી રહેલા આંદોલનનો ચહેરો બની ગયાં છે.

એક તરફ ન્યૂયૉર્કમાં નરેન્દ્ર મોદી 50 કિલોવૉટની ક્ષમતા ધરાવતા ગાંધી સોલરપાર્કનું ઉદઘાટન કરે છે, તો બીજી તરફ થનબર્ગ પૃથ્વીને 'જોખમમાં મૂકવા માટે જવાબદાર' વિશ્વનેતાઓને "હાઉ ડૅયર યૂ?" કહીને લલકારે છે.

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

એક તરફ મોદી ભારતમાં સૂર્યની ઊર્જાનું લક્ષ્ય 1,75,000 મેગાવૉટથી વધારીને 4,50,000 કરવાની જાહેરાત કરે છે, તો બીજી તરફ ગ્રેટા બાળઅધિકારોનું હનન કરવા માટે પાંચ મોટાં રાષ્ટ્રો વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરે છે.

ભારતના વડા પ્રધાન સાથે થનબર્ગનો ઉલ્લેખ એટલા માટે કરવો પડે કે એક તરફ યુરોપિયન વિદ્યાર્થિની છે કે જે ક્લાઇમેટના મુદ્દે વિશ્વના નેતાઓને પડકાર ફેંકે છે, બીજી તરફ નરેન્દ્ર મોદી સામે પર્યાવરણક્ષેત્રે ભારતને વિશ્વનાયક બનાવવાની અપાર સંભાવના અને પડકારો બન્ને હાજર છે.

મોદીનું લક્ષ્ય થનબર્ગ કરતાં ક્યાંય વધારે કપરું છે અને તે બેનર, સૂત્રોચ્ચાર, ભાષણ અને કૅમેરાએ ખેંચેલી તસવીરો માત્રથી હાંસલ નથી થઈ શકે.

વીડિયો કૅપ્શન, ક્લાઇમેટ ચેન્જની ગુજરાતના દરિયા કાંઠા પર કેવી અસર થશે?
line

જળવાયુ-પરિવર્તન : વૈશ્વિક મંચ પર મોદીનું કદ

મોદી અને ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

સત્તા હાંસલ કર્યા બાદ નરેન્દ્ર મોદી પોતાને પર્યાવરણના મામલે વિશ્વનેતા તરીકે સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

તેમનો પક્ષ અને તેમની સરકારના તમામ નેતા જળવાયુ પરિવર્તન વિરુદ્ધના યુદ્ધમાં તેમની સફળતાને દર્શાવતા ફરે છે. ત્યારે આખરે આ મામલે હકીકત છે શી?

મોદીએ 2014માં વડા પ્રધાન બન્યા બાદ કેટલાંક મહત્ત્વાકાંક્ષી પગલાં ભર્યાં છે.

દાખલા તરીકે વર્ષ 2022 સુધી ભારતની કુલ સ્વચ્છ ઊર્જાનું લક્ષ્ય 1,75,000 મેગાવૉટ રાખવું ખરેખર એક વિશાળ કૂદકો છે.

હવે વડા પ્રધાને આ લક્ષ્યાંકને બેવડાથી પણ વધારે 4,50,000 મેગાવૉટ કરવાની જાહેરાત કરી દીધી છે.

જોકે, ભારત આ લક્ષ્ય ક્યારે હાંસલ કરી લેશે એ તેમણે જણાવ્યું નથી.

આ જ રીતે 2015માં ઐતિહાસિક પેરિસ સમજૂતી દરમિયાન ભારતે ફ્રાન્સ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સોલર ઍલાયન્સ (આઈએસએ)ની જાહેરાત કરી હતી, જેનું મુખ્ય મથક ભારતમાં છે.

line

નેતૃત્વ અને પગલું

મોદી અને મેક્રોન

ઇમેજ સ્રોત, Getty Images

આને પણ નેતૃત્વ અને સ્વચ્છ ઊર્જાની દિશામાં મોદી સરકારનું મોટું પગલું ગણવું પડે.

આઈએસએમાં હાલમાં 100થી વધુ સભ્યરાષ્ટ્રો છે અને આ પાછળ વિશ્વમાં સોલર પાવરનો ઉપયોગ વધારવા અને તેને સસ્તો કરવાનો વિચાર છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રૉનને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપાયેલા 'ચૅમ્પિયન ઑફ ધ અર્થ'ના સન્માનમાં પણ આ ઍલાયન્સનો ઉલ્લેખ છે.

નરેન્દ્ર મોદીના શાસનકાળમાં 'ઉજાલા' જેવી યોજના થકી એલઈડીનો ઉપયોગ પણ વધ્યો છે.

line

મોદીએ નવી નીતિઓ ઘડી?

જયરામ રમેશ

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદી અને તેમની સરકારને આ મામલે શ્રેય આપતા પહેલાં એ વાત યાદ રાખવી જરૂરી છે કે જ્યારે જયરામ રમેશ પર્યાવરણમંત્રી હતા ત્યારે વિશ્વના મંચ પર ભારતની પર્યાવરણની નીતિમાં મોટું પરિવર્તન આવ્યું હતું.

વર્ષ 2009માં કૉપેનહેગનમાં આયોજિત સંમેલનમાં ભારતે આગળ વધીને જાહેરાત કરી હતી કે તે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે સ્વતંત્ર રૂપે પગલાં ભરશે.

તેમણે એવું પણ કહ્યું કે આ દિશામાં પૈસાદાર દેશો દ્વારા પહેલ કરવામાં આવે તેની તેઓ રાહ પણ નહીં જુએ.

પ્રથમ વખત ભારતે નક્કી કર્યું કે તે વિકાસ માટે પોતાના અધિકારોની લડત લડશે પણ ગ્લોબલ-વૉર્મિંગ વિરુદ્ધની લડાઈમાં વિકસિત રાષ્ટ્રોની આળસ અને નિરર્થકતા પાછળ છુપાઈને બેસી નહીં રહે.

આ મોટા નીતિગત ફેરફાર પર એ વખતના ભાજપે યૂપીએ સરકારની આકરી આલોચના કરી હતી અને ડૉ. મનમોહન સિંઘ પર વિકસિત રાષ્ટ્રો સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે, જયરામ રમેશનો તર્ક હતો કે ભારત ન તો હંમેશાં બીજાં રાષ્ટ્રો દ્વારા પહેલ કરવામાં આવે એની રાહ જોઈ શકે કે ન તો વ્યક્તિ દીઠ કાર્બન ઉત્સર્જન ઘટે ત્યાં સુધી વાટ જોઈ શકે.

સ્પષ્ટ છે કે સ્વચ્છ ઊર્જા મામલે તમામ રાષ્ટ્રો સાથે મળીને ઍલાયન્સ રચી આગળ વધવાનો પાયો આ જ નિર્ણયો થકી પડ્યો.

ભારતે 'જળવાયુ પરિવર્તન વાર્તા'માં વિકાસશીલ રાષ્ટ્રોનું એક મહત્ત્વપૂર્ણ ગઠબંધન રચ્યું જેને 'બૅઝિક' (BASIC) રાષ્ટ્રોનો સમૂહ કહેવાયો.

એ વખતના અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા એ સમૂહના મહત્ત્વના મુદ્દે સમજૂતી સાધવા માટે મજબૂર પણ થયા.

શ્રેષ્ઠ એલઈડી, રૅફ્રિજરેટર અને ઍરકંડિશનર જેવાં વીજળીનાં ઉપકરણો માટે ધોરણ નક્કી કરનારા દેશોમાં 'બ્યૂરો ઑફ ઍનર્જી ઍફિસિયેન્સી' (BEE) કાર્બન-ઉત્સર્જન ઘટાડવા માટે ભૂમિકા ભજવે છે. આ બ્યૂરોની સ્થાપના વર્ષ 2002માં થઈ હતી.

આ બ્યૂરોના પૂર્વ અધ્યક્ષ અને જળવાયુ પરિવર્તન અંગેની વડા પ્રધાનની પૅનલના સભ્ય ડૉ. અજય માથુરે બીબીસીને જણાવ્યુંઃ

"રૅફ્રિજરેટર અને અન્ય સાધનોનાં ધોરણ 2007માં નક્કી કરવામાં આવ્યાં અને તેનું નિર્માણ કરનારી કંપનીઓ માટે બે વર્ષની મર્યાદા નક્કી કરાઈ."

"વર્ષ 2009માં આ ધોરણ ફરજિયાત કરી દેવાયાં. આ જ રીતે ઍનર્જી કન્ઝર્વૅશન બિલ્ડિંગ કોડને વર્ષ 2007માં લાવવામાં આવ્યો અને 2009માં તેણે ગતિ પકડી."

line

વિરોધાભાસી પગલાં

મેક્રોન અને મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતે ફ્રાન્સ સાથે મળીને આંતરરાષ્ટ્રીય સોલર ઍલાયન્સની પહેલ મોટી વાત છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક તરફ દેશ માટે 4,50,000 મેગાવૉટ સ્વચ્છ ઊર્જાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને એ સાથે જ અમેરિકા-પ્રવાસ દરમિયાન તેલ અને ગૅસની મોટીમોટી કંપનીના સીઈઓ સાથે બેઠક પણ કરી છે.

મોદીની હાજરીમાં ભારત અને અમેરિકાની ગૅસકંપનીઓ વચ્ચે 250 કરોડ અમેરિકન ડૉલરનો કરાર થયો.

માનવામાં આવી રહ્યું છે કે આગામી 3 વર્ષમાં અમેરિકાની તેલ અને ગૅસની કંપનીઓ ભારત સાથે 10,000 કરોડ ડૉલરનો કરાર કરી શકે છે.

જળવાયુ પરિવર્તનના વિશેષજ્ઞ હરજિત સિંઘ કહે છે, "તેલ, ગૅસ અને કોલસાનાં વીજળીઘરો આગામી દિવસોમાં અર્થતંત્રનું ભારણ વધારશે તો શું સરકાર માત્ર અમેરિકાની સરકારને ખુશ કરવા માટે આ વીજળીઘરો અને પાઇપલાઇનો પર પ્રજાનો પૈસો લૂંટાવી રહી છે?"

line

નીતિ પર પ્રશ્નાર્થ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે 2015માં 'પેરિસ ડીલ' હેઠળ વચન આપ્યું હતું કે તે 300 કરોડ ટન કાર્બનડાયૉક્સાઈડ શોષી શકે એટલાં જંગલો સર્જશે. જોકે, મોદી સરકારની નવી નીતિ જંગલો વિરુદ્ધ છે.

પ્રસ્તુત વનનીતિ- જેનો ડ્રાફ્ટ ગત વર્ષે રજૂ કરાયો અને હજુ તેને અંતિમ રૂપ આપવાનું બાકી છે - ઓછું ઘનત્વ ધરાવતાં જંગલોને ખાનગી કંપનીઓને સોંપવાની વાત કરે છે.

જાણકારોનું કહેવું છે કે ખાનગી કંપનીઓ માત્ર આર્થિક ફાયદો ધરાવતાં વૃક્ષો (ટિમ્બર ફૉરેસ્ટ) રોપશે.

દિલ્હીમાં આવેલા 'ધ ઍનર્જી ઍન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (ટેરી)માં સિનિયર ફૅલૉ અને વનમામલાના વિશેષજ્ઞ ડૉ. યોગેશ ગોખલે જણાવે છેઃ

"મૉનિટરિંગના આકરા નિયમો વગર આ પ્રકારનાં પગલાં યોગ્ય નથી. ન તો તે જંગલ પર નિર્ભર આદિવાસીઓ માટે યોગ્ય છે કે ન તો તેનાથી જૈવ વિવિધતાથી ભરેલાં એવાં સ્વસ્થ જંગલો ઊભાં થશે કે જે જળવાયુ પરિવર્તનને ઘટાડી શકે."

આ પ્રકારનાં જંગલોના આકારને લઈને મોદી સરકારના આંકડા પર જ ગત વર્ષે પ્રશ્નો ઊભા થયા.

ગત વર્ષે 'સ્ટેટ ઑફ ફૉરેસ્ટ રિપોર્ટ'માં સરકારે કહ્યું કે ભારતનાં જંગલોમાં વધારો થયો છે.

જોકે બાદમાં જાણવા મળ્યું કે સરકારે વૃક્ષારોપણનો પણ જંગલની વ્યાખ્યામાં સમાવેશ કરી લીધો છે.

જાણકારોનું કહેવું છે કે વૃક્ષારોપણ એ માત્ર એક 'ટ્રી-કવર' છે, જ્યારે જંગલ એ જૈવ વિવિધતાથી ભરેલી એક ઇકૉસિસ્ટમ છે.

એ બાદ સંયુક્ત રાષ્ટ્રની વિશેષજ્ઞ પેનલે પણ ફૉરેસ્ટ-કવરમાં વધારો થવાના ભારતના દાવા પર શંકા જાહેર કરી છે.

line

ભારત સંકટમાં

મોદી

ઇમેજ સ્રોત, Getty Images

દરિયાઈ જળસ્તર અને ક્રાયોસ્પિયર આઈપીસીસીના એક તાજા અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે જો ધરતીના તાપમાન થઈ રહેલી વૃદ્ધિ 2 ડિગ્રી જેટલી નહીં રોકવામાં આવે તો આ સદીના અંત સુધીમાં દરિયાઈ જળસ્તરમાં 1.1 મિટરનો વધારો થશે.

ભારતના વિશાળ દરિયાકાંઠે તેના પર નિર્ભર વસવાટ કરતા અંદાજે 30 કરોડ લોકોનું ભવિષ્ય જોઈએ તો આ ઘણું વિનાશક હોઈ શકે છે.

આ સ્થિતિમાં સરકાર પાસે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મંચ પર એક સ્પષ્ટ નીતિની આશા રાખવામાં આવે છે.

આથી આખરે એક સલાહ જે ગ્રેટા થનબર્ગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ વર્ષની શરૂઆતમાં આપી હતી.

થનબર્ગે પીએમ મોદીને કહ્યું હતું કે જળવાયુ પરિવર્તનનું સંકટનો આ સમય નિવેદનબાજીઓનો નથી, પરંતુ આકરાં અને મોટાં પગલાં ભરવાનો છે.

ગ્રેટાએ વડા પ્રધાનને ચેતવણી આપી હતી કે જો તમે નિષ્ફળ જશો તો તમને ઇતિહાસના સૌથી મોટા ખલનાયક તરીકે યાદ કરવામાં આવશે અને તમે એવું નહીં ઇચ્છો.

(હૃદયેશ જોશી સ્વતંત્ર પત્રકાર છે. તેઓ પર્યાવરણ, જળવાયુ-પરિવર્તન અને ઊર્જાક્ષેત્રના વિષયો પર લખે છે.)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો