FMCG સૅક્ટર : 'પહેલાં બહુ નફો નહોતો, હવે તો દુકાનનો ખર્ચ પણ નથી નીકળતો'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિનેશ ઉપ્રેતી
- પદ, બીબીસી ગુજરાતી માટે
એફએમસીજી સૅક્ટરમાં મંદી તો નથી, પરંતુ આ સૅક્ટરમાં વૃદ્ધિ કેમ મંદ પડી રહી છે?
"પહેલાં પણ બહુ નફો તો નહોતો, પરંત છ-આઠ મહિનાથી દુકાનનો ખર્ચ પણ નીકળતો નથી. શું કરું? હવે દુકાન બંધ કરીને પ્રાઇવેટ નોકરી કરું છું."
નોઇડાના એક પોશ વિસ્તારની સામેની કૉલોનીમાં એક જાણીતી કંપનીના સામાનની રિટેલ શૉપ ચલાવનાર સુરેશ ભટ્ટ દર્દ સાથે પોતાની વાત કરી રહ્યા છે.
32 વર્ષીય સુરેશ ગ્રૅજ્યુએટ છે અને તમામ કોશિશ છતાં સરકારી નોકરી મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ તેમણે ઘરવાળા અને મિત્રોની મદદથી લાખેક રૂપિયા ભેગા કરીને રિટેલરશિપ મેળવી હતી.
સુરેશ કહે છે, "શરૂઆતમાં સારું રહ્યું. સારું નહીં પણ કહીશ કે ઘણું સારું રહ્યું. ગ્રાહકો ભાવતાલ કરતા નહોતા અને સામાન પણ ઘણો વેચાતો હતો."
"ઘણી વાર તો માગ બહુ રહેતી હતી અને અમને પાછળથી સપ્લાય પણ મળતો નહોતો. પણ ધીમેધીમે મંદ પડવા લાગ્યું."
તેમનો દાવો છે કે તેમની જ નહીં પણ શહેરની તેમનાં જેવી જ ઘણી દુકાનોને તાળાં લાગી ગયાં છે અથવા તો દુકાનદારોએ આ સ્પેશિયલ સેગમૅન્ટ સિવાયનો સામાન પોતાની દુકાનેથી વેચવાનું શરૂ કર્યું છે.
સુરેશની આ કહાણીમાં એફએમસીજી સૅક્ટરનું દર્દ છુપાયેલું છે. જાણકારો મંદીનો તો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ તેમનું કહેવું છે કે વૃદ્ધિ મંદ જરૂર પડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'ભારતીય સ્પિનિંગ ઉદ્યોગની સ્થિતિ ખરાબ'

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર એફએમસીજી સૅક્ટરમાં જ હાલત ગંભીર નથી. છેલ્લા કેટલાક દિવસોનાં છાપાંઓ પર નજર રાખવામાં આવે તો નૉર્ધન ઇન્ડિયા ટેક્સટાઇલ મિલ્સ ઍસોસિયેશનની એક જાહેરાત ઘણાં છાપાંઓમાં છપાઈ હતી.
જાહેરાતમાં દાવો કરાયો હતો કે 'ભારતીય સ્પિનિંગ ઉદ્યોગ બહુ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને એને કારણે જ મોટી સંખ્યામાં લોકોની નોકરી છીનવાઈ રહી છે.'
એવા પણ અહેવાલ હતા કે ઑટો અને માઇનિંગ સૅક્ટરની જેમ એફએમસીજી સૅક્ટરમાં કામ કરતા લોકો પર પણ છટણીની તલવાર લટકી રહી છે.
કહેવાયું હતું કે પાર્લે-જી આગામી સમયમાં પોતાના 10 હજાર કર્મચારીઓને છૂટા કરી શકે છે.
જોકે બાદમાં કંપનીએ આ સમાચારનું ખંડન કરતાં કહ્યું કે હાલમાં એવી સ્થિતિ નથી, 'સૅક્ટરની વૃદ્ધિ મંદ જરૂર પડી છે, પરંતુ વૃદ્ધિ રોકાઈ નથી.'
'લોકો 5 રૂપિયાની કિંમતની બિસ્કિટ પણ ખરીદતા નથી.' આ નિવેદન કોઈ રાજકીય પાર્ટીના પ્રવક્તા કે નેતાનું નહીં પણ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ એટલે કે એફએમસીજી સૅક્ટરની મોટી કંપની બ્રિટાનિયાના પ્રબંધ નિદેશક વરુણ વૈરીનું છે, જે છેલ્લા કેટલાય દિવસોમાં સમાચારની હેડલાઇન બન્યું હતું.
એટલું જ નહીં બિસ્કિટ સેગમેન્ટના પ્રમુખ મયંક શાહે પણ વૈરીના સુરમાં સુર પૂરાવીને સૅક્ટર પર તોળાઈ રહેલા સંકટનો સંકેત આપ્યો હતો.

લોકોનાં ખિસ્સાં ખાલી થઈ ગયાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
તો શું ખરેખર લોકોનાં ખિસ્સાં એટલાં ખાલી થઈ ગયાં છે કે તેમને પાંચ રૂપિયાનાં બિસ્કિટનું પૅકેટ ખરીદવા માટે બે વાર વિચાર કરવો પડે છે?
માત્ર બિસ્કિટ જ નહીં ટૂથપેસ્ટ, સાબુ, શૅમ્પૂ, ડિટરજન્ટ જેવી રોજ વપરાશમાં લેવાતી ચીજવસ્તુ વેચનાર કંપનીઓની વૃદ્ધિનો ગ્રાફ જોતાં લાગી રહ્યું છે કે કંઈક તો ગડબડ જરૂર છે.
હકીકતમાં એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં એફએમસીજી કંપનીઓએ પોતાની કમાણી અને ખર્ચનાં લેખાંજોખાં રજૂ કર્યાં હતાં. તેનું વિશ્લેષણ કરનારનું કહેવું છે કે કેટલાંક ખાસ ક્ષેત્રોની વૃદ્ધિમાં મંદગતિ છે.
જેમ કે કંપનીઓના કુલ વેચાણનો મોટા ભાગે 40 ટકા ભાગ ગ્રામીણ વિસ્તારમાં ખપે છે અને વધુ મુશ્કેલીઓ ત્યાં જ છે.
ઇન્ડિયા ટ્રેડ કૅપિટલ ગ્રૂપના ચૅરમૅન સુદીપ બંદોપાધ્યાય કહે છે, "વર્ષ 2018માં ગ્રામીણ વિસ્તારમાં એફએમસીજી ઉત્પાદકોની માગ શહેરી વિસ્તાર કરતાં દોઢ ગણી વધુ હતી, પરંતુ હવે સ્થિતિ ફરી ગઈ છે."
"ઘણાં કારણો છે. પરંતુ સૌથી મોટું કારણ એ છે કે ઘણાં રાજ્યોમાં ગત વર્ષે દુકાળ જેવી સ્થિતિ હતી અને તેનાથી કૃષિ આધારિત આવક ઘટી છે."
"ઉત્તર અને પશ્ચિમ ભારતની બજારોમાં એફએમસીજી ઉત્પાદકોની માગ ઘટી છે, જ્યારે પૂર્વીય અને દક્ષિણ ભારતમાં એવી સ્થિતિ નથી."

એફએમસીજી કંપનીઓને લોકલ કંપનીઓ ટક્કર આપે છે

ઇમેજ સ્રોત, Getty Images
બંદોપાધ્યાયનું માનવું છે કે જાણીતી એફએમસીજી કંપનીઓને લોકલ કંપનીઓ મજબૂત ટક્કર આપી રહી છે.
તેઓ કહે છે, "બિસ્કિટ, પૅકેજ્ડ ફૂડ, ખાદ્ય તેલ સગમૅન્ટમાં લોકો પાસે કેટલાક સસ્તા વિકલ્પો પણ છે. ઇ-કોમર્સ સાઇટો પર ડિસ્કાઉન્ટ વૉરે પણ મોટી કંપનીઓની મુશ્કેલી વધારી દીધી છે."
નીલસન હૉલ્ડિંગના તાજેતરના રિપોર્ટમાં પણ કહેવાયું હતું કે એફએમસીજી સૅક્ટરની નાની ક્ષેત્રીય કંપનીઓએ ગત વર્ષે સપ્ટેમ્બર સુધી 28 ટકા વૃદ્ધિ મેળવી હતી, જ્યારે શૅરબજારમાં લિસ્ટેડ કંપનીઓની વૃદ્ધિનો આ આંક 12 ટકાથી આગળ વધી શક્યો નહોતો.
રિપોર્ટ પ્રમાણે ગ્રામીણ ગ્રાહકોની તંગી થતાં આ વર્ષે એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં એફએમસીજીની વૃદ્ધિમાં 10 ટકાનો ઘટાડો થયો છે.
કંપનીઓના વેચાણ પર અસર થઈ છે અને ઘટાડો થયો છે તો શું આ કંપનીઓના કર્મચારીઓ તેનાથી પ્રભાવિત નથી.
હિંદુસ્તાન યુનિલિવરના ગોવામાં આવેલા પ્લાન્ટમાં કામ કરતાં એક કાયમી કર્ચચારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે આ 'મંદગતિ'થી કાયમી કર્મચારીઓ તો બચ્યા છે, પરંતુ હંગામી કર્મચારીઓને કૉન્ટ્રાક્ટ પૂરો કરી દેવામાં આવ્યો છે અને કંપનીએ ઇનહાઉસ ઉત્પાદન પર ભાર આપ્યો છે.
એફએમસીજી સૅક્ટરની મંદગતિ પરેશાનીનું કારણ નથી. છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને આ વર્ષના પહેલા ત્રિમાસિકમાં જીડીપીનો વિકાસદર માંડ 5.8 ટકા રહ્યો છે.
જ્યારે આ જ સમયે પડોશી દેશ ચીનનો વિકાસદર 6.4 ટકા રહ્યો હતો.
મંદીની વાત ભલે દૂરની લાગતી હોય, પરંતુ અર્થવ્યવસ્થામાં મંદગતિ હોવાનું જાણકારો માને છે.
'અર્થવ્યવસ્થામાં પહેલાં જેવું આકર્ષણ નથી'

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2017માં 14 વર્ષ બાદ ભારતમાં ક્રૅડિટ રેટિંગ વધારનારી એજન્સી મૂડીઝને પણ ભારતીય અર્થવ્યવસ્થામાં પહેલાં જેવું આકર્ષણ નથી દેખાતું અને તે 2019ના જીડીપી વૃદ્ધિદરનું અનુમાન ત્રણ વાર સંશોધિત કરી ચૂકી છે.
અગાઉ તેણે 7.5 ટકાનું અનુમાન કર્યું હતું. પછી તેને ઘટાડીને 7.4 ટકા કર્યું હતું. પછી 6.8 ટકા અને તે પછી 6.2 ટકાના દરથી વધવાનું અનુમાન કરી રહી છે.
મૂડીઝે જ નહીં, હાલમાં જ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે આઈએમએફ અને એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક એટલે કે એડીબીએ પણ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય હાલતને જોતા ભારતનું વૃદ્ધિ અનુમાન ઘટાડી દીધું છે.
આઈએમએફને આ વર્ષે ભારતનો જીડીપી 7 ટકાની નજીક વધતો દેખાઈ રહ્યો છે. જ્યારે એડીબીએ પણ પોતાનું અનુમાન ઘટાડીને સાત ટકી કરી નાખ્યું છે.


ઇમેજ સ્રોત, Getty Images
અર્થવ્યવસ્થાની આ સ્થિતિથી મોદી સરકાર પણ વાફેક છે અને એ કારણે જ નાણામંત્રી નિર્મલા સીતારમણ છેલ્લા કેટલાક દિવસોથી ઍક્શન મૂડમાં છે.
બૅન્કિંગ સૅક્ટરમાં મૂડીરોકાણ સિવાય તેમણે વિદેશી પૉર્ટફોલિયો રોકાણકારો પર વધારેલો સરચાર્જ પણ પરત લીધો છે.
બજેટમાં સરકારે સુપરરિચ પર સરચાર્જ 15 ટકાથી વધારીને 25 કરી દીધો છે. તેની ઝપેટમાં ઘણા એફપીઆઈ પણ આવી ગયા હતા અને તેઓએ જુલાઈ અને ઑગસ્ટમાં શૅરમાં બમ્પર વેચાણ કર્યું હતું.
આ સિવાય સરકારે બજારમાં વધુ મૂડીરોકાણનો રસ્તો પણ શોધી લીધો છે.
સરકારને ભારતીય રિઝર્વ બૅન્ક પાસેથી વધારાના મૂડીના રૂપમાં પોણા બે લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ મળશે, જેનાથી આર્થિક સુસ્તીને દૂર કરવામાં મદદ મળી શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.














